૧૩૮. જેતલપુરનાં દયારામ, જોઇતો ભકત, દયાળજી તથા કુશળ કુવં રબાઇને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:25pm

પૂર્વછાયો- એક સાંભરી સારી વારતા, સતસંગીને સુખદેણ ।

વીતિ તે નથી વખાણતો, કહું દીઠી જે મારે નેણ ।।૧।।

ધન્યધન્ય સતસંગીને, જેના પુણ્યનો નહિ પાર ।

ધન્યધન્ય શ્રીમહારાજને, જેણે આપ્યા પરચા અપાર ।।૨।।

જોઇ પરચા જનના, જે નહિ માને નરનાર ।

તેજ અભાગી તન છતાં, મરી જાશે જમને દ્વાર ।।૩।।

એ જન જાણે આસ્તિકી, જેને સાચું મનાણું મન ।

કહું હવે ર્કીિત કથી, હરિ હરિજનની પાવન ।।૪।।

ચોપાઇ- ધન્યધન્ય જેતલપુર ગામ, વાલે જેને કયુર્ં નિજધામ ।

તેમાં મરે પાપી નરનાર, તે પણ ન જાય જમને દ્વાર ।।૫।।

તેમાં પરચા આપ્યા વાલે બહુ, જાણે છે જન ગામના સહુ ।

મોટા મોટા કર્યા જયાં જગન, ખુટ્યાં નહિ ગોળ ઘૃત અન્ન ।।૬।।

એમાં પરચા આપ્યા પળેપળે, તેતો કેમ લખાય કાગળે ।

પણ કહું છું એક બે વાત, હરિભક્તતણી વિખ્યાત ।।૭।।

એક દ્વિજ ભક્ત દયારામ, પ્રભુ પધારિયા તેને ધામ ।

આવ્યા પંખાળી ઘોડિયે ચડી, હૈયે હારને હાથમાં છડી ।।૮।।

જોઇ જન થયો રળિયાત, અહો આ સઇ આશ્ચર્ય વાત ।

અતિપ્રેમમાંઇ લાગ્યો પાય, ઢાળી ઢોલીયો બેસાર્યા ત્યાંય ।।૯।।

નિયુર્ં ઘોડીને નીલેરૂં ઘાસ, ઉભો હાથ જોડી આગે દાસ ।

આપો આગન્યા કરાવું થાળ, દયા કરીને જમો દયાળ ।।૧૦।।

મારી બોન છે બીજે ભવન, કહું તેને કરે દરશન ।

કહે નાથ આવ્યા છાના અમે, ઝાઝું જાહેર ન કરો તમે ।।૧૧।।

આજ જાવું છે ગામ ડભાણ્ય, એક જનને તેડવા જાણ્ય ।

આંહિ રહેવું છે ઘડી બેચાર, પછી તર્ત થાવું છે તૈયાર ।।૧૨।।

માટે આવ્ય ઓરો આપુ હાર, જાતો ઝાઝી કરીશ માં વાર ।

દીધો હાર ગયો દયારામ, થયા અદૃશ્ય સુંદર શ્યામ ।।૧૩।।

ઘેરે આવ્યાં બેઉ બેન ભાઈ, નાથ ન દીઠા મંદિરમાંઇ ।

પછી કાઢી ગામમાં ખબર, નાથ આવ્યા છે કોઇને ઘેર ।।૧૪।।

પરસ્પર સહુને પૂછી વળ્યા, પણ વાલોજી ક્યાંઇ ન મળ્યા ।

કહે સત્સંગી બેસો જઇ ઘેરે, પ્રભુ વિરાજે છે કચ્છ તેરે ।।૧૫।।

કહે દયારામ તેહવાર, આ જો આપ્યો હમણાંજ હાર ।

કહે સતસંગી ધન્યધન્ય, થયું અલૌકિ તને દરશન ।।૧૬।।

આપ્યો પ્રભુએ પરચો આજ, ધન્ય ભાગ્ય તારાં દ્વિજરાજ ।

વળી એહ ગામમાંઇ એક, આપ્યો પર્ચો કહું કરી વિવેક ।।૧૭।।

એક દ્વિજ ભક્ત છે નિષ્કામ, જાણજયો જોયતો તેનું નામ ।

તેના દેહનો આવિયો અંત, આવ્યા માસ મોરે ભગવંત ।।૧૮।।

અલૌકિક રૂપે આવ્યા નાથ, જોઇ જન થયો છે સનાથ ।

કહે જન ધન્ય ભગવાન, દિધાં દાસને દર્શનદાન ।।૧૯।।

કરૂં રસોઇ જમીયે આજ, મહેર કરી મુંપર મહારાજ ।

કહે નાથ તું કર રસોઇ, આજ જમશું જાણજયે સોઇ ।।૨૦।।

પછી જોયતે કર્યાં ભોજન, જમ્યા ભાવેશું જગજીવન ।

પછી આપ્યો સુંદર મુખવાસ, હાથ જોડી બેઠો પ્રભુપાસ ।।૨૧।।

ત્યારે બોલિયા એમ મહારાજ, અમે આવ્યા છીએ તારે કાજ ।

તને કહેવી છે વારતા એક, હૈયે ધારજયે કરી વિવેક ।।૨૨।।

તારૂં તન તે પામશે નાસ, એહ આડો રહ્યો એક માસ ।

નાવા જાઇશ કુપમાં નીરે, પડશે કુપ લાગશે શરીરે ।।૨૩।।

ત્યારે છુટી જાશે તન તારૂં, માનજયો વચન એ અમારૂં ।

આવશું તેડવા તને અમે, સહાય કરશું વસમે સમે ।।૨૪।।

રહેજયે આનંદમાંહિ તું જન, કરજયે નારાયણનું ભજન ।

આ વાત તું કહેજયે એક પાસ, જે હોય નકિ પ્રભુનો દાસ ।।૨૫।।

એમ કહી રહ્યા જયારે નાથ, ત્યારે વિપરે જોડિયા હાથ ।

એક સતસંગી બોન મારી, તે તો ઇચ્છે તમને બિચારી ।।૨૬।।

તેને દર્શન દિયો દયાળ, તો હું તેડી લાવું તતકાળ ।

ગયો વિપર તેડવા કાજ, કેડ્યેથકી પધાર્યા મહારાજ ।।૨૭।।

તેડી લાવ્યો છે બોનને ભાઇ, પડ્યું દિઠું પત્રાવળું ત્યાંઇ ।

જોઇ પસ્તાપ કરે છે જન, કેમ રહ્યા નહિ ભગવન ।।૨૮।।

કહે જોઇતો એ મારે કાજ, આવ્યાતા અલબેલો મહારાજ ।

મને કહિ ગયા છે વચન, માસ પછી તું તજીશ તન ।।૨૯।।

માટે આ વાત કેને મ કહેજયે, તારા મનમાં સમઝી રહેજયે ।

પછી પુરો થયો જયારે માસ, ત્યારે આવ્યા પોત્યે અવિનાશ ।।૩૦।।

તેડી ચાલ્યા જનને જીવન, થયાં બીજાને પણ દર્શન ।

એહ પ્રતાપ નાથનો જોઇ, જન મગન થયાં સહુ કોઇ ।।૩૧।।

એક વારતા કહું વખાણી, લેજયો સામર્થી નાથની જાણી ।

મહી તીરે છે ગામ ચમારા, તેમાં ભક્ત સુતાર છે સારા ।।૩૨।।

નામ દ્યાળજી ભક્ત ભણિએ, સાચો ભક્ત સ્વામીનો ગણિએ ।

અતિનિર્મળ કોમળ ચિત્ત, જેને પ્રકટ પ્રભુમાં પ્રીત ।।૩૩।।

તેના દેહનો આવિયો અંત, આવ્યા તેડવા સ્વામી ને સંત ।

મુનિ મંડળ છે સર્વે સાથ, આવ્યા દયાળજી પાસે નાથ ।।૩૪।।

ધાયું દર્શને સરવે ગામ, કહે પધાર્યા સુંદરશ્યામ ।

દિધાં દયાળજીને દર્શન, નિરખી નાથને થયો મગન ।।૩૫।।

કહે ઉઠો ભાઇઓ સહુ મળી, કરો વાલાની ચાકરી વળી ।

આપો ઘોડાને ચાર નીલેરી, કરાવિએ રસોઇ વેલેરી ।।૩૬।।

જમે મહારાજ ને મુનિજન, આજ પધાર્યા છે ઘણે દન ।

એમ કહિને ઉઠિયો આપ, કહે બહુ દને થયો મેળાપ ।।૩૭।।

સર્વે ઘરનાં માણસ રહ્યાં જોઇ, દેખે દ્યાળજી ન દેખે કોઇ ।

કહે ગામ લોક અમે આજ, આવ્યા ત્યાં સુધી દીઠા મહારાજ ।।૩૮।।

કહે દ્યાળજી આ ઉભા આપ, બહુ હેત ભર્યા મારો બાપ ।

હું તો જાઉં છું મહારાજ ભેળો, એમ કહેતાં દેહ તેહ ઢળ્યો ।।૩૯।।

સહુ રહ્યાં છે આશ્ચર્ય પામી, કહે ધન્યધન્ય સમર્થ સ્વામી ।

સાચા તમે સાચો સતસંગ, પાપી જીવ નહિ કરે પ્રસંગ ।।૪૦।।

આવી રીત્યે ક્યાંથી છુટે દેહ, મોટા મુનિને દુર્લભ એહ ।

થયો પચોર્ કહે સહુ મળી, કહું વાત બીજી લ્યો સાંભળી ।।૪૧।।

એક કણબી કુશળબાઇ, જેને પ્રીત અતિ પ્રભુમાંઇ ।

થઇ તાણ્ય નિરખવા નાથ, ચાલ્યાં દર્શને લઇ સંગાથ ।।૪૨।।

આવી રજની રહ્યાં ડભાસે, અંતરે હરિ મળવા આશે ।

જંપ ન વળે જંખના ભારી, ક્યારે નિરખું શ્યામ સુખકારી ।।૪૩।।

અતિ તલફે તન મનમાંઇ, થઇ આતુર ગઇ અકળાઇ ।

અતિ પ્રેમવશ થયા પ્રાણ, નાડી ન રહી નહિ ઓળખાણ ।।૪૪।।

એવે સમે આવ્યા અલબેલ, છેલ છોગાળો છબિલો છેલ ।

શોભે સુંદર મૂરતિ સારી, આવી ઉભા આગે સુખકારી ।।૪૫।।

હસિહસિ બોલાવે દયાળ, કરો દર્શન તન સંભાળ ।

ત્યારે હરિજન થયા સચેત, લાગ્યા પાય કરી બહુ હેત ।।૪૬।।

કહે ધન્યધન્ય મહારાજ, દીધાં અલૌકિ દર્શન આજ ।

ત્યારે નાથ કહે સુણો જન, તારૂં જાણ્યું જે છુટશે તન ।।૪૭।।

માટે આવ્યા ઉતાવળા અમે, કરી બહુ તાણ્ય જયારે તમે ।

હવે અમે જાશું પાછા વળી, તમે આવજયો સહુ ત્યાં મળી ।।૪૮।।

એમ કહિ કંઠથી ઉતારી, આપી માળા સુખડ્યની સારી ।

એક કંઠી કાજાુ ઝિણે પારે, દીધી વાલે તે પણ તેવારે ।।૪૯।।

દઇ માળાઓ ચાલ્યા મહારાજ, કરી અલૌકિક એહ કાજ ।

જોઇ જન પામ્યાં છે આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ ।।૫૦।।

જેહ આપી મૂરતિ એ માળ, તે ફેરવે છે હજી મરાળ ।

આપી અલૌકિક દાન એહ, દિઠી છે નિષ્કુલાનંદે તેહ ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને આડત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૮।।