અધ્યાય - ૭ - ભગવાન શ્રીહરિએ દેવપૂજનનો વિસ્તારથી કહેલો વિધિ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:53pm

અધ્યાય - ૭ - ભગવાન શ્રીહરિએ દેવપૂજનનો વિસ્તારથી કહેલો વિધિ.

ભગવાન શ્રીહરિએ દેવપૂજનનો વિસ્તારથી કહેલો વિધિ. પૂજામાં મૂર્તિ રાખવાની સંખ્યાનો વિવેક. પુરુષસૂકત દ્વારા ન્યાસ કરવાનો વિધિ. પૂરુષસૂકત દ્વારા સોળ ઉપચાર અર્પણનો વિધિ. તુલસી ન તોડવાનો સમય શિવજીના પ્રસાદ ગ્રહણમાં રાખવાનો વિવેક. નવરાત્રીમાં દેવીની પૂજાનો વિવેક.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

સંધ્યાવિધિ કર્યા પછી દ્વિજાતિ પુરુષ વિષ્ણુ ભગવાનની પૂજાનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ પૂજાના દ્રવ્યો ભેળા કરે અને પછીથી જ પૂજા કરવા લાગે.૧

બ્રાહ્મણે સ્વયં જાતે સમિધ, પુષ્પો, દર્ભ વિગેરે સંપાદન કરવું, શૂદ્રોએ લાવી આપેલા હોય કે બજારમાંથી ખરીદેલા હોય તેવા સમીધાદિકથી રમાપતિ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું નહિ.૨

દેવસંબંધી કે પિતૃસંબંધી કર્મ તેમજ સંધ્યોપાસન કર્મ વિગેરે નિત્યે કરવાનાં સર્વે કર્મો શૂદ્રે લાવી આપેલા જળથી કરવાં નહિ.૩

હે વિપ્ર !
પૂજા કરનારે ઉત્તરમુખે અથવા પૂર્વમુખે અથવા ભગવાનની સન્મુખ બેસીને અંગદેવતાઓએ સહિત પોતાના ઇષ્ટદેવનું ભક્તિભાવ પૂર્વક પૂજન કરવુ.૪

ભગવાનની મૂર્તિ શિલામયી, કાષ્ઠની, ધાતુની, ચંદન આદિ લેપની, ચિત્રની, રેતીની, મનોમયી અને મણિની આ આઠ પ્રકારની પ્રતિમા ભગવાનની પૂજામાં માન્ય કહેલી છે.૫

આ આઠ પ્રકારની પ્રતિમાઓને વિષે જે મૂર્તિમાં મનુષ્યને શ્રદ્ધા બેસે તે મૂર્તિનું પ્રાપ્ત થયેલા ઉપચારોથી નિષ્કપટ ભાવે પૂજન કરવું.૬

હે વિપ્ર !
ભક્તિથી પોતાને અર્પણ કરેલા પત્ર, પુષ્પ અને જળને પણ કેશવ ભગવાન સ્વીકારે છે. જો ભક્તિ ન હોય તો દ્રવ્યના ઢગલા સામે પણ તે નિશ્ચિત જોતા નથી.૭

બ્રાહ્મણાદિ ચારે વર્ણના સ્ત્રી પુરુષોને ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની તથા દેવતાઓની પ્રતિમાની પૂજા કરવાનો અધિકાર છે.૮

શાલિગ્રામની પૂજા માત્ર બ્રાહ્મણે કરવાની કહેલી છે. ક્ષત્રિયાદિ ત્રણ વર્ણના જનોને માટે તો જો વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી હોય તો શાલિગ્રામની પૂજા કરવી યોગ્ય છે. આહીં શૂદ્ર એટલે સત્શૂદ્ર એમ જાણવું.૯

વિષ્ણુ, શિવ, ગણપતિ, સૂર્ય અને પાર્વતી આ પાંચ દેવતા ભક્તિવાળા પુરુષો માટે પૂજ્ય કહેલા છે. માટે તેમની પૂજા કરવી. અથવા એક માત્ર વિષ્ણુની પૂજા કરવી.૧૦

પૂજામાં મૂર્તિ રાખવાની સંખ્યાનો વિવેક :-

શાલિગ્રામ સમ સંખ્યામાં ગમે તેટલા પૂજી શકાય, પરંતુ વિષમ સંખ્યામાં માત્ર એકજ પૂજી શકાય. શાલિગ્રામની શીલા કંઇક અંશે ખંડીત થયેલી હોય અથવા બે ભાગ થયા હોય છતાં પૂજામાં શુભ મનાયેલ છે.૧૧

પોતાને ઘેર બે શિવલિંગની પૂજા ન કરવી અને બે શાલિગ્રામની પૂજા ન કરવી, દ્વારિકાના બે ચક્રની પૂજા ન કરવી, સૂર્યની બે પ્રતિમા ન પૂજવી.૧૨

શક્તિની અને ગણેશની ત્રણ ત્રણ મૂર્તિ ન પૂજવી, બે શંખની પૂજા ન કરવી, અને ખંડિત કોઇ પણ પ્રતિમાની પૂજા ન કરવી (શાલિગ્રામ સિવાય).૧૩

હે વિપ્ર !
પંચાયતનની પૂજામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવતા સ્થાપનના ક્રમને ધ્યાનમાં રાખી પછી જ પૂજન કરવું.૧૪

તેમાં વિષ્ણુ-પંચાયતન પૂજામાં પીઠના મધ્યભાગમાં વિષ્ણુની સ્થાપના કરવી, ઇશાન ખૂણામાં શિવજી, અગ્નિ ખૂણામાં ગણપતિ, નૈઋર્ત્યમાં સૂર્ય અને વાયુમાં દુર્ગાદેવીની સ્થાપના કરવી.૧૫

આ પ્રમાણેના ક્રમથી પાંચ દેવની સ્થાપના કરવી, આ વિષ્ણુ પંચાયતનની પૂજા સંતો તથા વિપ્રોએ પુરુષસૂક્ત દ્વારા કરવી, તેમજ તે તે ઉપચારના તે તે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરી સદાય વિષ્ણુઆદિનું પૂજન કરવું.૧૬

વિષ્ણુની પૂજાના પ્રારંભમાં પૂજા કરનારે પ્રથમ ગણપતિનું સ્મરણ કરવા પૂર્વક દેશકાળાદિકનું ઉચ્ચારણ કરી પુરુષસૂક્ત દ્વારા રૃડી રીતે ન્યાસવિધિ કરવો.૧૭

પુરુષસૂકત દ્વારા ન્યાસ કરવાનો વિધિ :- પ્રથમ બન્ને હાથમાં, બન્ને ચરણમાં બન્ને જાનુમાં, ડાબી જમણી કેડમાં, નાભીમાં, હૃદયમાં, કંઠમાં, બન્ને ભૂજાઓમાં, મુખમાં, નેત્રોમાં, અને મસ્તકમાં, આ ડાબા હાથના ક્રમથી સોળ અંગમાં ન્યાસ કરવો.૧૮

પુષ્પાદિક પૂજા દ્રવ્યોની શુદ્રિ કરી શંખ અને ઘંટાનું પૂજન કરવું, પછી જેવા જોયા હોય અને જેવા સાંભળ્યા હોય તેવા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરી પૂજન કરવું.૧૯

પૂજા કરનારના બ્રહ્મચર્યાદિ તપ અને યોગના સંબંધથી અને યથાયોગ્ય પૂજાના દ્રવ્યો અર્પણ કરવામાં અતિશય શ્રદ્ધા પૂર્વક ભાવ હોય તો એ પ્રતિમામાં પોતાના ઇષ્દેવ જ આવિર્ભાવ પામે છે.૨૦

પૂરુષસૂકત દ્વારા સોળ ઉપચાર અર્પણનો વિધિ :-

હે વિપ્ર !
ભક્તિમાન દ્વિજાતિ પુરુષે પ્રતિદિન પુરુષસૂક્તના મંત્રોનું ઉચ્ચારણ કરતાં ષોડશોપચાર ભગવાનને અર્પણ કરવા.૨૧

તેમાં આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, દક્ષિણા અને પુષ્પાંજલી આ સોળ ઉપચારો અર્પણ કરી આદરપૂર્વક ભગવાનને નમસ્કાર કરવા.૨૨-૨૩

અચળ પ્રતિમા હોય, શાલગ્રામ હોય, કે બાણલિંગ હોય તો તેમાં આવાહન અને વિસર્જન ન કરવું, તેમાં પુરુસૂક્તના પ્રથમ મંત્રથી ધ્યાન કરવું, પૂજાવિધિમાં ક્યારેય પણ ધનનો લોભ ન કરવો.૨૫

ચોખાથી શાલિગ્રામનું પૂજન કરવું નહિ, આ નિષેધ કેવળ શાલિગ્રામ પુરતો છે પરંતુ વિષ્ણુની પ્રતિમામાં આ નિષેધ નથી. તુલસીનાં પત્ર કે મંજરીથી ગણપતિનું પૂજન ન કરવું, દુર્વાથી દેવીનું પૂજન ન કરવું, બિલ્વપત્રથી સૂર્યનું પૂજન ન કરવું.૨૬

ચંપા અને કેતકીનાં પુષ્પોથી શંકરનું પૂજન ન કરવું, તથા ધતૂરાનાં અને આકડાનાં પુષ્પોથી બુદ્ધિમાન પુરુષોએ વિષ્ણુનું પૂજન ન કરવું.૨૭

હે વિપ્ર !
વિષ્ણુ ભગવાનની પૂજામાં મલ્લિકા, માલતી, કેતકી, આસોપાલવનાં પુષ્પો, જૂઇ, ચંપો, પુન્નાગ, નાગકેસર, બોરસળી, કમળ, સૂર્ય-ચંદ્ર વિકાસી ઉત્પલ, ડોલર, મોગરો, કણેર તેમજ અન્ય સુગંધીમાન પુષ્પો શ્રેષ્ઠ મનાયેલાં છે. તેનાથી પૂજન કરવું, તેમાં વનકેતકીનાં પુષ્પનો ત્યાગ કરવો.૨૮-૨૯

માળીના ઘર વિનાનાં વાસી પત્રો વિષ્ણુ ભગવાનની પૂજામાં ન સ્વીકારવાં, તેમજ વાસી જળ અને પુષ્પોનો પણ ત્યાગ કરવો. માળીને ઘેરથી આવેલાં વાસી પત્રો કે પુષ્પોનો પુજામાં સ્વીકારવાનો દોષ નથી.૩૦

તમાલ તથા આંબલીનાં પત્રો, કાહ્લાર નામનું કમળ, તુલસી, પદ્મ, મુનિપુષ્પ, સોના તથા રૃપાનાં પુષ્પો તથા આભૂષણો દર્ભ, પુષ્પની નહિ ખીલેલી કળીઓ અને ગંગાજળાદિ તીર્થોદક ક્યારેય પણ વાસી થતું નથી.૩૧-૩૨

તુલસી ન તોડવાનો સમય :-

હવે તમને તુલસી ન તોડવાનો સમય કહું છું. વિધૃતિ અને વ્યતિપાતના યોગમાં, મંગળવારે, શુક્રવારે અને રવિવારે, પૂર્ણિમા તથા અમાવાસ્યાના દિવસે, સૂર્યની મેષ આદિ રાશીમાં સંક્રાંતિ થતી હોય તેવા સમયે, એકાદશી અને બારસને દિવસે, જન્મ અને મરણનાં સૂતકમાં, રાત્રીએ અને પ્રાતઃ તથા સાયં સંધ્યા સમયે તુલસી પત્રો તોડવા નહિં. આ કહેલા નિષેધના દિવસો સિવાયના દિવસોમાં પણ જ્યારે તુલસી તોડવાં ત્યારે આ પ્રમાણે મંત્ર બોલવો.૩૩-૩૪

''હે કેશવપ્રિયા ! હે શોભના ! તું સદાય અમૃત જન્મા છો, તારા પત્રવડે પૂજા કરનારને મોક્ષ પમાડનારી છો, હું કેશવના પૂજન માટે જ તારૃં ચયન કરૃં છું. તું સદાય મને વરદાન આપનારી થા.૩૫''

હે વિપ્ર !
બે પત્રયુક્ત તુલસીનાં માંજર શ્રીકૃષ્ણ ભગવાનના મસ્તક પર સમર્પણ કરે તો કરોડો સોનાનાં પુષ્પોથી પૂજા કરે ને જે ફળ પ્રાપ્ત થાય એનાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે.૩૬

શિવજીના પ્રસાદ ગ્રહણમાં રાખવાનો વિવેક :-

હે વિપ્ર !
પંચાયતન પૂજા વિના કેવળ શિવજીની પૂજામાં નિવેદન કરેલું અન્ન જમવું નહિ, તેમજ શિવજીના નિર્માલ્યમાં જે વિધિ કહ્યો છે, તેના ઉલ્લંઘનમાં તો મનુષ્યોને મહાન દોષ કહેલો છે.૩૭

શિવજીને ધરેલું નૈવેદ્ય અને પત્ર, પુષ્પ, ફળાદિ પણ ગ્રહણ ન કરવાં, પરંતુ પંચાયતન પૂજામાં શાલીગ્રામ શિલાના સંબંધથી શિવજીનું નૈવેદ્ય પણ પવિત્ર થાય છે. તેથી તે ગ્રહણ કરવું.૩૮

બાળલિંગ, સ્વયંભૂ- પ્રગટેલા શિવલિંગ, શિવજીની પ્રતિમા, જ્યોતિર્િંલગ, તેમજ સુવર્ણાદિ ધાતુ નિર્મિત લિંગને નિવેદિત કરેલાં નૈવેદ્યને ભક્ષણ કરવામાં દોષ લાગતો નથી. તે પ્રમાણે નિર્ણયસિંધુમાં કહેલું છે.૩૯

નવરાત્રીમાં દેવીની પૂજાનો વિવેક :-

હે વિપ્ર !
દ્વિજાતિ પુરુષોએ નવરાત્રી આદિકના દિવસોમાં પંચાયતન સિવાય દેવીની અલગ પૂજા દેવતાઓને ઉચિત દૂધપાક આદિ ઉપચારોથી કરવી, પરંતુ અસુરોને ઉચિત મદ્યમાંસાદિકથી ક્યારેય ન કરવી.૪૦

તેમજ અસુરાંશ પુરુષોએ રચેલાં કુલાર્ણવ શિવરહસ્યાદિ ગ્રંથોને જોવા નહિ. દેવીની પૂજામાં જાતિ થકી ભ્રષ્ટ કરનાર મદ્ય માંસનો સંસર્ગ પણ ન કરવો.૪૧

જે દેવીની આગળ પૂર્વે સુરા, માંસનું નિવેદન અર્પણ થયેલું હોય તે દેવી કે દેવતાને નિવેદન કરેલાં અન્નાદિક નૈવેદ્યનો ક્યારેય પણ સ્વીકાર કરવો નહિ.૪૨

સર્વે દ્વિજાતિ પુરુષોએ દેવીના પૂજન કર્મમાં અડદનાં વડાં, નાળિયેર, દૂધપાક આદિનું નિત્યે નૈવેદ્ય ધરવું.૪૩

હે વિપ્ર !
જે દુર્મતિ પુરુષ મેં આ બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી દેવને મદ્ય-માંસાદિનું નિવેદન કરશે, તે પુરુષનો આલોકમાં વંશોચ્છેદ થઇ જશે, અને મરીને કુંભીપાક નરકમાં પડશે.૪૪

વળી જે પુરુષ કુસંગીના સંગથી મદ્યમાંસાદિકના અશુદ્ધ ઉપહારોથી દેવીનું પૂજન કરશે, તે ઘોર જંગલમાં અને જળ રહિતના પ્રદેશમાં બ્રહ્મરાક્ષસ થશે.૪૫

હે માનદ ! આ પ્રમાણે મેં તમને પ્રતિમામાં દેવાર્ચનનો વિધિ કહ્યો. હવેથી પ્રતિમાથી ભિન્ન સ્થાનમાં શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાનો વિધિ કહું છું.૪૬

ચક્રાકાર કે કમલાકાર મંડલને વિષે સ્થાપન અનુસાર અંગદેવતાઓએ સહિત પ્રધાન દેવતાનું તે તે મંત્રોથી સ્થાપન તથા તત્ત્વવિન્યાસથી પૂજન કરવું. સૂર્યમાં ઉપસ્થાપનાદિકથી દેવપૂજા કરવી, અગ્નિમાં ઘી આદિ હોમ દ્રવ્યથી દેવ પૂજા કરવી, જળમાં જન, ચંદન, પુષ્પ, ચોખા આદિકથી દેવપૂજા કરવી.૪૭

જીતેન્દ્રિય પૂજન કરનારે પોતાના હૃદયકમળમાં ભાવદ્રવ્યોથી દેવપૂજા કરવી. સ્વધર્મ અને ભક્તિએ યુક્ત બ્રાહ્મણમાં મિષ્ટાન્ન ભોજન દ્વારા દેવ પૂજા કરવી. વૈષ્ણવભક્તોમાં પોતાના સગા ભાઇનો ભાવ કેળવી સત્કાર કરવારૃપ દેવપૂજા કરવી.૪૮

હે વિપ્ર !
સાક્ષાત્ ભગવાન શ્રીહરિના ઉપાસક એવા દ્વિજાતિ પુરુષોએ પ્રાતઃકાળે મધ્યાહ્નકાળે અને સાયંકાળે ત્રણ વખત ભગવાન શ્રીહરિનું પૂજન કરવું, અશક્ત પુરુષે પ્રાતઃકાળે એકવાર તો અવશ્ય પૂજન કરવું.૪૯

પૂજાની સમાપ્તિમાં ભક્તોએ હૃદયક્મળમાં શ્રીહરિનું સ્મરણ કરતાં પોતાના ગુરુ ધર્મવંશી આચાર્યથકી પ્રાપ્ત થયેલા શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો આદરથકી ત્રિકાળ જપ કરવો.૫૦

આપત્કાળના સમયે પવિત્ર એવા દ્વિજાતિ પુરુષોએ ગાયત્રીમંત્રની જેમ જ આ અષ્ટાક્ષરમંત્રનો પ્રતિદિન મધ્યાહ્ન છોડી સવાર સાંજ બે વખત અથવા મધ્યાહ્ને અને સાંજે, એમ પણ બે વખત જપ અવશ્ય કરવો.૫૧

હે વિપ્ર ! આ પ્રમાણે મેં તમને દ્વિજાતિ એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જનો માટે પ્રતિદિન કરવાના ષટકર્મનો વિધિ કહ્યો. હવે ગૃહસ્થાશ્રમી પુરુષોમાં પણ આ દ્વિજાતિઓના ગૃહસ્થધર્મો સંક્ષેપથી કહું છું.૫૨

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા શ્રીહરિએ ષટ્કર્મમાં દેવપૂજાના વિધિનું નિરૃપણ કર્યું ,એ નામે સાતમો અધ્યાય પૂર્ણ થયો. --૭--