તરંગઃ - ૩૪ - શ્રીહરિએ ભુજનગરમાં સુંદરજીભાઈને ઘેર રહ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:20pm

પૂર્વછાયો

સ્નેહવડે શ્રવણે ધરો, હે રામશરણ પવિત્ર । વ્હાલપણેથી વર્ણવું છું, વાલમજીનાં ચરિત્ર ।।૧।।

એક સમે ભુજનગ્રમાં, નારાયણમુનિ જાણ । તાપ કરાવી તાપે પોતે, ભક્તના જીવનપ્રાણ ।।૨।।

ત્યારે લાધીબા ત્યાં આવ્યાં છે, કરવાને દરશન । તેસમે એક સાધુ આવ્યો, દંભ કરીને મન ।।૩।।

સમાધિવાળો સાધુ થૈને, ઢુંગ કરે અપાર । આજ સમે ત્યાં લાધીબાને, સમાધિ થૈ નિરધાર ।।૪।।

શ્રીહરિ સહજાનંદજી, જોવા પરીક્ષા જ્યાંય । લાધીબાના હાથ ઉપર, અગ્નિ મુક્યો ત્યાંય ।।૫।।

 

 

ચોપાઈ

 

મુક્યો કર પર અગ્નિ જ્યારે, ત્વચા દાઝવા લાગી છે ત્યારે । લાધીબાને નથી કાંઈ ભાન, પોેતે થયાંછે સમાધિવાન ।।૬।।

દેખી દંભી સાધુ તતખેવ, ત્યાં થકી નાશી ગયો છે એવ । પછે પ્રભુજી સુખના ધામ, અગ્નિ લેઈ લીધો તેહ ઠામ ।।૭।।

તેહ સમે હીરજી સુતાર, તેમનાં પત્ની આવ્યાં તે ઠાર । નામ અમરબાઈ પાવન, કરવા આવ્યાં છે દર્શન ।।૮।।

તેણે જોયા લાધીબાના હાથ, અગ્નિએથી દાઝેલ બે સાથ । બોલ્યાં અમરબાઈ વચન, સુણો પ્રગટ પ્રભુ પાવન ।।૯।।

આવા પાખંડ કરશો આંય, નવો સત્સંગી કોઈ ન થાય । તે સુણી બોલ્યા શ્રીભગવન, સુણો અમરબા શુભ મન ।।૧૦।।

થાશે પ્રભુની ઇચ્છા પ્રમાણે, તેમાં જીવ બિચારા શું જાણે । પણ લાધીબાને તો આ ઠામ, પાસે જૈ બોલાવો લઈ નામ ।।૧૧।।

એ સુણી અમર ગયાં જોતે, લાધીબાને જગાડે છે પોતે । કર્ણમાં મુખ રાખીને સોય, કર ઝાલીને બોલાવે જોય ।।૧૨।।

લાધીબા નથી બોલતાં મન, કાષ્ટ સમાન થયું છે તન । એમ કર્યો છે ઘણો પ્રયાસ, લાધીબા નવ બોલ્યાં પ્રકાશ ।।૧૩।।

પછે શ્રીહરિયે તેહ વાર, બોલાવ્યાં નામ લૈને તેઠાર । ત્યારે છુટી છે સમાધિ તરત, મહારાજ સામી જોડી સરત ।।૧૪।।

પુછ્યું પ્રગટ પ્રભુયે ત્યાંય, શું છે તમારા બે કરમાંય । કાંઈ પીડા જણાય છે અંગ, સાચી વાત કહો તે ઉમંગ ।।૧૫।।

શું થયું છે તે જાુવો તવ પાણ, તપાસીને બોલો સાચી વાણ । લાધીબાયે જોયા નિજ હાથ, હસતાં થકાં બોલ્યાં તે સનાથ ।।૧૬।।

થોડી પીડા જણાયછે આજ, સાચી વાત કહું મહારાજ । ત્યારે સામું જોયું જોગિરાજ, પીડા નાશ પામી સુખસાજ ।।૧૭।।

વળી કહું છું બીજું ચરિત્ર, પ્રગટ પ્રભુજીનું પવિત્ર । એ તો મનુષ્યદેહે ન થાય, એ ચરિત્ર કરે હરિરાય ।।૧૮।।

મીઢી આવળ પીતા વિશેક, નિત્ય તાંસળી ભરીને એક । તેના ઉપર આંબલી જેહ, વળી પીતા અઢી શેર તેહ ।।૧૯।।

ઘણા દિન કર્યું એ સંબંધ, પછે એ ક્રિયા તો કરી બંધ । તીખાં મરચાં લવિંગિયાં સોય, અર્ધશેર વટાવીને જોય ।।૨૦।।

નિત્ય ગોળો કરી જમે શ્યામ, ઘણા દિન સુધી સુખધામ । પછી ચૈત્રમાસ આવ્યો જ્યાંય, કાચી કેરીયો જમેછે ત્યાંય ।।૨૧।।

ટોપલી એક ભરીને જેહ, પુણો મણ કેરી કાપે તેહ । તેમાં મીઠું નાખે ત્રૈણ શેર, જમી જાય છે તે રુડી પેર ।।૨૨।।

વળી અષાઢ માસમાં છેલ, બીજી લીલા કરે અલબેલ । કાગદી લિંબુ બસે કેવાય, જમે છે શ્રીહરિ સુખદાય ।।૨૩।।

આવી ક્રિયા તો પ્રભુથી થાય, બીજાથી એ દિશે ન જવાય । તેનો મર્મ જાણે મુનિજન, અજ્ઞાની તે શું સમજે મન ।।૨૪।।

એમ લીલા કરે નવી નિત, ખેંચી લેછે તે સર્વેનાં ચિત્ત । એવા શ્રીહરિ સહજાનંદ, નિજ ભક્તને આપે આનંદ ।।૨૫।।

ભગવાનભાઈ રથકાર, હીરજી સુંદરજી તેઠાર । જેઠી ગંગારામભાઈ જેહ, પરમ પવિત્ર વિવેકી એહ ।।૨૬।।

કાયથ મેતાનાથને ધન્ય, નારાયણભાઈ તેના તન । મેતા શવજી હરજીવન, લાધીબા આદિ બાયું પાવન ।।૨૭।।

તે સર્વે હરિજનોને ઘેર, વારે વારે જમે રુડી પેર । વળી જેઠી ગંગારામ સાથ, મલ્લવિદ્યા રમે છે તે નાથ ।।૨૮।।

દાવપેચમાં દિલ દે સાર, ગંગારામને મનાવે હાર । સેજમાં જીતી લે સનમુખ, નિજભક્તને આપે છે સુખ ।।૨૯।।

વળી જીવરામ જે સુતાર, તેમની માતુ હરબા સાર । તેણે શ્રીહરિને તેડ્યા ઘેર, ભાવે જમવા ત્યાં સુખભેર ।।૩૦।।

પણ તેની ઇચ્છા અનુસાર, શ્રીહરિ જમ્યા નૈ તેહ ઠાર । હરબાઈને ચડી છે રીશ, મનમાં ખેદ ધર્યો તે દિશ ।।૩૧।।

રીસૈને સુતાં જે ઘરમાંય, ઓરડો બંધ કરીને ત્યાંય । એમ વીતી ગયા સપ્ત દન, તે બાઈએ ન કર્યું ભોજન ।।૩૨।।

દયાળુએ જાણી છે તે વાત, હરબાને બોલાવ્યાં સાક્ષાત । શ્રીહરિ કે સુણો પ્રીત પ્રોઈ, કરાવો તમે શુદ્ધ રસોઈ ।।૩૩।।

હવે તમારી ઇચ્છાનુસાર, ભોજન કરીશું તવ દ્વાર । એવું સુણીને થયાં પ્રસન્ન, કરાવી છે રસોઈ પાવન ।।૩૪।।

પછે મહારાજને તે વાર, પ્રેમે તેડાવ્યા પોતાને દ્વાર । ભાવે પીરસાવ્યાં છે ભોજન, જમાડે છે તે ઉદાર મન ।।૩૫।।

હવે જમે છે શ્રીભગવન, માગી માગીને લે છે ભોજન । એમ જમી ગયા પ્રીત પ્રોઈ, ત્રીશ જણની હતી રસોઈ ।।૩૬।।

રેવા દીધી નહી તલમાત્ર, પાકનાં ખાલી કરાવ્યાં પાત્ર । બીજાં ભોજન લાવો આવાર, ઘણા ભુખ્યા છૈયે નિરધાર ।।૩૭।।

પછે બાઈ કરે છે વિચાર, હવે નથી રસોઈ લગાર । ક્યાંથી લાવીને પીરસાવું આજ, હજુ તો માગે છે મહારાજ ।।૩૮।।

કર જોડીને બોલ્યાં છે વાણ, સુણો શ્રીહરિ જીવનપ્રાણ । પ્રભુ બેસો તમે થોડીવાર, બીજી રસોઈ કરાવું ત્યાર ।।૩૯।।

એવું સુણીને શ્રીઅવિનાશ, મંદ મંદ કરે છે તે હાસ । હરબાઈને કે ભગવાન, હવે રાજી થયાં તમે મન ।।૪૦।।

પછે ચળુ કરીને જીવન, ઉઠ્યા મનમાં થઈ પ્રસન્ન । હીરજીભાઈનો વંડો જયાંય, નિજ ઉતારો કર્યો છે ત્યાંય ।।૪૧।।

ત્યાં પધાર્યા છે સુંદર શ્યામ, ભક્તપતિ પ્રભુ સુખધામ । હવે હરબાયે નિરધાર, રસોડામાં જોયું તેણીવાર ।।૪૨।।

નોતી રસોઈ તે તલભાર, પોતે જાણે છે મનમાં સાર । પણ જોયું કરીને તપાસ, પાક સર્વે ભર્યા છે પ્રકાશ ।।૪૩।।

દેખ્યો વાલમજીનો પ્રતાપ, હરબાઈ આનંદ્યાં છે આપ । પામ્યાં આશ્ચર્ય મન અપાર, કરે પ્રસંશા વારમવાર ।।૪૪।।

ભુજનગ્રમાં ભૂધર ભ્રાત, લીલા કરે છે વાલો વિખ્યાત । એવી રીતે શ્રીજીમહારાજ, કરે પ્રેમીનાં પૂરણ કાજ ।।૪૫।।

ધન્ય ભુજંગપુર પાવન, હરિજન છે નિર્મળ મન । જેને પ્રગટ પ્રભુનો સંગ, મળ્યો છે એજ મોટો ઉમંગ ।।૪૬।।

ઘરોઘર જમે છે જીવન, ગમે છે નિજ ભક્તને મન । આપે આશ્રિત જનને સુખ, ટાળે ભવ દરીયાનાં દુઃખ ।।૪૭।।

વળી એક દિવસની વાત, સુણો સંત હરિજન ભ્રાત । સુંદરજીભાઈ નિર્મળ મન, પ્રેમે કર્યું પ્રભુનું પૂજન ।।૪૮।।

પછે માગી લીધું વરદાન, શ્રીહરિ પાસેથી દેઈ માન । અમે કૈયે ત્યાંસુધી મોરાર, કૃપા કરી રહો આણે ઠાર ।।૪૯।।

અમારા કહ્યા વિના જરૂર, ક્ષણ એક જાવું નહિ દૂર । એવું આપો વાલિડા વચન, અમો ઉપર જો હો પ્રસન્ન ।।૫૦।।

ત્યારે બોલ્યા છે શ્રીભગવન, તમારુ કહ્યું માનીશું મન । તમે કહેશો ત્યાં સુધી ખાસ, અમે જરૂર રહીશું દાસ ।।૫૧।।

રહ્યા થઈ ભક્તને આધીન, ત્યારે પછી ગયા થોડા દિન । પ્રેમ નેમ ને ભક્તિ ને ભાવ, દેખી રહ્યા નટવર નાવ ।।૫૨।।

બીજો કોઈ નથી રે ઉપાય, ભક્તિવિના તે વશ ન થાય । પ્રેમે બંધાઈને રહ્યા ત્યાંય, ભક્તાધીન થયા મનમાંય ।।૫૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભુજનગ્રમાં સુંદરજીભાઈને ઘેર રહ્યા એ નામે ચોતરીસમો તરંગ ।।૩૪।।