૯૯. ગઢડામાં અસુરનું વિઘ્ન ટાળી વડતાલ આવ્યા, મહારાજ પોતે ૨૦૦ પ્રદક્ષિણા ફરતા, વડોદરા પધાર્યા, સયાજ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:33pm

પૂર્વછાયો-

ત્યાર પછી જેજે થયું, કહું સાંભળો સહુ દઇ મન ।

અસુરાણ જોરાણ જક્તમાં, મળી પીડીયા હરિજન ।।૧।।

પાપી મળી પરિયાણિયા, હરિજન હણવા હેત ।

તેની સહાય કરી હરિ, ખરી રીતશું રણખેત ।।૨।।

દુષ્ટ રણમાં દળીયા, અસુરપતિ અતિ જેહ ।

બાર આગળ બસે પૂરા, તર્ત ભાગ્યા તેહ ।।૩।।

ભૂમિનો ભાર ઉતારીયો, શ્રાવણશુદી દશમી દને ।

તેદિ અસુર મારીયા, હરિ ઇચ્છાએથી હરિજને ।।૪।।

ચોપાઇ-

પછી આવ્યો અષ્ટમીનો ે દન, તેડ્યા ઉત્સવ પર મુનિજન ।

આવ્યા સત્સંગી સર્વે મળી, અષ્ટમીનો સમૈયો સાંભળી ।।૫।।

આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય ।

વાલે બોલાવ્યા મીઠે વયણે, વળી જોયું અમૃત નયણે ।।૬।।

તેણે કરી હર્યા જનતાપ, કર્યા સુખી અલબેલે આપ ।

પછી અષ્ટમી ઉત્સવ કીધો, સહુ જનને આનંદ દીધો ।।૭।।

પછી પધારિયા વરતાલ, કરવા લીલા અલૌકિક લાલ ।

સુણી આવ્યા સતસંગી સહુ, તેહ વિના બીજાં લોક બહુ ।।૮।।

આવી લાગે પ્રભુજીને પાય, કરી દર્શન પ્રસન્ન થાય ।

નિત્ય નવી કરે વાલો વાત, સુણિ સહુ થાય રળિયાત ।।૯।।

વળી લક્ષ્મીનારાયણ જેહ, વાસુદેવ ને શ્રીકૃષ્ણ તેહ ।

તેની મૂરતિને નિત્ય નિત્ય, દિયે પ્રદક્ષિણા કરી પ્રીત્ય ।।૧૦।।

દિયે પ્રક્રમા તે દોય શત, પછી કરે પાંચ દંડવત ।

એમ કરતાં વીત્યા માસ દોય, આવ્યો દીપ ઉત્સવ દિન સોય ।।૧૧।।

પૂરી દીપમાળા શોભે ઘણું, જાણ્યું મંદિર બણ્યું મણિતણું ।

જોઇ જન થયા છે થકિત, લાગે પાય કરી બહુ પ્રીત ।।૧૨।।

કરે દર્શન નર ને નાર, મુખે બોલે જયજયકાર ।

વીત્યો ઉત્સવ વળતે દને, પૂર્યો અન્નકોટ બહુ અન્ને ।।૧૩।।

જમ્યા નાથ જમાડિયા જન, પોતે પિરસ્યું થઇ પ્રસન્ન ।

એમ આપે છે સુખ અપાર, નિત્ય પ્રત્યે તે પ્રાણઆધાર ।।૧૪।।

એમ કરતાં પ્રબોધની આવી, એકાદશી જનમન ભાવી ।

તેદિ ઉત્સવ કર્યો અનુપ, સવેર્સંતને જે સુખરૂપ ।।૧૫।।

પછી વીત્યા થોડા ઘણા દન, કર્યું વડોદરે જાવા મન ।

વડોદરે પધરાવ્યા કાજે, લખ્યા કાગળ તે બહુ રાજે ।।૧૬।।

કહે એકવાર આવો આંહિ, વાલા વડોદરા શહેરમાંહિ ।

મને દર્શન દિયો દયાળ, દીનબંધુ દીનપ્રતિપાળ ।।૧૭।।

એકવાર કરૂં દરશન, નથી બીજી ઇચ્છા મારે મન ।

આવો આંહિ લગી તમે નાથ, નહિતો આવીશ હું જોડી હાથ ।।૧૮।।

ત્યારે મહારાજે મુકિયું કહાવી, દેશું દર્શન તમને આવી ।

પછી પધાર્યા સુંદરશ્યામ, આવી ઉતર્યા સાંકર્દે ગામ ।।૧૯।।

કરી રસોઇ જમાડીયા નાથ, જમ્યા સખા હતા તેહ સાથ ।

જમી પોઢિયા શ્યામ સનેહ, વુઠો માવઠે આવી ત્યાં મેહ ।।૨૦।।

થયું સવાર સધાવ્યા શ્યામ, આવ્યા છબિલોજી છાણી ગામ ।

મુક્યું શિયાજીએ ત્યાં સામૈયું, બની શોભા જાય નહિ કહીયું ।।૨૧।।

આવ્યા પાયગા પાળા અપાર, સામા શણગાર્યા ગજ ચાર ।

તે ઉપર અંબાડી જરિની, સહિ શોભા કહું હું હરિની ।।૨૨।।

ચિત્ર વિચિત્ર ભાત્યને રંગે, શોભે હસ્તિ વસન સોરંગે ।

વળી ઉંટ શણગારી સારા, ધર્યાં તે પર મોટાં નગારાં ।।૨૩।।

બીજા ઘાલ્યા છે ઘોડે આનક, બની જોયા સરખી બાનક ।

પડે નગારે ધ્રોશ ધીમેરી, શોભે નેજા નિશાણ નફેરી ।।૨૪।।

વાજે પડઘમ ભેળી વાંસળી, ભેર ભૂંગળ ને ત્રુઇ વળી ।

બોલે શરણાઇ સ્વરે સારી, વાજે વાજાં તે મંગળકારી ।।૨૫।।

રથ વેલ્ય ગાડી ઘણી મેના, આવ્યા સામૈયે સમૂહ તેના ।

બની શોભા સામૈયાની બહુ, સુણી લોક આવ્યાં સામા સહુ ।।૨૬।।

આવી લાગ્યા પ્રભુજીને પાય, નિખેર્નાથ હરખ ન માય ।

કહે સહુ જોડી એમ હાથ, આવો બેસો અંબાડીએ નાથ ।।૨૭।।

દયા કરી દિયો દરશન, કરો પ્રભુજી શહેર પાવન ।

પછી કૃપા કરીને કૃપાળુ, બેઠા દંતિ ઉપર દયાળુ ।।૨૮।।

નારુપંતનાના બેઠા સાથે, કરે ચમર નાથને માથે ।

બની શોભા જાય નહિ કઇ, જૈ જૈ શબ્દ રહ્યો તિયાં થઇ ।।૨૯।।

કર્યાં દરશન સહુ દાસે, નિર્ખિ પૂરી કરી મન આશે ।

બેઠા બીજે ગજે સંત ચાર, સંગે અયોધ્યાવાસી ઉદાર ।।૩૦।।

પછી ધીરે ધીરે શું ચાલતા, આવ્યા નાથ દર્શન આલતા ।

ઝાંઝ મૃદંગ લઇ મંડળી, ગાય ગવૈયા વધાઇ વળી ।।૩૧।।

આવ્યા શહેરમાં શ્રીમહારાજ, બહુ જીવનાં કરવા કાજ ।

જુવે અમૃત નજરે નાથ, વળી જોડેછે સહુને હાથ ।।૩૨।।

નરનારી જે શહેરનાં જન, નિર્ખિ નાથને થયાં પાવન ।

એક પૃથવી ને ત્રણ માળે, ચડી લોક નાથને નિહાળે ।।૩૩।।

નરનારી કરી દર્શન, કરે કર જોડીને સ્તવન ।

નીલી પીલી પહેરી લાલ સાડી, શોભે ફુલી જેમ ફુલવાડી ।।૩૪।।

એમ બની બજાર ને શેરી, સહુની નજર નાથ પર ઠેરી ।

જેમ ચિત્રમાં લખ્યા ચિતારે, નિર્ખિ મનુષ્ય મટકું ન મારે ।।૩૫।।

જોઇ મોહનને મન મોહ્યું, નોતું જોવું તેણે પણ જોયું ।

એમ સહુનાં લીધાં ચિત્ત ચોરી, કરે કેમ જેને હાથ દોરી ।।૩૬।।

પછી આવ્યા પુરપતિ પાસ, નિર્ખ્યા શિયાજીએ અવિનાશ ।

પછી પધરાવ્યા હવેલીમાંય, કરી દંડવત લાગ્યો પાય ।।૩૭।।

ત્યારે હરિ મળ્યા ગ્રહી હાથે, કરી મોટી મહેર એને માથે ।

પછી પ્રીતે પાટ ઢાળ્યો રાજે, શ્રી મહારાજને બેસવા કાજે ।।૩૮।।

તે ઉપર બેઠા હરિ આપે, બળ્યા પાપીયા પોતાને પાપે ।

કરી પ્રીત્યેશું પૂજા રાજને, પૂજી પ્રભુ પામ્યો મોદ મને ।।૩૯।।

પછી ઉભો આગ્યે જોડી હાથ, કહે ધન્ય ધન્ય મારા નાથ ।

આજ થયાં મને દર્શન, કોઇક પૂર્વ જનમને પુણ્ય ।।૪૦।।

એમ કહી લાગ્યો પાય વળી, થયા રાજી તે નાથ સાંભળી ।

પછી પધાર્યા શહેરમાં શ્યામ, કર્યાં અનેક જીવનાં કામ ।।૪૧।।

ફરી દર્શન સહુને દીધાં, બહુ જન કૃતારથ કીધાં ।

પછી પધાર્યા નાથ ઉતારે, ચાલ્યો મહીપતિ મોર ત્યારે ।।૪૨।।

કાજુ તંબુ કનાત્ય રાવટી, કરી ઉભી સોયક સામટી ।

તિયાં ઉતર્યા દીનદયાળ, રાયે જમવા કરાવ્યો થાળ ।।૪૩।।

પછી નિજ સંબંધીને હાથે, કર્યાં સુંદર ભોજન નાથે ।

પછી બેઠા સિંહાસને શ્યામ, આવ્યું દર્શને સઘળું ગામ ।।૪૪।।

સોના રૂપાતણાં ફુળ લઇ, આવી વધાવે વાલાને કઇ ।

બહુ લાવે છે ફુલના હાર, લીયે પ્રીતેશું પ્રાણઆધાર ।।૪૫।।

મિઠા મેવા ને સુંદર ફલ, લાવે દૂધ પેંડા કંઇ દળ ।

ઠાલે હાથે નાથ પાસે નાવે, નાળી કેળી ઇક્ષુ આદિ લાવે ।।૪૬।।

મોટા મોટા જે શહેરમાં હતા, તે પણ આવ્યા છે હાથ જોડતા ।

અતિ સાર્મિથ જોઇ અપાર, જોડી હાથ નમે નરનાર ।।૪૭।।

એમ નમાવી સહુને શીશ, ઉઠ્યા જીત કરી જગદીશ ।

આવી ઉતારે પોઢીયા નાથ, બહુ જીવને કરી સનાથ ।।૪૮।।

સર્વે સંત છે પોતાને સાથે, જમ્યા કરી રસોઇ તે હાથે ।

વુઠો અતિ તિયાં વરસાત, એમ કરતાં થયું પરભાત ।।૪૯।।

પછી જાગિયા જીવનપ્રાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।

દીધાં દર્શન સહુને શ્યામે, નિર્ખ્યા નયણાં ભરી સહુ ગામે ।।૫૦।।

થાય ઉત્તર ને પ્રશ્ન બહુ, જાણે જીત સ્વામીજીની સહુ ।

એમ સર્વેને પાછેરા પાડી, વાત પોતાની સત્ય દેખાડી ।।૫૧।।

મતપંથતણું માન હર્યું, સત્ય વચન શ્રીસ્વામીનું કર્યું ।

જે કહ્યુંતું સ્વામી રામાનંદે, રહી ધોરાજીમાંહિ આનંદે ।।૫૨।।

ભેખ ખપશે સહુ ખળતાળે, કર્યું વચન સત્ય દયાળે ।

એમ વીતિ ગયા દિન ત્રણ, પછી પધાર્યા અશરણ શરણ ।।૫૩।।

જેવી રીત્યનું સામૈયું લાવ્યા, તેથી વિશેકે વળાવા આવ્યા ।

વળી પધરાવ્યા રાયે ઘેર, કરી પ્રીત્યે પૂજયા બહુપેર ।।૫૪।।

સારો પોશાગ શિરપેચ જેહ, આપ્યો નરેશે નાથને તેહ ।

વળી કહે છે વારમવાર, વહેલા આવજયો પ્રાણઆધાર ।।૫૫।।

જયારે તેડાવું વિનતિ કરી, ત્યારે વહેલા પધારજયો હરિ ।

પછી નાથ કહે તેડશો તમે, જાણો જરૂર આવશું અમે ।।૫૬।।

એમ કહીને ઉઠ્યા દયાળ, ત્યારે ભાવેશું ભેટ્યા ભૂપાળ ।

પછી શીખ માગી ચાલ્યા શ્યામ, બેઠા અંબાડીયે સુખધામ ।।૫૭।।

દેતા સહુને દર્શન દાન, આવ્યા શહેર બહારા ભગવાન ।

ગજ બાજ વાજીંત્ર અપાર, આવ્યા વળાવવા નરનાર ।।૫૮।।

તેહ સર્વેને શિખજ દીધી, એવી લીળા વડોદરે કીધી ।

પછી ઘોડે થયા અસવાર, આવ્યા સાંકર્દા ગામ મોઝાર ।।૫૯।।

ત્યાંથી વાલો આવ્યા વરતાલ, કરી લીળા અલૌકિક લાલ ।

દોઢ માસ લગી તિયાં રહ્યા, નિજસંબંધી ગઢડે ગયા ।।૬૦।।

પછી શિક્ષાપત્રી લખી સારી, આપી સતસંગીને સુખકારી ।

ત્યાંથી પધાર્યા સુંદર શ્યામ, ગુણસાગર ગઢડે ગામ ।।૬૧।।

કર્યો ઉત્સવ એમ જીવને, કારતિક વદી ત્રીજ દને ।

તેદિ કરી વડોદરે લીળા, હતા સંત સતસંગી ભેળા ।।૬૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે જન્માષ્ટમી ઉત્સવ કરીને વડોદરા પધાર્યા ને ઘણું ઐશ્વર્ય જણાવ્યું ને ત્યાંથી વરતાલ પધાર્યા ને ત્યાં શિક્ષાપત્રી લખી એ નામે નવાણુંમું પ્રકરણમ્ ।।૯૯।।