ગઢડા અંત્ય ૫ : માહાત્મ્યે યુક્ત નિર્વિઘ્ન ભકિતનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:26am

ગઢડા અંત્ય ૫ : માહાત્મ્યે યુક્ત નિર્વિઘ્ન ભકિતનું

સંવત ૧૮૮૩ના ભાદરવા સુદિ ૧૧-એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિષે મોગરાનાં પુષ્પનાં તોરા વિરાજમાન હતા. ને હાથને વિષે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે, “કોઈક પ્રશ્ન પૂછો.” પછી મુકતાનંદસ્વામીએ પૂછયો જે, “હે મહારાજ! ભગવાનની જે ભકિત છે તેમાં કોઈ રીતનું વિઘ્‍ન ન થાય, એવી તે કઈ ભકિત છે ? અને જે ભકિતમાં કાંઈક વિઘ્‍ન થાય છે તે કઈ જાતની ભકિત છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૨”તૃતીયસ્‍કંધમાં કપિલગીતાને વિષે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્‍યે કહ્યું છે જે-

“યન્નામધેયશ્રવણાનુકીર્તનાદ્યત્‍પ્રહ્વણાદ્યત્‍સ્‍મરણાદપિ કવચિત્ |

શ્વાદોડપિ સદ્ય:સવનાય કલ્‍પતે કથં પુનસ્‍તે ભગવન્નુ દર્શનાત્ ||”

“અહો બત શ્વપચોડતો ગરિયાન્ યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્‍યમ્ |

તેપુસ્‍તપસ્‍તે જુહુવુ: સસ્‍નુરાર્યા બ્રહ્માનૂચુર્નમ ગૃણન્‍ત્‍િા યે તે ||”

એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્‍મ્‍ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્‍યે પોતાનું માહાત્‍મ્‍ય કહ્યું છે જે,

“મદ્ભયાદ્વાતિ વાતોડયં સૂર્યસ્‍તપતિ મદ્ભયાત્  વર્ષતીન્‍દ્રો દહત્‍યગ્‍ન્‍િા મૃત્‍યુશ્વરતિ મદ્ભયાત્ “

એવી રીતે માહાત્‍મ્‍ય સહિત ભગવાનની ભકિત હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્‍ન આવે નહિ અને માહાત્‍મ્‍ય જાણ્‍યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભકિત કરે તો તેમાં વિઘ્‍ન આવે છે.”

પછી વળી મુકતાનંદસ્વામીએ પૂછયો જે, “માહાત્‍મ્‍ય યુક્ત ભકિત આવ્‍યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શુક, સનકાદિક જેવા જે મોટા પુરૂષ તેની જે સેવા ને પ્રસંગ; તેમાંથી માહાત્‍મ્‍યે સહવર્તમાન એવી જે ભકિત, તે જીવના હૃદયમાં ઉદય થાય છે.”

પછી શુકમુનિએ પૂછયું જે, “એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે તેને ભગવાનનો નિશ્વય પણ પરિપકવ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ. અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્વય પરિપકવ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્‍યારે એ બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્‍તિ થાય છે કે અધિક ન્‍યૂન સુખની પ્રાપ્‍તિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્વય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્‍યાગી ને અતિ વૈરાગ્‍યવાન્ ને અતિ આત્‍મનિષ્‍ઠાવાળો હોય અને જો તે પ્રત્‍યક્ષ શ્રીકૃષ્ણભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્‍છે તો તેને ન્‍યૂન સુખની પ્રાપ્‍તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્વય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્‍યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્‍યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્‍છે નહિ તેને આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય જો થોડાં હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે, પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્‍યાગી ને નિષ્કામી જણાય છે પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્‍મદર્શનાદિક પ્રાપ્‍તિની હૃદયમાં ઈચ્‍છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિષે જરૂર ન્‍યૂન સુખની પ્રાપ્‍તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્‍છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્‍છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે; માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્‍યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણભગવાનની મૂર્તિને વિષે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.” ઈતિ વચનામૃતમ્ ગઢડા અંત્‍યનું.||૫||૨૨૮||