લોયા ૧૩ : દેશકાળે પરાભવ ન થાય તેનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:10am

લોયા ૧૩ : દેશકાળે પરાભવ ન થાય તેનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૦ દશમીને દિવસ પ્રાત:કાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતોને ચોફાળ ઓઢયો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે કહ્યું કે ”મોટેરા મોટેરા પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, કેવો પુરૂષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્‍યામાં તો એમ આવે છે જે, ‘બ્રહ્માને પણ સરસ્‍વતીને દેખીને મોહ થયો, ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.’ માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો.’ પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનો ઉત્તર એ છે જે નાડી પ્રાણ સંકેલાઇને નિર્વિકલ્‍પ સ્‍થ્‍િાતિએ કરીને શ્રીનારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્‍છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય. અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્‍થ્‍િાતિ ન થઇ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય. અને એમ ન હોય તો

“તત્‍સૃષ્‍ટસૃષ્‍ટસૃષ્‍ટેષુ કો ન્‍વખંડિતધી: પુમાન્ | ઋષિં નારાયણમૃતે યોષિન્‍મય્યેહ માયયા ||”  એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહિ. માટે એને વિષે રહ્યા થકા તો એક નારાયણઋષિને પરાભવ ન થાય અને બીજો તો ગમે તેવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિષે નિમગ્‍ન ન રહે તો તેને પરાભવ થાય, અને જો નિમગ્‍ન રહે તો ન થાય, એવી રીતે અમે અમારા અંતરમાં અચલ સિદ્ધાંત કરી રાખ્‍યો છે. અને તે ભાગવતમાં કહ્યું છે જે-

“એતદીશનમીશસ્‍ય પ્રકૃતિસ્‍થોડપિ તદ્ગુણૈ: | ન યુજ્યતે સદાત્‍મસ્‍થૈર્યથા બુદ્ધિસ્‍તદાશ્રયા ||”

તથા ભગવાને કહ્યું છે જે,

“દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્‍યયા | મામેવ યે પ્રપદ્યન્‍તે માયામેતાં તરન્‍ત્‍િા તે ||”

એવી રીતે માયાએ કરીને નિલર્પપણું તે એક નારાયણનેજ છે અથવા તે નારાયણને નિર્વિકલ્‍પપણે પામ્‍યો હોય તેને પણ પરાભવ ન થાય. અને સવિકલ્‍પપણે જો નારાયણને પામ્‍યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય.”

અને ત્‍યાર પછી નિત્‍યાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, હે મહારાજ! ”જ્યાં સુધી એ મુકતોને ગુણનો સંબંધ છે ત્‍યાં સુધી તો તેને દેશ, કાળાદિકે કરીને વિપર્યયપણું થાય. અને નારાયણછે તે તો ગુણમાં રહ્યા થકા દેશ કાળાદિકે કરીને પરાભવને ન પામે એ તો ઠીક, પણ જ્યારે એ સર્વે મુકતોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્‍યાં તેવીજ રીતે રહ્યા હોય તેવારે એ સર્વે ચૈતન્‍યમય છે ને નિર્ગુણ છે ને ‘મમ સાધર્મ્યમાગતાઃ’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્‍યા છે, એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેમ ચંદ્ર છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ ?” જુવોને, પ્રકાશપણે કરીને સરખા નથી અને બીંબમાં પણ ધણો ભેદ છે. અને સર્વે ઔષધીનું પોષણ તે પણ ચંદ્રમા વતેજ થાય પણ બીજે તારે ન થાય, અને રાત્રીનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે પણ તારાએ કરીને ટળે નહિ. તેમ નારાયણ તથા મુકતોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે પણ રાજાનું સામથ્‍ર્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્‍યતા તે સર્વેોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરૂષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્‍વી છે, અતિ સમર્થ છે અને ‘કર્તુમકર્તુમન્યથાકર્તું’ સમર્થ છે, તે જો પોતાની ઇચ્‍છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એકજ વિરાજમાન રહે અને સુઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્‍યા થકા એમની ભકિતને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્‍વરાટ્ થકા એકલાજ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાના ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્‍વીને કહ્યું જે, મારા ધનુષ્યથકી નીસર્યાં જે બાણ તેણે કરીને તને મારીને મારા સામથ્‍યર્ કરીને આ જગતને ધારવાને હું સમર્થ છું, તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વેોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્‍ટ મતવાળા જાણવા, ને તેને અતિ પાપી જાણવા, અને એનાં દર્શન પણ કરવાં નહિ. અને એવીરીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઇને તો જેને વિષે મોટપ કહીએ તેને વિષે સંભવે અને એને લઇને વિષ્ણુ, શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક એ સર્વેને ભગવાન કહેવાય છે, અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઇને ઉદ્ધવને પણ ભગવાન કહેવાય, અને હમણાં આ મુકતાનંદસ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઇને તો એમને પણ ભગવાન જેવા કહેવાય, અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય. તો બીજાની શી વાર્તા કરવી ? અને “અપરિમિતા ધ્રુવાસ્‍તનુભ્રૃતો યદિ સર્વગતાસ્‍તર્હિ ન શાસ્‍યતેતિ નિયમા ધ્રુવ! નેતરથા |” એ વેદસ્‍તુતિના ગદ્યનો પણ એજ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વ છીએ, તે આ દેહ થકી નોખો જે આત્‍મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ, અને જ્ઞાન વૈરાગ્‍યાદિક સાધને યુક્ત છીએ, તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાતદિવસ ઉજાગરા કરીએ છીએ, ને કીર્તન, નામસ્‍મરણ તે તાળીઓ વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઇ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે એ નારાયણ જેવા તો એક નારાયણજ છે, પણ બીજો કોઇ એ જેવો થતો નથી. અને ‘એકમેવાદ્ધિતીયં બ્રહ્મ |’ એ શ્રુતિનો પણ એજ અર્થ છે જે ‘એ નારાયણ જેવા તો એક નારાયણજ છે’ એમ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી. ને પોતે તો સાક્ષાત્ પુરૂષોત્તમનારાયણ છે. ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૧૩|| ૧૨૧ ||