સારંગપુર ૫ : અન્વયવ્યતિરેકનું

Submitted by Parth Patel on Sun, 06/02/2011 - 11:04am

સારંગપુર ૫ : અન્વયવ્યતિરેકનું 

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૯ નવમીને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીયે ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનના વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતી તથા ભગવાનના સ્‍વરૂપનું માહાત્‍મ્‍ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઇ જાય છે, તેમાં પણ જો એક માહાત્‍મ્‍ય અતિશય દૃઢ હોય તો શ્રદ્ધા, વિશ્વાસ તથા પ્રીતી એ ત્રણ દુર્બળાં હોય તો પણ મહા બળવાન થાય છે અને માહાત્‍મ્‍ય વિનાની ભકિત જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઇ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્‍મ્‍ય વિનાની ભકિત હોય તે પણ પરિપકવ થતી થતી નાશ થઇ જાય છે અને જેના હૃદયમાં માહાત્‍મ્‍ય સહિત ભગવાનની ભકિત હોય તો બીજા કલ્‍યાણ-કારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો માહાત્‍મ્‍યે સહિત ભકિત જેના હૃદયમાં નથી તો શમદમાદિક જે કલ્‍યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહિ જેવા જ છે કેમ જે અંતે નાશ પામી જશે. માટે એક માહાત્‍મ્‍યે સહિત ભકિત હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઇ જાય ને કલ્‍યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે  તે માટે માહાત્‍મ્‍યે સહિત ભગવાનની ભકિત એ જ વાસના ટાળ્‍યાનું મહા મોટું અચળ સાધન છે.

પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”જીવ અન્‍વય પણે કેમ છે ને વ્‍યતિરેકપણે કેમ છે. અને ઇશ્વર અન્‍વયપણે કેમ છે ને વ્‍યતિરેકપણે કેમ છે. અને અક્ષરબ્રહ્મ અન્‍વયપણે કેમ છેઅને વ્‍યતિરેકપણે કેમ છે ? અને પુરૂષોત્તમ ભગવાનને અન્‍વયપણે કેમ જાણવા ને વ્‍યતિરેકપણે કેમ જાણવા ?”

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,”જન્‍મ મરણનું ભોકતા એવું જે જીવનું સ્‍વરૂપ તે અન્‍વય જાણવું. અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્‍વરૂપ તે વ્‍યતિરેક જાણવું. અને વિરાટ, સૂત્રાત્‍મા અને અવ્‍યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે એ ઇશ્વરનું અન્‍વય સ્‍વરૂપ જાણવું. અને પિંડબ્રહ્માંડથી પર સચ્‍ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યુ છે તે ઇશ્વરનું વ્‍યતિરેક સ્‍વરૂપ જાણવું. અને પ્રકૃતિપુરૂષ તથા સૂર્યચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્‍વયસ્‍વરૂપ જાણવું. અને જે સ્‍વરૂપને વિષે પુરૂષ પ્રકૃતિ આદ્યે કાંઇ ઉપાધિ રહેતી નથી. એક પુરૂષોત્તમ ભગવાનજ રહે છે, એ અક્ષરનું વ્‍યતિરેક સ્‍વરૂપ છે. અને બદ્ધજીવ  તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી તેમજ જે ઇશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે એ પુરૂષોત્તમનું અન્‍વય સ્‍વરૂપ છે. અને જીવ, ઇશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્‍વરૂપ એ પુરૂષોત્તમનું વ્‍યતિરેક સ્‍વરૂપ જાણવું. એવી રીતે અન્‍વયવ્‍યતિરેકપણું છે.

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે ”ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામસ્‍મરણનો જે મહિમા તથા ભગવાનના સ્‍પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારૂં છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, દર્શનાદિકનો તો ભેદ જુદોજ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્‍યારે તેનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તો પણ વિસરે નહિ, એવી રીતે મને સહવર્તમાન ત્‍વચા સ્‍પર્શ કરે તો તે સ્‍પર્શ પણ વિસરે નહિ, જેમ ગોપાંગનાઓનાં ભગવાન પ્રત્‍યે ભાગવતમાં વચન છે જે ‘હે ભગવન્ ! જે દિવસથી તમારાં ચરણનો સ્‍પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારનાં સુખ છે તે અમને વિષ જેવાં લાગે છે.’ એવી રીતે સર્વે જ્ઞાનેન્‍દ્રિએ કરીને મને સહવર્તમાન જે દર્શન સ્‍પર્શ શ્રવણાદિક થાય છે તે કોઇ કાળે વિસરી જતાં નથી જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચ જ્ઞાનેન્‍દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્‍યા હોય તે વિસારે તો પણ વિસરે નહિ, એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેનેજ દર્શનાદિક જાણવું, અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે, કાં જે, જે સમે એણે દર્શન કર્યા તે સમે તેનું મન તો કયાંયે ફરતું હતું. માટે એ દર્શન એને કાંતો એક દિવસમાં વિસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા પાંચ વર્ષમાં જરૂર વિસરી જશે પણ અંતે રહેશે નહિ, માટે જે માહાત્‍મ્‍ય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દ્રષ્ટિ આદિક જ્ઞાનેન્‍દ્રિયે કરીને દર્શન સ્‍પર્શાદિક કરે છે તેનેજ તેનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરનાં દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે. અને યથાર્થ મહિમાતો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૫|| ૮૩ ||