તારા મુખની લાવણ્યતા મીઠી રે, મોહન વનમાળી (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:35pm

રાગ - ગરબી

પદ - ૧

તારા મુખની લાવણ્યતા મીઠી રે, મોહન વનમાળી ;

એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મુરતિ મરમાળી .

ચટક રંગીલા  તારા મોળીડાને છેડે, મનડું ડોલે છે કેડે કેડે રે. મો૦

રંગડો જામ્યો છે ફુલડાંને  તોરે, ભ્રમર ભમે છે ચહુકોરે રે. મો૦

ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે. મો૦

બ્રહ્માનંદ કહે સરવસ વારું, રૂપ જોઈને વહાલા  તારું રે. મો૦

 

પદ - ૨

તારાં લટકાં પ્યારાં મુને લાગે રે, લહેરી લટકાળા ;

હું તો રીઝી સલુણા ઘેરે રાગે રે, છેલા છોગાળા.

સુંદર નેણ કમલદળ જેવી, ભ્રકુટી ભ્રમર રહ્યા સેવી રે. લહેરી૦

ગૌર કપોળ સુભગ તિલ ત્રાજુ, કોમળ નાસા કાજુ રે. લહેરી૦

અધર ઊપર જાણે કુંકુમ ઢળીયું, દંત દાડમ કેરી કળીયું રે. લહેરી૦

બ્રહ્માનંદ કહે સામું જોઈને, મનડું લીધું છે મારું પ્રોઈને રે. લહેરી૦

 

પદ - ૩

વહાલી લાગે છે મુખડાંની વાણી રે,  પ્રીતમજી પ્યારા ;

મીઠે મરકલડે લોભાણી રે, સુંદરવર સારા.

નટવર આડી નજરે નિહાળી, રંગડાની રેલું વાળી રે.  પ્રીત૦

મધુર મધુર મુખ હાસ કરીને, લીધા છે પ્રાણ હરીને રે.  પ્રીત૦

મનમોહન  તારી નૌત્તમ મુરતિ, નિમખ ન મેલું મારા ઊરથી રે.  પ્રીત૦

બ્રહ્માનંદ કહે રીઝી  તારે રાગે, અહોનિશ રહેજો મારે આગે રે.  પ્રીત૦

 

પદ - ૪

તારાં છોગલીયાંની છબી ભારી રે, કુંવર કાનુડા ;

છેલા ગુણવંતા ગિરધારી રે, લાગો છો રૂડા.

પ્રાણજીવન શિરકેશ રૂપાળા, કાળા ખટલીયાળા રે. કુંવર૦

લાલકસુંબી તારા મોલીડાને ચટકે, જોઈને મોહીછું કરલટકે રે. કુંવર૦

કુંડળની છબી નથી રે કહેવાતી, નીરખી ઠરે છે મારી છાતી રે. કુંવર૦

બ્રહ્માનંદ કહે રહોને રંગીલા, આંખલડીમાં અલબેલા રે. કુંવર૦

Facebook Comments