સ્નેહગીતા કડવું - ૪૩

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:36pm

ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂરતિજી, જેને અલબેલો સંભારેછે અતિ અતિજી ।
જેહનો અપાર સ્નેહ ને અપાર મતિજી, જેના જશ ગાયછે નિત્યે નિત્યે શ્રુતિજી ।।૧।।

ઢાળ –

શ્રુતિ ગાયછે જશ જેનો, વળી સરાયે છે જેને શ્રીહરિ ।
ધન્ય ધન્ય સ્નેહ એહનો । વળી સાચી ભકિત એણે કરી ।।૨।।

ધન્ય ધન્ય એહનો પ્રેમ કહીએ, ધન્ય ધન્ય એહની પ્રીતને ।
ધન્ય ધન્ય હેત એના હૈયાનું, ધન્ય ધન્ય એહની રીતને ।।૩।।

ન્ય ધન્ય ભાવ ભલો એહનો, ધન્ય ધન્ય એહની મત્યને।
ધન્ય ધન્ય સમજણ એહની, ધન્ય ધન્ય એહનાં કૃત્યને ।।૪।।

ધન્ય ધન્ય અંતર એહનું, ધન્ય ધન્ય એહના મનને ।  
ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત સમેતને, જે કર્યું અર્પણ કૃષ્ણને ।।૫।।

શ્રવણ નયન નાસિકા, ધન્ય ત્વચા રસના તેહને ।
પાદ પાણિ ધન્ય એહનાં, ધન્ય ધન્ય એહના દેહને ।।૬।।

સર્વે અંગે અતિ રંગે, કરી કૃષ્ણની જેણે ભગતિ ।  
ત્રિલોકશું તોડી હરિશું જોડી, કરી પ્રીત અચળ અડગ અતિ ।।૭।।

ભવરોગ વામી કૃષ્ણ પામી, સ્વામી સદા સુખકંદને ।
દાઝ ટળી શાંતિ વળી, મળી પરમાનંદને ।।૮।।

કરી પ્રીત પૂરણ રીતે, જીતી ગઈ જશ જુવતી ।  
જશ જેના ઊત્તમ એના, ગુણ ગાયછે ગૃહસ્થ ને જતિ  ।૯।।

ભૂત ભવિષ્ય વર્તમાનમાં, કોઈએ સ્નેહ તુલ્ય નથી આવતું ।  
નિષ્કુલાનંદના નાથજીને, સ્નેહ વિના નથી ભાવતું ।।૧૦।। કડવું ।।૪૩।।