ગઢડા મઘ્ય ૩૭ : સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું – જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:23am

ગઢડા મઘ્ય ૩૭ : સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું – જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્‍ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહિ. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે ?” પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારીને જોયું પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનો ઉત્તર થાય એમ જણાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર એમ છે જે એ સ્‍વભાવ મુકાવ્‍યા સારૂં જે સત્‍પુરૂષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિષે અતિશે વિશ્વાસ હોય, અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશે પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુ:ખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઇ જાય. પણ એ વિના બીજો કોઇ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્‍યાની ઇચ્‍છા હોય તેને પરમેશ્વર તથા સત્‍પુરૂષ તે સ્‍વભાવ ટાળ્‍યા સારૂં ગમે તેટલા તિરસ્‍કાર કરે ને ગમે તેવાં કઠણ વચન કહે તોપણ કોઇ રીતે દુ:ખાવું નહિ, ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઇ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૭|| ૧૭૦ ||