અમદાવાદ ૨ : નાહીધોઈ પૂજા કર્યાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:18am

અમદાવાદ ૨ : નાહીધોઈ પૂજા કર્યાનું

સંવત્ ૧૮૮૨ ના ફાગણ શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિર આગળ વેદિને વિષે પાટ ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્‍તકને વિષે ગુલાબી રંગનો ફેંટો બાંઘ્‍યો હતો, ને તે પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્‍છ ખોસ્‍યા હતા, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા, ને બે ભુજને વિષે ગુલાબના બાજુબંધ બાંઘ્‍યા હતા, ને બે હાથને વિષે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા, એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, એક પ્રશ્ર્ન પુછું છું જે, “એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્‍વપ્ન ને સુષુપ્‍તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્ત્વ તેનો ત્‍યાગ કરીને શુદ્ધ સત્ત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્‍મક વર્તે છે ને પરમેશ્વરને વિષે તો અતિશે પ્રીતિએ યુક્ત વર્તે છે, એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્‍ઠ છે ? એટલે સંતમંડળે તો એમ કહ્યું જે, “ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્‍ઠ છે.”

ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો નાહીધોઇને પવિત્ર થઇને ભગવાનની પૂજા કરે છે. અને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે. એ બેમાં કયો શ્રેષ્‍ઠ છે ?” ત્‍યારે મુનિમંડળે કહ્યું જે, “પવિત્ર થઇને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્‍ઠ છે.”

ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્‍યૂન કહો છો ને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્‍ઠ કહો, તે એ કેવી રીતે શ્રેષ્‍ઠ છે ?” પછી એ પ્રશ્ર્નનું કોઇથી સમાધાન ન થયું પછી   શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્‍મા કહ્યો છે, માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઇને ભગવાનને ભજે તે ભક્ત શ્રેષ્‍ઠ છે, શા માટે જે, નિત્‍ય પ્રલય જે સુષુપ્‍તિ ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્‍તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઇ જાય અને આત્‍યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઇ જાય છે. અને નિત્‍ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઇ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઇશ્વરની ઉપાધિ લીન થઇ જાય છે ને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઇ જાય છે, પણ જ્યારે સૃષ્‍ટિ સૃજાય છે ત્‍યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે, અને આત્‍યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્‍યાગ કર્યો તેને તો પાછી કોઇ કાળે માયિકઉપાધિ વળગતી નથી. અને જો કોઇક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્‍વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્‍વતંત્ર થકો દેહ ધરે છે પણ કાળ, ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો માટે બ્રહ્મરૂપ થઇને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્‍ઠ છે. અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્‍ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે.” ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું ||૨|| ૨૨૨ ||