હાંરે આવો એક વાત કહું હેલી, કે વહાલે મારે કીધી રંગરેલી (૪)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:49pm

રાગ : ગરબી

પદ-૧

હાંરે આવો એક વાત કહું હેલી, કે વહાલે મારે કીધી રંગરેલી. ૧

ગોવાળા નુતરીયા ઘેરે, કે પાક કરાવ્યા બહુ પેરે રે. ૨

રજની દીપક અંજવાળ્યા, કે આંગણ ઢોલીડા ઢાળ્યા રે. ૩

ઢોલીડે બેઠા ગોવાળા, કે વહાલો વિચ ઉભા રૂપાળા રે. ૪

સુંથણલીની નાડી લટકે, કે જોઈ જોઈ મારૂં મન અટકે રે. ૫

બ્રહ્માનંદ કહે પલવટ વાળી, કે મનોહર પીરસે વનમાળી રે. ૬

 

પદ-૨

હાંરે બિરંજમાં ઘી સાકર બહોળાં, કે વહાલો મારો દેછે છાકમ છોળાં.

પકોડી કડી વડી પુરી, કે રસાળી રોટલીયો રૂડી રે. ૨

અથાણાં કેરી ને આદાં, કે ઝાઝાં વ્યંજન રાયજાદાં રે. ૩

રસિયો ફેરે રંગ રમતા, કે ગોવાળાને મનડે ગમતા રે. ૪

જોરાઈએ ઠેલ ભરે થાળી, કે ગોપી ચકીત થઈ ભાળી રે. ૫

ઘણાં ભોજનીયાં મન ગમતા, કે બ્રહ્માનંદ જામ્યો રંગ જમતા રે. ૬

 

પદ-૩

હાંરે ભાત રંધાવ્યા બહુ ભાતે, કે ખાંતીલો ફેરે ખાંતે રે. ૧

મંગાવી દૂધ તણી હેલું, કે વહાલે મારે મચાવી છે રેલું રે. ૨

નંખાવી માંહી સાકર ઝાઝી, કે જમવા ગોપ થયા રાજી રે. ૩

ફેરે મોહનજી ફરતા, કે કોડે મનવારૂં કરતા રે. ૪

ન પિયે તોયે જોરે નાખે, કે ભુધરજી ચડીયા ભામે રે. ૫

બ્રહ્માનંદ જમ્યા રસ સોતા, કે ગોવાળા માંડ ઘરે પોતા રે. ૬

 

પદ-૪

હાંરે કે પ્રેમે ઝાઝી સોપારી, કે સમારી સુડી લઈ સારી રે. ૧

મંગાવ્યા લવિંગ ઘણાં માવે, કે ફર્યા જેમ જેને ભાવે રે. ૨

અનુપમ એલચીને ડોડે, કે કરાવ્યા મુખવાસ કોડે રે. ૩

રસિયો હોંશ કરી રમવા, કે ગોવાળાને મનડે ગમવા રે. ૪

મેલ્યાં છોંગલીયાં માથે, કે શોભલતા ગોપીજન સાથે રે. ૫

રાજે રમતા ગિરધારી, કે વદનપર બ્રહ્માનંદ વારી રે. ૬

Facebook Comments