અધ્યાય - ૧૩ - ભગવાન શ્રીહરિએ કહેલા ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણના વિશેષ ધર્મ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:11pm

અધ્યાય - ૧૩ - ભગવાન શ્રીહરિએ કહેલા ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણના વિશેષ ધર્મ.

ભગવાન શ્રીહરિએ કહેલા ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણના વિશેષ ધર્મ. બ્રાહ્મણત્વના વિનાશનાં કારણો. બ્રાહ્મણના શરીરનું ખરું પ્રયોજન. દાન સ્વીકારવામાં પણ બ્રાહ્મણોએ રાખવાની સાવધાની. કન્યાદાન કેવા પુરુષને કરવું અને ન કરવું, તેનાં લક્ષણો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

હવે ગૃહસ્થ બ્રાહ્મણના વિશેષ ધર્મ કહું છું. બ્રાહ્મણોએ નિરંતર સ્નાનાદિ ષટ્કર્મ પરાયણ થવું, બહાર અને અંદર પવિત્રપણે રહી લોકમાં વિચરણ કરવું, સુખ-દુઃખાદિ દ્વન્દ્વને સહન કરનાર અને નિરંતર વેદાર્થનું ચિંતવન કરનાર બ્રાહ્મણે ક્યારેય પણ પોતાના ધર્મનો ત્યાગ કરવો નહિ, તેમજ દુષ્ટ જનોનો પ્રસંગ પણ કરવો નહિ.૧-૨

શ્વેત વસ્ત્ર ધારી, દાઢી મૂંછ મુંડાવેલા, તપ કરવામાં પ્રીતિવાળા, અતિ ઝીણાવસ્ત્રો ધારણ નહિ કરનારા, હમેશાં આળસ છોડીને જ વર્તનારા, યથાયોગ્ય થોડી નિદ્રા કરનારા, નિરંતર સ્નાન, સન્ધ્યા પરાયણ વર્તનારા, બ્રહ્મયજ્ઞાદિ ગાયત્રીમંત્રના જપમાં પ્રીતિવાળા અને સમયે સમયે શ્રાદ્ધકર્મ કરનારા બ્રાહ્મણો જ દેવાદિકના ઋણમાંથી મુક્ત થાય છે.૩-૪

નિરંતર અતિથિઓને માટે અન્નનો વિભાગ કરનાર, પરના અપરાધને ક્ષમા આપનાર અને દયાળુ બ્રાહ્મણ જ ઉપરોક્ત ગુણોથી યુક્ત હોય ત્યારે તેમને ગૃહસ્થ કહેવાય છે. પરંતુ કેવળ સ્ત્રીને પરણવા માત્રથી તે ગૃહસ્થ કહેવાતો નથી.૫

હે વિપ્ર !
અહુત-જપયજ્ઞા, હુત-દેવયજ્ઞા, પ્રહુત-ભૂતયજ્ઞા, પ્રાશિત-પિતૃયજ્ઞા અને બ્રાહ્મહુત-મનુષ્યયજ્ઞા, આ પાંચ મહાયજ્ઞો કરતો ગૃહસ્થ બ્રાહ્મણ પંચમહાપાપથી ક્યારેય પીડાતો નથી, અને આ પંચયજ્ઞા નહિ કરવાથી પંચ મહાપાપનો ભાગીદાર થાય છે.૬-૮

જે વિપ્રનું ભોજન કેવળ સ્વાર્થ માટે જ હોય, સ્ત્રીસંભોગ માત્ર કામક્રીડા માટે જ હોય, અને જેનું વેદાધ્યયન કેવળ આજીવિકા માટે જ હોય, તેનું જીવન નિષ્ફળ કહ્યું છે.૯

હે વિપ્ર !

જે બ્રાહ્મણ કેવળ વ્યાકરણાદિ શબ્દશાસ્ત્ર ભણવામાં આસક્ત હોય તેનો મોક્ષ થતો નથી. રમણીય મહેલોમાં નિવાસ કરવામાં આસક્ત હોય, પ્રતિદિન અનેક પ્રકારના રસયુક્ત ભોજનો જમવામાં આસક્ત હોય, કોમળ ઝીણાં વસ્ત્રો પરિધાન કરવામાં આસક્ત હોય, તેમજ ગાયન આદિકથી લોકરંજન કરવામાં આસક્ત હોય, તેનો મોક્ષ થતો નથી.૧૦

પરંતુ જે વિપ્રને એકાંત પ્રિય હોય, ઇન્દ્રિયોના દેવતાએ સહિત ઇન્દ્રિયોને રાજી કરવામાં નિવૃત્ત હોય, શ્રીમદ્ભાગવતાદિ શાસ્ત્રોનું અધ્યયન અને ભગવાનના ધ્યાનયોગમાં સદાય આસક્ત ચિત્તવાળો હોય, હમેશાં કાયા, મન, વાણીથી, અહિંસા પરાયણ રહેતો હોય, તેવા વિપ્રનો નિશ્ચે મોક્ષ થાય છે.૧૧

હે વિપ્ર !
એટલા જ માટે બ્રાહ્મણે હમેશાં વ્રત અને અગ્નિસેવા પરાયણ થઇ તપશ્ચર્યામાં તત્પર રહેવું ને ઇન્દ્રિયોને વશ કરવી, પરસ્ત્રીસંગ, ચોરી આદિક પાપકર્મ બુદ્ધિપૂર્વક ગુપ્તપણે કરી પછી ધાર્મિકપણાના બહાના હેઠળ ચાંદ્રાયણાદિ વ્રતોનું અનુષ્ઠાન ન કરવું, કારણ કે બ્રાહ્મવાદિ વિપ્રોએ આવા વિપ્રની આલોક તથા પરલોકમાં નિંદા કરેલી છે. કારણ કે પાપ ગુપ્તપણે કર્યું હોય અને લોકોને પોતે ધાર્મિક છે, તેથી વ્રતોનું આચરણ કરે છે, એવું દેખાડીને છેતર્યા હોય છે.૧૨-૧૩

વળી ગૃહસ્થ વિપ્રે પાખંડી, કુકર્મમાં નિષ્ઠાવાન વામાચારી, દેવતાઓનો દ્રોહ કરનાર, અને વેદની નિંદા કરવામાં તત્પર મનુષ્યોને દૂરથી જ ત્યાગ કરી દેવા.૧૪

બ્રાહ્મણત્વના વિનાશનાં કારણો :-

હે વિપ્ર !
અસત્ય બોલવાથી, પરદારાના સંગથી, મદ્ય, માંસ, ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુના ભક્ષણથી, તથા અગ્નિહોત્રાદિ શ્રૌતધર્મના આચરણને છોડી દેવાથી બ્રાહ્મણનું કુળ નાશ પામે છે.૧૫

દુષ્કુળમાં જન્મેલી કન્યા સાથે લગ્ન કરવાથી પોતાના આશ્રમને ઉચિત ધર્મક્રિયાનો ત્યાગ કરવાથી, વેદનું અધ્યયન ન કરવાથી, વિના કારણ બ્રાહ્મણનો અપરાધ કરવાથી સત્કુળો પણ અસત્કુળમાં પરિણમે છે.૧૬

હે વિપ્ર !
સજ્જને પરની નિંદા ક્યારેય ન કરવી, આત્મશ્લાઘા પણ ન કરવી, પોતાને મરી જવાનો અવસર ઊભો થઇ જાય છતાં પણ અપાપીને ક્યારેય પણ પાપી ન કહેવો.૧૭

બ્રાહ્મણના શરીરનું ખરું પ્રયોજન :-

બ્રાહ્મણે તીર્થમાં સ્નાન કરી માટીથી પુંડ્ર કરવું, અગ્નિમાં હોમ કરી ભસ્મથી પુંડ્ર કરવું, દેવતાઓની પૂજા કરી ચંદનથી પુંડ્ર કરવું, અર્ઘ્ય આપવાના સમયે જળમાં ઊભા રહી જળથી પુંડ્ર કરવું.૧૮

સ્નાન, સંધ્યા, તર્પણ, સ્વાધ્યાય, અતિથિનું પૂજન, જપ, હોમ અને દેવતાઓનું પૂજન આ સર્વે ભોજન પહેલાં કરી લેવું, પરંતુ સાયં સંધ્યા અને આહુતિ તો બપોર પછીના ભોજન પછીથી જ સાંજે થઇ શકે છે.૧૯

આ બ્રાહ્મણનો દેહ તુચ્છ માયિક પંચ વિષયોના ભોગ માટે નથી. પરંતુ આ લોકમાં ચાંદ્રાયણાદિ કુચ્છ્રતપોનું આચરણ કરવા માટે અને અનેક પ્રકારનાં તપોનું અનુષ્ઠાન કરવા માટે છે. તેમજ મૃત્યુ પછી મોક્ષ થાય અને અનંત સુખ પ્રાપ્ત થાય તેવું આચરણ કરવા માટે છે.૨૦

હે વિપ્ર !
ક્ષત્રિય ધર્મનો આશ્રય કરી ધનુષની દોરી ખેંચવી, શસ્ત્રાદિકથી શત્રુને મારી નાખવા, આપત્કાળ પડયા વિના પણ કૃષિકર્મ, વાણિજ્ય અને પશુપાલનનું કર્મ કરવું, તથા દ્રવ્યનું ઉપાર્જન કરવા નીચજનોની સેવા કરવી, આ સર્વે બ્રાહ્મણોને અતિશય અયોગ્ય છે.૨૧

તેવીજ રીતે અધર્મના માર્ગે ચાલતા રાજા પાસેથી દાન પણ ન લેવું, પરંતુ સ્વધર્મનિષ્ઠ રાજા પાસેથી જ દાનાદિનો સ્વીકાર કરવો, તે દોષ આપનારૃં થતું નથી.૨૨

જો ભોજન શુદ્ધ હોય તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અને તેથી જ પોતે જોયેલા અથવા સાંભળેલા પરમાત્માની અખંડ સ્મૃતિ રહે છે. તેથી અહંતા અને મમતાની સર્વે ગ્રંથિઓ છૂટી જાય છે એ ચોક્કસ છે.૨૩

તેથી બ્રાહ્મણે શૂદ્ર, નટ અને નર્તકીનું અન્ન સ્વીકારવું નહિ, ગણ, ગંધર્વ, ગણિકા આદિ સર્વે હીનજાતિના જનોનું અન્ન ભક્ષણ કરવું નહિ.૨૪ ગૃહસ્થે પોતાને નિત્યે કરવાનું ભોજન, અતિથિઓનું ભોજન, સર્વે સેવકવર્ગનું ભોજન અને પોતાના પુત્રાદિ પરિવારનું કે સંબંધીજનોનું ભોજન એક સરખું રાખવું તે યોગ્ય છે.૨૫

તેમાં ન્યૂનાધિક ભાવ કરીને પંક્તિભેદ કરવો નહિ. પોતાના ખેતરમાં ખેતીકરનારનું અન્ન, કુળ પરંપરાગત મિત્રનું અન્ન, પોતાની ગાયોનું રક્ષણ કરનારનું અન્ન અને વાણંદનું અન્ન, આ ચારે શૂદ્રોએ આપેલું અન્ન બ્રાહ્મણે સ્વીકારવા યોગ્ય કહેલું છે. નિષેધમાં આ ચારનો અપવાદ છે. તેમજ પોતાને દાસભાવે સમર્પણ કરનાર શૂદ્રના અન્નને પણ સ્વીકારવું. આ બધા પાસેથી કાચું અન્ન સ્વીકારવું, આટલો વિવેક છે. ૨૬

હે વિપ્ર !
ભોજન કરવા સમયે પૃથ્વીપર ''ભૂપતયે નમઃ'' એ મંત્રથી બલિ અર્પણ કરી, પછી ''અમૃતોપસ્તરણમસિ સ્વાહા'' આ મંત્રથી અપોશણ વિધિ કરી, ''પ્રાણાયસ્વાહા'' એ મંત્રથી પ્રાણરૃપી અગ્નિમાં આહુતિ આપવા પૂર્વક મૌન રહીને ભોજન કરવું.૨૭

મૌન છોડીને સ્નાન કરનાર વિપ્રના શરીરનું બળ વરુણદેવ હરી જાય છે. મૌન છોડીને હોમ કરનાર વિપ્રની ધન, શોભાદિ સંપત્તિને અગ્નિદેવ હરી જાય છે. અને મૌન છોડીને ભોજન કરનાર વિપ્રના આયુષ્યને મૃત્યુદેવ હરી જાય છે. તેથી આ ત્રણેમાં મૌનવ્રત રાખવું અતિ જરૃરી છે. મૌનનો અર્થ ભગવદ્નામ સિવાયનું બોલવું નહિ, ભગવાનનું નામ ઉચ્ચારણ તો આ ત્રણે કર્મનો મહાગુણ કહેલો છે.૨૮

ભોજન કરતી વખતે ભાતરૃપી અન્નને થાળીના મધ્યભાગમાં રાખવું, ને તેમની જમણી બાજુએ ઘીમિશ્રિત ખીરની સ્થાપના કરવી, તેમના આગળના ભાગમાં શાકાદિક અને બહુ ઘી સાકરના લાડુ આદિક મિષ્ટાન્નને અને વડાં, ભજીયાં આદિકને તે ભાતની ડાબી બાજુએ રાખવાં.૨૯

હે વિપ્ર !
એક પંક્તિમાં જમવા બેઠા હોઇએ ત્યારે કોઇ પાપી જમવા આવે તો તેમને જુદી પંક્તિમાં બેસાડવો. જો તે સમયે પંક્તિભેદ કરવામાં ન આવે તો તે પાપીનું પાપ સાથે જમવા બેઠેલા સર્વેને એક સરખું લાગે છે, તેથી પંક્તિભેદ કરવો.૩૦

અગ્નિ, ભસ્મ, સ્તંભ, પાણીની રેખા, દ્વાર અને માર્ગ, આમ છ વસ્તુમાં વ્યવધાનથી જુદી પંક્તિ થયેલી ગણાય છે.૩૧

ગૃહસ્થ વિપ્રે પિતૃદેવને તથા અતિથિને અન્નનું પ્રદાન કરી અમૃતતુલ્ય એ અન્ન જમવું, પોતાના સ્વાર્થમાટે રાંધનારો કેવળ ઉદરભરનારો કહેલો છે. તેથી તે પાપને ખાય છે.૩૨

જ્યાં ત્યાંથી બ્રાહ્મણે યજ્ઞાને માટે પણ યાચના ન કરવી. જો યાચના કરે તો તેમાં પ્રાપ્ત થયેલું સમસ્ત દ્રવ્ય યજ્ઞાના કર્મમાં જ આપી દેવું પણ પોતાના સ્વાર્થ માટે જરા પણ રાખવું નહિ.૩૩

દાન સ્વીકારવામાં પણ બ્રાહ્મણોએ રાખવાની સાવધાની :- હે વિપ્ર ! પ્રતિગ્રહ કરવામાં, પ્રાણીઓની હિંસા કરનારા સૂની, ઘાણીમાં તેલ કાઢનારો ચક્રી, દારુ વેચનારો, શરીર વેચનારી વેશ્યા અને અધાર્મિક રાજા, આ પાંચનો ત્યાગ કરવો, તેઓની પાસેથી દાન લેવું નહિ, કારણ કે તેઓ ક્રમશ ઉત્તરોત્તર દશ ગણા દુષ્ટ કહેલા છે.૩૪

તેમજ મૃગચર્મ, મૃત્યુ પામેલાને અર્થે આપેલી શય્યા, બકરી અને ઉભયમુખી ગાય, અર્થાત્ જન્મતા વત્સના બે પગ અને મુખ યોનિમાં દેખાય તેવી ગાય, આટલા પદાર્થોનું કુરુક્ષેત્રમાં જો દાન ગ્રહણ કરે તો તે વિપ્ર ક્યારેય મનુષ્ય જન્મને પામતો નથી. પરંતુ પશુ પક્ષીના જન્મને પામે છે.૩૫

કાળુ લોખંડ, કાળા કે ધોળા તલ, ભેંસ, તેલ, નમક, તિલધેનુ અને મણિ, આ સાતનું દાન સ્વીકારવું તે અતિશય ભયાનક છે.૩૬

નદીના પ્રવાહને અવધિ કરીને ચાર હાથના અંતરાય પ્રદેશમાં પ્રાણ જવાનો પ્રસંગ આવે છતાં પણ પ્રતિગ્રહ ન કરવો.૩૭

હે વિપ્ર !
જે બ્રાહ્મણ કાળિયાર મૃગનાં ચર્મનો પ્રતિગ્રહ કરે છે. ઘોડા ખરીદવા કે વેચવાનો ધંધો કરે છે અને પ્રેત શ્રાદ્ધમાં ભોજન કરે છે, તે બ્રાહ્મણ ફરીને મનુષ્ય થતો નથી.૩૮

રાત્રી દિવસ વેદનો પાઠ કરવાથી, બહાર ઔઅંદર સદાચાર યુક્ત વર્તન કરવાથી, કોઇ પણ જીવનો દ્રોહ ન થાય તેવું વર્તન રાખવાથી અને શાસ્ત્રનિષ્ઠ બુદ્ધિથી બ્રાહ્મણે પૂર્વજન્મના પુણ્યનું સ્મરણ કરવું કે જેનાથી આ જન્મમાં મને આવા ગુણો પ્રાપ્ત થયા છે, તેથી મારો પૂર્વજન્મ જરૃર સારો જ હશે, આવો વિચાર રાખવાથી ખોટો પ્રતિગ્રહ ન થાય.૩૯

જે રીતે કાષ્ઠમાંથી તૈયાર કરેલો હાથી, તથા ચર્મમય મૃગલું હોય છે, તેજ રીતે અંગે સહિત વેદનો અભ્યાસ કર્યા વિનાનો બ્રાહ્મણ કાષ્ઠના હાથી કે ચર્મના મૃગ જેવો કહેવા માત્રનો બ્રાહ્મણ છે.૪૦

જે બ્રાહ્મણ વિદ્યાવાન કે તપસ્વી ન હોય અને દાનનો સ્વીકાર કરે છે, તો તે દાતાએ સહિત અધોગતિને પામે છે.૪૧

હે વિપ્ર !
જે અવિદ્વાન બ્રાહ્મણ માલપૂવા, સુવર્ણ, ગાય, અશ્વ, પૃથ્વી અને તલનું દાન સ્વીકારે છે, તે બળતા કાષ્ઠની જેમ ભસ્મીભૂત થાય છે.૪૨

વેદાધ્યયન અને સદાચાર પરાયણ તથા જીતેન્દ્રિય એવો બ્રાહ્મણ પ્રતિગ્રહ કરવા સમર્થ હોય છતાં પણ જે સુવર્ણાદિક દાનનો સ્વીકાર કરતો નથી, તે વિપ્રને માટે સ્વર્ગ દુર્લભ રહેતું નથી. પરંતુ અત્યંત સુલભ થાય છે.૪૩

જે બ્રાહ્મણ એક માસ પર્યંત કે અર્ધામાસ પર્યંત પણ શૂદ્રનું અન્ન જમે છે, તે મરીને શૂદ્રના ઘેર જન્મે છે તે જ્ઞાની પુરુષો જાણે છે.૪૪

જેની આજીવિકાવૃત્તિ દુર્બળ હોય ને જે બ્રાહ્મણ સત્શૂદ્રના ઘેરથી દાણાનો પ્રતિગ્રહ કરે, ધાન્યની ભિક્ષા લે તે બ્રાહ્મણ પાપથી લેપાતો નથી.૪૫

સત્શૂદ્રનાં લક્ષણો આ પ્રમાણે છે, કે વિશુદ્ધ વંશમાં જન્મેલો હોય, મદ્ય કે માંસના ભક્ષણથી કે વેપારથી સર્વદા રહિત હોય, બ્રાહ્મણાદિ ત્રણ વર્ણની સેવાપરાયણ રહેતો હોય અને વેપારનો ધંધો કરતો હોય તેને સત્શૂદ્ર કહેલો છે.૪૬

જે બ્રાહ્મણ રાત્રીના મધ્ય બે યામમાં જ શયન કરે છે, અને હોમ કરતાં બાકી રહેલા અન્નને જ જમે છે, તે બ્રાહ્મણ ક્યારેય પણ દુઃખી થતો નથી.૪૭

હે વિપ્ર !
બ્રાહ્મણે ન પીવા યોગ્ય ક્યારેય પણ પીવું નહિ, અભક્ષ્યનું ક્યારેય ભક્ષણ કરવું નહિ, તેમજ મદ્ય અને માંસની ગંધ પણ ક્યારેય લેવી નહિ.૪૮

અને અજાણતાં ક્યારેય મદ્ય, માંસની ગંધ લેવાઇ જાય તો સ્નાન કરીને શ્રીવિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, ને સાયં સંધ્યા ગામની બહાર તળાવે જઇને કરવી.૪૯

બ્રાહ્મણે પોતાની પત્નીના ગર્ભાધાનાદિ સંસ્કાર, પોતાને વિષ્ણુદીક્ષા ગ્રહણ કરવી આદિક સંસ્કાર, પુત્રના જાતકર્માદિ સંસ્કાર અને પુત્રીના વિવાહાદિ સંસ્કાર, યથા યોગ્ય પ્રમાણે સમયે સમયે વિધિપૂર્વક કરવા.૫૦

કોઇ પણ ગૃહસ્થે ક્યારેય પણ કન્યાવિક્રય ન કરવો. તેમાં બ્રાહ્મણ ગૃહસ્થે તો વિશેષપણે ન કરવો. જે કોઇ પણ ગૃહસ્થ કન્યાનો વિક્રય કરે છે, તે પુરુષ રૌરવનરકમાં પડે છે.૫૧

જે કન્યાવિક્રયનું ધન હોય છે તેનો અણુમાત્ર ઉપયોગ પણ ગૃહસ્થને કુળે સહિત નરકમાં નાખે છે. તેમાં કોઇ સંશય નથી.૫૨

હે વિપ્ર !
દેશકાળના વિષમપણામાં પોતાની કન્યાના નિર્વાહ માટે કન્યાને યોગ્ય અલંકારોથી શણગારી પરણાવે ને વરરાજાને કહે કે આને તમે પરણો, યથાશક્તિ પોતે કરાવેલા અલંકારોની સાથે વરરાજાએ આપેલા સમગ્ર અલંકારો કન્યાને અર્પણ કરી દેવા, એમ કરવાથી કોઇ દોષ લાગતો નથી. એ પ્રમાણે ભીષ્મપિતાએ યુધ્ધિષ્ઠિરને કહ્યું છે. અને વરરાજાએ આપેલા અલંકારો કે ધનમાંથી એક અણુ જેટલું પણ પોતા માટે કન્યાના પિતાએ ન રાખવું. આ સનાતન ધર્મ છે.૫૩-૫૫

હે વિપ્ર !
દીકરી ઘરમાં આઠ વર્ષની થાય ત્યારે તેને 'ગૌરી', નવ વર્ષની થાય ત્યારે 'રોહિણી', દશમે વર્ષે 'કન્યા' અને દશ વર્ષથી મોટી થાય ત્યારે તેને રજસ્વલા કહેવાય છે.૫૬

જો કન્યા અવિવાહિત હોય અને જો એ પિતાના ઘેર રજસ્વલા થાય તો તેના પિતાને ભ્રૂણહત્યાનું પાપ લાગે છે. તેથી તે ભ્રૂણઘાતકી કહેવાય ને કન્યાને 'વૃષલી' જાણવી.૫૭

કન્યાદાન કેવા પુરુષને કરવું અને ન કરવું, તેનાં લક્ષણો :-

હે વિપ્ર !
જે વરને વિષે સારૃં કુળ, શીલ, સનાથપણું, વિદ્યા, ધન, સારૃં શરીર અને યુવાન અવસ્થા આ સાત ગુણો હોય, તે જોઇને યથાયોગ્ય સમયે કન્યાદાન કરવું.૫૮

તેમજ સમીપના, કે દૂરના, ધનથી ઉદ્ધત, ધનહીન, આજીવિકાહીન અને મૂર્ખ આ છ દોષોવાળા પુરુષને કન્યાદાન ન કરવું.૫૯

જ્યારે સિંહ રાશિમાં ગુરુ વર્તતો હોય, ધનુષ અને મીન રાશિમાં સૂર્ય હોય ત્યારે વિવાહ ન કરવો,જો તેવા સમયે વિવાહ કરવામાં આવે તો કન્યાને વિધવાપણું પ્રાપ્ત થાય છે.૬૦

ગુરુ સિંહરાશિમાં હોય તો ગોદાવરી અને ભાગીરથી ગંગાના મધ્યવર્તી પ્રદેશમાં વિવાહ કાર્ય ન કરવું, ગુરુ સિંહ કે મીન રાશિમાં હોય તો સર્વે દેશમાં વિવાહ ન થઇ શકે.૬૧

ગુરુ સિંહ રાશિમાં હોય તો ગંગાના ઉત્તર બાજુના પ્રદેશમાં અને ગોદાવરીથી દક્ષિણ બાજુના પ્રદેશમાં વિવાહ કે મૌંજીબંધન સંસ્કાર કરવામાં દોષ લાગતો નથી.૬૨

હે વિપ્ર !
સાતમા વર્ષથી આરંભીને સર્વ વર્ણની પુત્રીઓના વિવાહમાં વેધાદિ દશ દોષ રહિતનો કાળ શુભ મનાયેલો છે. તે દોષનાં લક્ષણો જ્યોતિષ શાસ્ત્રથકી જાણી લેવાં. વિવાહ, ચૌલસંસ્કાર, યજ્ઞોપવિત પ્રદાન, યજ્ઞાદીક્ષા, રાજાનો રાજ્યાભિષેક, સ્ત્રીના સીમંત સંસ્કાર, યાત્રા અને જાતકર્મ સંસ્કારમાં ઘાતચંદ્ર નામના દોષની ચિંતા ન કરવી.૬૪

હે વિપ્રવર્ય !
આ પ્રમાણે મેં ગૃહસ્થ બ્રાહ્મણના વિશેષ ધર્મો તમને કહ્યા. હવે તેમની અને ક્ષત્રિયાદિ ત્રણ વર્ણની આજીવિકાવૃત્તિ સંક્ષેપથી કહું છું. તેને તમે સાંભળો.૬૫

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મોનો ઉપદેશ કરતા શ્રીહરિએ ગૃહસ્થના ધર્મોમાં બ્રાહ્મણના વિશેષ વિધિનું નિરૃપણ કર્યું, એ નામે તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૩--