તરંગઃ - ૭૧- શ્રીહરિયે ધર્મપુરમાં વસંતનો ઉત્સવ કર્યો

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:31am

પૂર્વછાયો

તેહ ગામના વેણીભાઇ, વળી રતનબા છે નામ । પ્રેમવડેથી માઢમાંયે, ઉતર્યા સુંદર શ્યામ ।।૧।। 

પછે જતનબાયે હેતથી, કરાવ્યું દહીંનું પાન । રાત્રિ રહી પાછા પધાર્યા, કરજીસણે નિદાન ।।૨।। 

નાનાભાઇના કુવા ઉપર, વરખડાનું છે વૃક્ષ । એના સમીપમાં ઓરડી, સુંદર ત્યાંછે પ્રત્યક્ષ ।।૩।। 

એમાં જૈને ઉતારો કર્યો, પાંચ દિન રહ્યા શ્યામ । પછે પધાર્યા પ્રીતમજી, શ્રીનગરે સુખધામ ।।૪।।

 

ચોપાઇ

 

અમદાવાદે આવ્યા અલબેલ, નટનાગર સુંદરછેલ । ત્યાંના ભક્ત વિવેકી અપાર, જાણીને સામા આવ્યા તેવાર ।।૫।। 

નથ્થુભટ્ટ હીરાચંદભાઇ, એ આદિ આનંદ્યા મનમાંઇ । વાગે વાજિંત્ર નાનાપ્રકાર, તેડી ગયા શહેર મોઝાર ।।૬।। 

નવા વાસમાં ઉતર્યા સોય, લાવો હરિજને લીધો જોય । સર્વે શેરતણા હરિજન, આવ્યા આનંદ પામીને મન ।।૭।। 

દેછે નોતરાં સૌ એક સંગ, થાળ કરાવ્યા સાથે ઉમંગ । તેમનો કરાવા પુરો ભાવ, સૌને આજ્ઞા આપી દીધી માવ ।।૮।। 

બીજે દિને ધાર્યાં બહુરૂપ, સૌને ઘેર જમવા અનુપ । સંત પાર્ષદ સહિત છેલ, ઘણારૂપે જમ્યા અલબેલ ।।૯।। 

એવી લીલા કરેછે અપાર, એક માસ રહ્યા તેહ ઠાર । પછે પધાર્યા પૂરણકામ, ગયા છે જેતલપુર ગામ ।।૧૦।। 

દેવસરોવર તીરે સાર, મોહોલમાં ઉતર્યા નિરધાર । તે ગામમાં પધારેછે નિત, થાળ જમવા ત્યાં ધરી હિત ।।૧૧।। 

એમ ઘણા દિન જગતાત, જેતલપુરમાં રહ્યા વિખ્યાત । પછે ચાલ્યા ત્યાંથી કરી ભાવ, વ્હાલો ગયા ગામ મછિયાવ ।।૧૨।। 

ફુલડોલનો સમૈયો સાર, કર્યો મછિયાવમાં નિરધાર । સુરસિંહની સેવા તેઠાર, કરી શ્રીહરિયે અંગીકાર ।।૧૩।। 

પછે ત્યાંથી કર્યું છે વિચરણ, દદુકે ગયા અશરણશરણ । ગોદડ કાંધોજી અલુભાઇ, એ આદિ રેછે તે ગામમાંઇ ।।૧૪।। 

એની સેવા કરી અંગીકાર, આગળ ચાલ્યા દેવ મુરાર । કઠેચિ તલસાણે થઇ શ્યામ, પછે તો ગયા શિયાણી ગામ ।।૧૫।। 

ત્યાં શિવરામ વિપ્રને ઘેર, થાળ જમ્યા પ્રભુ સુખભેર । એકરાત્રિ રહ્યા સુખકારી, બીજે દિને ચાલ્યા ભયહારી ।।૧૬।। 

ભલગામ ને લીંબડી જ્યાંય, ત્યાંથી ગયા લાલિયાદમાંય । સરોવરને કિનારે શ્યામ, સંત સાથે બિરાજ્યા તેઠામ ।।૧૭।। 

રત્નસિંહ આદિ હરિજને, તેમણે સેવા કરી તેદિને । પછે ત્યાંથી પધાર્યા દયાળ, નાગડકે ગયા તતકાળ ।।૧૮।। 

સુરાખાચરના મોહોલમાંય, ચાર દિવસ રહ્યા છે ત્યાંય । બોટાદે પધાર્યા બલવંત, સહજાનંદજી ભગવંત ।।૧૯।। 

માતરા ઘેલા ધાધલને દ્વાર, થાળ જમ્યા ત્યાં પ્રાણઆધાર । પછે ગઢડે ગયા છે પ્રભુ, ઉત્તમરાજાને તિયાં વિભુ ।।૨૦।। 

અક્ષર ઓરડીમાં બેઠા માવ, અક્ષરાધિપતિ કરી ભાવ । સર્વ સંત મંડળ આવ્યાં છે ત્યાંય, ઉમંગે ગઢપુરની માંય ।।૨૧।। 

મળ્યા શ્રીહરિને શુભ મન, કર્યાં દર્શન થયા મગન । ત્યાંના વાસી સર્વે હરિજન, પરમ વિવેકી ઉદાર મન ।।૨૨।। 

મહાપ્રભુને સંત સહિત, પ્રેમવડે જમાડે છે નિત । એમ અક્ષરપતિ અવિનાશ, ગઢપુરે રહ્યા છે એક માસ ।।૨૩।। 

કરી આજ્ઞા સંતોને તે વાર, ફરવા ગુજરાત મોઝાર । જન્માષ્ટમી ઉપર દયાળ, વડતાલે પધાર્યા તે કાળ ।।૨૪।। 

બાપુજી આદિ ભક્ત તે ઠાર, તેની સેવા કરી અંગીકાર । ધર્મપુરે જાવા ગિરીધારી, ચાલ્યા ત્યાં થકી દેવ મુરારી ।।૨૫।। 

સંત સહિત તે ચાલ્યા જાય, અતિ ઉલટ અંગ ન માય । એમ કરતાં આગે ગયા જ્યાંય, રેવાજીનો કીનારોે છે ત્યાંય ।।૨૬।। 

ઉતારો કર્યો જઇને તે સ્થાન, પછે કર્યું રેવાજીમાં સ્નાન । આસન વાળી બેઠા નિદાન, ધ્યાન ધરવા સારૂં ભગવાન ।।૨૭।। 

ધ્યાનમાં વીતી ગઇ ઘણીવાર, ત્યારે સંત કરે છે વિચાર । પછે મુક્તમુનિ નામી શીર, કરે પ્રારથના ધરી ધીર ।।૨૮।। 

હે કૃપાનાથ હે ભગવાન, તમે કોનું ધરોછો આ ધ્યાન । મોટા પ્રકૃતિ પુરુષ જેહ, બ્રહ્મ ને વળી અક્ષર તેહ ।।૨૯।। 

તે તમને ભજે નિત્યમેવ, અહોનિશ ધ્યાન ધરે એવ । ત્યારે કેને ભજો છોજી આજ, અમે શું કહીયે મહારાજ ।।૩૦।। 

એમ ફરી ફરી ત્રણ વાર, કરી સ્વામીયે સ્તુતિ અપાર । ધ્યાનમાંથી પ્રભુ જાગ્યા જ્યારે, સંતના સામું જોયું તે વારે ।।૩૧।। 

મુક્તમુનિ કહે મહારાજ, હવેતો આપ જમીલ્યો આજ । પછે ટીમણ કરે સૌ સંત, ત્યારે બોલ્યા વ્હાલો બલવંત ।।૩૨।। 

સૌને કરવાંછે ભોજન પાન, પણ હું કહું તે સુણો જ્ઞાન । અમારે વાતો કરવી છે આંહી, આજ ઉલટ છે મનમાંહી ।।૩૩।। 

ત્યારે સ્વામી કહે કૃપાનાથ, ભલે વાતો કરો અમ સાથ । પ્રાણપતિ બોલ્યા કરી પ્રીત, સંત સુણેછે થઇ એકચિત્ત ।।૩૪।। 

અષ્ટ આવરણ પૃથ્વી આદિક, એકએકથી છે તે અધિક । દશ દશ ઘણા પર જેહ, વેદવિષે છે પ્રમાણ તેહ ।।૩૫।। 

તેથી અનંત કહીયે જેહ, પ્રકૃતિ પુરૂષ વળી તેહ । એથી અપાર અક્ષરધામ, મહામુક્ત રહેછે તેઠામ ।।૩૬।। તેમનો 

સંબંધ મુજ સંગ, દઢ નિશ્ચે કરો એ ઉમંગ । તમે પામ્યા છો સંબંધ એહ, માની લેજ્યો તે નિઃસંદેહ ।।૩૭।। 

એવી રીતે કરી ઘણી વાત, વાલિડાયે મુક્તની સાક્ષાત । પછે જમ્યાછે સંત સહિત, ચાલ્યા ત્યાંથી કરી મન હિત ।।૩૮।। 

ગામ ઉધને ગયા છે શ્યામ, ભક્તના પતિ જે સુખધામ । ત્યાં સુરતના આવ્યા છે જન, દયાળુનાં કરવા દર્શન ।।૩૯।। 

અરદેશર ગોવિંદાદિ જેહ, આવ્યાછે પ્રીત કરીને તેહ । સામૈયું કર્યું છે તેણીવાર, ઉતર્યા મસ્તુબાગ મોઝાર ।।૪૦।। 

એમ સાત દિન રહ્યા શ્યામ, ત્યાંથી ગયા ધર્મપુર ગામ । ત્યાંના રાજાયે જાણી તે વાત, મારે ગામ આવ્યા જગતાત ।।૪૧।। 

સામા આવ્યા સાથે ઘણા જન, ભક્તિભાવે વધાવ્યા જીવન । દર્શન કર્યાં ત્યાં રૂડે રંગે, ગામમાં તેડી ગયા ઉમંગે ।।૪૨।। 

પધરાવ્યા દરબારમાંય, મોટા સત્કાર સહિત ત્યાંય । કુશલ કુંવરબા પવિત્ર, એકાંતિક ધર્મનાં છે મિત્ર ।।૪૩।। 

તેમણે કર્યાં રૂડાં દર્શન, પામ્યાં આનંદ આનંદ મન । કર્યું પૂજન સોળે પ્રકાર, મૂર્તિ મનમાં ધારી નિરધાર ।।૪૪।। 

કર્યું તે બાયે સ્વાગત સાર, જેમ પ્રસન્ન થાય મુરાર । વસ્ત્ર આભૂષણ તેણીવાર, આપ્યાં મહાપ્રભુને અપાર ।।૪૫।। 

પછે કર્યું સંતનું પૂજન, યોગ્ય વિવેક ધારીને મન । કર્યો વસંત ઉત્સવ ત્યાંય, અતિ આનંદ્યા છે મનમાંય ।।૪૬।। 

પછે મહારાજશ્રી નિદાન, આપ્યું નિજ સ્વરૂપનું જ્ઞાન । કુશળ કુંવરબાને ત્યાંય, નિશ્ચે કરાવ્યો ચૈતન્યમાંય ।।૪૭।। 

ત્યારે તે બાયે ધારીને ચિત્ત, કર્યું અર્પણ સર્વસ્વ હિત । ધન ધામ આદિ પરિવાર, રાજપાટ સકળ દરબાર ।।૪૮।। 

શ્રીહરિવરને સોંપ્યું સર્વ, પ્રેમે શરણ લીધું છે અપૂર્વ । ત્યારે વ્હાલો બોલ્યાછે વચન, બાઇ તમોને છે ધન્ય ધન્ય ।।૪૯।। 

અમારે ન જોયે રાજપાટ, વળી ન જોયે હિંડોળા ખાટ । અમે આવ્યા નથી કરવા રાજ, ફરીયે છૈયે કલ્યાણકાજ ।।૫૦।। 

તમારૂં રાજ તો કરો તમે, પણ વાત કહીયે છૈયે અમે । અંતરમાં ઉપાધિ ન ધરશો, વળી માયાનો સંગ ન કરશો ।।૫૧।। 

બોલ્યાં કુશળ કુંવરબાઇ, તમો સુણો પ્રભુ સુખદાઇ । હવે મળ્યા પ્રગટ શ્રીહરિ, ઉપાધિ કેમ રાખીશું ફરી ।।૫૨।। 

એમ શ્રીહરિ સહજાનંદ, બેઉ માસ રહ્યા સુખકંદ । પછે વ્હાલે કર્યોછે વિચાર, ત્યાંથી ચાલવા થયા તૈયાર ।।૫૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ધર્મપુરમાં વસંતનો ઉત્સવ કર્યો એ નામે ઇકોતેરમો તરંગઃ ।।૭૧।।