તરંગઃ - ૩૮ - શ્રીજી મહારાજ માનકુવેથી ભુજનગરમાં પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:23pm

પૂર્વછાયો

સ્નેહ ધરી મને સાંભળો, રામશરણ પવિત્ર । યથામતિયે વર્ણવું છું, શ્રીહરિનાં ચરિત્ર ।।૧।।

ભુજનગ્રે આવ્યા પ્રભુજી, વ્હાલો નટવર નાવ । સુંદરજીને ઘેર રહ્યા, મન કરીને ભાવ ।।૨।।

ત્યાર પછે બીજે દિવસે, બોલ્યા શ્રીમહારાજ । મુક્તાનંદ સ્વામી સુણો, કહું તે કરો કાજ ।।૩।।

કસરછે કાંઈ મુજને, તાવ આવ્યો છે શરીર । કરી આપો આસન હવે, એકાંતે ધરી ધીર ।।૪।।

એવું સુણીને સ્વામીયે, કરી આપ્યું આસન । તે ડેલામાં પૂર્વદિશાયે, ઓશરીમાં પાવન ।।૫।।

 

 

ચોપાઈ

 

કર્યું આસન સ્વામીયે જ્યાંય, મહાપ્રભુ પધાર્યા છે ત્યાંય । પછે સ્વામી પ્રત્યે વાસુદેવ, બોલ્યા મિષ્ટ વાણી તતખેવ ।।૬।।

સુણો સ્વામી કહું એક સાર, રાતાં મરચાં લાવો શેર ચાર । ખાટું દહીં ત્રૈણ દિવસનું જેહ, પાંચ શેર લાવો તમે તેહ ।।૭।।

મંગાવીદ્યો અમને એ રીત, સાચી વાત કૈયે ધરો ચિત્ત । મુક્તાનંદ સ્વામીયે તે સ્થાન, મંગાવી આપ્યું છે દેઈ માન ।।૮।।

સુંદરજીને ઘરેથી સાર, સ્વામીયે લાવી આપ્યું તે વાર । તે દેખીને બેઠા થયા શ્યામ, કોટિ કંદર્પ લાવણ્યધામ ।।૯।।

મરચાં વટાવ્યાં તેણી વાર, સાત કર્યા છે રોટલા સાર । દધિ મરચાં રોટલા જેહ, સર્વે જમી ગયા પ્રભુ તેહ ।।૧૦।।

પછે જમીને થયા પ્રસન્ન, બોલ્યા સ્વામીને સાથે વચન । હવે તો જાશે અમારો તાવ, શરીરે શાંતિ થાશે ઉચ્છાવ ।।૧૧।।

એવું સુણી સુંદરજીભાઈ, કેવા લાગ્યા દેખીને નવાઈ । હે કૃપાનાથ હે મહારાજ, તમે તો ધારો તે કરો કાજ ।।૧૨।।

બીજા કોઈ આ પ્રમાણે ખાય, તેના તો પ્રાણ તર્તજ જાય । અક્ષરાધિપતિ છો સદાય, તમને તો કાંઈ નવ થાય ।।૧૩।।

ત્યારે બોલ્યા વળી પ્રભુ પરમ, એકરસ ચિદ્ઘન બ્રહ્મ । તે મારા જોવામાં આવે નિત, તેમાં મગ્ન રેછે મુજ ચિત્ત ।।૧૪।।

અક્ષર ગૌલોક આદિ ધામ, તેને દેખું છું હું આઠે જામ । ઘણી વાત કરી એવી રીત, સ્વામીયે સુણીછે ધરી ચિત્ત ।।૧૫।।

સુંદરભાઈને કેછે ધન્ય, સમજી લેજ્યો મર્મ વચન । નિશ્ચે રાખજ્યો ધ્યાનમાં સર્વ, સત્ય વાત કહીછે અપૂર્વ ।।૧૬।।

સ્વામી કરે છે જ્યાં એવી વાત, બન્યો અદ્ભુત ખેલ સાક્ષાત । પ્રભુના હાથમાંથી અપાર, તેજ પ્રગટ્યું સુંદર સાર ।।૧૭।।

કોટિ કોટિ સવિતા ને સોમ, એથી અધિક વ્યાપ્યું છે વ્યોમ । અનંત કોટિ અંડ કેવાય, એક રોમ વિષે તે દેખાય ।।૧૮।।

કોટિ ઈશ્વર ને કોટિ બ્રહ્મ, કોટિ અક્ષર જે અનુક્રમ । કોટિ પુરૂષને જે પ્રધાન, મહત્તત્ત્વ આદિ એ નિદાન ।।૧૯।।

અવ્યાકૃત સૂત્રાત્મા વૈરાટ, કોટિ કોટિ જોયા એવા ઘાટ । એક રોમવિષે તે દેખાય, અણુની પેરે સૌ ઉડ્યાં જાય ।।૨૦।।

પણ પત્તો નવ પામે કોઈ, પામ્યા આશ્ચર્ય સર્વે તે જોઈ । એવું દેખી રહી નહિ ધીર, સુંદરજી ભક્તને શરીર ।।૨૧।।

સાત પાતાળ સહિત ધરણી, ફાટ્યું બ્રહ્માંડ કે ઉગ્યા તરણી । તેજ તેજ તેજના અંબાર, તેનો પામે નહિ કોઈ પાર ।।૨૨।।

એવું આશ્ચર્ય દેખ્યું છે જ્યાંય, ભય પામ્યા બહુ મનમાંય । મૂળરૂપે દીધું દરશન, કરી શક્યા નહી તે સહન ।।૨૩।।

અંતર્યામીયે જાણીયું આપ, ગુપ્ત કર્યો પોતાનો પ્રતાપ । મનુષ્યાકૃતિ થયા સનમુખ, ત્યારે દર્શનનું આવ્યું સુખ ।।૨૪।।

પામ્યા વિસ્મય સઘળાં જન, કરે નમ્ર થઈને સ્તવન । થયો નિશ્ચય સર્વને એહ, ટળી ગયો સહુનો સંદેહ ।।૨૫।।

એવાં આપે છે શ્રીહરિ સુખ, નિજ સેવકનાં હરે દુઃખ । કરેછે લીલાઓ તે અપાર, વાલિડો ભુજનગ્ર મોઝાર ।।૨૬।।

પછે સંતસાથે સુખધામ, માનકુવે ગયા અભિરામ । અદાજીના દરબારમાં નાથ, બેઠા સંત હરિજન સાથ ।।૨૭।।

અદાજીયે કરાવી રસોઈ, જમવા તેડ્યા છે પ્રીત પ્રોઈ । જમીને તૃપ્ત થયા છે માવ, ઉતારે આવ્યા નટવર નાવ ।।૨૮।।

વળી સાંઝસમે શ્રીમુરાર, સભા કરી બિરાજ્યા તે ઠાર । સંત હરિજન બેઠા ત્યાંય, પ્રભુ વાત કરે સભામાંય ।।૨૯।।

 સર્વે સંત અને હરિજન, કીર્તન ગાઈ કરે ભજન । પછે બોલ્યા વળી જગતાત, સર્વે સુણો કૈયે એક વાત ।।૩૦।।

પ્રભુને રાજી કરવા હોય, શો ઉપાય કરી લેવો જોય । તેનો સમઝાવું છું હું સાર, સુણો એકચિત્તે નિરધાર ।।૩૧।।

નારદાદિક ધરે છે ધ્યાન, તપ કરે છે તજીને માન । સેવાભક્તિ કરે છે અપાર, મહાપ્રભુને રીઝાવા સાર ।।૩૨।।

માટે પ્રવૃત્તિ કરવી ત્યાગ, કરવો તન મને વૈરાગ । છોડી દેવો આ માયાનો સંગ, જોગ સાધવો કરી ઉમંગ ।।૩૩।।

હોય એકાંતમાં ગુફા જ્યાંય, વાસ કરવો જઈને ત્યાંય । કામ ક્રોધ આદિ શત્રુ જેહ, યોગ કરીને જીતવા તેહ ।।૩૪।।

રાખે પ્રભુમાંહી વૃત્તિ સારી, ત્યારે રાજી થાય ભયહારી । યોગમાં પ્રવર્ત્યો છે જે સંત, તેને રાખવું કેવું વૃતાંત ।।૩૫।।

શીત ઉષ્ણ વર્ષા સહે શિર, રાખે હૃદયમાં ઘણી ધીર । ક્ષુધા તૃષા માન અપમાન, હર્ષ શોક સદાય સમાન ।।૩૬।।

આવે સંકટ જ્યારે શરીર, કરે સહન થૈ મન સ્થિર । હું તો છું આત્મા અક્ષર બ્રહ્મ, એમ સમજી રાખે તે મર્મ ।।૩૭।।

નથી દેહનો સંબંધ મુજ, એમ વાત ધારે મન સુઝ । પછે કરે પ્રભુનું ભજન, માને સંસારને ખોટો મન ।।૩૮।।

કરે દેહના સુખનો ત્યાગ, મન ધરે વિમળ વૈરાગ । રાખે ભગવાનનો વિશ્વાસ, કોઈની તે કરે નહી આશ ।।૩૯।।

એેવી વાત કરે મહારાજ, નિજ ભક્તના કલ્યાણ કાજ । તે સુણીને હરિજન સંત, હૃદે રાજી થયા છે અત્યંત ।।૪૦।।

અદાજીને ઘેરે અવિનાશ, કૃપા કરી રહ્યા અઢી માસ । પછે ચાલ્યા ત્યાંથી શુભ કાજ, ભુજનગ્રે ગયા મહારાજ ।।૪૧।।

આવ્યા સેવક સામા એવાર, વધાવ્યા પ્રભુને અતિ પ્યાર । કરે સત્સંગી બહુ સત્કાર, પ્રેમ નેમ સહિત તેવાર ।।૪૨।।

ગયા સુંદરજીભાઈને ઘેર, મેડીયે વિરાજ્યા રુડી પેર । આવ્યા સત્સંગી સર્વે ત્યાંય, મહિમા જાણીને મનમાંય ।।૪૩।।

જેઠીમલ ગંગારામ જેહ, વળી ભગવાનજી ભાઈ તેહ । લાધીબા હીરજીભાઈ નામ, બીજા ભક્ત આવ્યા છે તે ઠામ ।।૪૪।।

સર્વે થયા છે એકાગ્ર ચિત્ત, સામું જોઈ રહ્યા કરી પ્રીત । શોભે તારામંડળમાં ચંદ્ર, એમ દીપી રહ્યા છે બલીંદ્ર ।।૪૫।।

સુંદરજીભાઈ કરે સ્તવન, જેણે અર્પ્યું તન મન ધન । નમ્રતાથી કર્યો નમસ્કાર, પછે પ્રશ્ન પુછ્યું તેણી વાર ।।૪૬।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજી મહારાજ માનકુવેથી ભુજનગ્રમાં પધાર્યા એ નામે આડત્રીસમો તરંગક્કઃ ।।૩૮।।