૨૮. વર્ણીનું વિકટ વનવિચરણ, મારવા આવેલ ભૂત-ભૈરવને મારી હનુમાનજીએ ભગાડી મૂક્યા. વર્ણીજી ગંગાકિનાર

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:50pm

પૂર્વછાયો-

વળી સુણો સહુ શુભમતિ, કહું ત્યાર પછીની વાત ।

બહુનામી મહારાજની, જે રહ્યા છે વનમાં રાત્ય ।।૧।।

વેરણ રજની વહી ગઇ, થયું સુંદર સારૂં સવાર ।

ઉત્તર દિશને ઉપરે, થયા ચાલવા પોતે તૈયાર ।।૨।।

હિમાલય જોવા હામ છે, ઝાઝું હેત છે જોવા ઝાડ ।

ઘણાક દહાડા ચાલતાં, આવ્યો પ્રથમ કાળો પહાડ ।।૩।।

પ્રૌઢ પહાડ ઝાડ અતિ, જયાં પશુનો નહિ પાર ।

મનુષ્યજાતિ મળે નહિ, પોત્યા પોતે વન મોઝાર ।।૪।।

ચોપાઇ-

જોઇ કાળા ગિરિની તળાટી, વન સઘન ને ઘણી ઘાટી ।

જિયાં ન પડે સૂર્ય પ્રકાશ, તિયાં કીધો પોતે જઇ વાસ ।।૫।।

જિયાં પહાડ પ્રૌઢ પ્રચંડ, વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ ।

તેનાં પુષ્પ પત્ર મૂળ કંદ, જેહ જમે તે પામે આનંદ ।।૬।।

અતિ રસાળ કોમળ ફળ, વહે નદીએ નિર્મળ જળ ।

તિયાં પશુ ને પક્ષી અપાર, ફરે હમેશાં વન મોઝાર ।।૭।।

સિંહ વ્યાઘ્ર વરાહ મહિષુ, પાડે ગજ ગેંડા બહુ ચિશું ।

રિંછ ભીંછ સામસામાં હુકે, માંહિ કેશરી સિંહ તાડુકે ।।૮।।

સુરાગાયો ને રોઝડાં ઘણાં, ફરે ટોળાં સેમર શ્યાળતણાં ।

વરૂ વાનર ને રૂરૂ રમે, કસ્તુરિયાં મૃગ કઇ ભમે ।।૯।।

મનુષ્ય માત્ર મળે નહિ જેમાં, ફરે પોતે એકાએક તેમાં ।

કઠણ ભૂમિ ને કાંકરા અતિ, કરે કોમળ ચરણે ત્યાં ગતિ ।।૧૦।।

કાંટા ફ્રંગટામાં નિત્ય ફરે, ભૂત પ્રેત દૈત્યથી ન ડરે ।

આત્મદષ્ટિ ને ધીરજ અતિ, મોટી દૃશા કુશાગ્ર છે મતિ ।।૧૧।।

દર્પરહિત બહુ દયાળ, ફરે વને ધર્મપ્રતિપાળ ।

ફળ ફુલ જે મળે તે જમે, નહિ તો જળપાને દિન નિગમે ।।૧૨।।

કંદ મૂળ મળે કોઇ દિન, ધરી હરિને કરે ભોજન ।

નથી સોંણે સાંભળતું ઘર, વહાલું લાગે છે વન સુંદર ।।૧૩।।

ભરતજીનું આખ્યાન છે મુખે, તેણે અસંગી રહે છે સુખે ।

એવા થકા જોતા જોતા વન, ચાલ્યા પુલહાશ્રમે જીવન ।।૧૪।।

તપ કરવા છે ઇશક તને, ત્યાગ વૈરાગ્ય વહાલો છે મને ।

ચાલતાં ચાલતાં ભૂલ્યા વાટ, મેલી મારગ ચાલ્યા ઉવાટ ।।૧૫।।

દિશ બાંધિને ચાલ્યા દયાળ, મૂકી નિજ શરીર સંભાળ ।

ત્રણ દિવસ વહી ગયા ત્યાંઇ, જળ ફળ મળ્યું નહિ કાંઇ ।।૧૬।।

ચોથે દિવસે ચેત ન રહ્યું, પૃથિવીએ પિંડ પડી ગયું ।

રહી મૂરછા ઘડી બે વાર, પછી ઉઠિયા પ્રાણ આધાર ।।૧૭।।

જોયું પછી ચારેકોરે જયારે, દિઠી નદી દૂર થકી ત્યારે ।

પછી ધીરે ધીરે ગયા ત્યાંય, જઇ પોતે નાયા નીરમાંય ।।૧૮।।

પૂજા કરીને પીધું છે નીર, પ્યાસ ગઇ થઇ પછી ધીર ।

વળતો ત્યાં એક દીઠો વડ, પોતે બેઠા જઇ તેને થડ ।।૧૯।।

ત્યાંતો અસ્ત પામિયો છે દિન, ત્યારે કર્યું ત્યાં સંધ્યા વંદન ।

કર્યો નારાયણવર્મ જાપ, પછી સમર્યા હનુમાન આપ ।।૨૦।।

તારે બટુવેષે બળવંત, આવી બેઠા વડે હનુમંત ।

તેહ નિશિ જન્માષ્ટમીતણી, રાત્ય આગલી અંધારી ઘણી ।।૨૧।।

દિસે વન ભૂંડું ભયંકાર, પાસે વાઘ કરે છે હુંકાર ।

પાડે કપિ ચિશું તિયાં કાળી, નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી ।।૨૨।।

થઇ રહ્યો વને હોહોકાર, બોલે ટિડડાં તમરાં તાર ।

ગાજે મેઘ ને નદી ઘુઘવે, માથે વિજળી વેરણ્ય ખવે ।।૨૩।।

ભૂત પ્રેત દનુજ ને દૈત્ય, યક્ષ રાક્ષસ રાક્ષસી સહિત ।

ફરે પાપી એવા આસપાસે, તે દેખાય દામિની ઉજાસે ।।૨૪।।

તેથી હરિ બીતા નથી મને, અચળ છે કૃષ્ણને ભજને ।

ત્યાંતો આવિયો એક ભૈરવ, ભૂત પિશાચ સાથે છે સર્વ ।।૨૫।।

ડાકણી શાકણી પિશાચણી, ભેળી ભૈરવી લાવ્યો છે ઘણી ।

રક્તલોચન હાથે ત્રિશુળ, ભૂંડું રૂપ છે પાપનું મૂળ ।।૨૬।।

અતિ ઉંચો કાળો જાણું કાળ, ફાટે મોઢે મોટો વિકરાળ ।

તિખી ડાઢે ચાવી પશુ પંખી, આવ્યો મનુષ્યનું માંસ ભરખી ।।૨૭।।

ભેળી દિવી હજારો હજાર, આવ્યો વડ નિકટ નિરધાર ।

આવી ખર સમ શબ્દ કર્યો, આખા અંગમાં રૂધિરે ભયોર્।।૨૮।।

ભેળી ભૂતની સેના છે બહુ, પશુ પંખી મારી લાવ્યાં સહુ ।

એહ વડમાં છે એનો વાસ, તિયાં જે આવે તે પામે નાશ ।।૨૯।।

પોતે ગયો તો કરવા આહાર, આવી કર્યોશબ્દ ભયંકાર ।

તેણે ભાગી ગયાં વનજંત, સુણી સામા થયા હનુમંત ।।૩૦।।

કર્યો કપિતણો કિલકાર, સુણી ભાગિયાં ભૂત અપાર ।

દશે દિશે શબ્દ રહ્યો છાઇ, જાગ્યા હરિ બીના નહિ કાંઇ ।।૩૧।।

ત્યારે ભૈરવ કોપિયો બહુ, કહે આવો ભૂત પ્રેતો સહુ ।

આને ખાઇ જાઓ તતકાળ, કરો બટુ ને બાળનો કાળ ।।૩૨।।

પિયો લોહી રાક્ષસી આ બેનું, ખાઓ રાક્ષસો માંસ જ એનું ।

મારી ત્રિશુળ ને કરો નાશ, એમ કહીને આવ્યો પ્રભુ પાસ ।।૩૩।।

ભૂત પ્રેતને આગન્યા આપી, મારી વાનરને ખાઓ કાપી ।

ત્યારે ગર્જના કરી મહાવીરે, થયા પર્વતસમ શરીરે ।।૩૪।।

પુચ્છે બાંધીને પાસળે લીધા, બહુ પગતણા પ્રહાર કીધા ।

તેણે પાપી પામ્યા દુઃખ અતિ, મૃત્યુભયથી ભાગ્યા કુમતિ ।।૩૫।।

પછી ભૈરવ ભૂતપતિ જાણી, મેલી માથામાં મુષ્ટિકા તાણી ।

તેણે ધડમાં ગરદન ગર્યું, મુખ નાસામાં લોહી નિસર્યું ।।૩૬।।

પડ્યો પૃથ્વીએ ચિતોપાટ, જેમ પડે પહાડ કડેડાટ ।

પછી ભૈરવે વિચાર્યું એહ, ફરી મારશે નહિ રહે દેહ ।।૩૭।।

હવે જેમ તેમ કરી ભાગું, એવું પાપીને વસમું લાગું ।

એમ કપિ ભૈરવની લડાઇ, બેઠે જોયું બોલ્યા નહિ કાંઇ ।।૩૮।।

આપ ઐશ્વર્ય સંતાડી શ્યામ, કરાવ્યું પરબારૂં એ કામ ।

એમ કરતાં રાત્ય વહી ગઇ, જામની પહોર પાછલી રઇ ।।૩૯।।

પછી અરૂણોદય વેળા થઇ, નાયા પ્રભુજી નદીમાં જઇ ।

કરી સંધ્યા ને આસને બેઠા, લાવ્યા હનુમાન ફળ મીઠાં ।।૪૦।।

જમ્યા ચોથે દિવસે જીવન, કહ્યું હનુમાન ધન્ય ધન્ય ।

તમે બહુ કરી રખવાળ, નહીં તો આજ આવ્યો તો કાળ ।।૪૧।।

હવે જયારે સંભારૂં તમને, ત્યારે સહાય કરજયો અમને ।

ત્યારે હસી બોલ્યા હનુમાન, ધન્ય સમર્થ શ્રીભગવાન ।।૪૨।।

તમે કાળતણા મહાકાળ, તેની હું શું કરૂં રખવાળ ।

પણ સંભારજયો સ્વામી તમે, થાશે સહાય તે કરશું અમે ।।૪૩।।

એમ કહી ગયા હનુમાન, ચાલ્યા ઉત્તરમાં ભગવાન ।

પછી જિયાંજિયાં રાત્ય રહે, થઇ નિઃશંક નિર્ભય રહે ।।૪૪।।

ફળ ફુલ અન્ન પાન જેહ, અણઇચ્છ્યે મળે જમે તેહ ।

એમ કરતાં કેટલાક દિન, કર્યો કાળો પહાડ ઉલંઘન ।।૪૫।।

આવ્યો આગળ શ્વેતશિખરિ, તેને જોતાં જોતાં ચાલ્યા હરિ ।

તે તો અડ્યો છે આકાશે જઇ, રૂપા જેવો જન જિયાં નહિ ।।૪૬।।

સપ્ત ધાતુની ખાણો છે જેમાં, મોટી મોટી ગુફાઓ છે તેમાં ।

દેવ તપસ્વિને રહેવા જેવો, દીઠો પર્વત સુંદર એવો ।।૪૭।।

જોઇ એ અચળની તળાટી, ઘણાં ઝાડ ઝાડી જિયાં ઘાટી ।

રવિ શશિ પ્રકાશ ન પડે, વાટ ઘાટ જિયાં નવ જડે ।।૪૮।।

પૂર્વ પશ્ચિમ દિશ ન દિસે, વન સઘન વેલી અતિશે ।

એવા વિકટ વન મોઝાર, તેમાં ભૂલા પડ્યા બ્રહ્મચાર ।।૪૯।।

જેને દિશ વિના નથી વાટ, ચાલ્યા ઉત્તરમાં ર્વિણરાટ ।

ત્યાંતો ગંગા આવી સુખધામ, પીધું જળ ત્યાં કર્યો વિશ્રામ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ વનવિચરણ નામે અઠ્ઠાવિશમું પ્રકરણમ્ ।।૨૮।।