પંચાળા ૫ : માનીપણું ને નીર્માનીપણું કયાં સારું ?

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:26am

પંચાળા ૫ : માનીપણું ને નીર્માનીપણું કયાં સારું ?

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી સ્‍વયંપ્રકાશાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”કયે ઠેકાણે માન સારૂં છે ને કયે ઠેકાણે સારૂં નથી ને કયે ઠેકાણે નિર્માનીપણું સારૂં છે ને કયે ઠેકાણે સારૂં નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જે સત્‍સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ધસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તેજ સારૂં છે. અને તે ધસાતું બોલે ત્‍યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ તેજ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારૂં નથી. ને તેની આગળ તો માનને મુકીને દાસાનુદાસ થઇને નિર્માનીપણે વર્તવું તેજ રૂડું છે.” ઈતિ વચનામૃતમ્ પંચાળાનું  ||૫|| ૧૩૧ ||