પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૬

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 12:29pm

દોહા

એમ કહ્યું’તું કૃપા કરી, હરિજન પર કરી હિત ।

જે જે મેં લીલા કરી, તે જન ચિંતવજો નિત ।।૧।।

જનમ કરમ જે માહેરાં, ગાયે સાંભળે સંભારે સોય ।

તે જન જરૂર જાણજો, મારા ધામના વાસી હોય ।।૨।।

એમાં કાંઈ અટપટુ નથી, જાણી લેજો જન જરૂર ।

અન્ય ઊપાય અળગા કરી, ધારી લિયો એટલું ઊર ।।૩।।

ભવજળ પાર ઊતરવા, જાણો મારાં ચરિત્ર છે ઝાજ ।

માટે સૌને સંભારવાં, એમ શ્રીમુખે કહે મહારાજ ।।૪।।

ચોપાઈ

એ છે વાત ધારવા જેવી રે, ધારી વિચારી સહુને લેવી રે ।

જોવા મુકતને મધ્યે મહારાજ રે, સહુ લઈ પોતાનો સમાજ રે ।।૫।।

પૂજયા મુનિએ બહુ પ્રકારે રે, સુંદર લઈ ષોડશ ઊપચારે રે ।

કરે સ્તુતિ મુનિ જોડી હાથ રે, એવી રીત્યે સંભારે જે નાથ રે ।।૬।।

એતો ચિંતવન છે જો એવું રે, બ્રહ્મમો’લે લઈ જાવા જેવું રે ।

વળી મળતા મુનિને મહારાજ રે, લેતા ચરણ છાતિયે મુનિરાજ રે ।।૭।।

વળી જમાડતા મુનિ જન રે, ભાત્ય ભાત્યનાં લઈ ભોજન રે ।

પ્રેમે પિરસતા પોતે નાથ રે, લઈ લાડવા જલેબી હાથ રે ।।૮।।

નાના કરતાં જમાડતા જોરે રે, એવી મૂર્તિ સંભારો નિશ-ભોરે રે ।

આપે મુખમાં લાડુ જલેબી રે, આવે સુખ સંભારે એ છબી રે ।।૯।।

દેતા દહીં દૂધ દોવટ રે, ઢોળી માથે હસી ચાલે ચટ રે ।

ખાંડ સાકર દેતા પોશ ભરી રે, એવી મૂર્તિ રાખો રુદે ધરી રે ।।૧૦।।

એમ સંભારતાં ઘનશ્યામ રે, નિશ્ચે પામશો પરમ ધામ રે ।

વળી ચિંતવો ચટકંતી ચાલ રે, જોતાં લટકાં થાશો નિહાલ રે ।।૧૧।।

હસવું બોલવું રમવું સંભારી રે, ત્રોડે તાન તાળી સુખકારી રે ।

અંગ દબાવતાં અવિનાશ  રે, બહુ બળે દાબતા તે દાસ રે ।।૧૨।।

શીત ઋતુમાંહી સંભારતાં રે, જોયા છાતી કાઢિને તાપતાં રે ।

ચકમો ચોફાળ ને રજાયે રે, એવા સંભારી રાખો ઊરમાંયે રે ।।૧૩।।

ઊષ્ણ ઋતુમાંહિ અવિનાશી રે, સંભારતાં મૂર્તિ સુખરાશી રે ।

નાખે પંખે શું દાસ પવન રે, શીતળ છાયાયે બેસી જીવન રે ।।૧૪।।

પીતા નીર નિર્મળ નાથ રે, પેટ ઊપર ફેરવતા હાથ રે ।

પીતા પય-શરકરા સારી રે, એવી મૂર્તિ રાખો ઊર ધારી રે ।।૧૫।।

ચોમાસામાં ઓઢેલ કામળી રે, ધરી છતરી શિરપર વળી રે ।

એમ સંભારી શ્યામ સુખકારી રે, થાયે અક્ષરધામ અધિકારી રે ।।૧૬।।

હૈયે હાર અપાર સહિતે રે, રાખે હરિ મૂર્તિ હેતે પ્રીતે રે ।

સુંદર ચાંદલા સહિત લલાટ રે, જોવું બ્રહ્મમોહોલ જાવા માટ રે ।।૧૭।।

જેજે રીત્યે જોયા જન જેણે રે, કરી લીધું નિજ કાજ તેણે રે ।

જેજે એમ ચિંતવેછે જન રે, તેતે પામે અક્ષર પત્તન રે ।।૧૮।।

એવો મોટો છે આ અવતાર રે, સર્વે રીતે છે સહુને પાર રે ।

ઘનશ્યામ નામનો એ અર્થ રે, કરવા હરિ સહુને સમર્થ રે ।।૧૯।।

તેમ સહુ જનને સુખ દેવારે, પ્રભુ પ્રગટ્યા આ સમે એવા રે ।

આપ્યો બહુ જનને આનંદ રે, સુખદાયક શ્રીસહજાનંદ રે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષોડશઃ પ્રકારઃ ।।૧૬।।