તરંગઃ - ૯૯ - શ્રીલોયાગામમાં ત્રણ ભાઇનો મેળાપ થયો

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:10pm

પૂર્વછાયો

પછે મુનિને પ્રેમશું, બેઉ વીર વિચારી ત્યાંય । સંશય ઉરનો ટાળવા, બોલ્યા વેણ તદાય ।।૧।। 

પત્ર રૂડો ઘનશ્યામનો, લખે થયા બહુ દિન । મળ્યો ઘણે દિન દેખીને, સંશય હણો સ્વામીન ।।૨।। 

સુણી વચન બળરામનું, પછે બોલ્યા સંત મહંત । વાટ વિકટ વનતણી, અમે વેઠ્યાં કષ્ટ અનંત ।।૩।। 

જોતાં દેશવિદેશમાં, ન મળ્યા તમે બેઉ ભ્રાત । વીતી કહું આ વાટની, સુણજ્યો સહુ સાક્ષાત ।।૪।।

 

ચોપાઇ

 

કહે સંત સુણો શુભ મન, રુડા રામપ્રતાપ પાવન । આવી રહ્યા અમે રતલામ, કર્યો ત્યાંથી ૧અવંતિ મુકામ ।।૫।। 

પછી કર્યો અયોધ્યામાં વાસ, તવ દર્શન ઉર હુલ્લાસ । વસે ગંગાપુત્ર ગોર જ્યાંય, તેમને મળિયા વળી ત્યાંય ।।૬।। 

અમે પુછી છુપૈયાની વાટ, સુણી ઉર પામ્યા તે ઉચ્ચાટ । આંહિ બાર છુપૈયા છે સહી, એવી વાત તેમણે ત્યાં કહી ।।૭।। 

પછી બાર છુપૈયા ત્યાં જોયા, તમે ન મળિયા અમે રોયા । ત્યારે સામે ત્યાં દર્શન દીધાં, ટાળી ઉચ્ચાટ ને સુખી કીધા ।।૮।। 

પછે ઉર આનંદ પામીને, દીઘાઘાટમાં ગયા ભમીને । કિયાં પત્તો તમારો ન લાગ્યો, મનમાંતે ઘણો શોચ જાગ્યો ।।૯।। 

પાછા આવ્યા મથુરા મોઝાર, મળ્યા ગોર લાગી નહિ વાર । પાંચ દિન અમે રહ્યા રાત, પામ્યા કૃષ્ણદર્શન સાક્ષાત ।।૧૦।। 

પુછ્યું નામ દેઇને તમારું, નવ મળ્યું પીછાનનું બારૂં । પછે આવ્યા અમે લખનોર, ઘણા દેશ જોયા કરી જોર ।।૧૧।। 

તિયાં મળ્યા સુબેદાર સારા, મંછારામ પ્રભુજીના પ્યારા । દેખી થયા અમોને પ્રસન્ન, ભલું ભાવે કરાવ્યું ભોજન ।।૧૨।। 

પછે પ્રીતે પ્રભુજીનો પત્ર, દીધો મંછારામજીને તત્ર । વાંચી રીઝ્યા ઘણું ગુણવાન, સાથે આવ્યા કરી સનમાન ।।૧૩।। 

આજ મળ્યા તમો આપોઆપ, તેતો મંછારામનો પ્રતાપ । વેઠ્યું વન અમે ચારે માસ, બહુ વેઠી છે ભુખ ને પ્યાસ ।।૧૪।। 

માટે ચાલો સહુ વ્હેલ્લા વ્હેલ્લા, રહ્યા વાટ જોઇ અલબેલા । એવાં સુણી મુનિનાં વચન, થયા રામપ્રતાપ પ્રસન્ન ।।૧૫।। 

ભાતું બાંધ્યું જાવા ભલી રીતે, ઇચ્છારામજી વીરસહિતે । એવું જોઇને સિધનાબાઇ, ઘણો શોક કરે મનમાંઇ ।।૧૬।। 

કહે એક થયોછે વૈરાગી, વળી બીજા ને લગની લાગી । નવ જાશો તમે મારા તાત । મહાવિકટ વનછે ભ્રાત ।।૧૭।। 

એમ કહી કરેછે રુદન, નંદરામ આદિ ઘણા જન । તેને ધીરજ આપી અપાર, થયા રામ તુરત તૈયાર ।।૧૮।। 

ઘનશ્યામને લાવવા આંહી, ત્યારે સર્વે રોતા રહ્યા ત્યાંહી । પછે વ્હેલ્લા ઉઠીને પ્રભાત, શુભ મુહૂર્તે સંત સંઘાત ।।૧૯।। 

લોહગંજરીથી બલદેવ, આવ્યા છુપૈયામાં તતખેવ । જીયાં શ્રીજીના જન્મનું સ્થાન, રમ્યા બાળક થઇ ભગવાન ।।૨૦।। 

રંગ મોહોલમાં રાજીવનેણ, શોભે મૂર્તિ મહાસુખદેણ । ગયા દર્શને સંત ને ભ્રાત, દીઠા બાલરૂપે જગતાત ।।૨૧।। 

તેજઃપુજ તણો નહિ પાર, દીઠો અલૌકિક ચમત્કાર । મંદ હાસ્ય કરે ઘનશ્યામ, સામું જોઇ રહ્યા બલરામ ।।૨૨।। 

પુરજનમુનિ બે ૧સ્વજન, પ્રીતે નિર્ખિ હર્ષ પામ્યા મન । પામ્યા આશ્ચર્ય સૌ નરનાર, કરે જયધ્વનિનો ઉચ્ચાર ।।૨૩।। 

દિવ્યરૂપે દયાનિધિ નામ, છુપૈયે છુપાયા ઘનશ્યામ । કરી દર્શન રામપ્રતાપ, પામ્યા અંતરસુખ અમાપ ।।૨૪।। 

પછે અદૃશ્ય થયા દયાળ, કોટિ બ્રહ્માંડના પ્રતિપાળ । એક મુહૂર્ત દર્શન દીધાં, સર્વે જનનાં કારજ સિધાં ।।૨૫।। 

ધન્ય ધન્ય કહે છે સહુ લોક, પામી દર્શન થયાં અશોક । મેલી છુપૈયાપુર પ્રખ્યાત, ચાલ્યા ત્યાંથી બલરામભ્રાત ।।૨૬।। 

લખનોર આવ્યા અનુરાગ, કર્યો મુકામ કેશરબાગ । તેહ શેરનો લાખેણો રાય, જાણે શ્રીજીતણો મહિમાય ।।૨૭।। 

મહાધર્મિષ્ઠ તેહ ભૂપાળ, જ્ઞાનાદિ ગુણે યુક્ત નૃપાળ । તેને સંદેશા સંતે કહાવ્યા, સુણી વાયુવેગે સામા આવ્યા ।।૨૮।। 

લાવ્યા સંઘાતે સેવકજન, છત્ર ચમર રુડાં વાહન । વળી દિવાનજી સતસંગી, વેણીરામ અતિશે ઉમંગી ।।૨૯।। 

જાણ્યું આવ્યાછે સ્વામીના સંત, લાવ્યા સામૈયું હર્ષે અત્યંત । અતિ પ્રેમથી કર્યું પૂજન, પધરાવ્યા તે સુખઆસન ।।૩૦।। 

લાવ્યા મોલે સૌને મહીપતિ, કર જોડી કરતા વિનંતિ । ધન્ય ધન્ય સ્વામી શિરતાજ, આજ મળ્યા મુને મહારાજ ।।૩૧।। 

પુછી કુશળતા સંતતણી, પ્રીતે જોયું ત્યાં રામના ભણી । ત્યારે સંતે દીધી ઓળખાણ, જેના બંધુ પ્રગટ પ્રમાણ ।।૩૨।। 

આજ આવી ચડ્યા તવ શેર, મોટી થઇ છે લીલાલહેર । એવું સુણી ભૂપ પાયે લાગ્યા, અતિ આનંદમાં અનુરાગ્યા ।।૩૩।। 

કહે રામને નામ નૃપાળ, મોટી કૃપા કરી છે દયાળ । કોટિ જન્મનાં સુકૃત ફળ્યાં, તવ દર્શનથી દુઃખ ટળ્યાં ।।૩૪।। 

પછે ગજ મોટો શણગારી, સંત સાથે બેઉ ભ્રાત બેસારી । નમી સંતને બેઠા નરેશ, ફર્યા શેરમાં સુંદર વેષ ।।૩૫।। 

વાજે વાજિંત્ર નાના પ્રકાર, મળ્યા લોકો હજારો હજાર । એમ માન દઇ રુડી રીતે, પધરાવ્યા મોલે કરી પ્રીતે ।।૩૬।। 

વેણીરામને ત્યાં કરી વ્હાલ, જમ્યા સંત ભ્રાત બેઉ થાળ । પછી ભૂપ નમી અતિ પ્રીતે, મુકી ભેટ ભલી રુડી રીતે ।।૩૭।। 

બેઉ અશ્વ લીધા બળવાન, જેનો વેગ ૨ખગેશ સમાન । પછે ત્યાંથી સિધાવિયા સંત, આવ્યા ગોકુળમાં ગુણવંત ।।૩૮।। 

નંદગ્રામમાં મહામુનેશ, ભાઇ સહિત કર્યો પ્રવેશ । ત્યાંથી આવ્યા મથુરા મોઝાર, જ્યાં જનમીયા કૃષ્ણ મુરાર ।।૩૯।। 

કરી પ્રક્રમા ગોવરધન, ગયા વેગે ત્યાંથી વૃંદાવન । પછે આવ્યા કાલિંદીને તીર, કર્યું સ્નાનથી શુદ્ધ શરીર ।।૪૦।। 

કૃષ્ણમંદિરમાં ગયા રામ, તિયાં દીઠા છે શ્રીઘનશ્યામ । દિવ્યરૂપે દેખાણા દીનેશ, રાજે કૃષ્ણચંદ્ર વર્ણિવેષ ।।૪૧।। 

નિજ બંધુસમા વડરૂપ, દીઠા કોટિબ્રહ્માંડના ભૂપ । બન્યા પોતે પ્રત્યક્ષ પ્રમાણ, સંતે દીઠા પુરુષપ્રમાણ ।।૪૨।। 

મંદ હાસ્ય ને નેણાં રસાળ, મુખચંદ્ર આકૃતિ વિશાળ । દેખી રામ રાજી અતિ થયા, ભુજા ભીડીને ભેટવા ગયા ।।૪૩।। 

થયા અદૃશ્ય ત્યાં અવિનાશ, રામપ્રતાપ થયા નિરાશ । એવું ઐશ્વર્ય પ્રત્યક્ષ જોઇ, મન મૂર્તિવિષે દીધું પ્રોઇ ।।૪૪।। 

તેહ તીર્થ દેખીને પાવન, ભલાં વિપ્રને દીધાં ભોજન । જમ્યા પોતે મળી સહુ સાથ, નિર્ખિ નાથને થયા સનાથ ।।૪૫।। 

તિયાં લાલાબાબુ નામે ભક્ત, જેણે જાણ્યું તૃણતુલ્ય જક્ત । કરે ભાવે પ્રભુનું ભજન, તેનો થયો મેળાપ તે દિન ।।૪૬।। 

શતકોટિ પતિ જે કેવાય, માયિક સુખમાં ન લોભાય । જાણે જેવો જનક રાજન, બીજા દીઠા વિદેહી પાવન ।।૪૭।। 

જેને આગે મળ્યા છે મહંત, મોટા સ્વામી સુખાનંદ સંત । એવો ભક્ત ભારી લાલદાસ, બેઉ સંત બેઠા તેની પાસ ।।૪૮।। 

બલરામ બીજા ઇચ્છારામ, બેઉ ભાઇ બેઠા સુખધામ । કહી વાત પ્રગટપ્રભુની, રોમ રોમ પ્રગટ ૧વિધુની ।।૪૯।। 

રહ્યા પ્રભુજીની મૂર્તિ ધારી, શુધ બુધ સરવે વિસારી । પછે ખેંચાણાં નાડીને પ્રાણ, સુખે પામ્યા સમાધિ સુજાણ ।।૫૦।। 

દીઠા દિવ્ય નારાયણ શ્યામ, કોટિ કામહર સુખધામ । સંગે શોભે રૂડા બલદેવ, ઇચ્છારામ વળી તતખેવ ।।૫૧।। 

પછી જાગ્યા સમાધિથી જ્યારે, બોલ્યા બાબુ ધીરા રહી ત્યારે । ધન્ય ધન્ય મુનિ ગુણખાણી, મુને મેળવ્યા સારંગપાણિ ।।૫૨।। 

મોટી કૃપા કરી તતકાળ, મારે મંદિર આવો દયાળ । થાળ જમી જાઓ મહામતિ, ઘણી કરીછે એમ વિનતિ ।।૫૩।। 

દેખી ભક્તિ તે ભક્તની ભારી, સંત ભ્રાતે વિનતિ સ્વીકારી । પછે જમ્યા કૃપાળુ મરાળ, કરી પાક રસોઇ રસાળ ।।૫૪।। 

ત્યારે પામ્યા અતિ ઉર હર્ષ, માન્યો દિન મોટો ઉતકર્ષ । કર જોડી કહી એમ વાણ, લાવો અન્ન પ્રગટ પ્રમાણ ।।૫૫।। 

થાશે ખર્ચ તે આપીશું અમે, સંકોચ ન રાખશો તમે । ઘણું વિનવજ્યો ઘનશ્યામ, કર્જ્યો પ્રભુને મારા પ્રમાણ ।।૫૬।। 

હું છું દાસ તમારો સ્વામિન, દયા લાવોેે જાણી મુને દીન । પછે ગયા છે મંદિરમાંય, લાવ્યા સુગંધી અત્તર ત્યાંય ।।૫૭।। 

શીશી ભરી દીધી છે સ્વામીને, આપવા શ્રીઅંતરયામિને । પછે ઓળખીયા બેઉ ભાઇ, પુષ્પ ચંદને પૂજીયા ત્યાંઇ ।।૫૮।। 

દીધો કંદોરો કંચન કેરો, મૂળમાં મૂલ્યવાન ઘણેરો । વળી ઉતરી દીધી ઉતારી, એવી સેવા કરી અતિ ભારી ।।૫૯।। 

સંત ચાલ્યા તે આનંદ પામી, ગામ લોયે મળ્યા બહુનામી । મળ્યા ભ્રાતને શ્રીજગતાત, સર્વે સંત થયા રળિયાત ।।૬૦।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીલોયાગામમાં ત્રણ ભાઇનો મેળાપ થયો એ નામે નવાણુમો તરંગઃ ।।૯૯।।