ગઢડા પ્રથમ – ૨૮ : અર્ધબળ્‍યા કાષ્‍ટનું – વધવા ઘટવાનું

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 9:30pm

ગઢડા પ્રથમ – ૨૮ : અર્ધબળ્‍યા કાષ્‍ટનું – વધવા ઘટવાનું

     સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંકિત થઇ હતી.

     તે સમે શ્રીજી મહારાજ બોલ્‍યા જે ” જે સત્‍સંગી સત્‍સંગમાંથી પાછો પડવાનો હોય, તેને અસદ્વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્‍સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે ‘સર્વે સત્‍સંગી અણસમજુ છે ને હું સમજુ છું ‘ એમ સર્વેથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મુંઝાયા કરે અને દિવસમાં કોઇ ઠેકાણે સુખે કરીને બેસે નહિ, અને રાત્રિમાં સુવે તો નિદ્રા પણ આવે નહિ અને ક્રોધ તો કયારેય મટેજ નહિ અને અર્ધબળેલા કાષ્‍ટની પેઠે ધુંધવાયા કરે. એવું જેને વર્તે ત્‍યારે તેને એમ જાણીએ જે ‘એ સત્‍સંગમાંથી પડવાનો થયો છે.’ અને એવો હોય અને તે જેટલા દિવસ સત્‍સંગમાં રહે પણ તેને હૈયામાં કોઇ દિવસ સુખ આવે નહિ અને અંતે પાછો પડી જાય છે. અને સત્‍સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્‍યારે તેને દિવસે દિવસે સત્‍સંગી માત્રનો હૈયામાં ગુણજ આવે અને સર્વે હરિભકતને મોટા સમજે અને પોતાને ન્‍યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્‍સંગનો આનંદ વરતાયા કરે. એવાં લક્ષણ જ્યારે હોય ત્‍યારે જાણીએ જે ‘શુભ વાસના વૃઘ્‍ધિ પામી છે,’ અને તે જેમ જેમ વધુ વધુ સત્‍સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશે મોટપને પામી જાય છે.” એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્‍ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૮||