૩૬. રામાનંદસ્વામીનો જન્મ અને ગૃહત્યાગનું વર્ણન.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:13pm

રાગ: સામેરી-

રૂડું સ્વામી રામાનંદનું, આખ્યાન કહું અનૂપ ।

જે આપે ઉદ્ધવજી અવતર્યા, તે થયા રામાનંદરૂપ ।।૧।।

જેહ પુરી જેહ કુળમાં, જેહ ગોત્ર જેહ માત તાત ।

જીયાં ઉદ્ધવજી અવતરી, કાવ્યા રામાનંદ સાક્ષાત ।।૨।।

જેમ મુક્યું નિજ ગેહને, જેમ શીખ આપી માત તાત ।

જેમ આવ્યા આ દેશમાં, કહું તેની સર્વે વાત ।।૩।।

સહુ મળી હવે સાંભળો, સારી કથા છે આ અનૂપ ।

કહું ચરિત્ર કોડામણું, રામાનંદજીનું રસરૂપ ।।૪।।

દુર્વાસાના શાપથી, ઉદ્ધવે ધર્યો અવતાર ।

પૂર્વ દિશે અયોધ્યાપુરી, ત્યાં બ્રાહ્મણ સુંદર સાર ।।૫।।

ભક્ત શ્રીભગવાનના, વળી સદા સત્યવાદીપણું ।

વિદ્યાવાન અમાન આપે, ઇંદ્રિયજીત અતિશે ઘણું ।।૬।।

પાપરહિતા પુણ્યવંતા, સ્વધર્મમાં સાવધાન ।

ઉચ્ચકુળે આચાર અતિ, ઘણું ઘણું ગુણવાન ।।૭।।

કશ્યપ ગોત્ર ને ઋગ્વેદ, આશ્વલાયન શાખા જેહની ।

અજયનામે વિપ્ર પવિત્ર, સુમતિ પત્ની તેહની ।।૮।।

તેને તે ઘેર પ્રકટયા, ઉદ્ધવ આપે ઉદાર ।

સંવત્ સત્તર પંચાણવે, શ્રાવણવદી આઠ્યમ સવાર ।।૯।।

તેહ સમે ઉદ્ધવજીએ, આપે ધર્યો અવતાર ।

જન્મ સમે જયજય શબ્દે, વદે છે નર ને નાર ।।૧૦।।

આનંદ વાધ્યો અતિ ઘણો, ઘેર ઘેર મંગળ ગાય ।

વિધ્યે વિધ્યે કરે વધામણી, વળી હૈયે હર્ષ ન માય ।।૧૧।।

વળતા તે વિપ્ર તેડાવિયા, તેહ આવિયા નિજધામ ।

જન્મ અક્ષર જોઇને, કહે નામ એનું શ્રીરામ ।।૧૨।।

શુભ વાર ચોઘડિયું, શુભ ઘડી પળ લગન ।

એવા સમામાં આવિયો, પુત્ર તમારો પાવન ।।૧૩।।

અતિ પ્રતાપી એહ છે, ઉદ્વવ જેવા એ અનૂપ ।

જ્ઞાન ગુણ ને લક્ષણે, થાશે તેહ જેવા તદરૂપ ।।૧૪।।

એવું સુણી આનંદ પામ્યાં, માત પિતા અતિ મન ।

મહામતિ જે ઉદ્ધવજી, તે જાણ્યા પોતાના તન ।।૧૫।।

પછી આપ્યાં દાન અતિ ઘણાં, ભાંગી બ્રાહ્મણની ભૂખ ।

અન્ન ધન અંબર અવનિ, ગજ વાજ ગૌગેહ સુખ ।।૧૬।।

વિપ્ર મન પ્રસન્ન થયા, ગયા પોતપોતાને ગેહ।

માતપિતા સુતમુખ જોઇ, હૈયે ન માય સનેહ ।।૧૭।।

મનોહર સુંદર મૂરતિ, અતિરૂડા દિસે રામ ।

જેનું મુખ જોતાં મયંક લાજે, છબી જોઇ કોટી કામ ।।૧૮।।

એના ચરણની શોભા કહું, અતિ ઓપે નખ ને આંગળી ।

જાણું જળમાં કમળ કેરી, ફુલી રહી રાતી કળી ।।૧૯।।

અંકિત લંકિત લાલ અંઘ્રી, પેની બની અતિ પાતળી ।

ગુલફ જંઘા જાનું જોતાં, ઉરૂ ઉભય શોભે વળી ।।૨૦।।

ઉંડી નાભિ ઉદર સુંદર, પડે વળ ત્રણ્ય તિયાં ।

સ્તન દોય રુદે જોઇ, જનમન લોભી રીયાં ।।૨૧।।

અજબ કંઠ અજાનબાહુ, અતિ સુંદર કરઆંગળી ।

અરૂણ નખ ઓપે ઘણા, જાણું બણી મણિની આવળી ।।૨૨।।

ચિબુક મુખ અધરવર, વળી રસના રસ રૂડે ભરી ।

મંદમંદ હાસ્ય કરતાં, શોભે છે સુંદર હરિ ।।૨૩।।

નાસિકા સગ્ય દીપકેરી, વળી લઘુ કપોળ કાન છે ।

ગૌરમૂર્તિ અતિ સુંદર, શોભિત તન એવે વાન છે ।।૨૪।।

આંખ્યમાં અમૃત ભયુર્ં, વળી ભ્રકુટિ ભારી ભાવની ।

ભાલ સુંદર સોયામણું, મનોહર મૂર્તિ મન ભાવની ।।૨૫।।

ઉર વિશાળ ભાલ ઝળકે, શિશે કેશ તે શ્યામ છે ।

ઝીણા વક્ર ઝગે ઘણા, વળી પ્રૌઢ પંડે શ્રીરામ છે ।।૨૬।।

એવા સુતને નિરખી, માત તાત મગન મને ।

હેતે લાડ લડાવતાં,મોટા થયા થોડે દને ।।૨૭।।

બાળચંદ્રની પેઠ્યે પોતે, નિત્યે વધતા જાય છે ।

તેને દેખી તાત માતનાં, નયણાં તે ટાઢાં થાય છે ।।૨૮।।

શોભે સુંદર મૂરતિ, નામ શ્રીરામ ને રૂપ ।

આઠ વર્ષે અજય જનકે, આપી જનોઇ અનૂપ ।।૨૯।।

પછી ર્વિણ વ્રતને, દઢ મને કરી ધારીયું ।

ગૃહસ્થાશ્રમ નથી કરવો, એવું મને વળી વિચારિયું ।।૩૦।।

ધર્માત્મા એવા જે ઉદ્ધવ, વળી નૈષ્ઠિકવ્રત વાલું અતિ ।

શ્રીકૃષ્ણ ભક્તિરૂપ કંજને, પ્રકાશ કરવા ઉડુપતિ ।।૩૧।।

નિવૃત્તિવાળા સંતનો, સમાગમ ગમે ઘણું ।

તાત મુખથી કરે સદા, શ્રવણ નિત્ય ભાગવતતણું ।।૩૨।।

તેણે કરી શ્રીકૃષ્ણ કેરી, ભક્તિ અતિ ભાવે મને ।

પછી શ્રીકૃષ્ણની પ્રતિમા, નિમેશું પૂજે નિશદને ।।૩૩।।

વળી પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનાં, ઉર ઇચ્છે છે દર્શનને ।

ગૃહાદિક નથી ગમતું,રહે છે સદા ઉદાસી મને ।।૩૪।।

પછી ઉદ્ધવે મનમાંહિ, એમ કર્યો નિરધારને ।

વેદ ભણ્યાનો મિષ લઇ, તજું હવે ઘરદ્વારને ।।૩૫।।

ત્યારે તે પુછ્યું તાતને, માતને જોડી પાણ્ય ।

આપો અમને આગન્યા, હું ભણું વેદ પુરાણ ।।૩૬।।

કરવા દ્વારિકાની જાતરા, દેખવા દેશ પ્રદેશ ।

એવી ઇચ્છા ઉરમાંહિ, મારે વર્તે છે અહોનિશ ।।૩૭।।

ત્યારે માતાને આવી મૂરછા, વળી ઢળી તે કદળી જેમ ।

શ્રીરામ તમે સધાવતાં, મારા પ્રાણ રહેશે કેમ ।।૩૮।।

પુત્ર તમે નાનકડા, નવ દેખિયું સુખ દુઃખ ।

કોણ તમને જમાડશે, જયારે લાગશે વળી ભૂખ ।।૩૯।।

વાટમાંહિ વાઘ વરૂ, બિવરાવે બહુ બાળને ।

પુત્ર મારા મંદિર બેઠા, ભજો શ્રીગોપાળને ।।૪૦।।

શ્રીરામ કહે મા સાંભળો, મારે જાવું છે જરૂર ।

રાખ્યો તમારો નહિ રહું, મારૂં અંતર છે આતુર ।।૪૧।।

સારૂં પુત્ર તમે સધાવજયો, વહેલા આવજયો મારા વીર ।

શિખદેતાં શ્રીરામને, નયણે તે ચાલ્યાં નીર ।।૪૨।।

રહો પુત્ર રસોઇ કરૂં, એકવાર જમો જીવન ।

આ મુખ મોંઘુ મળવું, મારા તીરથવાસી તન ।।૪૩।।

સુત તમે સધાવતાં, કેમ જાશે મારા દન ।

આંધળાની આંખ્ય છો, મુજ નિર્ધનનું ધન ।।૪૪।।

મુજ રાંકનું રતન છો, જાતાં તે જીવડો નહિ રહે ।

અણતોળ્યું દુઃખ આવતાં, દેહધારી કેટલુંક સહે ।।૪૫।।

અપરાધ ઓલ્યા ભવના, પુત્ર આજ આવી નડ્યા ।

એમ કહી અચેત થઇ,લડથડી પૃથ્વી પડ્યાં ।।૪૬।।

ત્યારે શ્રીરામ કહે મા સાંભળો, દિલગીર મ થાઓ મનમાં ।

કરો રસોઇ જમશું, થાઓ સચેત તનમાં ।।૪૭।।

ત્યારે માતાને ઉતરી મૂરછા, જાગીને જોયા ફરી ।

પછી રૂડી રીતશું, રાજી થઇ રસોઇ કરી ।।૪૮।।

જમીને જીવન ચાલિયા, કળ પડી નહિ કોઇને ।

માત તાત તણો મોહ, વ્યાપ્યો નહિ નિરમોહિને ।।૪૯।।

જેમ પૂર્વ દિશે પ્રકટી, ઇંદુ આવે વરૂણી દિશ ।

તેમ તે શ્રીરામ આપે, કર્યો પશ્ચિમે પરવેશ ।।૫૦।।

તરત ત્યાંથી ચાલિયા, અને જોયાં તીરથ ધામ ।

સિંધુતીરે સોયામણું, એક આવ્યું તળાજું ગામ ।।૫૧।।

સાધુસ્વભાવે શાસ્ત્રવેત્તા, નામ તે કાશીરામ ।

સત્વગુણી સંત જાણી, તિયાં કર્યો વિશ્રામ ।।૫૨।।

શાસ્ત્ર એનાં સર્વે શોધી, લીધું સમઝી સાર ।

નથી અજાણ્યું એહથી, કર્યો ઉપલો ઉપચાર ।।૫૩।।

ગોપનાથના ગોપાલયોગી, તેના શિષ્ય તે આત્માનંદ ।

તે મળ્યા રૈવતાચળે, જે મહામોટા યોગીઇન્દ ।।૫૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઉદ્ધવનું જન્મવૃતાંત કહ્યું ને ઘરનો ત્યાગ કર્યો એ નામે છત્રીશમું પ્રકરણમ્ ।।૩૬।।