મોરલી વાજે રે મીઠી મોરલી વાજે; (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 8:48pm

રાગ : ગોડી

 

પદ - ૧

મોરલી વાજે રે મીઠી મોરલી વાજે;

સખી સાંભળને શ્યામળીયાજીની મોરલી વાજે. મો૦ ટેક૦

મીઠી સ્વરે મોહનજીની મોરલી ગાજે;

સાંભળવાને સૈયર મારૂં દિલડું દાઝે. મો૦ ૧

આવે રે અલબેલો વિંટ્યા ગોવાળે ઝાઝે;

ગાતા આવે ગિરધર સુંદર સમાજે. મો૦ ૨

મોર મુગટ ને કાળા કુંડળ વનમાળા રાજે;

નંદકુંવરને નિરખી કોટી કંદર્પ લાજે. મો૦ ૩

પિતાંબરની પલવટ વાળી છત્ર શિર છાજે;

પ્રેમાનંદનો વાલો ચાલો જોવાને કાજે. મો૦ ૪

 

પદ - ૨

ગાયોની સાથે રે આવે ગાયોની સાથે;

ગાતા આવે ગિરધર ગાયોની સાથે. ગાયો૦ ટેક

મોહનજીએ ધરિયો મુગટ ફૂલનો માથે;

ફુલડાંના હાર ગજરા પે’ર્યા છે નાથે. ગાયો૦ ૧

ફૂલતણા શણગાર સર્વે બીજું નહિ આથે;

વ્રજવનિતા વશ કરવા લીધી મોરલડી હાથે. ગાયો૦ ૨

લટકાં કરતાં આવે વાલો સખા સંગાથે;

વ્રજનારીને વિંધી વાલે ભ્રકુટીને ભાથે. ગાયો૦ ૩

વ્રજવનિતા વાલાને ભેટી ભરીને બાથે;

પ્રેમાનંદ કે’ પુરન કીધી પ્રેમની પાથે. ગાયો૦ ૪

 

પદ - ૩

વ્રજની નારી રે મોહી વ્રજની નારી;

એની મોરલીને નાદે મોહી વ્રજની નારી. વ્રજ૦ ટેક.

મોરલી વા’લે ગોડી આલાપી સારી;

સાંભળવાને વ્રજની નારી ચડી અટારી. વ્રજ૦ ૧

ફૂલડાંમાં ફૂલ્યા આવે મોહન મોરારી;

અંગો અંગ ઉપર કોટી અનંગ વારી. વ્રજ૦ ૨

નંદકુંવરને નિરખી હૈડે હરખ વધ્યો ભારી;

સર્વે અંગે ફુલી ગોપી પ્રેમની મારી. વ્રજ૦ ૩

મોહનજીની મૂર્તિને ઉરમાં ધારી;

પ્રેમાનંદ કે’ પ્રિતમજી પર પ્રાણ બલિહારી. વ્રજ૦ ૪

 

પદ - ૪

મોરલી વાઇ રે વા’લે મોરલી વાઇ;

સખી મારૂં મન મોયું વાલે મોરલી વાઇ. મોર૦ ટેક.

વાંસલડીમાં વાલે ગોડી રાગણી ગાઇ;

મીઠે સ્વરે મનડું મારૂં ગયું વિંધાઇ. મોર૦ ૧

ઘેલી સરખી ઘરમાં કામ ન સૂઝે કાંઇ;

મળવા સારૂં મોહનજીને આતુર મનમાંઇ. મોર૦ ૨

મુખડું જોવા ઝંખુ ચડી ઝરૂખે જાઇ,

સાંજ સમે શ્યામળિયો આવ્યા ગાયો ચરાઇ. મોર૦ ૩

નિરખ્યા મેં તો નેણે વેણે બોલાવ્યા બાઇ;

પ્રેમાનંદને નાથ હસીને સાને સમજાઇ. મોર૦ ૪

Facebook Comments