ગઢડા મઘ્ય ૪૫ : એકાવન ભૂતનું ટોળું કાઢવાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:53am

ગઢડા મઘ્ય ૪૫ : એકાવન ભૂતનું ટોળું કાઢવાનું

સંવત્ ૧૮૮૦ ના પોષ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્‍થ સત્‍સંગી તથા પાળા તથા અયોઘ્‍યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું  નહિ, અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો, તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઇ રાખશો તો તમારો પગ ટકશે નહિ, અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઇ જાતની વાસના તથા કોઇ જાતનો અયોગ્‍ય સ્‍વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્‍દ્રિયો, પંચ પ્રાણ, ચાર અંત:કરણ, પંચભૂત, પંચવિષય, અને ચૌદ ઇન્‍દ્રિયોના દેવતા, એમાંથી કોઇનો સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્‍મા તે રૂપે થઇને ભગવાનની ભકિત કરો એવા સર્વેને કરવા છે, પણ કોઇ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્‍મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઇને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્‍મ કરવી છે, તથા શ્વેતદ્વિપમાં જઇને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્‍મ કરી નાખવી છે, પણ ભગવાન વિના બીજા કોઇ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

પછી તેજ દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા. પછી આરતી થઇ રહી ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સાત્ત્વિક કર્મે કરીને દેવલોકમાં જાય છે, અને રાજસ કર્મે કરીને મઘ્‍યલોકની પ્રાપ્‍તિ થાય છે. ને તામસ કર્મે કરીને અધોગતિને પામે છે. તેમાં કોઇ આશંકા કરે જે, ‘રાજસ કર્મે કરીને મનુષ્ય લોકની પ્રાપ્‍તિ થાય છે ત્‍યારે તો સર્વ મનુષ્યને સુખ દુ:ખ સરખું જોઇએ.’ તો એનો ઉત્તર એમ છે જે, એક રજોગુણ છે તેના દેશકાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. માટે રાજસ કર્મનો એક સરખો નિધર્ાર રહેતો નથી, એ તો જેવા દેશ, કાળ, સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. ૨તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઇક કર્મ થઇ જાય તો આ ને આ દેહે મૃત્‍યુલોકમાં યમપુરીના જેવું દુ:ખ ભોગવે, અને ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્‍યા જેવું સુખ ભોગવે. અને ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્‍વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઇ જાય ને નરકમાં પડવું પડે. અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્‍ધ હોય તોપણ તે ભુંડાં કર્મનો નાશ થઇ જાય ને પરમપદને પામે. માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું. અને પોતાનાં સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના  સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું. અને ભગવાન ને ભગવાનના સંતને અગ્‍નિએ જ્યારે રાજી કર્યા હશે ત્‍યારે અગ્‍નિને એવો પ્રકાશ પ્રાપ્‍ત થયો છે. અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે, ત્‍યારે એવા પ્રકાશને પામ્‍યા છે. અને દેવલોક મૃત્‍યુલોકને વિષે જે જે સુખીયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખીયા છે. માટે  જે પોતાના આત્‍માનું રૂડું થવાને ઇચ્‍છે તેને તો સદ્ગ્રંથને વિષે કહ્યા જે સ્‍વધર્મ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૫|| ૧૭૮ ||