૨૧. ઇચ્છારામનો જન્મ, શ્રીહરિનો શાસ્ત્રાભ્યાસ, ભકિતમય જીવન.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:28pm

પૂર્વછાયો-

શુભમતિ સહુ સાંભળો, કહું કથા તે અનુપ ।

ત્યાર પછીની જે વાર્તા, છે સહુને તે સુખરૂપ ।।૧।।

એજ વર્ષ વૈશાખ માસે, શુક્લ દ્વિતીયા દિન ।

પતિવ્રતા પ્રેમવતીએ, જનમ્યા તે પુત્ર પાવન ।।૨।।

ગુણે કરી પ્રદ્યુમ્ન સરખા, સ્વભાવે સંત સમાન ।

પ્રીતિ પ્રગટ ભગવાનમાં, નામ ઇચ્છારામ ગુણવાન ।।૩।।

એજ અનુજ મહારાજના, જાણજયો જગ વિખ્યાત ।

ત્યાર પછી હવે શ્રીહરિની, સાંભળજયો સહુ વાત ।।૪।।

ચોપાઇ-

પછી પ્રભુ બુદ્ધિએ વિશાળ રે, તેને બેસારીયા છે નિશાળ રે ।

વૈશાખશુદી બારસ દિનેરે, કઢાવ્યા અક્ષર હરિજીને રે ।।૫।।

લાગી લક્ષ્મીનારાયણ પાય રે, પૂજી શારદા ગણપતિ રાય રે ।

કરી હોમ જમાડ્યા વિપર રે, શિખવાને સુવિધા સુંદર રે ।।૬।।

એમ કર્તાં થોડે ઘણે દિન રે, શિખ્યા વિદ્યા પરમ પાવન રે ।

જોઇ ધર્મે સુત બુદ્ધિ બોત રે, ભણાવ્યા બે વેદ અંગે સોત રે ।।૭।।

શિખ્યા શાસ્ત્ર તે અર્થે સહિત રે, થયા વિદ્યાવાન બ્રહ્મવિત રે ।

હતા વાચાળ ને વિદ્યા જોઇ રે, કરે ચર્ચા પહોંચે નહિ કોઇ રે ।।૮।।

પુછે જિયાં તિયાં પોતે પ્રશ્ન રે, તેનો ન કરે ઉત્તર કોઇ જન રે ।

જાય સર્જૂમાં નાવા એકલા રે, ઉઠી બ્રાહ્મમુહૂર્તમાં વેલા રે ।।૯।।

આવે નાહિને ઘરમાં જયારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે ।

ધૂપ દીપ પુષ્પ ફળ પત્ર રે, તેણે પૂજીને ભણે છે સ્તોત્ર રે ।।૧૦।।

પછી નૈવેદનું જે જે અન્ન રે, તેને જમે થઇને પ્રસન્ન રે ।

કરે કંઠે તુલસીની માળું રે, ઉર્ધ્વપુંડ્ર તિલક રૂપાળું રે ।।૧૧।।

રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદક્ષિણા તેને પ્રીતે રે ।

જન્મ સ્થાન ને લછમનઘાટ રે, રામઘાટે જાયે ર્વિણરાટ રે ।।૧૨।।

બ્રહ્મકુંડ વળી સ્વર્ગદ્વારી રે, જાય જાનકીઘાટે વિચારી રે ।

વિદ્યાકુંડ સૂર્યકુંડ જેહ રે, ભદ્રસા આદિ તીરથ તેહ રે ।।૧૩।।

કનક સિંહાસનનાં દર્શન રે, નિત્યે જાવું રત્ન સિંહાસન રે ।

હનુમાનગઢિયે હમેશ રે, જાવું સુગ્રીવટિલે અહોનિશ રે ।।૧૪।।

જગન્નાથ કાવડિયાની જાગે રે, જાવું ત્યાગી પાસે વહાલું લાગે રે ।

અહલ્યા બાઇના મંદિરમાંઇ રે, જાવું નિત્ય દર્શને ત્યાંઇ રે ।।૧૫।।

દિલાયસિંઘગંજ રાયગંજ રે, જુવે જેસંગપુર સુખપુંજ રે ।

જિયાં જિયાં હરિ હરિજન રે, તિયાં તિયાં ફરે ભગવન રે ।।૧૬।।

સર્વે તીરથ ઉઠી સવારે રે, ફરે કરે દરશન પ્યારે રે ।

રામજીની મૂર્તિયો આગે રે, કરે સ્તુતિ ઉભા એક પગે રે ।।૧૭।।

કહે ધન્ય ધન્ય રઘુપતિ રે, તમારો મહિમા મોટો અતિ રે ।

કહી ન જાય મુખથી ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૧૮।।

જુવો તવ પદરજ પ્રતાપ રે, થઇ શિલા તે અહલ્યા આપ રે ।

દેખી વિસ્મય પામ્યો પથિ પાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૧૯।।

કર્યો ગુહરાજા ભવપાર રે, કર્યો અઘવંત જયંત ઉદ્ધાર રે ।

કરી ભીલડી તમે સનાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૦।।

વળી જટાયુને અંતકાળ રે, દીધાં દર્શન તમે દયાળ રે ।

કરી ક્રિયા તેની નિજ હાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૧।।

તાર્યો સુગ્રીવ મિત્રાઇ કરી રે, એને સારૂં માર્યો વાલી હરિ રે ।

મારી કરી દયા એને માથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૨।।

તેને પાસે હતા હનુમંત રે, અતિસમર્થ બહુ બળવંત રે ।

કરી એકાંતિક રાખ્યા સાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૩।।

વિભીષણ નિજજન જાણી રે, તેને ઓધાર્યો સારંગપાણિ રે ।

કર્યો રાય મારી રાવણ હાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૪।।

એવાં અનેક કારજ કરી રે, આવ્યા અયોધ્યામાં તમે ફરી રે ।

જય જય ગાય જન ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૫।।

કરે સ્તુતિ એ મૂરતિ આગે રે, વાર પોર બપોર ત્યાં લાગે રે ।

ખાન પાન માંહિ નહિ વૃત્તિ રે, ત્યાગ વૈરાગ્ય વહાલો છે અતિ રે ।।૨૬।।

એમ ફરી કરી દરશન રે, જયારે આવે ભુવન જીવન રે ।

ત્યારે ભણે છે વેદ છ અંગ રે, શીલ સંતોષ સાધુતા અંગ રે ।।૨૭।।

એવું જોઇને પોતાનો તાત રે, સંભારે છે પુરવની વાત રે ।

કહ્યું હતું માર્કંડેયે જેહ રે, સર્વે ગુણ આમાં છે તેહ રે ।।૨૮।।

એવા હરિને જે આશરે છે રે, તેના સર્વે સંશય હરે છે રે ।

આપી જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યરે, બીજી વાસના કરાવે છે ત્યાગરે ।।૨૯।।

બાળપણામાંહિ જન બહુ રે, જાણે આત્મદર્શી છે સહુ રે ।

કહે ઘરમાં આ કાંઇ રહે છે રે, એમ પરસ્પર જન કહે છે રે ।।૩૦।।

પોતાને પણ એવો છે ઘાટ રે, જોઇ રહ્યા જનોઇની વાટ રે ।

એવા થકા રહ્યા મંદિરમાં રે, જેમ કમળ રહે નિરમાં રે ।।૩૧।।

નિજ તાત સત્ય ગુણવાળા રે, તેવાં પતિવ્રતા માતા બાળા રે ।

એવાં સત્યવાદી જન જોઇ રે, થાય શહેરવાસી શિષ્ય સોઇ રે ।।૩૨।।

તેને આપે ઉપદેશ આપ રે, કરાવે કૃષ્ણ નામનો જાપ રે ।

જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય યુક્ત રે, આપી ઉપદેશ કરે મુક્ત રે ।।૩૩।।

દારી ચોરી મદ્ય માંસ ત્યાગ રે, કરાવે અહિંસા વિષ્ણુયાગ રે ।

ચારે વર્ણ જે આશરે આવે રે, તેને એ રીતે નિયમ ધરાવે રે ।।૩૪।।

એવું જોઇને યુવતિ જન રે, ઇચ્છે ગુરુ કરવાને મન રે ।

પછી વિચારીને ધર્મ તેને રે, નથી કરતા શિષ્ય પોતે એને રે ।।૩૫।।

કહે આજ કાઢું રીત એહ રે, ચાલે આગે પરંપરા તેહ રે ।

તેનો આજ તો નથી વિચાર રે, પણ પછી બગાડ અપાર રે ।।૩૬।।

માટે કહ્યું સર્વે યુવતિને રે, તમે સૌ કરો ગુરુ ભક્તિને રે ।

ઉધ્ધવસંપ્રદાયની એ રીત રે, તેને પાળવી બહુ કરી પ્રીત રે ।।૩૭।।

પછી ત્રિયા સૌ ભક્તિને મળી રે, ધર્મ નારીના લીધા સાંભળી રે ।

સધવા વિધવા ધર્મ જેહ રે, સુણી સર્વે ત્રિયા પાળે તેહ રે ।।૩૮।।

તેણે નારી થઇ શુદ્ધ અતિ રે, જે કોઇ હતી કુલટા કુમતિ રે ।

એમ ધર્મ ને ભક્તિ વિચારી રે, દિયે ઉપદેશ નારી ને નારી રે ।।૩૯।।

વળી જન્મ દિવસ પ્રભુ તણા રે, તેના કરે છે ઉત્સવ ઘણા રે ।

જન્માષ્ટમી રામનવમી જેહ રે, કરે વ્રત ઉત્સવ સર્વે તેહ રે ।।૪૦।।

ભાદ્રસુદી ચતુર્થી આવે રે, પૂજે ગણપતિ બહુ ભાવે રે ।

આસોવદી આવે ચૌદશી રે, પૂજે હનુમાનને હુલસી રે ।।૪૧।।

નિયમ ધારી સુણે કથા નિત્ય રે, બહુ હરિચરિત્રમાં પ્રીત રે ।

વળી જે આવે ભણવા પાસ રે, તેને કરાવે વેદ અભ્યાસ રે ।।૪૨।।

હેતે હરિ વાત સંભળાવે રે, રૂડા ધર્મને પાળે પળાવે રે ।

આપે જીતી બેઠા શત્રુ છય રે, તેમ કર્યા આશ્રિત અભય રે ।।૪૩।।

એવા સત્યવાદી ભક્તિ ધર્મ રે, જેને ઘેર છે પોતે પરબ્રહ્મ રે ।

તિયાં સદ્ગુણ આવી ને રહે રે, તેનું આશ્ચર્ય કોઇ ન કહે રે ।।૪૪।।

ઇતિ શ્રી મદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિકૃષ્ણ બાળલીલા નામે એકવીશમું પ્રકરણમ્ ।।૨૧।।