તરંગઃ - ૪૭ - શ્રીહરિ સિદ્ધપુરમાં યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન દીધાં

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:28pm

ચોપાઇ

વળી બિંદુસરોવર દેવ, શ્રીહરિ પ્રત્યે બોલેછે એવ । ઘણા દિવસથી મુજમાંય, પાપી સ્નાન કરે આવી આંય ।।૧।।

તેથી પામ્યો છું મલિનતાય, એને માટે શોધુંછું ઉપાય । સતપુરૂષ ઉત્તમ જ્ઞાન, પરમ પવિત્ર ને નિરમાન ।।૨।।

ભગવાનની મૂરતિ જેહ, ધારણ કરી રહેલા તેહ । એવા સંત આવે ભાગ્યવાન, આ સરોવરમાં કરે સ્નાન ।।૩।।

તેથી પાપ ટળી જાય મારું, માટે વાટ જોતોતો હું વારૂં । અંતરયામી આવ્યા છો આજ, મોટી મેર્ય કરી મહારાજ ।।૪।।

અક્ષર મુક્તને લઇ સંગ, પધાર્યાછોજી આપ ઉમંગ । તે મુક્તસહિત ભગવાન, કરો મારામાં આવીને સ્નાન ।।૫।।

મારે વિષે પાપીયે જે પાપ, અર્પણ કરેલાં અમાપ । તે સર્વેનો કરો હવે નાશ, તવ ચરણમાં આપો નિવાસ ।।૬।।

આ વિનંતિ મારી નિરધાર, કૃપાનાથ કરો અંગીકાર । એવું સુણીને શ્રીવાસુદેવ, એ પ્રમાણે કર્યું તતખેવ ।।૭।।

સૌને આજ્ઞા કરી તતકાળ, સ્નાન કરવા સારુ દયાળ । પછે સંતના પ્રત્યે વચન, બોલ્યા વિચારીને ભગવન ।।૮।।

પાપના પુંજરૂપ જે જન, એના ઉદ્ધાર અર્થે પાવન । તમે છો એવા પરમ ઉદાર, જેથી મોટાઈ પામ્યા અપાર ।।૯।।

તવ વિના બીજા કોઈ સાર, નવ કરે પરઉપકાર । અન્ય દેવના ઉપાસી સોય, નથી સમર્થ કરવા કોય ।।૧૦।।

તમે દર્શન માત્રથી આપ, પ્રાણીનાં હરો છો સહુ પાપ । કોટિ જન્મતણાં જે કર્મ, ક્ષણમાં દૂર કરો છો પરમ ।।૧૧।।

તીરથને કરોછો પાવન, અપવર્ગ પમાડોછો ધન્ય । તે તીરથ છે બેઉ પ્રકાર, સ્થાવર જંગમ છે નિરધાર ।।૧૨।।

સ્થાવર તીર્થે કરીને જન, કાળે કરી થાય છે પાવન । એછે સ્થાવરતીર્થનું રૂપ, બીજું જંગમ કહું અનુપ ।।૧૩।।

જંગમનું કરે જે સેવન, સદ્ય પવિત્ર થાય તે જન । વળી ભવજળ વામે દુઃખ, આત્યંતિક મોક્ષ પામે સુખ ।।૧૪।।

એજ તમે છો જંગમતીર્થ, મહાકલ્યાણકારી સમર્થ । ઘણા જનના મોક્ષને સારું, તમે તો પ્રવર્તેલાછો વારુ ।।૧૫।।

તે સંતનો મહિમા અપાર, શ્રીમુખેથી કહ્યો નિરધાર । પછે સંત હરિજન સંગ, સરોવરમાં નાહ્યા ઉમંગ ।।૧૬।।

ઈશાની ખુણના ખુણા પાસ, તેસ્થળે નાહ્યા છે અવિનાશ । સ્નાન કર્યું સરોવરમાંય, થયું પવિત્ર નિર્મળ ત્યાંય ।।૧૭।।

મળરૂપ હતાં કોઈ પાપ, તેણે રહિત થયું છે આપ । રૂડું શ્વેત દેખાયછે નીર, તેજોમય થયું છે તે સ્થિર ।।૧૮।।

એવું દેખીને સઘળા જન, વિસ્મે પામી ગયા છે તે મન । બહુનામી નિકળ્યા બહાર, વસ્ત્ર પેરી બિરાજ્યા તેઠાર ।।૧૯।।

ત્યારે બિંદુસરોવર દેવ, મૂર્તિમાન રૂપે તતખેવ । વસ્ત્ર ચંદન પુષ્પના હાર, સુશોભિત રુડા અલંકાર ।।૨૦।।

તેવડેથી કર્યું છે પૂજન, ઘણો ભાવ કરી શુભ મન । કર્યા સાષ્ટાંગ પ્રણામ ત્યાંય, અતિમોદ ધરી મનમાંય ।।૨૧।।

પછે કરી પ્રાર્થના પ્રીત, મધુરવાણીથી એકચિત્ત । હે કૃપાનાથ હે ભગવન, આજ તો મુને કર્યો પાવન ।।૨૨।।

પ્રભુ માગું વરદાન એક, કૃપા કરી તે આપો વિશેેક । હવે આજથી જે પાપી જન, મારા જળમાં કરે ૧મજ્જન ।।૨૩।।

મુને વળગે નહિ તે કર્મ, વળી મોક્ષ મારો થાય પરમ । એવું સુણી કહે મહારાજ, સુણો તીર્થદેવ તમે આજ ।।૨૪।।

મારી મૂર્તિ પ્રગટછે આંય, રાખો અખંડ આત્માની માંય । નિત્ય સ્નેહથી કરજ્યો સ્મરણ, તમને નહિ થાય આવરણ ।।૨૫।।

વળી આ જગનો પ્રલે થાય, ત્યાં સુધી તમે રેજ્યો સદાય । તવ જળમાં કરશે સ્નાન, પાપી પામશે મોક્ષ નિદાન ।।૨૬।।

એવો કરતા પરોપકાર, પ્રલયસુધી રેજ્યો આ ઠાર । પછે મારૂં જે અક્ષરધામ, હું સેવામાં રાખીશ તેઠામ ।।૨૭।।

એમ આપ્યાં વ્હાલે વરદાન, તીર્થદેવને દેઈને માન । પછે વિપ્રને બોલાવ્યા પાસ, અતિ હર્ષવડે અવિનાશ ।।૨૮।।

સોનું રૂપું ને વસ્ત્ર અપાર, બીજાં દાન ઘણાક પ્રકાર । ઘરેણાં ગાયો અશ્વનાં દાન, બ્રાહ્મણોને આપ્યાં છે સમાન ।।૨૯।।

દાન આપીને શ્રીભગવાન, કર્યા નિર્ધનને ધનવાન । પછે પધાર્યા ઉતારે શ્યામ, સંત ભક્ત સાથે સુખધામ ।।૩૦।।

કથા કીર્તન કરેછે વાત, વળી જાગ્રણ કર્યું વિખ્યાત । તેસમે શ્રીજીની મૂર્તિ જોઈ, ઘણા જન રહ્યા છે ત્યાં મોઈ ।।૩૧।।

જોત જોતામાં સમાધિ થાય, પ્રાણનાડીયો સૌનાં ખેંચાય । કોટિ કોટિ રવિ શશિ સમ, એથી અધિક તેજ અગમ ।।૩૨।।

સમાધિમાં તે દેખે જરૂર, તેજોમય ધામ બ્રહ્મપુર । તેમાં કોટિ મુક્તોય સહિત, શ્રીજીને દેખ્યા છે ત્યાં અભિત ।।૩૩।।

એમ મૂર્તિ વિષે અપરિમિત, સુખ પામ્યા નવી નવી રીત । એવા સુખમાંથી નિરધાર, નથી સમર્થ આવવા બાર ।।૩૪।।

પછે શ્રીહરિજી તેણી વાર, બળાત્કારે લાવે છે તે બાર્ય । મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, કરે વર્ણન સુખનું જાણે ।।૩૫।।

એમ નિજજનોને ત્યાં સાર, પ્રભુ આપે આનંદ અપાર । ત્યારે બીજે દિવસે તેઠાર, થયો દ્વાદશીતણો સવાર ।।૩૬।।

સંત આશ્રિતને લઈ સંગે, સરસ્વતીમાં ગયા ઉમંગે । માધુપાવડીયાછે જે સ્થાન, કર્યું છે જઈ તેસ્થળે સ્નાન ।।૩૭।।

જળ બાર આવ્યા ભગવાન, પ્રીતે વસ્ત્ર કર્યાં પરિધાન । પછે શ્રીહરિ સુંદરછેલ, ઉતારે આવ્યાછે અલબેલ ।।૩૮।।

નિત્યવિધિ કર્યો તતકાળ, દીનબંધુ પોતે છે કૃપાળ । દેવબ્રાહ્મણના પ્રતિપાળ, સત્ય નામ કર્યું છે કૃપાળ ।।૩૯।।

પછે નિજ ઇચ્છાનુસાર, યજ્ઞમંડપ રચાવ્યો સાર । મોટો વિશાળ શોભાયમાન, સુખકારી ને દેદીપ્યમાન ।।૪૦।।

તેમધ્યે રચાવ્યો રુડો કુંડ, વેદવિધિસહિત અખંડ । દેવબ્રાહ્મણનું આવાહન, કર્યું છે પ્રીતે પોતે પાવન ।।૪૧।।

હુતદ્રવ્ય ને ઘૃતસહિત, હોમ કરાવ્યો વિધિની રીત । યજ્ઞ પૂર્ણ થયો જેણી વાર, ત્યારે પ્રસન્ન થયા મુરાર ।।૪૨।।

તૃપ્ત કર્યા બ્રાહ્મણ ને દેવ, અતિ ઉમંગ સહિત એવ । ભૂદેવને કરાવ્યાં ભોજન, ચારે પ્રકારનાં શુભ અન્ન ।।૪૩।।

સંઘ સર્વેને જમાડ્યો ત્યાંય, પામ્યા આનંદ તે મનમાંય । આપ્યાં વિપ્રને દક્ષિણાદાન । ઘણા પ્રકારથી દેઈ માન ।।૪૪।।

મુકુંદવર્ણીયે તેણી વાર, પછે થાળ કર્યોછે તૈયાર । ત્યાં પધાર્યા છે જગજીવન, રૂડી રીતે કર્યાં છે ભોજન ।।૪૫।।

જમીને વ્હાલો ગયા મુકામ, રવિ અસ્ત થયો છે તેઠામ । રૂડી સભા થઈ છે રે ત્યાંય, પોતે બિરાજ્યા તે સભામાંય ।।૪૬।।

સત્ અસત્ અને વિવેક, સત્સંગની વાત વિશેક । તીર્થક્ષેત્રની રુડે પ્રકાર, વારતાઓ કરી ઘણી વાર ।।૪૭।।

પછે રાત્રિયે કર્યું શયન, સંતસહિત શ્રી ભગવન । વીતી નિશા થયો પ્રાતઃકાળ, બ્રાહ્મ વેળામાં જાગ્યા દયાળ ।।૪૮।।

પોતે પોતાનું ધર્યું છે ધ્યાન, બે મુહૂર્ત વાર ભગવાન । પછે સંતહરિજન સાથ, સ્નાન કરવા પધાર્યા નાથ ।।૪૯।।

કુમારિકા ગંગાતણે તીર, ગણપતિને આરે સધીર । સ્નાન કર્યું જઈ તેહ ઠાર, આવ્યા ઉતારે જગદાધાર ।।૫૦।।

નિત્યવિધિ કરીને તે વાર, થયા અશ્વઉપર અસવાર । સંતસહિત શ્રીઅલબેલ, વટેશ્વર ગયા રંગરેલ ।।૫૧।।

કર્યાં શિવજીનાં દરશન, મહાપ્રભુજી થયા પ્રસન્ન । તેના સેવકને નિરધાર, અશ્વનું દાન આપ્યું તેવાર ।।૫૨।।

પછે આવ્યા પોતાને મુકામ, પાંચ દિવસ રહ્યા તેઠામ । આજ્ઞા આપી છે સર્વેને સાથે, નિજ ઘેર જવાની ત્યાં નાથે ।।૫૩।।

સંતને પણ આજ્ઞા વચન, બોલ્યા પ્રભુજી થઈ પ્રસન્ન । અમારું પ્રભુપણું છે જેહ, ગૃપ્તથી વાત કરજ્યો તેહ ।।૫૪।।

નહીં તો નડશે હરિજન, પાપી અસુર પીડશે તન । વળી મારશે તમને માર, માટે કરજ્યો મન વિચાર ।।૫૫।।

એવાં વચન કહી શ્રીહરિ, સંતને જમવાની આજ્ઞા કરી । શ્રીજીની મરજી અનુસાર, સર્વે સંત ગયા નિરધાર ।।૫૬।।

ગયા સર્વે નિજ નિજ સ્થાન, ભાવે જપતા શ્રીભગવાન । પછે પોતે કર્યું છે પ્રયાણ, બીલીયે ગયા જીવનપ્રાણ ।।૫૭।।

ત્યાંથી ઉંઝે ગયા અવિનાશ, એક રાત્રિ કર્યો ત્યાં નિવાસ । ગામ ઐઠોર થઈ સધાવ્યા, સ્નેહે વિસનગરમાં આવ્યા ।।૫૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ સિદ્ધપુરમાં યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન દીધાં એ નામે સુડતાલીસમો તરંગઃ ।।૪૭।।