તરંગઃ - ૫૩ - શ્રીહરિ ગામ પંચાળે પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:32pm

ચોપાઇ

પછે ચાલ્યા છે જીવન જોઇ, પોતે પધાર્યા ગામ આધોઇ । લાધાજીનો દરબાર જ્યાંય, ઉતારો કર્યો છે જઈ ત્યાંય ।।૧।। 

નિજભક્તને કર્યા પાવન, એક દિન રહ્યા છે જીવન । વળી ચાલ્યા ત્યાંથી હરિ અગ્ર, ભચાઉ થઈ ગયા ભુજનગ્ર ।।૨।। 

ત્રૈણ દિન રહ્યા એહ કાલ, ત્યાંથી માનકુવે ગયા લાલ । એકરાત્રી રહ્યા છે તેઠાર, કેરે જાવા કર્યો છે વિચાર ।।૩।। 

પછે ચાલ્યા જીવન જરૂર, વચ્ચે આવ્યું નારાયણપુર । ઉંચા વાસનો ઠાકોર દ્વાર, કર્યાં દર્શન ત્યાં નિરધાર ।।૪।। 

પછે આવી બિરાજ્યા બહાર, ઉત્તર રૂપ ચોકીયે સાર । માવજીભાઈને લેઈ સાથ, પછે ચાલ્યા ત્યાંથી યોગીનાથ ।।૫।। 

નીચો વાસ વાયુ ખુણમાંય, પૃથ્વી પડતર ચોક ત્યાંય । આવી થયા ત્યાં બિરાજમાન, વળી વેણ બોલ્યા ભગવાન ।।૬।। 

પુન્ય પવિત્ર છે આ તો ધરણી, આની રૂડી દેખાય છે કરણી । આપણું આ ઠેકાણે સુંદીર, આગળ જાતાં થશે મંદિર ।।૭।। 

છત્રી બંધાવશે હરિજન, ચરણ પધરાવશે તે ધન્ય । એમ કરી પ્રસંશા અપાર, પછે ચાલ્યા ત્યાંથી વિશ્વાધાર ।।૮।। 

ગામ ઝાંપે છે શિવનું સ્થાન, તે ઠેકાણે ગયા ભગવાન । શિવ ગણપતિ હનુમાન, તિયાં દર્શન કર્યાં સમાન ।।૯।। 

નંદીશ્વર મારુતિ ગણેશ, તેપર હાથ મુક્યા છે એશ । પછે વડની શીતળ છાંય, તેના તળે બેઠા સુખદાય ।।૧૦।। 

થોડી વાર કર્યો છે વિશ્રામ, પછે ચાલ્યા ત્યાંથી સુખધામ । કણબી મુળજી છે પાવન, તેની વાડીમાં ગયા જીવન ।।૧૧।। 

શિલોર વાવ્યે શ્રીભગવાન, પધાર્યા ત્યાં કર્યું જલપાન । વાડીના પૈયામાં બેઠા શ્યામ, પછે વચન બોલ્યા તેઠામ ।।૧૨।। 

આ વાડીવાળા મનુષ્ય જેહ, અતિ પુન્ય પવિત્ર છે તેહ । એના વંશમાં અમારા ભક્ત, એકાંતિક થશે જ વિરક્ત ।।૧૩।। 

ચરણ પધરાવશે આ ઠાર, પુન્ય પવિત્ર થૈ નિરધાર । એમ કૃપા કરીને જીવન, નારાયણે કર્યું તે પાવન ।।૧૪।। 

કણબી સારા છે હરિજન, તેને ઘેર કર્યું છે ભોજન । પછે ચાલ્યા શ્રી સુંદર શ્યામ, ગિરિધારી ગયા કેરેગામ ।।૧૫।। 

સદાબાને ત્યાં કર્યાં ભોજન, પાછા ચાલ્યા ત્યાંથી ભગવન । ગયા બળદીયા ગામમાંય, કણબી ગાંગજીભાઈ ત્યાંય ।।૧૬।। 

જમીને ચાલ્યા ત્યાં થકી ધીર, ગામ ગજોડે શ્રીબલવીર । સૂત્રધાર છે ધનજીભાઈ, તેને દ્વારે ગયા સુખદાઈ ।।૧૭।। 

ત્યાંથી વિચર્યા શ્યામ સુંદર, વ્હાલો પોચ્યા માંડવી બંદર । ત્યાં રહ્યા થકા લખાવ્યો પત્ર, સંતમંડળ તેડાવ્યાં તત્ર ।।૧૮।। 

મળ્યા સંત સર્વે આવી ત્યાંય, ભળ્યા શ્રીહરિની સેવામાંય । ભટ લક્ષ્મીનાથની રે પાસ, કથા વંચાવે છે અવિનાશ ।।૧૯।। 

કરે વેદાંતશાસ્ત્રનો વાદ, વેદાંતિને આપે છે સંવાદ । જીતી લીધા વેદાંતિના અંત, પરાજય કરી ભગવંત ।।૨૦।। 

તે વેદાંતિમાં મુખિયો એક, ખિયો ખત્રી નામે છે વિશેક । તેને ઐશ્વર્ય બતાવ્યું આપ, નિશ્ચે કરાવ્યો પૂર્ણ પ્રતાપ ।।૨૧।। 

ખિયા ક્ષત્રીયે જાણ્યું છે મન, છે આ સાક્ષાત શ્રીભગવન । પછે ત્યાર કેડે એક દિન, સંત સાથે પ્રભુજી અભિન્ન ।।૨૨।। 

પશ્ચિમ દિશા ગામથી બાર, સરોવર છે સુંદર સાર । તેને તીરે પધાર્યા ઉમંગ, સર્વે સંત મંડળને સંગ ।।૨૩।। 

 

 

સભા કરીને બિરાજ્યા ત્યાંય, અતિ આનંદ છે મનમાંય । બ્રહ્મમુનિ આદિ સંત જાણ, તે પ્રત્યે બોલ્યા જીવનપ્રાણ ।।૨૪।। 

તમે કહો તો નખાવું ધૂળ, કે જમાડું લાડુ અનુકુળ । ત્યારે બોલ્યા સ્વામી બ્રહ્માનંદ, સુણો શ્રીહરિ સુખના કંદ ।।૨૫।। 

ધૂળની તો નથી જ નવાઈ, દુરિજન નાખે તે તો ધાઈ । પણ શામળિયા સુખદાઈ, લાડુ જમાડો ત્યારે બડાઈ ।।૨૬।। 

પછે મહારાજે ધાર્યું મન, મળે જેમ લાડુનાં ભોજન । શ્રીહરિની ઇચ્છા બળવાન, શેરમાં લોકોએ આપ્યું માન ।।૨૭।। 

રસોઇઓ આપી ઘણી વાર, ઉપરા ઉપરી નિરધાર । એમ માંડવી બંદરમાંય, ઘણા દિન રહ્યા પ્રભુ ત્યાંય ।।૨૮।। 

કરે છે લીલાઓ ઘણી આપ, દેખાડ્યો છે અતિશે પ્રતાપ । પછે ત્યાંથી મનોહર માવ, પ્રીતે પધાર્યા કાળે તળાવ ।।૨૯।। 

નિજભક્ત પર કરી મેર, રહ્યા તે સ્થળમાં સુખભેર । પ્રાગજીને પાસે કરી પ્રીત, કથા વંચાવે છે રૂડી રીત ।।૩૦।। 

મુક્તાનંદ સ્વામી આદિ સંત, કથા સુણે છે સર્વે મહંત । સ્વામીને નિદ્રા આવી છે ત્યાંય, ડોલું ખાધું છે તે સભામાંય ।।૩૧।। 

ત્યારે કેવા લાગ્યા ભગવાન, સુણો મુક્તમુનિ ગુણવાન । તમારે વિષે છે ગુરુભાવ, નથી અંતરમાં તો અભાવ ।।૩૨।। 

તમને નિદ્રા આવે છે આંય, અમે જાણી લીધું મનમાંય । અવગુણ ન લેશો આ ઠાર, તમે ઉઠો બેસો જઈ બાર ।।૩૩।। 

શ્રીહરિની આજ્ઞા અનુસાર, ત્યારે સ્વામી બેઠા જઈ બાર । પછે શ્રીપાત માધવાનંદ, એમને નિદ્રા આવી છે મંદ ।।૩૪।। 

નિદ્રાને વશ થયા તે સંત, તે દેખીને કહે ભગવંત । સ્વામી જાઓ તમે પણ બાર, નથી કામ તમારૂં આ ઠાર ।।૩૫।। 

તે તો ઉઠી ગયા તેણીવાર, ગામ બાર ગયા નિરધાર । ત્યાં તો આત્માનંદ સ્વામી નામ, તેમને ડોલું આવ્યું તે ઠામ ।।૩૬।। 

ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, સ્વામી ઉઠો તમે પણ આજ । આત્માનંદ સ્વામી ગયા બાર, ત્યારે હસવા લાગ્યા કીરતાર ।।૩૭।। 

એમ કરે છે હાસ્ય વિનોદ, સંત સહુ પામ્યા મનમોદ । એવી આદરે લીલા અપાર, સૌને સુખ આપે વિશ્વાધાર ।।૩૮।। 

પછે ત્યાંથી ચાલ્યા પરમેશ, ગામ તેરે પધાર્યા છે એશ । સૂત્રધાર ધનજીને ઘેર, કર્યો મુકામ ત્યાં સુખભેર ।।૩૯।। 

પછે સંત ગયા ઝોળી ફરવા, ભિક્ષાનું ભોજન ભેગું કરવા । ગોળા વાળ્યા છે લાવીને અન્ન, નજરે જુવે તે ભગવન ।।૪૦।। 

જમવા બેઠા ગોળા લૈ સંત, આવ્યા ધીરા રહી બળવંત । એક ગોળો લીધો નિજ હાથ, જમવા બેઠા મધ્યમાં સાથ ।।૪૧।। 

કરપાત્રમાં જમે ભોજન, સંત દેખીને થાય પ્રસન્ન । પછે વાલિડો બોલ્યા વચન, સર્વે સંત સુણી લેજ્યો મન ।।૪૨।। 

અમદાવાદ જાઓ સૌ સંત, આજ્ઞા પાળો અમારી મહંત । વાયુ ખુણામાં શેરની બાર, આંબલીનાં તરૂ છે તે ઠાર ।।૪૩।। 

ઉતારો કરજ્યો જઈ ત્યાંય, ભિક્ષા ફરજ્યો શેરની માંય । કરજ્યો સદ્વિદ્યાનો અભ્યાસ, પ્રીતેથી લેજ્યો એવો પ્રયાસ ।।૪૪।। 

કાગળ આદિ જોયતું હોય, બાપુ નાગરને કેજ્યો સોય । એવું વ્હાલે કહ્યું જ્યાં વચન, સંત સર્વે ચાલ્યા શુભ મન ।।૪૫।। 

પછે જેતલપુરમાં તત્ર, ગોવિંદ સ્વામીને લખ્યો પત્ર । નાર્દિપુરવાળા નાનાભાઈ, તેના નામે યજ્ઞ કરજ્યો ત્યાંઈ ।।૪૬।। 

અમથી અવાશે નહિ ત્યાંય, સાચું માની લેજ્યો મનમાંય । ત્યાર કેડે ચાલ્યા કરી માવ, વ્હાલો પધાર્યા કાળે તળાવ ।।૪૭।। 

વળી ત્યાંથી કર્યું છે પ્રયાણ, ભુજ ગયા છે જીવનપ્રાણ । પાર્ષદ છે ડુંગરજી નામ, તેને સાથે લઈ સુખધામ ।।૪૮।। 

ત્યાંથી પધાર્યા પંચાળે ગામ, ઝીણા-ભાઈને ઘેર અભિરામ । બે મહિના રાખ્યો છે મુકામ, વળી ચાલ્યા ત્યાંથી ઘનશ્યામ ।।૪૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગામ પંચાળે પધાર્યા એ નામે ત્રેપનમો તરંગઃ ।।૫૩।।