૧૬ ષોડશોધ્યાય: દૈવાસુરસંપદ્વિભાગયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:46pm

અધ્યાય - ૧૬


श्रीपरमात्मने नमः
अथ षोडशोऽध्यायः

श्रीभगवानुवाच
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१६- १॥

શ્રી ભગવાન કહે છે =
સર્વથા નિર્ભય વર્તવું, અન્તઃકરણની સમ્પૂર્ણ વિશુદ્ધિ, જ્ઞાનપૂર્વક ભક્તિ-યોગમાં દૃઢ સ્થિતિ, સાત્ત્વિક દાન, ઇન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય પઠન-પાઠન, તથા ભગવન્નામ-કીર્તન વિગેરેનો અભ્યાસ, નિર્મળ તપ અને ઇન્દ્રિયો તથા અન્તઃકરણની સરલતા રાખવી. ।।૧૬- ૧।।

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥१६- २॥

મન, વાણી અને શરીરથી હિંસાએ રહિત વર્તવું, યથાર્થ પણ પ્રિય બોલવું, ક્રોધના નિમિત્તમાં પણ ક્રોધ ન કરવો, કર્મના ફળનો અને કર્તાપણાના અભિમાનનો ત્યાગ, શાન્તિ, ચાડીયાપણું ન કરવું, ભૂત-પ્રાણીમાત્ર ઉપર અકારણ દયા રાખવી, વિષયોમાં લોલુપતા ન રાખવી, કોમળતા રાખવી, નિન્દિત કામ કરવામાં લજ્જા રાખવી અને વ્યર્થ-નિષ્ફળ ચેષ્ટા ન કરવી. ।।૧૬- ૨।।

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥१६- ३॥

તેજ, ક્ષમા-પરાપરાધ સહન કરવાની શક્તિ, ધૈર્ય, શૌચ-પવિત્રતા, કોઇનો પણ દ્રોહ ન કરવાની વૃત્તિ, પોતાને વિષે પૂજ્યપણાના અભાવરૂપ નિરભિમાનિતા, હે ભારત ! આ સઘળા ગુણો દૈવી સમ્પદ્વાળાને હોય છે. ।।૧૬- ૩।।

दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीम् ॥१६- ४॥

હવે-આસુરી સંમ્પદ કહે છે-હે પાર્થ ! દંભ, મિથ્યા આડમ્બર, અભિમાન, તેમજ ક્રોધ અને કઠોરતા અને અજ્ઞાન પણ, આ બધા દુર્ગુણો આસુરી સમ્પદ્વાળા મનુષ્યોમાં હોય છે. ।।૧૬- ૪।।

दैवी संपद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः संपदं दैवीमभिजातोऽसि पाण्डव ॥१६- ५॥

દૈવી સંમ્પદ મુક્તિને માટે અને આસુરી સંમ્પદ બન્ધનને માટે માનેલી છે. માટે હે પાંડવ ! તું શોક ન કર ! કેમકે તું તો દૈવી સંમ્પદાએ યુક્ત ઉત્પન્ન થયેલો છે. ।।૧૬- ૫।।

द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च ।
दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥१६- ६॥

હે પાર્થ ! આ લોકમાં દૈવી-સમ્પદ્વાળો અને આસુરી-સમ્પદ્વાળો એવો બે પ્રકારનો ભૂતસર્ગ જોવામાં આવે છે. તેમાં દૈવી સર્ગ વિસ્તારપૂર્વક કહ્યો અને હવે આસુરી સર્ગ મારા થકી તું સાંભળ ! ।।૧૬- ૬।।

प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः ।
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥१६- ७॥

આસુર-સ્વભાવવાળા માણસો પ્રવૃત્તિ શું ? અને નિવૃત્તિ શું ? એ બન્નેને કાંઇ સમઝતાજ નથી. અને તેમનામાં શૌચ-પવિત્રતા નથી હોતી, તેમજ આચાર-ધર્મ પણ હોતો નથી. અને સત્ય પણ હોતું નથી. ।।૧૬- ૭।।

असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥१६- ८॥

તે આસુર જનો તો આ જગત્ને પણ અસત્ય, આશ્રયરહિત અને અનીશ્વર નિયન્તા વિનાનું ન ધણીયતુ કહે છે. અને કેવળ ભોગ-વિલાસને માટેજ છે. અને પરસ્પર સ્ત્રી-પુરૂષના સંસર્ગથી ઉત્પન્ન થયા સિવાયનું બીજું શું છે ? એમ કહે છે. ।।૧૬- ૮।।

एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥१६- ९॥

આવી નાસ્તિક તુચ્છ દૃષ્ટિને અવલંબીને નષ્ટપ્રાય આત્મા-મન અથવા સ્વભાવવાળા અને અતિ અલ્પ તુચ્છ બુદ્ધિવાળા, આવા સઘળા જગત્નું અહિત કરનારા ક્રૂરકર્મ મનુષ્યો જગતના વિનાશને માટે ઉગ્ર-ભયંકર કર્મ કરનારા થાય છે. ।।૧૬- ૯।।

काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः ।
मोहाद्‌गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१६- १०॥ દંભ, અભિમાન અને મદે યુક્ત તે મનુષ્યો દુષ્પૂર કામનો આશ્રય કરીને અજ્ઞાનથી ખોટા દુરાગ્રહોને પકડીને અપવિત્ર આચરણ કરતા થકા સંસારમાં પ્રવર્તે છે. ।।૧૬- ૧૦।।

चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः ।
कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥१६- ११॥

ઠેઠ મરણ સુધીની અતિ અપાર ચિન્તામાં ગરકાવ થયેલા અને કામ-વિષયોપભોગ કરવો એજ પ્રધાન જેમને છે. અને આટલુંજ એ ખરૂં છે એમ દૃઢ ઠરાવ કરી બેઠેલા હોય છે. ।।૧૬- ૧૧।।

आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ।
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥१६- १२॥

સો એ સો આશાપાશોથી બન્ધાયેલા એ મનુષ્યો કામ ક્રોધ પરાયણ વર્તનારા હોવાથી વિષય-સુખ સંમ્પાદન કરવા માટે જ અન્યાયથી પણ દ્રવ્યનો સંચય કરવા માટે ઉદ્યમ કરે છે. ।।૧૬- ૧૨।।

इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥१६- १३॥

આ આટલું આજ મેં મેળવ્યું. આટલો મનોરથ પૂરો થઇ જશે. આટલું દ્રવ્યાદિક સાધન તો છે. અને આટલું પણ ફરીથી પ્રાપ્ત થઇ જશે. ।।૧૬- ૧૩।।

असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥१६- १४॥

આ શત્રુ મેં મારી નાખ્યો અને હવે બીજા શત્રુઓને પણ મારી નાખીશ. હું સમર્થ છું. હું ભોગ-વિલાસ ભોગવવાવાળો છું. સઘળી સિદ્ધિઓ મારા આધીનમાં છે. તેથી હું બળવાન અને સઘળી રીતે સુખી છું. ।।૧૬- ૧૪।।

आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया ।
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥१६- १५॥
अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६- १६॥

મારે ધનસમ્પત્તિ પણ ખૂબ છે. અને ઘણા મોટા કુટુમ્બવાળો હું છું. મારા જેવો બીજો કોણ છે. ? હું યજ્ઞ કરીશ. દાન કરીશ. અને ખૂબ આનન્દ-મઝા કરીશ. આવા અજ્ઞાનથી મોહ પામી ગયેલા. ચિત્તમાં રહેલી અનેક ભ્રમણાઓથી ભ્રમિત થઇ ગયેલા. મોહજાળથી સમાવૃત-પૂર્ણ બન્ધન પામી ગયેલા. અને વિષય-ભોગમાં અત્યન્ત આસક્ત એવા આસુર જનો અતિ અપવિત્ર નરકમાં પડે છે. ।।૧૬- ૧૫-૧૬।।

आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१६- १७॥

તે પોતે પોતાનેજ શ્રેષ્ઠ માનનારા ઘમંડી લોક ધન, મન અને મદથી યુક્ત થઇને કેવળ નામ-માત્રના યજ્ઞોથી પાખંડ કરીને શાસ્ત્રવિધિ વિનાનું યજન-પૂજન કરે છે. ।।૧૬- ૧૭।।

अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१६- १८॥

તે મનુષ્યો અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધાદિક વિકારોને વશ થઇને બીજાઓની નિંદા કરનારા અને પોતાના અને બીજાઓના દેહમાં રહેલા અન્તર્યામી મને-મારોજ દ્વેષ કરનારા થાય છે. ।।૧૬- ૧૮।।

तानहं द्विषतः क्रुरान्संसारेषु नराधमान् ।
क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ॥१६- १९॥

આ પ્રમાણે દ્વેષ કરનારા પાપી નઠારા નિર્દય નરાધમોને આ સંસારમાં આસુરી યોનિઓમાંજ વારંવાર હું નાખું છું. ।।૧૬- ૧૯।।

आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥१६- २०॥

હે કૌન્તેય ! જન્મો-જન્મ આસુરી યોનિને પામેલા તે મૂઢ માણસો મને નહિ પામીનેજ પછી અધમ-અતિ નીચ ગતિને પામે છે. અર્થાત્‌ ઘોર નરકમાંજ પડે છે. ।।૧૬- ૨૦।।

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥१६- २१॥

કામ, ક્રોધ અને લોભ, એ આત્માનો વિનાશ-અધોગતિ કરનારા ત્રણ પ્રકારના નરકના દ્વારભૂત છે. માટેજ એ ત્રણેયનો ત્યાગ કરવો જોઇએ. ।।૧૬- ૨૧।।

एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥१६- २२॥

હે કૌન્તેય ! નરકના દ્વારરૂપ એ કામાદિક ત્રણેય વિકારોથી રહિત થયેલો પુરૂષ પોતાના કલ્યાણનો ઉપાય કરે છે. અને તે પછી પરમ-સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મનેજ પામે છે. ।।૧૬- ૨૨।।

यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः ।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥१६- २३॥
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥१६- २४॥

જે મનુષ્ય શાસ્ત્રપ્રતિપાદિત વિધિનો ત્યાગ કરીને પોતાની ઇચ્છા મુજબ આચરણ કરે છે તે નથી સિદ્ધિને પામી શકતો, કે નથી સુખને પામતો કે નથી જ પર ગતિને પણ પામતો. તે માટે તારે કાર્ય-અકાર્યની વ્યવસ્થાના નિર્ણયમાં શાસ્ત્રજ પ્રમાણ રૂપ છે. એમ જાણી-સમજીને આ લોકમાં શાસ્ત્રવિધાનથી કહેલું કર્મજ કરવાને તું યોગ્ય છે. ।।૧૬- ૨૩-૨૪।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसंपद्विभागयोगो नाम षोडशोऽध्यायः ॥१६॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ ।।૧૬।।