તરંગઃ - ૩૨ - શ્રીનારાયણ-મુનિ અમદાવાદમાં મનુષ્યચરિત્ર કરી ભક્તજનને આનંદ પમાડ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:19pm

પૂર્વછાયો

રામશરણ વળી બોલિયા, ધર્મધુરંધર ધીર । પ્રભુજી ચાલીને કયાં ગયા, વાત કરો થૈ સ્થિર ।।૧।।

એવું સુણી પછે ઉચ્ચર્યા, અવધપ્રસાદજી આપ । રામશરણ સુણો સ્નેહથી, આ પ્રગટનો પ્રતાપ ।।૨।।

મનુષ્યની ચેષ્ટા કરે છે, શ્રીહરિ સહજાનંદ । વિસ્તારીને વર્ણવું તેમાં, ઉપજે અતિ આનંદ ।।૩।।

સલુણોજી ચાલ્યા ત્યાં થઈ, માણીગર મહારાજ । આનંદ સ્વામી કેડે ગયા, જ્યાં ગયા સુખસમાજ ।।૪।।

વ્હાલો પોંચ્યા નારાયણઘાટે, જ્યાં પાદશાહી મોલ । આનંદ સ્વામી ત્યાં ઉચ્ચર્યા, બહુનામીને બોલ ।।૫।।

જમીને પધાર્યા હોત તો, ઠીક હતું મહારાજ । આંહી તો તમે શું જમશો, શું કરશું હવે આજ ।।૬।।

 

 

ચોપાઈ

 

એવું સુણીને શ્રીઅલબેલ, કરે ચરિત્ર શ્રીરંગ છેલ । બોલ્યા વચન દીનદયાલ, સ્વામી જુઓને આવ્યા આ થાળ ।।૭।।

અમને મળશે જે ભોજન, તમે જુઓ વિચારીને મન । એમ કરેછે વાલમ વાત, ત્યાં બે વાડવ આવ્યા સાક્ષાત ।।૮।।

દુધેશ્વર ભણીથી બે વિપ્ર, આવ્યા શિવ પૂજીને ત્યાં ક્ષિપ્ર । ચંદનપાત્ર ત્રભાણાં હાથ । લીધા છે જળના લોટા સાથ ।।૯।।

તે બ્રાહ્મણ કહે છે મહંત, કાંઈ જમશોજી રૂડા સંત । ત્યારે મહારાજ કે હા વીર, લાવો ભોજન જમીશું ધીર ।।૧૦।।

એવું સુણીને વાડવ જાત, ભોજન લેવા ગયા વિખ્યાત । બે કલાકે આવ્યા તે સનાથ, દુધપાક પુરી લઈ સાથ ।।૧૧।।

શાક પાક આદિ જે સાહિત્ય, સર્વે લાવ્યા કરીને તે પ્રીત । કર જોડી કહે વિપ્રતન, તમે જમોને શ્રી ભગવન ।।૧૨।।

પછે આનંદસ્વામીને સાથ, જમી તૃપ્ત થયા યોગિનાથ । જમતાં વધી છે જે રસોઈ, બોલ્યા બ્રાહ્મણ ત્યાં પ્રીત પ્રોઈ ।।૧૩।।

આ સામગ્રી વધી તમ પાસ, રાખી મુકો આંહિ સુખરાશ । નિશામાં ચોર આવે જો કોઈ, તેને ખાવાનું આપજો જોઈ ।।૧૪।।

તે હરકત ન કરે સાર, માટે રાખો ભોજન આ ઠાર । એમ સુણીને પ્રાણજીવન, તે સ્થળે રહ્યા છે પાંચ દિન ।।૧૫।।

લાવે બ્રાહ્મણ નવાં ભોજન, નિત્ય જમાડે છે શુભ મન । સાબરમતી ગંગાનું જે સ્થાન, નિત્ય પ્રત્યે કરે ત્યાં સ્નાન ।।૧૬।।

પ્રસાદી તણું સ્થાન છે એહ, દેવતાઓને દુર્લભ જેહ । નારાયણ ઘાટ છે પવિત્ર, શ્રીહરિયે કર્યાં છે ચરિત્ર ।।૧૭।।

પછે છઠ્ઠે દિવસે પાવન, શેરમાંથી આવ્યા હરિજન । હીરાચંદ ચોકસી નથુરામ, છડીદાર કુબેરસિંહ નામ ।।૧૮।।

વ્રજલાલ દામોદરભાઈ, લાલદાસ ગોરા આદિ ત્યાંઈ । એ આદિ બીજા ભક્ત અપાર, આવ્યા તેડવા સારુ તેવાર ।।૧૯।।

તેડી ગયા તે શેરમોઝાર, ઉતારો કરાવ્યો નિરધાર । ભક્તજનનો દેખીને ભાવ, થયા પ્રસન્ન મીઠડા માવ ।।૨૦।।

કૈયે હવેલીની પોળ સામે । રૂડું મંદિરછે તેહ ઠામે । કર્યો ઉતારો તેમાં મુરારી, સહજાનંદજી સુખકારી ।।૨૧।।

પછે શ્રીહરિ સુખના કંદ, નિજજનને દેવા આનંદ । પાપીને મોહ થવાને કાજ, કરે લીલા રૂડી મહારાજ ।।૨૨।।

જેકોઈ કરવા આવે દર્શન, તેનાં ખેંચાય પ્રાણ ને મન । સમાધિ થાય સર્વેને સાથ, એવી લીલા કરે નિત્ય નાથ ।।૨૩।।

એક એકના ઉપર અંગ, ખડકી મુકે છે સહુ સંગ । શ્રીહરિ બોલાવે જેને સાર, સમાધિમાંથી ઉઠે તે વાર ।।૨૪।।

આવે નારાયણ મુનિ પાસ, વિસ્તારીને કહે સહુ તાસ । સમાધિમાં જે જે દેખ્યું હોય, અથ ઇતિ કહે વળી સોય ।।૨૫।।

શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ, વૈકુંઠાદિક તે અનુક્રમ । બ્રહ્મા સૂર્ય ને ચંદ્રના લોક, ભૂમા પુરુષ આદિ અશોક ।।૨૬।।

વળી અક્ષરધામની વાત, વિસ્તારીને કહે છે વિખ્યાત । સૌને દેખાડ્યો પ્રતાપ એહ, નરનારીના ટાળ્યા સંદેહ ।।૨૭।।

જોેઈ પ્રતાપ લાખો જન, થયાં આશ્રિત નિર્મળ મન । તે દેખીને ઘણા દુર્જન, દાઝે બળવા લાગ્યા છે મન ।।૨૮।।

લોલંગર ને બીજા જે અન્ય, સર્વે ભેગા થયા તેહ જન । મળીને ગયા રાજાની પાસ, જેનું નામ છે મદનપ્રકાશ ।।૨૯।।

શેરનો અધિપતિ જે રાય, તેની પાસે ગયા લીધી સાય । આવ્યા જ્યાં બેઠા છે મહારાજ, સભા કરીને સુંદર સાજ ।।૩૦।।

રવિને દેખી ૧ઉલૂક જેમ, આંખ્યું મિચીને બોલે છે તેમ । વળી વાયસ હંસને જોય, વ્યભિચારિણી સાધ્વીને સોય ।।૩૧।।

દાતાને નિંદે દ્રરિદ્રી જન, પંડિતને મૂર્ખ નિંદે મન । એમ શ્રીહરિને દેખી સર્વ, બળવા લાગ્યા છે કરી ગર્વ ।।૩૨।।

ભરી લાવ્યા છે ખોળામાં ધુળ, ફેકે છે તે દુષ્ટ અધમુળ । સમાધિઓ કરાવે છે શ્યામ, મૂર્ખ ઉપાધિ કરે તે ઠામ ।।૩૩।।

જેષ્ટિકાયોને ધુળ પાષાણ, તેની વૃષ્ટિ કરે છે અજાણ । ધમાધમ કરે છે અસુર, નથી વિવેકછે ક્રોધાતુર ।।૩૪।।

એક માણસ આવ્યો નવીન, મહારાજ પાસે બુદ્ધિહીન । પીતાંબર હતું પ્રભુશિર, તે ઉપાડી લીધું છે અધીર ।।૩૫।।

તે દેખી મૂળજી બ્રહ્મચારી, પોતે કામ કર્યું છે વિચારી । શ્રીહરિને તેડી લીધા ત્યાંય, બેસાડી દીધા ઓરડામાંય ।।૩૬।।

સાંકળ બંધ કરી છે દ્વાર, અસુર ખેદ પામ્યા આ વાર । મહારાજને મારવા સારું, એક જન આવ્યો છે ત્યાં વારું ।।૩૭।।

શીંગડિયું લીધી કરભૂર, વેગે દોડ્યો આવ્યો તે અસુર । જેવો તેહ આવ્યો બળસાથ, હીરચંદે ઝાલ્યા છે બે હાથ ।।૩૮।।

પકડી કરી સમાધિ ત્યાંય, તેણે જાણ્યું બાંધ્યો બંધમાંય । બળ કરીને છુટવા જાય, પણ ચાલ્યો નહિ ત્યાં ઉપાય ।।૩૯।।

હીરાચંદને અક્ષરસુખ, પણ તેને ભારે પડ્યું દુઃખ । કર ઝાલ્યા જાણે વજ્રપાસ, ઉભો રહ્યો તે થૈને નિરાશ ।।૪૦।।

પછી બીજા હતા જન જેહ, ધુડ્ય નાખી ફાંટ્યો ભરી તેહ । તે રઘુનાથ-દાસને શિર, પડી ધુડ તે નાઠો અધિર ।।૪૧।।

હિંદુરાજાયે જાણી તે વાત, લોલંગરનો છે ઉતપાત । એમ જાણીને કર્યો તે શાંત, તે પાછા ગયા થૈછે નિરાંત ।।૪૨।।

હવે વાલિડો કરે ચરિત્ર, મનુષ્યાકૃતિ વડે પવિત્ર । બોલ્યા બીતા બીતા બલવન, સુણો સત્સંગી સૌ હરિજન ।।૪૩।।

હવે અમને જે તે પ્રકાર, છાના કાઢી મુકો શેર બાર । નૈ તો આ લોકોનો છે વિરોધ, અમને મારશે કરી ક્રોધ ।।૪૪।।

સુણો શ્રોતા વિવેકી હે જન, કોઈ સંદેહ ન ધરો મન । કરે પ્રાકૃત ચેષ્ટા મોરાર, ભક્તની પરીક્ષા લેવા સાર ।।૪૫।।

જે છે કાળતણા વળી કાળ, તેને કોણ કરી શકે આળ । પણ લીલા વધારવા કાજ, એવી લીલા કરે મહારાજ ।।૪૬।।

હીરાચંદભાઈ આદિ જન, બોલે શ્રીહરિ સાથે વચન । એવું તે શું બોલ્યા મહારાજ, કોણ છે જગતમાં એવો આજ ।।૪૭।।

અવતારી છો શ્રીભગવાન, બહુનામી સદા બળવાન । એવો બ્રહ્માંડમાં નથી કોઈ, તે તમને મારી શકે જોઈ ।।૪૮।।

તવ ઇચ્છા વિના સુકું પત્ર, કોઈ ફેરવી શકે ન અત્ર । પ્રકૃતિ પુરૂષાદિક જેહ, તમો વડે મોટા થયા એહ ।।૪૯।।

તમારી માયા છે બળવાન, કોણ જાણી શકે તે નિદાન । આ તો મોહ પમાડવા કાજ, આપ લીલા કરોછોજી આજ ।।૫૦।।

પ્રભુપણું અમારામાં આજ, કાંઈ નથી કહે મહારાજ । એમ બોલી મધુર વચન, આપે ભક્તને આનંદ મન ।।૫૧।।

મોહ પમાડે પાપીને આજ, એ ચરિત્ર કરે મહારાજ । એમ કરતા તે અહ્લાદ, ત્રિમાસ રહ્યા અમદાવાદ ।।૫૨।।

પછે કર્યો મનમાં વિચાર, ત્યાંથી ચાલવાનો નિરધાર । નિજ સેવકને લઈ સાથ, ત્યાંથી ચાલેછે શ્રીયોગિનાથ ।।૫૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીનારાયણ-મુનિ અમદાવાદમાં મનુષ્યચરિત્ર કરી ભક્તજનને આનંદ પમાડ્યા એ નામે બત્રીશમો તરંગ ।।૩૨।।