તરંગઃ - ૯૮ - શ્રીછુપૈયે ધર્મકુળને બે સંત તેડવા ગયા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:08pm

પૂર્વછાયો

ઘણી લીલા હરિવરની, લખતાં ન આવે અંત । હવે લખવા પરચા, મારે મન હર્ષ અનંત ।।૧।। 

મોટા રામપ્રતાપજી, નાનાભાઇ ઇચ્છારામ । વચેટ વર્ણિરાટજી, ઘનશ્યામ સુંદરશ્યામ ।।૨।। 

ગોત્ર સાવર્ણિ ગણો, શુભ વેદ સામ વિખ્યાત । વિપ્ર સરવરિયાવિષે, છુપૈયે જન્મ્યા જગતાત ।।૩।। 

અકળ અક્ષરવાસીનાં, અદ્ભુત લીલા ચરિત્ર । ફર્યા અસંખ્યના સખા થઇ, છુપૈયાપુર તે પવિત્ર ।।૪।।

 

ચોપાઇ

 

કોશલદેશની કહું વાત, લોહગંજરી ગામ વિખ્યાત । રહે રામપ્રતાપજી પ્રીતે, સ્વકુટુંબ સ્વજન સહિતે ।।૫।। 

ગુણે જાણો બીજા બલરામ, ધારી રહ્યાછે ધર્મને ધામ । જેના ભ્રાત અક્ષરના પતિ, કવિ શું વર્ણવે અલ્પમતિ ।।૬।। 

એક સમે તે રામપ્રતાપ, નિજ મંદિર બેઠાછે આપ । અતિ પવિત્ર પ્રસન્ન મન, કરે દહીંપુવાનું ભોજન ।।૭।। 

ત્યાં આવ્યા નારદમુનિ ફરતા, મુખે નારાયણ ધ્વનિ કરતા । વેષ ધાર્યો સાધુતણો અંગ, માગી ભિક્ષા ભાળીને પ્રસંગ ।।૮।। 

પછે બોલ્યા વચન ગંભીર, સુણો રામપ્રતાપજી વીર । સુત અવધપ્રસાદ જે છે, મુક્ત અક્ષરધામના તેછે ।।૯।। 

તેને શ્રીહરિ પોતે પ્રમાણો, પુત્ર દત્તક લેશે એમ જાણો । જાણી ભક્ત ભલા ગુણવાન, દેશે ધર્મગાદી ભગવાન ।।૧૦।। 

એવું વાક્ય સુણી સાધુતણું, રામ રાજી થયા મન ઘણું । સુતા સિધના કહેછે બાઇ, આપો સંતને ભોજન કાંઇ ।।૧૧।। 

પછે સંત બેઠા છે મંદિર, હરિનામ જપે તે સુંદિર । ગયા મંદિરમાં બલરામ, દેવા સંતને સિધુ તમામ ।।૧૨।। 

તે દેખી મુનિ બોલ્યા હુલાસ, સુણો પાંડેજી કહું પ્રકાશ । અમે રાધેલું જમીએ અન્ન, તમે લઇ જાઓ થઇ પ્રસન્ન ।।૧૩।। 

અમો આવ્યા હતા તવ દ્વાર, કેવા પુત્ર ભવિષ્યનો સાર । સુણી પાયે લાગ્યા રામ જ્યારે, જોયું ન દીઠા સંતને ત્યારે ।।૧૪।। 

જોત જોતામાં અદૃશ્ય થયા, કહે રામ સંત કીયાં ગયા । પામી આશ્ચર્ય પુછે જનને, મુનિ ગયા ક્યાં માની મનને ।।૧૫।। 

એવે આવ્યા સંધ્યાગીર નામ, રૂડા ગુણે કરીને તે ગામ । તેને વાત કરી છે વિસ્તારી, એવું સાંભળી બોલ્યા વિચારી ।।૧૬।। 

અહો આતો મોટો ચમત્કાર, હશે દેવ દિવ્ય અવતાર । કહે રામ સંતની આકૃતિ, હતી મહામુનિને મળતી ।।૧૭।। 

ગૌર અંગ તિલ ત્રાજું ભાલ, ગ્રહી હસ્તમાં વીણા વિશાળ । શિશ શિખાયે ઝળકે કેશ, રૂડો મુનિનો વૈષ્ણવ વેષ ।।૧૮।। 

બોલ્યા સંધ્યાગીર જ્ઞાનવાન, એતો નારદ કેરાં નિશાન । તમે રામપ્રતાપ પાવન, પામ્યા મહામુનિનાં દર્શન ।।૧૯।। 

કહી ગયા એ મુનિ જેટલું, થાશે આગળ સત્ય તેટલું । સુણી સંધ્યાગીરનાં વચન, થયા રામપ્રતાપ પ્રસન્ન ।।૨૦।। 

પામ્યા પરચો પુરો મહાભાગ, અતિ અંતરમાં અનુરાગ । વળી આંબલીયા ગામ જ્યાંય, વસે બંધુ ઇચ્છારામ ત્યાંય ।।૨૧।। 

મુનિ નારદ પણ ત્યાં જઇ, કહી વાત તે પ્રમાણે લઇ । તવ પુત્ર રઘુવીર જેહ, થાશે ધર્મધુરંધર તેહ ।।૨૨।। 

ગુણ ગંભીર રૂપ રસાળ, લેશે દત્તક કરી દયાળ । કહ્યું રામપ્રતાપને જેવું, ઇચ્છારામને કહ્યું છે તેવું ।।૨૩।। 

થયા અદૃશ ત્યાંથી મુનેશ, વદી વાણી એવી લવલેશ । અતિ અદ્ભુત આશ્ચર્ય જોઇ, ચારે બાજુ જુએ સહુ કોઇ ।।૨૪।। 

જ્યારે દીઠા નહિ મુનિરાય, ઇચ્છારામજી વિસ્મય થાય । કહી આતો અલૌકિક વાત, દીઠી સુણી પ્રત્યક્ષ સાક્ષાત ।।૨૫।। 

પછે ઇચ્છારામ તે હુલાસે, ગયા રામપ્રતાપજી પાસે । કહી આનંદની ત્યાં વિધિ, ભાવે ભેટ્યા સગાં ને સંબંધી ।।૨૬।। 

મુનિ મળ્યાની વાત સાંભળી, થયા વિસ્મય સહુ મળી મળી । બેઉ બંધુ જુદે જુદે ગામ, મળ્યા મુનિએ મોટાનું કામ ।।૨૭।। 

પછે કરી અંતર ઉચાટ, વીર આપણા વર્ણિરાટ । ઘણા વર્ષથી ગયા છે વન, તપ કરી કર્ષ કરવા તન ।।૨૮।। 

એનો અલૌકિક ચમત્કાર, તેના મળ્યા નહિ સમાચાર । એમ ચિંતા કરે છે અપાર, ચાલે ચક્ષુમાં નીર ચોધાર ।।૨૯।। 

તમો બંધુછો બાંય અમારી, ગયા વન શું વાત વિચારી । તવ વિના હે વીર નિદાન, કોણ દેશે અજ્ઞાની ને જ્ઞાન ।।૩૦।। 

આવો વેગે વાલા બ્રહ્મચારી, અમે કરશું સેવા તમારી । હોય પ્રાણ વિના જેવું પિંડ, તેવું દેખું છું સર્વ ૧ઇંડ ।।૩૧।। 

ઘનશ્યામજી ગુણ ભંડાર, તવ વિના સુનો આ સંસાર । એમ કરે વિવિધ વિલાપ, હરિકૃષ્ણ જપે મુખે જાપ ।।૩૨।। 

ત્યારે આવ્યા મંછારામ નામ, નિજ ૨માતુલ સુત સ્વધામ । સાથે બેઉ સંત સુખકંદ, માયાજીતાનંદ સુખાનંદ ।।૩૩।। 

કહે સાંભળો શ્રીબલરામ, સદા સુખી છે શ્રીઘનશ્યામ । મહાપ્રતાપી બંધુ તમારા, ભવબંધ તોડ્યા છે અમારા ।।૩૪।। 

પછે પ્રભુએ લખેલો પત્ર, દીધો રામપ્રતાપને તત્ર । દેખી પત્ર સુણી સમાચાર, પામ્યા આનંદ તેહ અપાર ।।૩૫।। 

જેમ અંધને આવે લોચન, પામેછે જેમ ગયેલું ધન । ક્ષુધાવંત ક્ષુધારસ પામે, વર્ત્યો આનંદ અતિ તે ઠામે ।।૩૬।। 

પછે આપ્યાં મુનિને આસન, પુછી કુશળ કીધું પૂજન । રાજી થઇને રામપ્રતાપ, વાંચે પત્ર ઉંચે સ્વરે આપ ।।૩૭।। 

સ્વસ્તિ શ્રી શુભ છુપૈયા ગામ, રાજે જ્યેષ્ઠ બંધુ બલરામ । ઇચ્છારામ આદિ અભેરામ, વાંચો વર્ણીના પ્રેમે પ્રણામ ।।૩૮।। 

રૂડો ગુર્જર દેશ વિશાળ, લખ્યા છે શ્રીનગરેથી લાલ । જાણો અમે કુશળ સાક્ષાત, ઇચ્છું સુખી સંબંધી ને ભ્રાત ।।૩૯।। 

વાંચી પત્ર તજીને ઉચાટ, આવો વેલા જોઉં અમો વાટ । મને ભેટવા ભાવ છે અતિ, નવ લખી શકું અથ ઇતિ ।।૪૦।। 

અમે પ્રત્યક્ષ અત્ર પ્રમાણ, તેનાં વાંચજ્યો વીર એંધાણ । ગયા તળાવ ખેલવા જ્યારે, ખાંપો વાગ્યો જંઘા વિષે ત્યારે ।।૪૧।। 

બાંધ્યો પાટો અશ્વિનીકુમારે, કહ્યો વેણીરામે તેનો સારે । વળી પીરોજપુરમાં પ્રીતે, જમ્યા જાંબુડાં સખા સહિતે ।।૪૨।। 

અમ સંગે અતિ અનુરાગ, વેણીરામ માધવ અને પ્રાગ । તિયાં જાંબુનો માલિક મલ્લ, નામ બકસ જાણો સકળ ।।૪૩।। 

મહામસ્ત બહુ બલવંત, આવ્યો કરવા અમારો અંત । ત્યારે સર્વ સખાની સમક્ષ, અમે હર્યો અસુર પ્રત્યક્ષ ।।૪૪।। 

તરગામ જાણો સહુ કોઇ, જીયાં દીધી અમોને જનોઇ । ત્રણ ખુણિયા ક્ષેત્ર મોઝાર, ગયા હતા તમે તેણીવાર ।।૪૫।। 

અમે પૂરણ થઇ પ્રસન્ન, દીધું અલૌકિક દરશન । તવ ચક્ષુ વિષે વધુ વારી, કરી સ્તુતિ અતિશે અમારી ।।૪૬।। 

ત્યારે બાલસ્વરૂપ ત્યાં ધારી, કહી માતાને લીલા વિસ્તારી । વળી શ્રાવણ સુદી બળેવ, અમ દર્શને આવીયા દેવ ।।૪૭।। 

બાંધી રક્ષા ગયા નિજધામ, એવાં કર્યાં ઘણાં અમે કામ । વળી મખોડા તીર્થની વાટ, મનોરમા નદી કેરો ઘાટ ।।૪૮।। 

મોટી તોપ સુવર્ણની ભાળી, એક હસ્તથી અમે ઉછાળી । એહ એધાંણ છે અમતણાં, નથી લખ્યાં પત્રમાંઇ ઘણાં ।।૪૯।। 

ઘર તજી ગયા અમે વન, દીધું ભોજાઇને જે વચન । લેશું તેડાવી સર્વને પાસ, દેશું સુખ અખંડ ઉલાસ ।।૫૦।। 

તેહ સત્ય કીધું હવે આજ, વેલા આવો તમે શિરતાજ । મારા ધર્મધુરંધર ધીર, વાટ જોઇ રહ્યો છું હું વીર ।।૫૧।। 

તમો કાજે મેલ્યા અમે સંત, તેના સાથે આવો ગુણવંત । એવો પત્ર પ્રભુનો સાંભળી, વાંચે વારે વારે સહુ મળી ।।૫૨।। 

રેલ્યા સુખસિંધુ અમ ઘેર, વેગે ટાળી વિયોગની પેર । પછે પ્રીતે બેઉ સંતતણી, કરી સેવા અન્ન જળે ઘણી ।।૫૩।। 

સર્વે જાણ્યા શુભ સમાચાર, એમ વર્ત્યો જયજયકાર । માન્યા સંત મહાસુખકારી, પુછે તેહને વાત વિચારી ।।૫૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીછુપૈયે ધર્મકુળને બે સંત તેડવા ગયા એ નામે અઠ્ઠાણુમો તરંગઃ ।।૯૮।।