૦૫ પંચમોધ્યાય: કર્મસંન્યાસયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:16pm

અધ્યાય - ૫


श्रीपरमात्मने नमः
अथ पञ्चमोऽध्यायः

अर्जुन उवाच
संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥५- १॥

અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! એક વાર કર્મનો સમૂળગો ત્યાગ કરવાનું કહો છો, વળી-ફરીથી પાછા કર્મ કરવાંજ એમ કર્મયોગ પણ કહો છો. તો એ બેમાંથી જે શ્રેષ્ઠ માર્ગ હોય તે મને સુનિશ્ચિતપણે કહો ! ।।૫- ૧।।

श्रीभगवानुवाच
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥५- २॥

શ્રી ભગવાન કહે છે =
કર્મસંન્યાસ અને કર્મયોગ એ બન્નેય નિશ્ચિતપણે શ્રેયનેજ કરનારા છે, તો પણ તે બેમાંથી કર્મસંન્યાસ કરતાંય કર્મયોગ વિશેષપણે ચઢીયાતો છે. ।।૫- ૨।।

ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥५- ३॥

જે કશાયનો દ્વેષ નથી કરતો તેમ કશાયની ઇચ્છા પણ નથી કરતો, તે પુરૂષજ નિત્યસંન્યાસી છે એમ તેને જાણવો. અને હે મહાબાહો ! અર્જુન ! શોક-મોહદિક દ્વન્દ્વોથી રહિત થયેલોજ આ સંસારના બન્ધનથી સુખેથી-સહેલાઇથી મુકાઇ જાય છે. ।।૫- ૩।।

सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥५- ४॥

વળી સાંખ્ય-માર્ગ અને યોગ-માર્ગ એ બન્ને જૂદા છે એમ તો મૂર્ખાઓજ કહે છે, પણ કાંઇ પંડિતો એમ કહેતા નથી, કેમ કે – એ બેમાંથી એકને પણ સારી રીતે આશરેલો માણસ બન્નેના ફળને પામે છે. ।।૫- ૪।।

यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।
एकं सांख्यं च योगं च यः पश्यति स: पश्यति ॥५- ५॥

જે સ્થાન સાંખ્ય - માર્ગીઓ સાંખ્યથી પામે છે, તેજ સ્થાન કર્મયોગીઓ યોગથી પણ પામે છે. માટે એ રીતે સાખ્ય અને યોગ એ બન્નેને જે એકરૂપેજ જુએ છે તેણેજ ખરૂં તત્ત્વ જોયું એમ કહેવાય. અર્થાત્‌ તેનુંજ સમઝવું ખરૂં છે. ।।૫- ૫।।

संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥५- ६॥

હે મહાબાહો ! સંન્યાસ તો કર્મયોગ સિવાય ઘણા કલેશથી પણ પામવો અશક્ય છે. અને કર્મયોગ કરનારો મનનશીલ ઉપાસક પુરૂષ બ્રહ્મને બહુજ ઝડપથી અલ્પ સમયમાં પામે છે-પહોંચી જાય છે. ।।૫- ૬।।

योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥५- ७॥

જે કર્મયોગમાં જોડાયેલો છે, પોતાનું મન અને ઇન્દ્રિયો પણ જેણે સર્વથા જીતેલાં છે અને સર્વ ભૂત-પ્રાણીમાત્રના આત્મા-અન્તર્યામી પરમાત્મા તેજ પોતાના આત્મા-અન્તર્યામી છે એમ જે અનુભવે છે. તે પુરૂષ કર્મ કરવા છતાં પણ લેપાતો-બન્ધાતો નથી. ।।૫- ૭।।

नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यञ्श्रृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्‌गच्छन्स्वपञ्श्वसन् ॥५- ८॥
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥५- ९॥

કર્મયોગી તત્ત્વવેત્તા પુરૂષે ‘હું કાંઇ કરતોજ નથી,’ એમ માનવુંસમ ઝવું. અને પોતે જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂંઘતાં, ખાતાં, ચાલતાં, ઉંધતાં, શ્વાસ લેતાં અને મુકતાં, બોલતાં, મળમૂત્રાદિકનો ઉત્સર્ગ કરતાં, ગ્રહણ કરતાં, નેત્ર ઉઘાડતાં અને મીંચતાં પણ, ઇન્દ્રિયો પોત-પોતાના વિષયોમાં આપો-આપજ પ્રવર્તે છે એમ ધારીને સદાય અસંગપણે રહેવું. ।।૫- ૮-૯।।

ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥५- १०॥

જે પુરૂષ સર્વ કર્મો બ્રહ્મમાં અર્પણ કરીને ફળાસક્તિ છોડી દઇને કર્યા કરે છે, તો તે પુરૂષ જેમ જળથી કમળપત્ર અલગ રહે છે, તેમ પાપ-પુણ્યરૂપ કર્મથી પોતે લેપાતો નથી. ।।૫- ૧૦।।

कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि ।
योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥५- ११॥

માટેજ કર્મયોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અને એકલી ઇન્દ્રિયોથી પણ આત્મશુદ્ધિને માટે ફળાસક્તિ તથા અભિમાન છોડી દઇને કર્મ કર્યા કરે છે. ।।૫- ૧૧।।

युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।
अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥५- १२॥

કર્મયોગી જ્ઞાની પુરૂષ કર્મફળને છોડી દઇને નૈષ્ઠિકી-શાશ્વત શાન્તિને પામે છે. અને અયુક્ત-અણસમઝુ છે તે તો વાસનાયોગે કરીને પ્રેરાયો થકો ફળમાં આસક્ત થઇને બંધાઇ જાય છે. ।।૫- ૧૨।।

सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥५- १३॥

વશેન્દ્રિય પુરૂષ સર્વ કર્મનો મનથી સંન્યાસ-ત્યાગ કરીને નાકકાન વિગેરે નવ દ્વારવાળા આ કાયાનગરમાં કાંઇ પણ નહિ કરતો, કે નહિ કાંઇ કરાવતો-પ્રેરતો થકો આનન્દથી વર્તે છે. ।।૫- ૧૩।।

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥५- १४॥

જીતેન્દ્રિય સમર્થ યોગી પુરૂષ લોકનું દેવમનુષ્યાદિકરૂપે ઉત્પન્ન થનારા જીવલોકનું કર્તૃત્વ અને કર્મ તેને નથી સર્જતો, તેમજ કર્મફળના સંયોગને પણ નથી સર્જતો, પણ સ્વભાવ-જે પ્રકૃતિ તેનાથીજ આ બધું પ્રવર્તે છે. ।।૫- ૧૪।।

नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥५- १५॥

અને આત્મા તો વિભુ છે, માટે દેવ-મનુષ્યાદિક કોઇ પણ શરીરકૃત પાપ કે પુણ્યને ગ્રહણ કરતોજ નથી. અને પરમાત્મ-સ્વરૂપને નહિ જાણવું એ રૂપ અજ્ઞાનથી આત્માનું ધર્મભૂત જ્ઞાન આવરઇ ગયેલું હોવાથીજ પ્રાણીઓ આ સંસૃતિમાં મોહથી ફસાયા કરે છે. ।।૫- ૧૫।।

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥५- १६॥

જ્યારે એ પરમાત્મસ્વરૂપના જ્ઞાને કરીને જેમનું તે અનાદિ અજ્ઞાન નાશ કરી નાખ્યું છે, તેમનેજ તે આત્મસ્વરૂપનું જ્ઞાન અને પરમાત્મસ્વરૂપનું પરમ જ્ઞાન સૂર્યની માફક પ્રકાશે છે. ।।૫- ૧૬।।

तद्‌बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥५- १७॥

તે પરમાત્મસ્વરૂપમાં જેમની બુદ્ધિ અને મન સ્થિર થયેલાં છે, તેમાંજ જે દૃઢ નિષ્ઠાવાળા છે અને તત્પરાયણ-તદેકપર વર્તનારા છે. તો તેવા ઉપાસનરૂપ જ્ઞાનથી જેમનાં કલ્મષ સમૂળ નાશ પામી ગયાં છે તે પુરૂષોજ પુનરાવૃત્તિવર્જીત પરમ ધામને પામે છે. ।।૫- ૧૭।।

विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥५- १८॥

અને તેવા પંડિતો-જ્ઞાની ભકતો વિદ્યા અને વિનયાદિકથી સમ્પન્ન, બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વપાક જાતિના માણસમાં પણ સમદૃષ્ટિવાળાજ હોય છે. ।।૫- ૧૮।।

इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः ।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥५- १९॥

જેમનું મન આવા સમ-ભાવમાં સ્થિર થયેલું છે તેઓએ તો આ જન્મમાંજ માયાનો સર્ગ જીતી લાધો છે. કારણ કે બ્રહ્મ-પરબ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી તે સમદૃષ્ટિવાળા બ્રહ્મમાંજ સ્થિત વર્તે છે. ।।૫- ૧૯।।

न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् ।
स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः ॥५- २०॥

મનગમતી પ્રિય વસ્તુ પામીને નથી હર્ષ પામતો, કે અપ્રિયઅણગમતી વસ્તુ પામીને નથી ઉદ્વેગ પામતો, આવો સ્થિર બુદ્ધિવાળો અસમ્મૂઢ બ્રહ્મવિદ પુરૂષ પરબ્રહ્મમાં સ્થિર છે. એમ જાણવું. ।।૫- ૨૦।।

बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् ।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥५- २१॥

બાહ્ય વિષયોના સ્પર્શમાં-સુખાસ્વાદમાં આસક્તિએ રહિત મનવાળો જે પુરૂષ આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મસ્વરૂપના સુખનો અનુભવ કરે છે, તે પુરૂષજ બ્રહ્મસ્વરૂપમાં યોગયુક્ત-સ્થિર મન કરવાથી અક્ષય સુખને પામે છે. ।।૫- ૨૧।।

ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते ।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥५- २२॥

વિષયોના સંસર્ગજન્ય જે ભોગવિલાસ છે, તે ખરેખર દુ:ખનાજ કારણભૂત છે. અને તે પણ આદિ-અન્તવાળા હોવાથી હે કૌન્તેય ! ડાહ્યા-બુદ્ધિમાન મનુષ્યો તેમાં રમતા નથી. ।।૫- ૨૨।।

शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् ।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥५- २३॥

જે પુરૂષ આ જન્મમાંજ શરીર છૂટતા પહેલાં કામ-ક્રોધાદિકના વેગને સહન કરવા શક્તિમાન થાય છે, તે પુરૂષજ મોક્ષને લાયક છે. અને એજ પરમ સુખી છે. ।।૫- ૨૩।।

योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥५- २४॥

જે અન્તરાત્મામાંજ સુખી છે, અન્તરાત્મામાંજ આરામ કરનારો છે તથા જેને અન્તરમાં સ્વ-પરસ્વરૂપનો પ્રકાશ થયેલો છે, તે બ્રહ્મરૂપ થયેલો યોગી બ્રહ્મનિર્વાણને પામે છે. ।।૫- ૨૪।।

लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥५- २५॥

જેઓનાં પાપ સર્વથા ક્ષીણ-નષ્ટપ્રાય થઇ ગયાં છે. શોક-મોહાદિક તથા સ્વ-પરનો ભેદભાવ જેમને છેદાઇ ગયો છે, જેમનું મન સર્વથા નિયમમાં રહેલું છે. અને જેઓ સર્વ ભૂત-પ્રાણીમાત્રના હિતમાંજ તત્પર થઇને જોડાયેલા છે, તેવા આત્મદર્શી પુરૂષોજ  બ્રહ્મનિર્વાણબ્રહ્મસાક્ષાત્કારજન્ય પરમ શાન્તિને પામે છે. ।।૫- ૨૫।।

कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥५- २६॥

તેમજ કામ ક્રોધાદિકથી રહિત થયેલા, જેમનું ચિત્ત પણ સુસંયત છે અને આત્મતત્ત્વ પણ જેમણે જાણી લીધું છે. એવા પ્રયત્નશીલ પુરૂષોનેજ બ્રહ્મનિર્વાણ સર્વ પ્રકારે સદાય સમીપમાંજ વર્તે છે. ।।૫- ૨૬।।

स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥५- २७॥
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः ।
विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥५- २८॥

બહારના વિષયોને બહાર-દૂર કરીને, દૃષ્ટિ ભ્રકુટિના મધ્ય-ભાગમાંજ રાખીને, નાસિકામાર્ગે ગમન કરતા પ્રાણ-અપાન વાયુને સમાન ગતિવાળા કરીને, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયમમાં રાખીને જે ઇચ્છા, ભય અને ક્રોધાદિક વિકારથી રહિત થઇને મોક્ષપરાયણ વર્તનારો મુનિ છે, તે સદાય દેહદશામાં પણ મુક્તજ-મુક્તપ્રાયજ છે. ।।૫- ૨૭-૨૮।।

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥५- २९॥

યજ્ઞ અને તપ વિગેરેનાં ફળને ભોગવનાર, સર્વ લોકનો મહેશ્વર-પરમ નિયામક અને સર્વભૂત-પ્રાણીમાત્રનો પરમ સુહ્રદ એવો જે હું તે મને જાણીને ઉપાસીને પરમ શાશ્વત શાન્તિને પામે છે. ।।૫- ૨૯।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मसंन्यासयोगो नाम पञ्चमोऽध्यायः ॥ ५ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સંન્યાસયોગો નામ પંચમોઽધ્યાયઃ ।।૫।।