સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ (૪)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:09pm

રાગ - ધોળ

પદ- ૧

સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. ટેક.

જેનું સ્વામિનારાયણ નામ છે, જેને ભજને રે પામે ભવજળ પાર. પ્ર૦

જેનાં દરશન ઈચ્છે મહામુનિ, કરુણાનિધિ રે પ્રભુ પરમ ઊદાર. પ્ર૦

વ્હાલે કળિ મધ્યે અતિ કરુણા કરી, ધાર્યો દ્વિજકુળ રે ગુણનિધિ અવતાર.૦

વ્હાલે સતયુગ સમ ધર્મ સ્થાપિયો, ટાળ્યા નિજજનના મનથી મદમાર.૦

એનો જે જને કીધો આશરો,  તે  તો  તરી ગયા રે કુળસહિત સંસાર. પ્ર૦

મુક્તાનંદ કહે મહિમા અપાર છે, કરે નિશદિન રે નેતિ નિગમ પોકાર.પ્ર૦

 

પદ- ૨

પ્રેમે પ્રગટ્યા રે, સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળિયું. ટેક.

માયા રાત મુમુક્ષુની ટળી, થયું હરિ મળતા પૂરણ પ્રભાત.અ૦૧

સંશય શોક હર્યા સર્વે જીવના, જેણે માની રે પ્રેમે વાલાની વાત.અ૦ ૨

જૂઠા જ્ઞાની ઊલુક જગમાં હતા,  તે સંતાણારે પાપી પર્વત માંય. અ૦ ૩

કામ ક્રોધ ને લોભ જે ચોર  તે, ડરી ભાગ્યા રે રહેવા ઠોર ન કયાંય.અ૦ ૪

દેખી સંત કમળવન ફૂલિયાં, દુઃખ પામ્યાં રે પાપી કુમુદ અપાર.અ૦ ૫

મુક્તાનંદ કહે મહાસુખ આપિયું, એને વારણેરે જાઉં વારંવાર.અ૦ ૬

 

પદ- ૩

કરી કરુણા રે, સ્વામી સહજાનંદ; પધાર્યા અખંડ સુખ આપવા. -ટેક.

જેનાં દરશનથી દુર્ષ્કૃત ટળે, જેને સ્પર્શેરે પામે પાતક નાશ.પ૦

જેનું શરણું ગ્રહે સુખ પામીએ, વેગે નાસેરે મોહ માયાના પાશ.પ૦

જેનો મહિમા અનંત અપાર છે, શુક શારદ રે મુનિ નારદ ગાય.પ૦

મતિમંદ ન જાણે એ મર્મને, જેમ ઊલુકને રે રવિ નવ દેખાય.પ૦

વા’લો નારદ નિગમના વેણને, સત્ય કરવા રે પોતે શ્રી બદ્રિનાથ.પ૦

મુક્તાનંદ કહે અધર્મ ઊત્થાપીયો, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સ્થાપ્યા ગ્રહી હાથ.

 

પદ- ૪

પોતે પરિબ્રહ્મ રે, સ્વામી સહજાનંદ, નારાયણ પ્રબળ પ્રતાપ છે. ટેક.

વા’લો ભરતખંડનાં નરનારીને, પોતે  તપ કરી રે આપે ફળ સોય. ના૦

હરિના તપ કેરાં પુણ્ય પ્રતાપથી, થયાં શુદ્ધ મનરે હરિજન સર્વ કોય.ના૦

સ્વામિનારાયણ મુખે ઊચરે,  તેને જનમ મરણ જમનો ભય જાય. ના૦

સરવે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણરે કર ઘસી પસ્તાય. ના૦

પામ્યા અનંત જીવ હરિધામને,  તેની ગણનારે કહતાં શેષ લજાય. ના૦

મુક્તાનંદ કહે મહિમા અતિઘણો,  તેને એક મુખે રે કવિ કેટલોક ગાય.ના.

Facebook Comments