૩૦. બુટોલપુરના રાજાને પોતાનો નિશ્ચય કરાવ્યો,ગોપાળયોગી સાથે પ્રભુનો મેળાપ, ટુંક કાળમાં જ વર્ણીએ

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:54pm

પૂર્વછાયો-

ત્યાર પછી કૃષ્ણ દેવની, કહું કથા અતિ રસાળ ।

ચંચળ થયા ચાલવા,ઉત્તરદિશામાંદયાળ ।।૧।।

નામી મસ્તક મુક્તનાથને, પછી નામ્યું મુક્તને શિશ ।

પ્રભાતે ઉઠી પધારિયા, એહ આશ્રમથી જગદીશ ।।૨।।

નગ નદીયો તળાવ તિયાં, તરી ઉતર્યા તે પાર ।

મહા અરણ્ય જયાં મનુષ્ય નહિ, ચોંપે ચાલ્યા તેહ મોઝાર ।।૩।।

હિમાચળ ભણી ચાલીયા, જોયાં તેની તળાટીનાં વન ।

ઝાડ પહાડ જોઇ પૃથિવી, જોયાં વિવિધે વૃક્ષ સઘન ।।૪।।

ચોપાઇ-

ઝાડ પહાડ ઉંચા છે અપાર રે, જાણ્યું અડ્યા આકાશ મોઝાર રે ।

સામસામી શાખા સંકલાણી રે, એક બીજામાં ઘણી ઘુંચાણી રે ।।૫।।

વળી વિધ્યે વિધ્યે વેલી જેહ રે, એક બીજામાં ઉરઝી તેહ રે ।

વન વેલી ઘુંચાણી છે ઘાટી રે, જેને જોઇ છાતિ જાય ફાટી રે ।।૬।।

એવું ઘાટું વન છે વિષમ રે, જેમાં ન પડે રાત્યદિની ગમ રે ।

ન દિસે ઉગી આથમે દન રે, એવું ઝાડે છે વન સઘન રે ।।૭।।

તિયાં ફળ ફુલ ફુલ્યાં કઇ રે, કંદ મૂળતણો પાર નઇ રે ।

વળી સર સરિતા અપાર રે, અતિ અમળ જળ તે મોઝાર રે ।।૮।।

વળી ગેહેરી ગુફા ત્યાં ઘણી રે, જાણું બહુ રહ્યાં મંદિર બણી રે ।

વળી પશુ ને પક્ષી ત્યાં ઘણાં રે, ફરે ટોળાં બોળાં તેહતણાં રે ।।૯।।

સિંહ શાદૂર્ લ કાવે કેસરી રે, કપિ કુરંગ ને કઇ કરી રે ।

ગેંડા રોઝ ને મહિષા ઘણા રે, વ્યાઘ્ર વારાહ બહુ બિહામણા રે ।।૧૦।।

સુરાગાયો ને સેમર શ્યાળ રે, શશા નોળ બોળા તિયાં વ્યાળ રે ।

જયારે બોલે પરસ્પર એહ રે, થાય શબ્દ ભયંકર તેહ રે ।।૧૧।।

મનુષ્ય જાતિએ ત્યાં ન જવાય રે, જો જાય તો પાછું ન અવાય રે ।

એવા વનમાં એકાએક ફરે રે, અતિ ધીર કોઇથી ન ડરે રે ।।૧૨।।

ભૂત પ્રેત દનુજ ને દૈત્ય રે, એવા મળે વનમાંહિ નિત્ય રે ।

યક્ષ રાક્ષસ રાક્ષસી જેહ રે, ભૈરવ ભૈરવી વૈતાલી તેહ રે ।।૧૩।।

એવા અહોનિશ વનમાં રમે રે, તિયાં હરિ એકાએક ભમે રે ।

જાતાં જાતાં પડે રાત્ય જીયાં રે, સુવે નિર્ભય થઇને તિયાં રે ।।૧૪।।

એમ જોતાં તે વન સમગ્ર રે, આવ્યું એક ત્યાં બુટોલ નગ્ર રે ।

તેનો રાજા મહાદત્ત નામ રે, સર્વે પર્વતિ રાજાનો શ્યામ રે ।।૧૫।।

તેણે દીઠા ત્યાગી ઘનશ્યામ રે, અતિ હેતે રાખ્યા નિજધામ રે ।

કરે અતિ પ્રીત્યે નિત્ય સેવ રે, જાણે આ છે મોટા કોઇ દેવ રે ।।૧૬।।

નૃપભગિની નામ મયાજી રે, દેખી હરિ થયા બહુ રાજી રે ।

કહે આતો મોટા કોઇ અતિ રે, નોય મનુષ્યની આવી ગતી રે ।।૧૭।।

જોઇ હરિનાં મોટાં આચરણ રે, સેવે કલ્યાણ સારૂં તે ચરણ રે ।

પછી નાથે દયા કરી તેને રે, આપ્યું નિજ જ્ઞાન એહ બેને રે ।।૧૮।।

જન્મ મરણતણું જાળ કાપ્યું રે, સુખ અંતરે અખંડ આપ્યું રે ।

રહ્યા તિયાં થોડા ઘણા દિન રે, પછી ત્યાંથી ચાલ્યા છે જીવન રે ।।૧૯।।

તપ કરવા ઇશક છે અતિ રે, બીજી વાત તે નથી ગમતિ રે ।

શહેર પુર નગ્ર ઘોષ ગામ રે, નથી ગમતું રહેવાને એ ઠામ રે ।।૨૦।।

મેડી મહોલ હવેલી આવાસ રે, તેમાં રહેતાં રહે છે ઉદાસ રે ।

માટે વેગે ચાલ્યા ત્યાંથી વને રે, તૈયે રાજી થયા બહુ મને રે ।।૨૧।।

મુક્તનાથથી આવ્યા એ અરણ્ય રે, તેને વીતી ગયા કાળ ત્રણ્ય રે ।

ચાલ્યા ગહન વનને માંઇ રે, ખાવા ફળ ફુલ નિત્ય ત્યાંઇ રે ।।૨૨।।

તે પણ મળે કે ન મળે ટાણે રે, તોય મન અધીર ન આણે રે ।

એવા થકા વિચરે છે વને રે, અતિ ત્યાગ વૈરાગ્ય છે તને રે ।।૨૩।।

જાતાં ઉત્તર દિશને માંઇ રે, આવ્યો વડ રૂડો એક ત્યાંઇ રે ।

ત્યાંથી નદી તળાવ નિકટ રે, અતિ ઉંચો વિસ્તારે છે વટ રે ।।૨૪।।

તેને આસપાસે ગજ ફરે રે, બીજા શબ્દ ભયંકર કરે રે ।

ત્યાંથી ઉગમણું એક તાલ રે, વહે ઉત્તરમાં જળમાલ રે ।।૨૫।।

નડ થુંબડે વિટ્યો છે વડ રે, બેઠા દીઠા યોગી તેને થડ રે ।

મૃગાજિન પર બેઠા આપ રે, માથે જટા મોટી છે નિષ્પાપ રે ।।૨૬।।

આચ્છાદને ઢાંકેલ કૌપીન રે, નથી તે પણ વસ્ત્ર નવીન રે ।

તેહ વિના નથી બીજું પાસ રે, માયિક સુખથી છે ઉદાસ રે ।।૨૭।।

શાળગ્રામની સેવા કીધી છે રે, ગીતા પાઠ કરવા લીધી છે રે ।

એવા ગોપાળયોગી ઉદાર રે, તેને નાથે કર્યોનમસ્કાર રે ।।૨૮।।

ત્યારે ઉભા થઇ યોગીરાય રે, મળ્યા હેત આણિ ઉરમાંય રે ।

જેમ વહાલાં વેગળેથી આવે રે, તેને મળે જેમ અતિ ભાવે રે ।।૨૯।।

એમ પામ્યા છે અતિ આનંદ રે, પછી મળી બેઠા મુનિ ઇંદ રે ।

કહ્યું એક બીજાનું વૃતાંત રે, ત્યારે વાધિયું હેત અત્યંત રે ।।૩૦।।

કહે આપણે રહેશું બે મળી રે, બોલ્યા પ્રભુજી એવું સાંભળી રે ।

કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડો મને ઉપદેશ રે ।।૩૧।।

રહ્યા ગોપાળયોગીને પાસ રે, કર્યો યોગશાસ્ત્રનો અભ્યાસ રે ।

કાવે જે કોઇ અષ્ટાંગ યોગ રે, શિખ્યા જેથી મટે ભવરોગ રે ।।૩૨।।

મોટી બુદ્ધિવાળા ઘનશ્યામ રે, શિખ્યા યોગ અંગ કહું નામ રે ।

યમ નિયમ આસન જેહ રે, પ્રાણાયામ પ્રત્યાહાર તેહ રે ।।૩૩।।

ધારણા વળી ધ્યાન જે કહીએ રે, અષ્ટમું અંગ સમાધિ લઇએ રે ।

તેમાં જુજવા ભેદ છે બહુ રે, શિખ્યા થોડે દિને હરિ સહુ રે ।।૩૪।।

એકવાર સાંભળે છે જેહ રે, શિખી કરી દેખાડે છે તેહ રે ।

વળી શિખ્યા છે પ્રથમ પેલે રે, તે પણ કરી દેખાડે છે છેલે રે ।।૩૫।।

બસ્તિ બે પ્રકારની લહીએ રે, નેતિ કુંજરક્રિયા તે કહીએ રે ।

નોળિ શંખપ્રક્ષાલન નામ રે, મોયેર્શિખ્યા છે એ ઘનશ્યામ રે ।।૩૬।।

તેતો સર્વે દેખાડે છે કરી રે, ગુરૂ ગોપાળયોગીને હરિ રે ।

જોઇ ગુરૂ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિરધાર રે ।।૩૭।।

આતો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂરતિ રે ।

આવો હું જે અતિ નિસ્પૃહ રે, તેને ન થાય બીજે સનેહ રે ।।૩૮।।

માટે જાણું છું જરૂર કૃષ્ણ રે, એવે ભાવે કરે નિત્ય દ્રષ્ણ રે ।

એમ પરસ્પર ગુરૂપણું રે, રાખે એક બીજામાંઇ ઘણું રે ।।૩૯।।

કંદ મૂળ ફળ ફુલ વળી રે, જમે આનંદે એકઠા મળી રે ।

એમ વિત્યુું એ સ્થાનકે વર્ષ રે, કરી ઉગ્ર તપ થયા કૃષ રે ।।૪૦।।

શીત ઉષ્ણ ને મેઘની ધાર રે, સહ્યું સર્વે શરીર મોઝાર રે ।

એમ તપ કરે વનમાંય રે, અતિ ધીરજય પર્વતપ્રાય રે ।।૪૧।।

એવા યોગી મોટા જે દયાળ રે, જોઇ પાસે વસ્યા પશુપાળ રે ।

રહ્યા ગાયો તણા ઘોષ કરી રે, ત્યાં તો કેડ્યે પડિયા કેસરી રે ।।૪૨।।

નિત્ય કરે તે ગાયોની ઘાત રે, તેની કહી યોગીઆગે વાત રે ।

કહે ગોવાળ અમે અનાથ રે, અમારે છે એ ગાયો મિરાંથ રે ।।૪૩।।

તેને વાઘ કરશે જો નાશ રે, ત્યારે અમારે સઇ ગુંજાશ રે ।

એવી સાંભળી દીનતા વાણી રે, બોલ્યા યોગી તેને દુઃખી જાણી રે ।।૪૪।

કહે માં બિયો તમે ગોવાળ રે, કરશે હરિ સહુની રખવાળ રે ।

એમ કહી લીધો શંખ હાથે રે, વજાડિયો છે તે યોગીનાથે રે ।।૪૫।।

જેટલામાં સંભળાણો શબ્દ રે, ભાગ્યાં હિંસક મુકી એ હદ રે ।

વળી ત્યાં વસતાતા જે વાઘ રે, તેણે પણ કર્યું વન ત્યાગ રે ।।૪૬।।

રહ્યા સુખે ગાયો ને ગોવાળ રે, પ્રભુ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે ।

રહ્યા કાંઇક પોતે પછી ત્યાંય રે, વાંચે ગીતાનો બીજો અધ્યાય રે ।।૪૭।।

પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ રે, નિશ્ચે કરીયું જેવું છે રૂપ રે ।

પ્રત્યાહાર કરી મહામતિ રે, ઇંદ્રિ પ્રાણ અંતઃકરણવૃત્તિ રે ।।૪૮।।

તેને આતમામાં વાળી લીધી રે, પછી ધીરજે ધારણા કીધી રે ।

એમ કેટલાક કાળ ગયા રે, આતમાને વિષે સ્થિર રહ્યા રે ।।૪૯।।

ધ્યાનયોગ તેની જે સમાધિ રે, તેની પકવદશા અતિ સાધિ રે ।

કહ્યું એમ યોગીને જીવને રે, એવી ક્રિયાઓ કરે છે વને રે ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ગોપાળયોગીને મળ્યા એ નામે ત્રિશમું પ્રકરણમ્ ।।૩૦।।