૨૧ ગોપીઓ દ્વારા થયેલું શ્રીકૃષ્ણના વેણુનાદનું વર્ણન.

Submitted by swaminarayanworld on Mon, 16/11/2015 - 5:18pm

અધ્યાય ૨૧

ગોપીઓ દ્વારા થયેલું શ્રીકૃષ્ણના વેણુનાદનું વર્ણન.

શુકદેવજી કહે છે- આવી રીતે વૃંદાવન શરદઋતુને લીધે સ્વચ્છ જળવાળું અને કમળોના સમૂહથી સુગંધીમાન વાયુથી વ્યાપ્ત હતું આવાં વૃંદાવનમાં ગાયો અને ગોવાળોની સાથે ભગવાન પધાર્યા. ૧  ખીલેલાં પુષ્પોથી યુક્ત વૃક્ષોની ઘટાઓમાં મદોન્મત્ત ભમરાઓ અને પક્ષીઓથી શબ્દાયમાન થયેલાં સરોવરો, નદીઓ અને પર્વતોથી વ્યાપ્ત એવા વૃન્દાવનમાં પ્રવેશ કરીને ભગવાન શ્રીકૃષ્ણ ગોપબાળકોની સાથે તથા બળદેવજીની સાથે ગાયો ચારતાં વાંસળી વગાડવા લાગ્યા. ૨  કેટલીક વ્રજની સ્ત્રીઓ કામદેવને ઉત્પન્ન કરનાર વેણુનાદ સાંભળીને પોતાની સખીઓ પાસે શ્રીકૃષ્ણનું વર્ણન કરવા લાગી. ૩  લીલાનું સ્મરણ કરતી ગોપીઓએ વર્ણન કરવા માંડ્યું પણ કામદેવના વેગથી મન વ્યાકુળ થઇ જતાં વર્ણન થઇ ન શક્યું. ૪

મસ્તકમાં મોરપીછનો મુગટ, કાનમાં ર્કિણકારનાં ફૂલ, શરીરપર સોના જેવું પીળું વસ્ત્ર અને કંઠમાં વૈજયન્તીમાળાને ધારણ કરતા, નટનીપેઠે શોભતા, ઉત્તમ શરીરવાળા, પોતાના નીચલા હોઠના અમૃતથી વેણુના છિદ્રને પૂરતા, અને ગોવાળો જેમના યશનું ગાયન કરતા હતા, એવા ભગવાન પોતાના ચરણ ચિહ્નોથી રમણીય એવા વૃંદાવનમાં પધાર્યા, અને ત્યાં બંસીનાદ ગજાવ્યો.૫   હે રાજા ! આ પ્રમાણે સર્વ પ્રાણીઓના મનને હરનાર વેણુનાદ સાંભળીને કામાતુર થઇ જતાં પણ વર્ણન કરવા લાગેલી સર્વે ગોપીઓ વર્ણન કરતાં કરતાં પદેપદે મનથી ભગવાનનું આલિંગન કરતી હતી. ૬  હે સખીઓ ! મિત્રોની સાથે પશુઓને વનમાં લઇ જતા બલરામ અને શ્રીકૃષ્ણનું વેણુ વગાડતું અને સ્નેહ ભર્યા કટાક્ષને મૂકતું મુખારવિંદ જેમણે જોયું તેઓને જ નેત્રનું ફળ મળ્યું, એ વિના નેત્રવાળાઓને પોતાના નેત્રનું બીજું કાંઇ ફળ અમો જાણતી નથી. ૭   બીજી ગોપી કહેવા લાગી કે, આંબાનાં કૂંપળો, મોર પીછ, ફૂલનાગુચ્છ અને કમળોની માળાઓને લીધે શોભતા નીલ અને પીત વસ્ત્રોથી વિચિત્ર વેષવાળા, બળદેવ અને શ્રીકૃષ્ણ કોઇ સમયે ગાયન કરતાં નાટકશાળામાં ઉત્તમ નટની પેઠે ગોવાળોની સભામાં બહુ જ શોભતા હતા. ૮  અહો ! ગોવાળોના પુણ્યની શી વાત ! હે ગોપીઓ ! ભગવાનના અધરનું અમૃત ગોપીઓને ભોગ્ય છે તોપણ તેને આ વેણુ પોતે એકલી જ સ્વતંત્રપણે થોડો જ રસ બાકી રહે એવી રીતે પીએ છે કે જે જોઇને તેને પોતાના જળથી ઉછેરનારી તેની મા જેવી નદીઓ ખીલી રહેલા કમળોના મિષથી રોમાંચિત થયેલી જણાય છે, અને જે વૃક્ષોના વંશમાં એ વેણુ ઉત્પન્ન થયો છે તેઓ, જેમ ભગવત્સેવકોને ઉત્પન્ન થયેલા જોઇ કુળના વૃદ્ધપુરુષો રોમાંચિત થઇને આનંદના અશ્રુ મૂકે, તેમ પ્રફુલ્લિત થઇને મકરંદની ધારાના મિષથી આંસુ મૂકે છે, માટે એ વેણુએ કયું પુણ્ય કર્યું હશે ? ૯  હે સખી ! આ વૃંદાવન સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની ર્કીતિને વધારે છે. કેમ કે દેવકીના પુત્રનાં ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે અને આ વૃંદાવનમાં ભગવાનના વેણુ નાદને સાંભળીને તેને મંદ ગર્જનાવાળો નીલમેઘ માની મદોન્મત્ત થયેલા મયૂરો નાચવા લાગી જાય છે, તે નાચને જોઇને પર્વતનાં શિખરોમાં બીજાં સર્વે પ્રાણીઓ પોતપોતાની ક્રિયાઓ છોડી દે છે. માટે આવો આનંદ બીજા કોઇ લોકમાં નથી. ૧૦  હે સખી ! આ મૃગલીઓ મૂઢ બુદ્ધિવાળીછે છતાં પણ ધન્ય છે કે જે બંસીનાદને સાંભળી સ્નેહપૂર્વક દૃષ્ટિ કરીને વિચિત્ર વેષવાળા કૃષ્ણનું સન્માન કરે છે, અને તે પણ પોતાના પતિ કાળીયાર મૃગોની સમક્ષમાં કરે છે. (આપણા પતિ એવા ક્ષુદ્ર છે, કે આપણે તેની હાજરીમાં એમ કરીએ તો કદી સહન કરે નહીં). ૧૧  હે ગોપીઓ ! આશ્ચર્યની વાત સાંભળો. જેનાં રૂપ અને વેષ સ્ત્રીઓને આનંદ આપનાર છે, એવા કૃષ્ણને જોઇ તથા તેમણે વગાડેલ વિચિત્ર વેણુનું ગાયન સાંભળીને, વિમાનોમાં બેસીને જતી દેવાંગનાઓ પોતાના સ્વામીના ખોળામાં બેઠેલી છતાં પણ કામદેવથી વ્યાકુળ થઇને મોહ પામી જાય છે, તેના ચોટલામાંથી ફૂલ સરકી જાય છે, અને તેના ચણિયાનાં બંધનો ઢીલાં પડી જાય છે. ૧૨  ગાયો અને વાછરડાં ભગવાનના મુખમાંથી નીકળેલું વેણુગીતરૂપ અમૃતને કાનરૂપી પડીઆથી પીતાં પીતાં આંસુ આવી જવાથી પોતાની સર્વે ક્રિયા ભૂલી જાય છે. ધાવતાં વાછરડાં વેણુના નાદ સાંભળી ધાવવું છોડી દે છે, એટલું જ નહીં પણ મોઢાંમાં જે ધાવણ આવ્યું હોય તેને પીધા વિના એમને એમ રાખી મૂકે છે, અને ગાયો પણ દૃષ્ટિ માર્ગવડે મનમાં ભગવાનનું આલિંગન કરવા લાગી જાય છે. ૧૩ હે મા ! આ વનમાં જે પક્ષીઓ છે તે મુનિઓ હોવા જોઇએ, કેમકે મુનિઓ જેમ વેદરૂપી વૃક્ષની શાખા ઉપર આધાર રાખીને ભગવાનનું જે રીતે દર્શન થાય, એ રીતે કામ્ય કર્મફળનો ત્યાગ કરીને ભગવાનમાં જ એક દૃષ્ટિ રાખી કરી, સખિયા થઇને  ભગવાનનો મહિમા સાંભળે છે. તેમ આ પક્ષીઓ પણ સુંદર કૂંપળો વાળી વૃક્ષની શાખા ઉપર બેસી, પોતાને ભોગ્ય ફળાદિકનો ત્યાગ કરી, કેવળ ભગવાનનાં દર્શન થાય એવી રીતે પોતાની સર્વે શારીરિક ચેષ્ટાઓ છોડી દઇને ભગવાનના વેણું નાદને જ સાંભળે છે. ૧૪  આ સચેતન પ્રાણીઓની વાત તો ઠીક. પરંતુ નદીઓ પણ ભગવાનનો બંસીનાદ સાંભળીને જાણે પાણીમાં પડતી ભમરીઓરૂપી કામદેવને લીધે મંદવેગવાળી થઇ સ્થિર બની જાય છે. અને પોતાના તરંગોરૂપી હસ્તથી ભગવાનના ચરણમાં કમળ અર્પણ કરીને જાણે આલિંગન કરેછે.૧૫  તડકામાં બળદેવ અને ગોવાળોની સાથે વ્રજના પશુઓને ચારતા અને વેણુનો નાદ કરતા પોતાના મિત્ર ભગવાનને જોઇને મેઘ તેમના ઉપર પ્રેમથી વૃદ્ધિ પામી, ફૂલ જેવા પોતાના છાંટા નાખે છે, અને પોતાના શરીરથી છત્ર છાયા કરે છે. ૧૬  પ્રથમ લક્ષ્મીજીના સ્તન ઉપર લગાડેલું, અને પછી ક્રીડા સમયે લક્ષ્મીજીએ પ્રેમને વશ થઇને ભગવાનના બન્ને ચરણ પોતાના સ્તન ઉપર ધારણ કરેલાં હોવાથી, ભગવાનના ચરણમાં કુંકુમ લાગેલું હોય છે. પછી જયારે ભગવાન  વનમાં વિચરણ કરતા હોય ત્યારે ઘાસ ઉપર ચોટેલું અને સહજે લાલ ચરણ કમળની લાલાશથી અત્યંત લાલ બનેલું કુંકુમને જોઇને કામના તાપથી પીડાયેલી ભીલડીઓ ઘાસ ઉપર લાગેલા એ કુંકુમને પોતાના મુખ ઉપર તથા સ્તન ઉપર લગાવીને એ માનસિક તાપને દૂર કરે છે. માટે ભીલડીઓ પણ આપણા કરતાં અધિક ભાગ્યશાળી છે. ૧૭  હે સખીઓ ! આ ગોવર્ધન પર્વત અવશ્ય ભગવાનનો કોઇ મોટો ભક્ત જણાય છે, કેમકે તેને બલરામ અને કૃષ્ણના ચરણનો સ્પર્શ મળતાં તૃણાદિક બહાર નીકળી આવવાના મિષથી રુંવાડાં ઉભાં થઇ જતાં દેખાય છે અને એ પર્વત ગાયો તથા ગોવાળોની સાથે બલરામ અને શ્રીકૃષ્ણને પાણી, ઉત્તમ ઘાસ, ગુફાઓ તથા કંદમૂળ આપીને સન્માન કરે છે. અને કુદરતી વનની શોભા પણ એ બન્ને ભાઇઓને માન આપે છે. ૧૮   ગાયોના (દોહતી વખતે) પગ  બાંધવાના શેલાને  માથા પર વીંટી લેવાથી અને બહુ બળવાન તથા તોફાની ગાયોને બાંધીને ખેંચી જવા માટેની રાશોને ખભા ઉપર રાખવાથી મોટા ગોવાળની શોભા દેખાડતા એ બન્ને ભાઇઓ જયારે  ગોવાળોને સાથે લઇ વનમાં ગાયો ચારે છે, ત્યારે મધુર સ્વરવાળા વેણુના નાદ સાંભળી જંગમ પણ સ્થાવરની પેઠે સ્થિર થઇ જાય છે, અને વૃક્ષાદિ જેઓ સ્થિરછે તે વેણુ સાંભળીને ડોલવા માંડે છે, એથી મોટું આશ્ચર્ય થાય છે. ૧૯  શુકદેવજી કહે છે- આ પ્રમાણે વૃંદાવનમાં ફરનારા ભગવાનની ક્રીડાનું પરસ્પર એકબીજાની પાસે વર્ણન કરતી ગોપીઓ ભગવાન મય થઇ ગઇ હતી. ૨૦

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એકવીશમો અધ્યાય સંપૂર્ણ.