પંચાળા ૬ : ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:27am

પંચાળા ૬ : ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને ધોળે અંગરખે સહિત ગરમપોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”અમે ઝાઝીવાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્‍યારે એમ જણાયું જે, ”શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શકિતએ યુક્ત બીજો કોઇ નથી થયો.” કેમ જે, બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્નભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણભગવાને પોતાને વિષે દેખાડયો. કેવી રીતે તો પ્રથમ પોતે દેવકીથકી જન્‍મ્‍યા ત્‍યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્‍યો, તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડયું તેણે કરીને સહસ્રશીર્ષાપણે કરીને અનિરૂદ્ધપણું પોતામાં જણાવ્‍યું, તથા અક્રુરને યમુનાના ધરામાં દર્શન દીધાં તેણે કરીને શેષશાયીપણું જણાવ્‍યું, તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડયું જે, ‘પશ્‍ય મે પાર્થ રુપાણિ શતશોડથ સહસ્રશ:’ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરૂષોત્તમપણું જણાવ્‍યું; તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે,

“યસ્‍માત્‍ક્ષરમતીતોડહમક્ષરાદપિ ચોત્તમ: | અતોડસ્‍મિ લોકે વેદે ચ પ્રથિત: પુરુષોત્તમ: ||”

એવી રીતે પોતે પોતાનું પુરૂષોત્તમપણું જણાવ્‍યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતેજ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્‍યારે અર્જુનને પોતાનું ભૂમાપુરૂષરૂપે દર્શન કરાવ્‍યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિષે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે, તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિષે તો ભિન્નભિન્નપણે રહી જે એજ ભગવાનની મૂર્તિઓ તથા શકિતઓ, ઐશ્વર્ય તે સમગ્ર છે માટે એ અવતાર તે બહુ મોટો થયો છે. અને બીજી મૂર્તિને વિષે થોડું ઐશ્વર્ય છે ને એને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય છે, માટે કૃષ્ણાવતાર જેવો કોઇ અવતાર નથી. અને એ અવતાર સર્વેોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શકિત જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્યશકિતયો જણાવી. માટે આ અવતાર સર્વેોત્‍કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્‍યક્ષ શ્રીકૃષ્ણના સ્‍વરૂપમાં અચળ મતિ હોય ને એ મતિ કોઇ દિવસ વ્‍યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઇ કુસંગે કરીને કદાચિત્ કાંઇક અવળું વર્તાઇ ગયું હોય તોપણ તે કલ્‍યાણના માર્ગમાંથી પડે નહિ, એનું કલ્‍યાણ જ થાય. માટે તમે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દૃઢતા ભગવાનને વિષે રાખશો તો કદાચિત્ કાંઇક અવળું વર્તાઇ જશે તો પણ અંતે કલ્‍યાણ થશે.” એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજને વિષે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દૃઢતા કરતા હવા. ઈતિ વચનામૃતમ્ પંચાળાનું  ||૬|| ૧૩૨ ||