અલબેલાજી પ્રાણ આધાર રે, તમ પર વારી રે (૪) ?

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:01pm

રાગ - ગરબી

પદ ૧

અલબેલાજી પ્રાણ આધાર રે,  તમ પર વારી રે,

તારે નેણે  તે નંદકુમાર રે, મોહી વ્રજનારી રે . . .૧

છોગાંવાળા મનોહર છેલ રે, નંદજીના લાલા રે,

ગુણવંતા આવીશ  તારે ગેલ રે, વ્રજપતિ વહાલા રે . . .૨

મીઠાબોલા રંગીલા માવ રે, લાગ્યો છે નેડો રે,

નહિ મેલું હું નટવર નાવ રે, કાન  તારો કેડો રે . . .૩

છબી જોઈને અલૌકિક શ્યામ રે, મોહ્યું મન મારું રે,

બ્રહ્મમુનિ કહે  તન ધન ધામ,  તારા નામ પર વારું રે . . .૪

 

પદ - ૨

મારા જન્મ સંગાથી જદુરાય રે, ગિરિવર ધારી રે,

તારી મૂર્તિ વસી છે મનમાંય રે, ન મેલું ઘડી ન્યારી રે . . .૧

તમ સાથે રંગીલા નાથ રે, બાંધી છે બેલી રે,

મારો હેતે ઝાલ્યો છે  તમે હાથ રે, માં દેશો મેલી રે . . .૨

મારા  પ્રીતમ જીવન પ્રાણ રે, જીવું છું જોઈને રે,

તમ સંગે કરી છે ઓળખાણ રે, લોકલજજા ખોઈને રે. . .૩

રસિયાજી મારે ઘેર રાત રે, આવીને રહોને રે,

બ્રહ્મમુનિ કહે દીલડાની વાત રે, એકાંતે આવી કહોને રે. . .૪

 

પદ - ૩

આજ ગઈ’તી કાલદીને  તીર રે, ભરવાને પાણી રે,

મેંતો જોયા ત્યાં બળભદ્રવીર રે, મોહન દાણી રે. . . ૧

શોભે ફુલડાનો  તોરો એને શીશ રે, કસુંબલ ફેંટો રે,

ઉભા ડોલરિયો જગદીશ રે, રંગીલો ઓઢી રેંટો રે. . . ૨

કર્યું તિલક કેસર કેરું ભાલ રે, ફુલડાની માળા રે,

વ્હાલો ચાલે છે હંસ કેરી ચાલ રે, લાગે છે રૂપાળા રે. . . ૩

ખેલે સર્વે ગોવાળાને સાથ રે, આનંદી અલબેલો રે,

જોયા બ્રહ્મમુનિનો નાથ રે, રંગડાનો રેલો રે. . . ૪

 

પદ - ૪

તારી નવલ છબી નંદલાલ રે,  પ્રીતમ પ્યારા રે,

હું  તો નિરખીને થઈ છું નિહાલ રે, જીવન મારા રે . . . . ૧

મુખે બોલો મનોહર વેણ રે, અતિ સુખકારી રે,

મારી લગની લાગી છે દિનરેણ રે, કુંજવિહારી રે . . . . ૨

શોભે સોનેરી શિર પાઘરે, કાનમાં મોતી રે,

મારા રસિયા માણિગર માવ રે, રહું છું નિત્ય જોતી રે . . . . ૩

મારા હૈડામાં નાથ હંમેશ રે, દર્શન દેજો રે,

બ્રહ્મમુનિ કહે નટવરવેશ રે, આંખડલીમાં રહેજો રે . . . . ૪

Facebook Comments