ગઢડા મઘ્ય ૫૩ : પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ – તેનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:53am

ગઢડા મઘ્ય ૫૩ : પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ – તેનું

સંવત્ ૧૮૮૦ના વૈશાખ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી તકીયા બીછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે,’ જ્યારે હૃદયને વિષે મોહ વ્‍યાપે ત્‍યારે એ જીવને પોતાનો અવગુણ તો સુઝે જ નહિ, માટે પોતાનો અવગુણ ન સુઝે એજ મોહનું રૂપ છે. અને વળી જીવ માત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહિ જે;’મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે ? કે લાંબો છે કે ટુંકો છે ? એની કાંઇ ખબર નથી, તો પણ મોટા પુરૂષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ કાઢે, અને એમ સમજે જે આ મોટા પુરૂષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી. એમ ખોટ કાઢે છે, પણ એ મૂખર્ો એમ નથી જાણતો જે, “એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઇશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય, ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે, ને લક્ષ્મીના પતિ છે, અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તાહર્તા છે, અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ, તે પણ જેના મહિમાના પારને પામતા નથી, અને નિગમ પણ જેના મહિમાને “નેતિ નેતિ” કહે છે. માટે એવા જે પરમેશ્વર તેનાં ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે, જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય, તેને દેહાભિમાની જીવ કયાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઇએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઇને વિમુખ થઇ જાય છે, અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્‍પુરૂષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૩|| ૧૮૬ ||