૬૦. શ્રીહરિ ડભાણથી જેતલપુર થઇ ગઢડે પધાર્યા, ભુજમાં હુતાશનીનો સમૈયો કર્યો, કચ્છમાં વિચરણ, અગત્રાઇ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:46pm

ચોપાઇ-

એમ યજ્ઞ કરી યદુનાથ, ચાલ્યા શ્યામળો સખાને સાથ ।

રહ્યા જેતલપુરમાં જઇ, સંઘ સરવે સંગાથે લઇ ।।૧।।

ત્યાંથી સંઘને શીખજ કરી, પોતે ચાલ્યા પશ્ચિમ દેશે હરિ ।

સારો પહેરી સુંદર સુરવાળ, ઝગે જરકશી જામો વિશાળ ।।૨।।

માથે બાંધી છે પાઘ સોનેરી, કમર કશી કેસર રેંટા કેરી ।

બાજુ કાજુ કુંડળ રૂપાળાં, હાથે હેમકડાં બે વળાળાં ।।૩।।

હૈયે હાર અપાર શોભાળા, ઉર ઉતરી મોતીની માળા ।

કોટે કનકની કંઠી શોભે, શિશે શિરપેચ જોઇ મન લોભે ।।૪।।

ચડ્યા ઘણામૂલે હરિ ઘોડે, બીજા સખા અસવાર જોડે ।

ચાલ્યા વાટમાં એવાના એવા, સર્વે જનને દર્શન દેવા ।।૫।।

જેજે વાટમાં આવિયાં ગામ, તેણે નિરખ્યા સુંદર શ્યામ ।

દેતા દર્શન દીનદયાળ, આવ્યા પ્રભુજી દેશ પંચાળ ।।૬।।

સુંદર ગામ સારંગપુર નામ, તિયાં પધાર્યા સુંદર શ્યામ ।

રૂડા ભક્ત જીવો ને રાઠોડ, આવ્યા હરિ કરી તિયાં ધ્રોડ ।।૭।।

રહી રાત્ય એક તિયાં રાજ, આવ્યા કારિયાણી મહારાજ ।

તિયાં ભક્ત વસે એક માંચો, નહિ તે કોઇ નિયમમાં કાચો ।।૮।।

નિરલોભી ને અતિ નિષ્કામી, તેને ઘેર પધારીયા સ્વામી ।

તિયાં રહ્યા હરિ એક દિન, પછી આવ્યા ગઢડે જીવન ।।૯।।

ભક્ત સભાગી એભલ જીયાં, રહ્યા કાંઇક કૃપાળુ તિયાં ।

પછી ત્યાંથી સધાવીયા શ્યામ, આવ્યા નાથ કરિયાણે ગામ ।।૧૦।।

તિયાં રહ્યા રાત એક હરિ, આવ્યા રાયપર કૃપા કરી ।

સખા સર્વે છે શ્યામસાથ, આવ્યા કોટડે બંધીયે નાથ ।।૧૧।।

ગયા ગોંડળ ને જેતપર, આવ્યા ધોરાજી શ્યામસુંદર ।

જઇ જમનાવડે જગદીશ, ત્યાંથી પાછો કર્યો પરવેશ ।।૧૨।।

આવ્યા દુધિવદર કંડોરડે, ત્યાંથી પધારીયા કાલાવડે ।

ભક્ત જાદવજીને ભુવન, રહ્યા રાત્ય ત્યાં પ્રાણજીવન ।।૧૩।।

ત્યાંથી સખાને શીખજ દઇ, પોતે ચાલ્યા સેવક બે લઇ ।

ત્યાંથી મોડે ગયા કરી મહેર, ભક્ત રણમલજીને ઘેર ।।૧૪।।

પછી આવ્યા અલૈયે જીવન, ભક્ત નારાયણને ભવન ।

ત્યાંથી ગયા છે ભાદર ગામ, ભક્ત ડોસો જયાં રતનોરામ ।।૧૫।।

રહ્યા રાત્ય કરી હરિ મહેર, વસતા વશરામને ઘેર ।

પછી ત્યાંથી કર્યો પરવેશ, ગયા જોડીયેથી કચ્છદેશ ।।૧૬।।

આવી અંજારમાં રાત્ય રહ્યા, ત્યાંથી વાલો ધમડકે ગયા ।

ભક્ત રામસિંઘ રાયધણે, કરી સેવા ભરી ભાવે ઘણે ।।૧૭।।

તિયાં રહ્યા દન દોયચાર, પછી ભુજ પધાર્યા મોરાર ।

દઇ જનને દર્શનદાન, તિયાં રહ્યા પોતે ભગવાન ।।૧૮।।

કર્યો હુતાસનીનો સમૈયો, આપ્યો આનંદ ન જાય કહીયો ।

અતિ ઉડાડે રંગ ગુલાલ, કર્યો અલબેલે અલૌકિક ખ્યાલ ।।૧૯।।

લીધો લાવો નાથ સાથ જને, ફાગણશુદી પુન્યમને દને ।

તેદિ ભુજમાં ઉત્સવ કર્યો, સર્વે જને મને મોદ ભર્યો ।।૨૦।।

કરી અલબેલે લીલાલેર, ગંગારામ હીરજીને ઘેર ।

દઇ સુંદરને સુખ શ્યામ, ત્યાંથી ગયા માનકુવે ગામ ।।૨૧।।

તિયાં ભક્ત અદોભાઇ નામ, વળી તેજો કેશવ ને શ્યામ ।

તેને દીધાં છે દર્શનદાન, ત્યાંથી તેરે ગયા ભગવાન ।।૨૨।।

તિયાં તેડાવિયા સર્વે સંત, દિધાં દર્શન સુખ અત્યંત ।

ત્યાંથી આવીયા કાળેતળાવ, જોઇ ભક્ત ભીમજીનો ભાવ ।।૨૩।।

રહ્યા દિન દોચારેક ત્યાંઇ, પછી ફરી આવ્યા તેરામાંઇ ।

ભક્ત નાગજી સંઘજી સુતાર, તિયાં આવ્યા મુનિ ને મોરાર ।।૨૪।।

કરી રસોઇ જમાડ્યા સંત, જમ્યા જન ભેળા ભગવંત ।

પછી બોલીયા સુંદરશ્યામ, ભરિલીયોને જળનાં ઠામ ।।૨૫।।

એમ કહીને સંત ચલાવ્યા, વાલો પોતે વળાવવા આવ્યા ।

પછી મળ્યા સહુને મહારાજ, તમે રાજી રહેજયો મુનિરાજ ।।૨૬।।

એમ કહીને શીખજ દિધી, પોતે વાટ માંડવીની લીધી ।

તિયાં ભક્ત મેઘો વશરામ, ટોપણ દેવશી સુંદર નામ ।।૨૭।।

તેને દઇ દરશન નાથ, સવેર્જનને કર્યાં સનાથ ।

ત્યાંથી નાથ બેઠા છે નાવડે, આવ્યા ભાદરે અલૈયે મોડે ।।૨૮।।

કરી કંડોરડાની ચોરાશી, આવ્યા ધોરાજીએ અવિનાશી ।

રહે ભાડેર પાતળભાઇ, રહ્યા એક દિન પ્રભુ ત્યાંઇ ।।૨૯।।

મેઘપુર આવ્યા કરી મહેર, સોની નારાયણ ભક્તને ઘેર ।

ત્યાંથી પ્રભુ આવ્યા પિપલાણે, રાખ્યા હરિને જન કલ્યાણે ।।૩૦।।

પછી આવ્યા આખે અલબેલો, દવે નારાયણ ઘેર છબીલો ।

ત્યાંથી આવ્યા વાલો અગત્રાઇ, જીયાં વસે છે પર્વતભાઇ ।।૩૧।।

તિયાં રહ્યા હરિ બહુદિન, તેડાવિયા તિયાં હરિજન ।

કરવા ઉત્સવ અષ્ટમી કેરો, હૈયામાંહિ છે હર્ષ ઘણેરો ।।૩૨।।

તિયાં મોટો મંડપ કરાવ્યો, માંહિ મેડો કર્યો મનભાવ્યો ।

તિયાં બેઠા વાલો વનમાળી, સુંદર મૂરતિ રૂડી રૂપાળી ।।૩૩।।

જોઇ જનને સમાધિ થાય, કરે લીળા નાવા નિત્ય જાય ।

પછી દ્વિજ ધનહીન જોઇ, તેના સુતને આપી જનોઇ ।।૩૪।।

ફર્યા ફુલેકે ગામમાં નાથ, અંસે અસિ શ્રીફળ લઇ હાથ ।

પછી આવ્યો અષ્ટમીનો દન, બહુ ગુલાલ લાવિયા જન ।।૩૫।।

ભરે મુઠી હેતે હરિ હાથે, નાખે નાથ નિજજન માથે ।

થયા રંગે રાતા સહુ જન, પાડે તાળી કરે કીરતન ।।૩૬।।

એમ સારો ઉત્સવ કર્યો શ્યામે, અલબેલે અગત્રાઇ ગામે ।

આપ્યો આનંદ જનને જીવને, શ્રાવણવદી અષ્ટમીને દને ।।૩૭।।

તેદિ લીળા કરી અગત્રાયે, કરાવી આંબે પર્વતભાયે ।

પછી પધારીયા ગઢજુને, સાથે લીધો છે સંઘ સહુને ।।૩૮।।

સંઘ દેખી દુષ્ટ દાજીયા, પછી રાજા પાસે રાવે ગીયા ।

લેશે સાહેબ શહેર તમારૂં, એનું માણસ ઉતારો બારૂં ।।૩૯।।

તૈયે રાજા કહે સુણો તમે, એનું દીધું કરૂં રાજય અમે ।

એહ લેશે તો સુખેથી લીયો, એને ગામમાં આવવા દિયો ।।૪૦।।

પછી શહેરમાં શ્યામ પધાર્યા, નિજજનને મોદ વધાર્યા ।

પોતે દિવસ એક ત્યાં રહ્યા, પછી નાવા દામોદર ગયા ।।૪૧।।

નાઇ નિસર્યા મોહનલાલ, ચર્ચ્યું ચંદન વિપરે ભાલ ।

તેને દીધી છે દક્ષિણા બોળી, આપી મહોર નાથે અણતોળી ।।૪૨।।

પછી આવિયા શહેરમાં શ્યામ, ત્યાં વાલે કર્યો વિશ્રામ ।

ત્યાંથી ચાલીયા શ્યામ સુંદર, આવ્યા નરસિંહ મેતાને મંદિર ।।૪૩।।

તિયાં બેસીયા ઘડી બેચાર, પછી આવિયા છે પુર બહાર ।

સર્વે સંઘ સંગે લઇ શ્યામ, પછી આવ્યા ફણેણી ગામ ।।૪૪।।

તિયાં સર્વેને શીખજ દિધી, એવી લીળાઅલબેલે કીધી ।

સર્વે જનને સુખીયા કરી, પોતે પધાર્યા પંચાળે હરિ ।।૪૫।।

બહુબહુ લીળા કરે લાલ, જોઇ જનને થાય નિહાલ ।

જે કોઇ યોગીના ધ્યાનમાં નાવે, તે અલબેલો લાડ લડાવે ।।૪૬।।

કરે લીળા અતિશે અપાર, કહેતાં કોણ પામે તેનો પાર ।

જેમ સભર ભયોર્મેરાણ, પિવે પંખી તે ચાંચ પ્રમાણ ।।૪૭।।

તેમ અતિ અગાધ મહારાજ, કોણ કળે તોલે કવિરાજ ।

પણ જે પિયે તે સુખી થાય, નિશ્ચે નિષ્કુળાનંદ એમ ગાય ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાઠ્યમું પ્રકરણમ્ ।।૬૦।।