ગઢડા મઘ્ય ૭ : દરિદ્રીનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:11am

ગઢડા મઘ્ય ૭ : દરિદ્રીનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્‍વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્‍ય સ્‍વભાવ રહી જાય છે. તેનું શું કારણ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે,” જેને વૈરાગ્‍યની દુર્બળતા હોય તેને ટાળ્‍યાની શ્રઘ્‍ધા હોય તોય સ્‍વભાવ ટળે નહિ. જેમ દરિદ્રી હોય તે ધણાં સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્‍છે પણ તે કયાંથી મળે ? તેમ વૈરાગ્‍ય હીન હોય તેના હૃદયમાં ઇચ્‍છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.”

પછી વળી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે,” જેને વૈરાગ્‍ય ન હોય તે શો ઉપાય કરે ત્‍યારે વિકાર ટળે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “વૈરાગ્‍યહીન હોય તે તો કોઇ મોટા સંત હોય, તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડયો રહે પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, આ બિચારો વૈરાગ્‍ય રહિત છે તેને કામક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો. તો તત્‍કાળ ટળી જાય, અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્‍મે ટળે અથવા બીજે જન્‍મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૭|| ||૧૪૦||