તરંગઃ - ૭૯ - શ્રીહરિ ગઢપુરથી વડતાલ પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:42am

પૂર્વછાયો

મુળીપુરમાં માવજી, ઘણા દિવસ રહ્યા ઘનશ્યામ । ગઢપુર જાવા સજ્જ થયા, સંતસહિત સુખધામ ।।૧।।

 

ચોપાઇ

હવે ત્યાંથી પધાર્યા જીવન, ગઢપુર ગયા ભગવન । ત્યાંથી સારંગપુર થઇ છેલો, કારિયાણી ગયા અલબેલો ।।૨।।

મહોત્સવ કર્યો તેહ ઠામ, પછે તો પધાર્યા લોયાગામ । સુરાભક્તના દરબારમાંય, દોઢ માસ રહ્યા વ્હાલો ત્યાંય ।।૩।।

શાકોત્સવ કરીને સધાવ્યા, વળી ગામ પંચાળામાં આવ્યા । મહાપ્રભુ કૃપાવંત થયા, ઝીણાભાઇને ત્યાં જઇ રહ્યા ।।૪।।

વડવૃક્ષછે ગામથી બાર, તેસ્થળે ગયા મુક્તઆધાર । સંત સેવક સાથે દયાળ, ઘણો ઉડાડે રંગ ગુલાલ ।।૫।। 

આપ્યું સર્વેને સુખ અપાર, સંત ભક્તને રમાડ્યા સાર । પાછા દુર્ગપુર પધારીયા, ભક્તના પ્રેમને વધારીયા ।।૬।। 

નિર્જલા એકાદશી આવી, હરિ હરિજનને તે ભાવી । તેસમયે વૃત્તપુરી થકી, કુબેર ભક્તાદિ આવ્યા નક્કી ।।૭।। 

કર્યાં શ્રીજીતણાં દરશન, અતિ આનંદ પામ્યાછે મન । પ્રાર્થના કરીને તે કહેછે, વાલીડો વાત ધ્યાનમાં લેછે ।।૮।। 

કૃપાનાથ વડતાલે આવો, શિખરબંધી ધામ બંધાવો । પૃથ્વી આપીશું મંદિરકાજ, પણ ત્યાં પધારો મહારાજ ।।૯।। 

જે જે જોશે સામગ્રી શ્યામ, અમે આપીશું તે તો તમામ । એવી સુણી જ્યાં નિર્મળ વાણ, થયા પ્રસન્ન જીવનપ્રાણ ।।૧૦।। 

બ્રહ્માનંદ ને અક્ષરાનંદ, એમને કરી આજ્ઞા જીવન । જાઓ મંદિર કરાવો તમે, ત્યાર પછેથી આવશું અમે ।।૧૧ ।। 

એવું સુણીને તે બેઉ નંદ, ગયા વડતાલે પામી આનંદ । શ્રીહરિની આજ્ઞા અનુસાર, કરાવ્યું ત્યાં મંદિર તૈયાર ।।૧૨।। 

મોટું વિશાળ ને સુશોભિત, અતિ ઉત્તમ દિસે ઓપિત । એમ મંદિર થયું તૈયાર, શ્રીવૃત્તાલયપુર મોઝાર ।।૧૩।। 

બ્રહ્માનંદ આદિક જે જન, તેમણે પત્ર લખ્યો પાવન । આપ્યો અનુચરને એ પત્ર, શ્રીહરિ જ્યાં બિરાજેછે તત્ર ।।૧૪।। 

દૂત લેઇ ચાલ્યો રૂડે રંગે, પ્રભુજીને પોચાડ્યો ઉમંગે । પત્ર વાંચીને થયા તૈયાર, દિન એક કરી નહીં વાર ।।૧૫।। 

સંત હરિજન કાઠી સ્વાર, ચતુરંગિણી સેના અપાર । સંત લેઇને ચાલ્યાછે શ્યામ, પ્રીતે પધાર્યા વડતાલ ગામ ।।૧૬।। 

રસ્તામાં જેજે આવેછે ગામ, ભક્તને ત્યાં કરેછે વિશ્રામ । પાંચમને દિવસ દયાળ, પોતે પોકી ગયા વડતાલ ।।૧૭।। 

ત્યાંના ભક્ત નામે બાપુભાઇ, રથકાર વાસણ છે ત્યાંઇ । ઝુમખ કુબેર આદિજન, વળી સંતમંડળ અનન્ય ।।૧૮।। 

સર્વે આવીને સામૈયું કીધું, પ્રેમે દર્શનનું સુખ લીધું । વાગે સુંદર વાજાં તેઠાર, તેડી ગયા છે ગામમોઝાર ।।૧૯।। 

ઉતારો કર્યો મંદિરમાંય, સર્વે રાજી થયા ઘણું ત્યાંય । તેસમે ગામના હરિજન, સેવા કરેછે પુન્યપાવન ।।૨૦।। 

રથકાર વાસણે તેકાળ, પોતાને ઘેર કરાવ્યો થાળ । પ્રભુને જમાડ્યા કરી હિત, સંત પાર્ષદ ભક્ત સહિત ।।૨૧।। 

આવ્યા છે ત્યાં લાખો હરિજન, દયાળુનાં કર્યાં દર્શન । થયો આનંદ મન અપાર, સુખ સંતોષ પામ્યા તેવાર ।।૨૨।। 

પ્રભુજીયે મનમાં વિચારી, કરાવી છે સંભાવના સારી । અપાવ્યા સૌને રૂડા ઉતારા, ઘટે તેવી રીતે ન્યારા ન્યારા ।।૨૩।। 

પછે ધારીને અશરણશરણ, બ્રાહ્મણોને કર્યું આમંત્રણ । વેદવેત્તા ને જોશી પુરાણી, તેને બોલાવ્યા ઉમંગ આણી ।।૨૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગઢપુરથી વડતાલ પધાર્યા એ નામે અગણ્યાશીમો તરંગઃ ।। ૭૯ ।।