તરંગઃ - ૭૨-શ્રીહરિયે વડતાલમાં ફુલડોલનો સમૈયો કરી મસ્તકે મુગટ ધાર્યો

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:32am

પૂર્વછાયો

સંત પાર્ષદ સંગે લેઇ, ગયા વાસંદે ગામ । ઘણા જીવનું રૂડું કરવા, ફરે છે ઠામો ઠામ ।।૧।। 

ત્યાંના રાજારાયસિંહજી, ખબર થૈ તતકાળ । સામૈયું લૈ તેડવા સારું, આવ્યા જાણીને દયાળ ।।૨।। 

હર્ષ વડે તેડી ગયા, દરબારમાં રાજન । પલંગે પધરાવીને, પ્રેમે કર્યું છે પૂજન ।।૩।। 

વસ્ત્ર અલંકાર અરપિયા, અતિ ઉત્તમ તે વાર । સ્તુતિ કરી મધુર વચને, કર જોડી નિરધાર ।।૪।।

 

ચોપાઇ

 

એવું રાજાયે કર્યું પૂજન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન । પછે શ્રીહરિયે નિરધાર, ચરણારવિંદ પાડી દીધાં સાર ।।૫।। 

પછે પધાર્યા પ્રાણજીવન, પાછા ધર્મપુર ભગવાન । કુશળ કુંવરબાયે નિધાન, ભૂધરને દીધાં ઘણાં માન ।।૬।। 

શ્રીહરિનું મનોહર રૂપ, બાયે ધરી લીધું છે અનુપ । નખથી તે શિખા સુધી નિરખી, અંતરમાંહિ ઉતાર્યા હરખી ।।૭।। 

ત્યાંથી સધાવ્યા શ્રીહરિશ્યામ, ખંભાતમાં આવ્યા ઘનશ્યામ । સંજય શામળ તેને ઘેર, હરિને જમાડ્યા સુખભેર ।।૮।। 

પછે ત્યાંથી ચાલ્યા છે મુરારી, ગઢપુર આવ્યા ગિરિધારી । પોતાના એકાંતિ જેહ જન, એને સુખ આપે છે જીવન ।।૯।। 

વળી એક સમે કોઇ દિન, આવી દિપોત્સવી ત્યાં નવીન । ઉગમણો ઓરડો છે જેહ, એની ઓસરી કૈયેજ તેહ ।।૧૦।। 

તેમાં ઢોલીયે બિરાજ્યા શ્યામ, સુખસાગર પૂરણકામ । સંત હરિજન સમુદાય, ભારે થૈ છે ત્યાં મોટી સભાય ।।૧૧।। 

તે સમે કુંડળ થકી સોય, મામૈયો પટગર આવ્યા જોય । દરબારમાં પેસે છે જ્યાંય, ચમત્કાર દેખ્યો મોટો ત્યાંય ।।૧૨।। 

થયાં મહારાજનાં દર્શન, વિસ્મે પામી ગયા છે તે મન । સમાધિ થઇ ગઇ તે વાર, અહોહો કે છે વારમવાર ।।૧૩।। 

પ્રભુ કે ઘોડીનેે ઝાલો ત્યાંય, હેઠે ઉતારીને લાવો આંય । પછે ઘોડી ઝાલીને સેવક, હેઠે ઉતાર્યા રાખી વિવેક ।।૧૪।। 

વળી ફેર કર્યો છે ઉચ્ચાર, અહોહો શું છે આણે ઠાર । નેવે નેવે વિમાને તે વાર, દીઠા મુકતો હજારો હજાર ।।૧૫।। 

વિમાને કરી સર્વે આકાશ, ભરપુર ભરાયો છે ખાસ । તે વિના બીજું દેખે ન કાંય, કહે પ્રભુને દેખું છું આંય ।।૧૬।। 

મામૈયે જોયું છે એવી રીત, શ્રીહરિમાં પ્રોવાણું છે ચિત્ત । મહારાજે બોલાવ્યા ત્યાં પાસ, સમાચાર પુછે અવિનાશ ।।૧૭।। 

ત્યારે હતી તે કરી વાત, જેવી દેખીતી તે વિખ્યાત । એમ ગઢપુરમાં નિરધાર, ઘણી લીલા કરેછે મુરાર ।।૧૮।। 

જન્માષ્ટમીનો સમૈયો સાર, કર્યો છે ગઢપુર મોઝાર । આપે ભક્તને સુખ અધિક, દીપોત્સવી આવી છે નજીક ।।૧૯।। 

તે સમૈયો કરવા માટે શ્યામ, વાલો પધાર્યા વડતાલ ગામ । સમૈયો કર્યો છે મહારાજે, વૃત્તાલયના ભક્તને કાજે ।।૨૦।। 

ત્રણ માસ કર્યાં ત્યાં ચરિત્ર, પછે પધાર્યા શ્રીનરમિત્ર । જેતલપુર ગયા જીવન, મોહોલમાં ઉતર્યા ધર્મતન ।।૨૧।। 

મુક્તાનંદજી આદિક સંત, તેમને તેડાવ્યા રાખી ખંત । સંત આવ્યા છે આજ્ઞાનુસાર, જેતલપુર વિષે નિરધાર ।।૨૨।। 

મળ્યા શ્રીહરિને સાધુજન, ઘણું હેત કરી નિજ મન । કૃપા કરી અશરણશરણ, આપ્યાં સંતના હૃદેમાં ચરણ ।।૨૩।। 

રહ્યા પાંચ દિવસ તે ઠાર, પછે ચાલવા થયા તૈયાર । સર્વ સંતોને દેશો દેશ, ફરવાની આજ્ઞા આપી છે એશ ।।૨૪।। 

આનંદાનંદ સ્વામી તે જુક્ત, બ્રહ્માનંદ તે અનાદિ મુક્ત । મહાનુભાવાનંદ સ્વામી સાર, એવા સાધુ પર ઉપકાર ।।૨૫।। 

પુરુષોત્તમ શાસ્ત્રીને સાથે, શ્રીનગરે મોકલ્યા છે નાથે । નિત્યાનંદ મુક્તાનંદ જેહ, વળી ગોપાળાનંદજી તેહ ।।૨૬।। 

એ આદિ પાંચ સંતને સંગે, શ્રીજી પધાર્યા ગઢડે ઉમંગે । રહ્યા ગઢપુરે અવિનાશ, લીલા કરેછે ત્યાં સુખરાશ ।।૨૭।। 

તે સમે દુર્ગપુર મોઝાર, પોતે રહ્યા છે ત્યાં માસ ચાર । પછે શ્રીહરિ સહજાનંદ, વડતાલે ગયા સુખકંદ ।।૨૮।। 

તિયાં રહીને પ્રાણજીવને, ઘણી લીલા કરી ભગવને । એમ કરતાં આવ્યો ફુલડોલ, વાધ્યો મને ઉમંગ અતોલ ।।૨૯।। 

દેશોદેશ અને ગામોગામ, સંત આશ્રિતને ઠામો ઠામ । પત્ર લખીને તેડાવ્યા સોય, આજ્ઞા પ્રમાણે આવ્યા છે જોય ।।૩૦।। 

સંત હરિજનોયે ત્યાં પાવન, કર્યાં મહારાજનાં દર્શન । થયો આનંદ મન અપાર, ઘણું સુખ પામ્યા તેહ ઠાર ।।૩૧।। 

ગામથી પૂર્વ દિશાનો ભાગ, ત્યાં છે સુંદર મોટું તડાગ । તેના સમીપમાં મનમોજ, રુડા રંગના ભરાવ્યા હોજ ।।૩૨।। 

સંત હરિજન સંગે શ્યામ, ગુલાલ રંગ ઉડાડે છે તેહ ઠામ । સોનાની લૈ પિચકારી હાથ, ભરીને ઉડાડે યોગીનાથ ।।૩૩।। 

સર્વે સંતહરિજન સાથ, રંગ ગુલાલ લીધા છે હાથ । પિચકારીયો ભરીને રંગ, પ્રભુને છાંટે ધરી ઉમંગ ।।૩૪।। 

એક એકને તે અન્યો અન્ય, રંગ ગુલાલ નાખે છે ધન્ય । બ્રહ્મમોલના તે વાસી એક, પાસે મુક્ત રમે છે અનેક ।।૩૫।। 

અલબેલો બહુ રાજી થાય, રંગ નાખે ને કીર્તન ગાય । અતિ આનંદના વાળ્યા ઓઘ, જોઇ પ્રભુની કૃપા અમોઘ ।।૩૬।। 

ઉડે રંગ ગુલાલ ગગન, સૌનાં લાલ થયાં છે લોચન । આવ્યા અદૃશ્ય આકાશે દેવ, શ્રીહરિની લીલા જોવા એવ ।।૩૭।। 

કરે દુંદુભિ નાદ અપાર, થાય પુષ્પની વૃષ્ટિ તે ઠાર । એમ રમ્યા પોતે ઘણીવાર, પછે ઘોડે થયા અસવાર ।।૩૮।। 

રંગ ભરેલા રાજીવનેણ, રોઝે ઘોડે શોભે સુખદેણ । રંગમાં અંગછે ગરકાવ, સંઘમાં ફરે નટવર નાવ ।।૩૯।। 

ઘોડે ચડી દેછે દર્શન, નિજભક્તનાં હરેછે મન । એમ આપ્યાં છે સુખ અપાર, કેતાં કવિ પામી જાય હાર ।।૪૦।। 

શેષ મહેશ ન પામે પાર, કવિ શું કરે મુખે ઉચ્ચાર । પછે કૃપા કરી ભગવાન, ગયા ગોમતીમાં કરવા સ્નાન ।।૪૧।। 

પછે ઉતારે આવ્યા દયાળ, થાળ જમ્યા પોતે તતકાળ । સંત ભક્તને આપ્યાં ભોજન, પામ્યા આશ્રિત આનંદ મન ।।૪૨।। 

નિષ્કુળાનંદ આદિક સંત, મોટા મોટા મળ્યા છે મહંત । સર્વે ગયા સરોવર તીર, હિંડોળો બાંધવા મતિધીર ।।૪૩।। 

ત્યાંછે આંબાતણાં બેઉ વૃક્ષ, જોડાજોડ શોભે છે પ્રત્યક્ષ । હિંડોળો બાંધ્યો છે તેહઠાર, તેની શોભાતણો નહિ પાર ।।૪૪।। 

પ્રભુને પધરાવ્યા તેમાંય, દર્શન કરવા આવ્યા સૌ ત્યાંય । સર્વે હરિજનોયે તેવાર, પૂજાયો કરી રૂડે પ્રકાર ।।૪૫।। 

એવે સમે સુરતના જન, ત્યાં આવ્યા છે પુન્યપાવન । નંગજડિત મુગટ એક, વસ્ત્રસહિત લાવ્યા વિશેક ।।૪૬।। 

મુગટ ધરાવ્યો પ્રભુશિર, રુડાં વસ્ત્ર પેરાવ્યાં શરીર । કરી આરતી પૂજાયો ત્યાંય, સુખ પામ્યા ઘણું મનમાંય ।।૪૭।। 

પછે વિચારીને વ્હાલો ઉર, ત્યાંથી પધાર્યા શ્રીગઢપુર । ઉત્તમરાજાનો જે દરબાર, તેમાં ઉતારો કર્યોછે સાર ।।૪૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે વડતાલમાં ફુલડોલનો સમૈયો કરી મસ્તકે મુગટ ધાર્યો એ નામે બોતેરમો તરંગ ।।૭૨।।