ભજો ભાવશું અખંડ જપમાળા રે (૧)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 8:34pm

 

રાગ - ગરબી

પદ - ૧

ભજો ભાવશું અખંડ જપમાળા રે,

માળા ટાળે છે મન કેરા ચાળા રે. ભજો૦ ૧

હરિનું એક એક અંગ ઊર ધારો રે,

સ્વામિનારાયણ નામ ઊચ્ચારો રે. ભજો૦ ૨

જપો જુગલ ચરણ સુખકારી રે,

ઊર્ધ્વરેખાદિ ચિહ્ન સંભારી રે. ભજો૦ ૩

દશ આંગળીની માળા દશ જાણો રે,

ફણા જુગલની જુગલ પ્રમાણો રે. ભજો૦ ૪

પાની જુગલ ગુલફ જુગ શોભે રે,

માળા ચાર ફેરી જનમન લોભે રે. ભજો૦ ૫

જંઘા જુગલને જાનુ જુગ વંદે રે,

માળાચાર ફેરી સંત આનંદે રે. ભજો૦ ૬

ઊરુ જુગલની માળા જુગ ફેરે રે,

નાભી વર્તુલ સમાન પ્રીતે હેરે રે. ભજો૦ ૭

નાભી ઊદર જુગલ સ્તન જોઈરે,

માળા ચાર ફેરી રહે જન મોહી રે. ભજો૦ ૮

ભુજ જુગલ હરિના સુખકારી રે,

માળા ફેરી જાય દાસ બલીહારી રે. ભજો૦ ૯

કર આંગળીની માળા દસ કા’વે રે,

જોતાં ભક્તને આનંદ ઊપજાવે રે. ભજો૦ ૧૦

કંઠ ચિબુકની માળા જુગ ફેરી રે,

મુખ પંકજ ઊમંગે રહે હેરી રે. ભજો૦ ૧૧

મુખ નાસિકા જુગલ દૃગ હેરે રે,

માળા ચાર ચારે અંગ જોઈ ફેરે રે. ભજો૦૧૨

કાને કુંડલ વહાલાને જુગ કા’વે રે,

ફેરી માળા ઊભે દાસ મન ભાવે રે. ભજો૦૧૩

જોતાં જુગલ ભ્રકુટિ ડરે કાળ રે,

પ્રેમે જોઈ દાસ જપે જુગ માળ રે. ભજો૦ ૧૪

ભાલ તિલક સહિત વ્હાલું લાગે રે,

જપે માળા એક દાસ અનુરાગે રે. ભજો૦ ૧૫

માથે પાઘ  તોરા સહિત રૂપાળી રે,

ફેરે માળા જન જુએ વનમાળી રે. ભજો૦ ૧૬

એવી રીતે થઈ માલિકા પચાસ રે,

જપે જન્મ મરણ કરે નાશ રે. ભજો૦ ૧૭

સ્વામિનારાયણ દેવે માળા દીધી રે,

પ્રેમે મુક્તાનંદે ઊર ધરી લીધી રે. ભજો૦ ૧૮

Facebook Comments