અધ્યાય - ૧૨ - દીપાવલીના પવિત્ર દિવસે દેશાંતરથી આવેલા હજારો ભક્તોએ શ્રીહરિનું વિવિધરીતે પૂજન કર્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:25pm

અધ્યાય - ૧૨ - દીપાવલીના પવિત્ર દિવસે દેશાંતરથી આવેલા હજારો ભક્તોએ શ્રીહરિનું વિવિધરીતે પૂજન કર્યું.

દીપાવલીના પવિત્ર દિવસે દેશાંતરથી આવેલા હજારો ભક્તોએ શ્રીહરિનું વિવિધરીતે પૂજન કર્યું.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! શ્રીસ્વામિનારાયણ ભગવાન પૂજાના અનેક વિધ પાત્રોમાં ચંદન, પુષ્પાદિ દ્રવ્યો ભરીને લાંબા સમયથી ઊભેલા પોતાની પૂજા કરવાની અત્યંત ઉત્કંઠાવાળા ભક્તજનોને પ્રેમમય દૃષ્ટિથી નિહાળવા લાગ્યા.૧

ત્યારે તેઓના મનોરથ પૂર્ણ કરવાની ભગવાન શ્રીહરિએ મનમાં ઇચ્છા કરી, તે સમયે મયારામ વિપ્ર બે હાથ જોડી કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! હે પ્રભુ ! તમારી આગળ પૂજાના દ્રવ્યો લઇ ઊભેલા સકલ નરનારી ભક્તજનો દૂરદૂર દેશોમાંથી આવ્યા છે૨-૩

તેઓના મનમાં તમારી પૂજા કરવાનો ઘણા સમયથી મનોરથ છે. તેને તમે આજે પૂર્ણ કરો.૪

હે રાજન્ ! આ પ્રમાણે મયારામ ભટ્ટે કહ્યું, ત્યારે ભગવાન શ્રીહરિ મંદમંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા કે, હે બ્રહ્મન્ ! આજે કઇ તિથિનો ઉત્સવ છે ? અને આજે શું કરવું જોઇએ ? તે તમે જણાવો.૫

ત્યારે મયારામ વિપ્રે પોતાની પાઘડીમાંથી લાંબુ પંચાંગપત્ર બહાર કાઢયું. તેમાં જોઇને શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! આજની તિથિએ તો દીવાળીનો ઉત્સવ છે.૬

તેથી લૌકિક જગતના મનુષ્યો માટે આજનો દિવસ તો લૌકિક વિષય સુખનો આનંદ માણવાનો દિવસ છે. પરંતુ આપણા ભક્તોને માટે આપની પૂજા કરવામાં જ અલૌકિક દિવ્ય આનંદ પ્રાપ્ત કરવાનો જ આ દિવસ છે.૭

હે પ્રભુ ! આ સર્વે ભક્તજનો ગૃહસ્થાશ્રમી હોવા છતાં તેઓને સાંસારિક સુખની કોઇ અભિલાષા નથી, તેથી તેઓ સંસારના સુખનો દૂરથી જ ત્યાગ કરી અત્યારે અહીં દુર્ગપુરમાં આપની સમીપે પધાર્યા છે. માટે હે પ્રભુ ! કલ્પવૃક્ષની સમાન આપ તે સર્વે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા સમર્થ છો.૮-૯

હે રાજન્ ! આ પ્રમાણેના સ્વભાવાળા મયારામ વિપ્રનાં વચનો સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે ભટ્ટજી ! આ સર્વે ભક્તજનોને મારી પૂજા કરવાની છૂટ છે, પરંતુ કોઇએ કોલાહલ કે, સર્વે એક સાથે આવીને ભીડ ન કરવી.૧૦

પરંતુ પોતપોતાના ગામના ભક્તજનો સમુદાયમાં આવીને મારી જલદીથી પૂજા કરીને પાછા પોતાને સ્થાને બેસી જવા જોઇએ. હે રાજન્ ! ભગવાન શ્રીહરિનું આટલું વચન સાંભળ્યું ત્યાં તો ભક્તજનોના હર્ષનો પાર ન રહ્યો.૧૧

ત્યારપછી જુદાં જુદાં ગામનાં સ્ત્રી-પુરુષોનાં જુદાં જુદાં મંડળો ક્રમને અનુસારે ભગવાન શ્રીહરિની સમીપે આવી પૂજા કરવા લાગ્યાં.૧૨

તે મનુષ્યોની મધ્યે પ્રથમ મધ્યપ્રદેશના જે ભક્તજનો હતા તે ભગવાન શ્રીહરિનું પૂજન કરવા આવ્યા. ત્યાર પછી અનુક્રમે માથુરદેશ, શૂરસેનદેશ, વત્સઘોષદેશ, યામુનદેશ, સાલ્વદેશ, નીપદેશ, ઉત્તર પાંચાલદેશ, ભદ્રદેશ, કાપિષ્ઠદેશ, ગૌરગ્રીવાદેશ, અરિમેદદેશ, હસ્તિનાપુરદેશ, પારિયાત્રા પર્વત પ્રદેશ, ધર્મારણ્યદેશ, કાલકોટીદેશ, અશ્વત્થદેશ, સાકેતનામનો દેશ, કુકરદેશ ઇત્યાદિ દેશના નિવાસી ભક્તજનો તથા ગુર્જરદેશ તથા ઔદુંબરદેશ આદિક દેશના ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરી. તેમાં મધ્યપ્રદેશાદિ દેશના પૂજા કરવામાં કુશળ એવા સર્વે ભક્તજનોએ સુગંધીમાન શીતળ ચંદન, મનોહર પુષ્પોના હારો, સુવર્ણના તારથી ગૂંથેલાં બુટાદાર અનેક વસ્ત્રો અને મહામૂલ્ય હીરાજડીત પાઘ અને આભૂષણોથી ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું. ત્યારપછી પેંડાથી ભરેલા ચાંદીના થાળ અને સાકરરસથી બનાવેલાં અનેકવિધ રમકડાંનાં પાત્રો તેમજ સોપારીના ચૂરાથી યુક્ત નાગરવેલનાં વાળેલાં પાનબીડાં શ્રીહરિની આગળ નિવેદન કર્યાં. ત્યારપછી તેજ પ્રદેશની સ્ત્રી ભક્તજનો હતી તે પણ શ્રીહરિને નમસ્કાર કરીને સત્તાવીસ મોતીના સેરવાળી નક્ષત્રમાળા શ્રીહરિના કંઠમાં ધારણ કરાવી, પાછી પોતપોતાને સ્થાને બેસી ગઇ.૧૨-૨૧

હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિના પૂર્વદેશોના નિવાસી મહાબળવાન ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તેમાં મગધદેશ, કર્બટદેશ, સુબ્રહ્મદેશ, અમ્બષ્ઠદેશ, ચાંદ્રપત્તનદેશ, કાશિદેશ, કોશલદેશ, પૌંડ્રદેશ, મેહુલદેશ, ઉત્કલદેશ, ગૌડદેશ, મિથિલદેશ, માલ્યવત્ પર્વતદેશ, કિરાતદેશ, લૌહિત્યદેશ, વર્ધમાનપુરદેશ, ઔંડ્રદેશ આદિ પૂર્વ દેશોના ભક્તજનો શ્રીહરિની અતિ આદરપૂર્વક પૂજા કરવા આવ્યા. તેઓએ ચંદન, ચોખા, પુષ્પોનાહાર, ચિનપ્રદેશનાં અતિશય કોમળ વસ્ત્રો, મહાઅમૂલ્ય સુવર્ણના આભૂષણો, બહુ પ્રકારના નાના મોટા મોતીઓના હાર અને તોરાથી ભગવાન શ્રીહરિની પૂજા કરી અને સુવર્ણની મુદ્રા ભરેલાં રૂપાનાં પાત્રો શ્રીહરિની આગળ મૂક્યાં. પછી પૂર્વદેશની સ્ત્રીભક્તજનાએે પૂજા કરી, અનેક જાતનાં દાડમ આદિ ફળો શ્રીહરિને અર્પણ કરી સૌ સૌના સ્થાને પાછાં ગયાં.૨૨-૨૭

ત્યારપછી અગ્નિ ખૂણાના દેશોના ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તે દેશોમાં જઠરાંગદેશ, વંગદેશ, ઉપવંગદેશ, શૂલિકદેશ, ચર્મદ્વિપદેશ, વિદર્ભદેશ, વત્સદેશ, આંધ્રદેશ, ચેદિદેશ, વિન્ધ્યાન્તદેશ, દશાર્ણદેશ, ત્રિપુરદેશ, કિષ્કંધાદેશ, શબરદેશ, નિષાદદેશ અને નાલિકેરાદિ દેશોના ભક્તજનોએ અમૂલ્ય પીતાંબરનાં વસ્ત્રો, સુવર્ણનાં કડાં તથા સાંકળાં તેમજ રમણીય મોતીઓના હાર, તોરા અને વિવિધ પ્રકારનાં કુંડળ વિગેરે અર્પણ કરી ભગવાન શ્રીહરિની પૂજા કરી તેમના ચરણમાં મહામૂલ્ય ઉપહારોની ભેટ મૂકી, તેમજ અનેક પ્રકારનાં પક્વફળો, સુવર્ણ તથા ચાંદીનાં પાત્રો, તાંબાના કળશિયાઓ, ગાગર્યો, દૂધપાન કરવાનાં પાત્રો, ઝારી, વાટકા અને સુંદર મણિકા વગેરે અનેક પાત્રો ભગવાન શ્રીહરિને અર્પણ કર્યાં.૨૮-૩૩

હે રાજન્ ! આ પ્રમાણે અગ્નિખૂણાના ભક્તજનો પૂજન કરીને ગયા પછી દક્ષિણદેશના ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તે દક્ષિણદિશાના દેશોમાં સૌરકીર્ણ, મલયાચલ, નાસિક્ય, તાલિકટ, કોલગિરિ, ભરુકચ્છ, કોંકણ, કેર્કાટ, શિબિક, વેણાનદીતટદેશ, દર્દૂર, ઋષ્યમૂકપર્વત પ્રદેશ, મહેન્દ્રાચલ પર્વત પ્રદેશ, કાવેરીનદી તટ પ્રદેશ, ચિત્રકૂટ પર્વત પ્રદેશ, જટાધરદેશ, કર્ણાટક, ગોનર્દ, ચોલ, કેરલ, ગણરાજ્ય, ઋષીક, કાંચીનગરી પ્રદેશ, ઋષભ, તામ્રપર્ણનદીતટ પ્રદેશ, દંડકારણ્ય, બલદેવપુર, તૈલંગ, દ્રવિડ, વેંકટાદ્રિપર્વત પ્રદેશ, ધર્મપત્તન અને સિંહલ આદિ દેશોના પૂજા કરવામાં વિચક્ષણ તે દક્ષિણ દિશાના ભક્તજનોએ વિધિ પ્રમાણે સુગંધીમાન ચંદન, કપૂર, કુંકુમમિશ્રિત ચોખા, અનેકવિધ પુષ્પોના હાર, તેમજ અમૂલ્ય અને મનોહર એવા શ્વેત, પીળાં, રાતાં અને ચિત્ર-વિચિત્રરંગનાં અને સુવર્ણનાં બિંદુઓથી અંકિત વસ્ત્રો તથા સુવર્ણના તારથી ભરેલા સુરવાળ તથા મહા કિંમતી પટ્ટા, દુપટ્ટા, શેલાં, રેશમી, વસ્ત્રો, પટકુળ, રેશમની ધોતી, મસ્તક ઉપર બાંધવાનો અમૂલ્ય ફેંટો, નૂપુર, પગનાં કડાં, વેઢ, બાજુબંધ, હાથનાં કડાં, સાંકળાં, કંઠનાં આભૂષણો, કુંડળ, બત્રીસ તથા ચોવીસ શેરનો ગુત્સહાર, ચાર સરનો ગોસ્તન હાર, અને બીજા એક શેરવાળા અનેક હાર, તેમજ અતિશય ચળકતા સો શેરના દેવચ્છંદ નામના હાર, નાભીપર્યંત લાંબી સુવર્ણની કંઠીઓ, કટિસૂત્ર, વીસલટોના માણવક હાર, લલાટના આભૂષણો, અને આંગળીની વીંટીઓ આદિ અનેક પ્રકારના ઉપહારોથી તે દક્ષિણદેશના ભક્તજનોએ ભગવાન શ્રીહરિની પૂજા કરી. ત્યાર પછી પેંડા અને પતાસાં ભરેલા વિશાળ સુવર્ણના અને ચાંદીના થાળ તથા દ્રાક્ષ, અખરોટ, લવિંગ, એલાયચી અને જામફળ વગેરેથી ભરેલાં તાંબાનાં પાત્રો ભગવાન શ્રીહરિના ચરણમાં સમર્પણ કરી પોતપોતાને સ્થાને બેઠા.૩૪-૪૭

હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિને વિષે અતિશય ઉત્તમ ભક્તિવાળા નૈઋર્ત્ય ખૂણાના દેશોના નરનારી ભક્તજનો હસતા હસતા શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તે ખૂણાના દેશોમાં સિંધુદેશ, પહલ્વદેશ, કામ્બોજદેશ, સૌવીરદેશ, વડવામુખદેશ, નારીમુખદેશ, આરબદેશ, કપિલદેશ, યવનદેશ, ક્રવ્યાદદેશ, અંબષ્ઠદેશ, ખંડદેશ, સૈન્ધવદેશ, કાલકદેશ, બાદરદેશ, ફેનગિરિ પ્રાંતપ્રદેશ, કર્ણદેશ, પાર્વેષ્ટદેશ, બર્બરદેશ, પારશવદેશ, શૂદ્રદેશ, રૈવતાચળદેશ, સૌરાષ્ટ્રદેશ, આભીરદેશ, ચંચુકદેશ, કિરાતદેશ, દ્રવિડદેશ, આનર્તદેશ વિગેરે નૈઋર્ત્યખૂણાના દેશોના ભક્તજનો પૂજા કરવા આવ્યા. તેઓ શ્વેત, કસુંબી, જાંબલી, કેસરી રંગનાં વસ્ત્રો અર્પણ કરી પૂજા કરી અને તેમાં પણ સૌરાષ્ટ્ર દેશના ભક્તજનો નજીકના હોવાથી અતિશય નિર્ભય થઇ વિશેષપણે પૂજા કરી, વળી તો નૈઋર્ત્ય ખૂણાના દેશોના સમસ્ત ભક્તજનોએ સુવર્ણના બુટાથી અંકિત લાલ અને શ્યામ રંગની ડગલીઓ, મહા અમૂલ્ય એવા કોમળ અને ઘાટા તથા સૂક્ષ્મતંતુઓથી નિર્માણ કરેલા કામળાઓ, શુદ્ધ સોનામાંથી તૈયાર કરેલા તથા પદ્મરાગમણિઓ અને રત્નો જડેલા મોંઘા મુકુટાદિ સર્વ આભૂષણો, ચંદન અને પુષ્પના હારોથી ભગવાન શ્રીહરિનું પૂજન કરી, તેમની આગળ અનેક પ્રકારના ઉપચારોથી ભરેલાં સોના-રૂપાનાં મોટાં મોટાં પાત્રો તથા સાકર, પતાસાં અને ખારેકથી ભરેલાં પાત્રો, તથા અનેક રૂપામુદ્રાથી ભરેલાં પાત્રો, સોપારી અને નાળિયેરથી ભરેલાં પાત્રો આદિ ભગવાન શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરી સર્વે પોતપોતાની જગ્યાએ બેઠા. તેવી જ રીતે તે બાજુની સ્ત્રી ભક્તજનો પણ ભગવાન શ્રીહરિનું પૂજન કરી પોતપોતાની જગ્યા ઉપર બેઠી.૪૮-૫૭

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની આગળ ભક્તજનોએ ભેટ ધરેલા વસ્ત્રાદિ ઉપહારોના મોટા મોટા ઢગલાઓ પર્વતની જેમ શોભવા લાગ્યા.૫૮

ત્યારે શ્રીહરિની સમીપે જ બેઠેલા આનંદાનંદ સ્વામીએ શ્રીહરિને સર્વે નૂતન વસ્ત્રો તથા અલંકારો ધારણ કરાવ્યાં. અને જ્યારે પણ પૂજામાં ભક્તજનો નવીન વસ્ત્રો આભૂષણો અર્પણ કરે ત્યારે આનંદાનંદ મુનિ પૂર્વ ધારણ કરેલાં વસ્ત્રોને ઉતારી નવાં વસ્ત્ર ઘરેણાં ધારણ કરાવતા, અને શ્રીહરિ પોતે પહેરેલા પૂર્વના હાર તે પૂજા કરવા આવનારા ભક્તજનોને પ્રસાદિમાં અર્પણ કરતા હતા.૫૯-૬૦

ભગવાન શ્રીહરિ કેટલાક ભક્તજનોને પોતાનાં પ્રસાદીનાં વસ્ત્રો અર્પણ કરી દીધાં, કેટલાકને સુવર્ણના અલંકારો, કેટલાકને દાડમ આદિ વિવિધ ફળો, કેટલાક ભક્તજનોને પૂજા કરવાના સમયે જ ખૂબજ આનંદ આપતા આપતા તેઓએ નિવેદન કરેલા ઉપહારોમાંથી અર્ધો સ્વીકારી અર્ધો ભાગ પ્રસાદીમાં પાછો આપી દેતા હતા. કેટલાક ભક્તજનોને તો સમગ્ર પદાર્થો જે ભેટ કરી તે સર્વે પ્રસાદી પાછી આપી દેતા હતા.૬૧-૬૨

હે રાજન્ ! ઉપરોક્ત ભક્તજનો પૂજા કરીને પાછા ગયા પછી પશ્ચિમ દેશના ઘણા બધા ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તે પશ્ચિમ દેશોમાં મણિમત્પર્વત પ્રદેશ, મેઘવત્ પર્વતદેશ, પારતદેશ, શકદેશ, પંચનદદેશ, અપરાન્તકદેશ, હૈહયદેશ, ચોષ્કાણદેશ અને રામઠદેશ, આદિના ભક્તજનોએ ચંદન, પુષ્પ, વસ્ત્ર તથા સોનારૂપાના આભૂષણોથી ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું. ત્યારપછી બદામ, નાળિયેર, ખજુર, સોપારી, તથા રૂપામુદ્રા ભરેલાં પાત્રો ભગવાન શ્રીહરિને અર્પણ કર્યાં, તથા દૂધના ફીણ જેવી ઉજ્જ્વલ શય્યાઓ, ઓશીકાં, ગાલમસુરીયા, રૂ ભરેલી ગાદી, તળાઇ, રજાઇ, ગોદડું, પીતળની દીવી વિગેરે અનેક ભેટો ભગવાન શ્રીહરિના ચરણમાં સમર્પિત કરી પોતપોતાની જગ્યાપર બેઠા.૬૩-૬૭

હે રાજન્ ! ત્યારપછી વાયુખૂણાના દેશોના ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તે વાયુખૂણાના દેશોમાં માંડવ્યદેશ, મરૂદેશ, કચ્છદેશ, ફાલ્ગુલકદેશ, અશ્મકદેશ, મદ્રદેશ, ખસદેશ, સ્ત્રીરાજ્યદેશ અને નૃસિંહવનદેશ આદિ દેશોના ભક્તજનો અનન્ય ભક્તિભાવ પૂર્વક ચંદન, પુષ્પના હાર, વસ્ત્રો અને આરતીથી ભગવાન શ્રીહરિનું પૂજન કર્યા પછી પદ્મરાગમણિ, ઇન્દ્રનીલમણિ અને ગારુત્મતાદિ મણિઓ જડિત સુવર્ણનાં આભૂષણો ધારણ કરાવી ભગવાન શ્રીહરિના ચરણોમાં અનેક ઉપહારોની ભેટ ધરી. તેમાં કેટલાક ભક્તજનોએ અનેક પ્રકારના મણિજડીત પાત્રોમાં સુવર્ણની મુદ્રિકાઓ ભરીને તો કોઇએ રૂપાની મુદ્રિકાઓ ભરીને ભગવાન શ્રીહરિના ચરણોમાં ભેટો ધરી. કોઇએ રત્જડીત પાદુકાઓ અને અનેક પ્રકારના મણિઓ જડિત મોજડીઓ, ભગવાન શ્રીહરિને અર્પણ કરી, તે સર્વે પોતપોતાની જગ્યા ઉપર જઇને બેઠા. ત્યારપછી ઉત્તર દિશાના ભક્તજનો પૂજા કરવા આવ્યા.૬૮-૭૨

હે રાજન્ ! ઉત્તર દિશાના દેશોમાં યૌધેયદેશ, પૌરવદેશ, મદ્રદેશ, માલવદેશ, અર્જુનાયનદેશ, કૈક્યદેશ, ક્ષુદ્રમીનદેશ, ત્રિગર્તદેશ, ઉત્તરકોશલદેશ, શરધાનદેશ, વાટધાનદેશ, ભોગપ્રસ્થદેશ, વસાતિદેશ, અંતર્દ્વીપદેશ, અશ્વમુખદેશ, કરછારદેશ, દંડપિંગલદેશ, કૈલાવર્તદેશ, કંઠધાનદેશ, પુષ્કરાવર્ત-દેશ, શાતકદેશ, ગાંધારદેશ, ખચરદેશ, હૂણદેશ, ગવ્યદેશ, ભૂતપુરદેશ, દાસેરકદેશ, કેશધરદેશ, ચિપિટનાસિકદેશ, ક્ષેમધૂર્તદેશ, હેમતાલદેશ, હિમાલયદેશ, યશોવતીતીરતટપ્રદેશ, માંડવ્યદેશ, ઉત્તરકુરુદેશ અને શ્યામાકદેશ, તથા તક્ષશિલાદિ દેશોના સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા. તેઓએ સુગંધીમાન કેસર, ચંદન, ચોખા, ખીલેલા કમળની માળાઓથી ભગવાન શ્રીહરિનું પૂજન કરી, અનેક વિધ ઉપચારોની ચરણમાં ભેટ ધરી તેમાં શ્વેત સૂક્ષ્મ ઘાટાં અને અમૂલ્ય શાલદુશાલા આદિ વસ્ત્રો પરિધાન કરાવ્યાં તથા કસ્તૂરી ભરેલા સુવર્ણના સંપુટો, તેમજ ચામરો, મરકતમણિઓ, પદ્મરાગમણિઓ, વિદ્રુમમણિઓ, ઇન્દ્રનીલમણિઓ, મહાનીલમણિઓ, ગોમેદ, પીતસાર મણિઓ અને સ્ફટિકમણિઓ તથા સૂર્ય સમાન પ્રકાશિત હીરાઓ અને રત્નો ભગવાન શ્રીહરિના ચરણમાં સમર્પિત કરી તે વાયુદેશના ભક્તજનો પોતપોતાની જગ્યાએ બેઠા. ત્યારપછી ઇશાન ખૂણાના દેશોના ભક્તજનો ભગવાન શ્રીહરિની પૂજા કરવા આવ્યા.૭૩-૮૧

હે રાજન્ ! તે ઇશાન ખૂણાના દેશોમાં પશુપાલદેશ, કાશ્મીર, દરદ, તંગણ, અભીસાર, કુલૂત, બ્રહ્મપુર, ચીન, દામર, ઘોષ, કોલિંદ, કૌવિક, ગાંધર્વ, વસુધાન, વનરાષ્ટ્ર, પૌરવદેશ આદિ દેશોના ભક્તજનો તથા પતિવ્રતાના ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળી તેઓની સ્ત્રીઓ પણ ભાવ પૂર્ણ હૃદયથી ચંદન, ચોખા, પુષ્પ, તુલસીની માળાઓ અને અતિશય કોમળ લાલ, પીળાં, શ્યામ અને ચિત્રવિચિત્ર ભાતવાળાં વસ્ત્રોથી અને મોતીઓના આભૂષણોથી ભગવાન શ્રીહરિનું પૂજન કરી તે સર્વે ભક્તજનો અને તેમની સ્ત્રીઓએ સુવર્ણના થાળ ભરેલા અનેક પ્રકારના રત્નો, લવિંગ તથા કુંકુમ કેસરથી ભરેલા રૂપાના નાના કરંડિયાઓ અનેક પ્રકારના તૃણમાંથી તૈયાર કરેલા કોમળ આસનો અને રમણીય કામળા આદિનાં આસનો અનેક જાતનાં સ્વાદિષ્ટ ફળો અને અતિશય મધુર રસથી યુક્ત શ્વેત સાકરના ખંડો ભગવાન શ્રીહરિના ચરણમાં સમર્પિત કરી પોતાની સ્ત્રીઓએ સહિત ઇશાન ખૂણાના દેશવાસી ભક્તજનો પોતપોતાના આસન ઉપર બેઠા.૮૨-૮૯

હે રાજન્ ! આ પ્રમાણે વૃદ્ધો, તરુણો, કુમારો આદિ સર્વ ભક્તજનોએ પોતપોતાની શક્તિ અને આવડતને અનુસારે પરમ ભક્તિભાવથી ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું.૯૦

ભક્તજનોના અંતરના ભાવને જાણતા, ભગવાન શ્રીહરિ પણ તેમણે અર્પણ કરેલા પત્રપુષ્પાદિકથી ખૂબજ સંતુષ્ટ થયા, અને સભામાં બેઠેલા સમસ્ત ભક્તજનોને વિસ્મય ઉપજાવતા તે સમગ્ર વસ્ત્રો, આભૂષણો આદિ સર્વે પદાર્થો બ્રાહ્મણોને દાનમાં આપી દીધાં.૯૧-૯૨

તે સર્વે ભક્તજનોએ અર્પણ કરેલી ભેટો બ્રાહ્મણો તથા રાંક ગરીબ ભિક્ષુકોને અતિશય આદરપૂર્વક તેજ ક્ષણે અર્પણ કરી દીધી.૯૩

તે સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી આદિ સંતો મુકુન્દબ્રહ્મચારી આદિ વર્ણિઓ તથા રતનજી, ભગુજી આદિ પાર્ષદોને પણ યોગ્ય વસ્તુઓ પ્રસાદીમાં અતિશય પ્રસન્ન થઇને આપી.૯૪

હે રાજન્ ! એ સભામાં બેઠેલા રાજાઓને તથા ધનવાન ભક્તોને પણ પ્રસાદીનારૂપમાં પોતાના મહામૂલ્યવાળાં વસ્ત્રાદિકનું શ્રીહરિએ દાન કર્યું, ભગવાન શ્રીહરિનું આવું ઉદાર ચરિત્ર જોઇ સર્વે જનો અતિશય વિસ્મય પામી ગયા.૯૫

હે રાજન્ ! નાના મોટા રાજાઓ પણ જે પદાર્થોની સ્પૃહા કરતા હોય છે તે અપરિમિત પદાર્થો પોતાની પાસે પૂજામાં આવ્યાં ને તે જ ક્ષણે તેનું દાન કરી દીધું, તે જોઇ સર્વે રાજાઓ પણ વિસ્મય પામ્યા.૯૬

શ્રીહરિ સર્વસ્વનું દાન કરી દેવારૂપ અલૌકિક કર્મ હમેશાં કરતા છતાં તેમના અંતરમાં કોઇ જાતનો ગર્વ કે અહંકાર ઉઠતો ન હતો. અને વિસ્મય પામવા જેવું તેમના માટે કાંઇ ન હતું. તેથી પૂર્વની માફક પોતાનાં સામાન્ય શ્વેત વસ્ત્રો પરિધાન કરી લીધાં.૯૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે દેશદેશાંતરમાંથી આવેલા ભક્તજનો અતિશય ઉદારભાવનાની સાથે શ્રીહરિની મહાઉપચારોની સાથે પૂજા કરી રહ્યા હતા, તેવામાં સૂર્યનારાયણ પણ શ્રીહરિના દર્શનની અતિશય ઉત્કંઠા ધરાવતા હોયને શું ? એમ આકાશના મધ્યભાગે આવી સ્થિર થઇને ઊભા રહ્યા. જો સ્થિર ઊભા રહ્યા ન હોત તો આટલા બધા ભક્તજનોએ કરેલી પૂજા મધ્યાહ્ને કેમ પૂર્ણ થાય ? આ રીતે પૂજાના કાળમાં પણ ભગવાન શ્રીહરિએ પોતાનાં અલૌકિક ઐશ્વર્યનું દર્શન કરાવ્યું.૯૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ ઉપર પધારેલા દેશાંતરવાસી લક્ષાવધિ મનુષ્યોએ દીપાવલીના શુભ પર્વે ભગવાન શ્રીહરિની કરેલી પૂજાનું નિરૂપણ કર્યું એ નામે બારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૨--