તરંગઃ - ૩૧ - શ્રીજીમહારાજ અમદાવાદને વિષે માંડવીની પોળમાં ગાદી ઉપર બેઠા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:18pm

રાગ સામેરી
રામશરણજીયે પુછિયું, સુણો શ્રીમહારાજ । માંગરોળે પ્રભુ પધાર્યા, શું કર્યું છે ત્યાં કાજ ।।૧।।
સ્નેહથી સંભળાવો મુને, પાવન પુન્ય કથાય । શ્રીહરિતણા ગુણ ગાતાં, પાતક દૂર પલાય ।।૨।।
એવું સુણી આનંદ પામ્યા, પોતે અવધપ્રસાદ । હે રામશરણ સુણો કહું, શ્રીહરિલીલા સંવાદ ।।૩।।
માંગરોળ થકી બારછે, વડતરુ વિશાળ । તેને હેઠે જઈ ઉતર્યા, શ્રીહરિ તતકાળ ।।૪।।
તે જાણી પુરવાસી સર્વે, નરનારી જે જન । દર્શન માટે આવ્યા દોડી, ભક્ત પુન્ય પાવન ।।૫।।
શ્રીહરિને જન નિરખે, તે થાય સમાધિવાન । બ્રહ્મસ્વરૂપની ભાવના, દેખે અવિચળ સ્થાન ।।૬।।
હરિજન આવે હજારો, દર્શન કરવા સોય । શ્રીહરિનો પ્રતાપ દેખે, સમાધિમાં સૌ જોય ।।૭।।
કોઈ અક્ષરધામ દેખે, કોઈ વૈકુંઠ ગૌલોક । કોઈક શ્વેતદ્વીપ જુવે, બદ્રીકાશ્રમ અશોેક ।।૮।।
શ્રીહરિની ઇચ્છાવડેથી, જાગે સમાધિથી જ્યાંય । દેખેલો છે પ્રતાપ જેવો, વર્ણન કરે સૌ ત્યાંય ।।૯।।
તે સુણી ઘણા મતવાદી, આવે પ્રભુની પાસ । દર્શન અમને કરાવો, અમ ઇષ્ટનાં પ્રકાશ ।।૧૦।।
તો અમે થૈયે તમારા, માનીયે અમે મન । તે સુણી સૌને નોખાં નોખાં, કરાવ્યાં દરશન ।।૧૧।।
પ્રતાપ દેખી મતવાદી, નિજ મત કર્યા ત્યાગ । પ્રગટના આશ્રિત થૈને, કરે ભક્તિ મહાભાગ ।।૧૨।।
હવે વાપિકા છે પૂર્વની, તેપણ ગામથી બાર । ઘણા વર્ષની પડી ગૈછે, ત્યાં ગયા વિશ્વાધાર ।।૧૩।।
વાલમજીયે વિચારીને, ગળાવી છે તે વાવ્ય । પૂર્ત કર્મ તેનું કર્યું છે, ધરીને મને ભાવ ।।૧૪।।
તે સ્થાનકે દર્શન દીધું, વિષ્ણુ સ્વરૂપે તે વાર । દિવ્યમય ને ચતુર્ભુજ, પોતાનું જે નિરધાર ।।૧૫।।
હજારો જને તે જોયું છે, શ્રીહરિનું ચરિત્ર । તેતે પોતાના ભક્ત થયા, કર્યા પુન્ય પવિત્ર ।।૧૬।।
એકસમે શ્યામ સલુણો, સંત હરિજન સંગ । સ્નાન માટે ગયા સમુદ્રે, ધરી મન ઉમંગ ।।૧૭।।
સાગરતીરે વસ્ત્ર મુક્યાં, સ્નાન કરે જલમાંય । સંત આશ્રિત સાથે વ્હાલે, ક્રીડા કરી ઘણી ત્યાંય ।।૧૮।।
તેસમે ગોવર્ધનભાઈને, ચરણ ગ્રહી નિરધાર । બહુનામીયે બળ કરી, ફેંક્યા સાગર મોઝાર ।।૧૯।।
તે દેખીને સંત હરિજન, થયા ઉદાસી મન । ત્યારે હરિને કેવા લાગ્યા, સુણો શ્રીભગવન ।।૨૦।।

ચોપાઈ
આમાંથી થશે મોટું વિઘન, એમ કેછે સંત હરિજન । એટલામાં ગોવર્ધનભાઈ, ત્યાં આવે છે જલપર ધાઈ ।।૨૧।।
ભારે ભારે વસ્ત્ર અલંકાર, અંગે પેરેલાં છે નિરધાર । વળી ચંદનપુષ્પના હાર, એથી પૂજાયેલા છે તેવાર ।।૨૨।।
જોતાં જોતાં આવ્યા પ્રભુપાસે, પ્રીતે પ્રણામ કીધા છે દાસે । ત્યારે પુછેછે શ્રીસુખદાઈ, ક્યાં ગયાતા ગોવર્ધનભાઈ ।।૨૩।।
ત્યારે બોલ્યા છે ગોવર્ધન, કૃપાનાથ સુણો ભગવન । ફરી વળ્યો હું સમુદ્ર સાત, વરુણલોકે ગયો તો ખ્યાત ।।૨૪।।
તે વરુણે કર્યું છે પૂજન, પાછો આવ્યો છું સુણો જીવન । મુને જાણી તમારો આશ્રિત, વરુણે ઘણી દેખાડી પ્રીત ।।૨૫।।
એવાં દિવ્ય ચરિત્ર તે ઠાર, કરે શ્રીહરિવર અપાર । પછે અલબેલે કર્યું સ્નાન, આવ્યા મુકામે સુંદર વાન ।।૨૬।।
આવ્યો વર્ષાઋતુ ત્યાં પાવન, ભયહારીને ભાવ્યો છે મન । વાલિડે કર્યો મનવિચાર, ચાતુર્માસ રેવું છે આ ઠાર ।।૨૭।।
માંગરોળ તણા હરિજન, અતિ રાજી થયા શુભ મન । ભલે ચોમાસું રો મહારાજ, ધન્ય સુફલ થયાં સૌ કાજ ।।૨૮।।
હવે શ્રીહરિ સહજાનંદ, હરિજનને આપે આનંદ । કરે લીલા નવી નવી નિત, સુખ આપે છે વ્હાલો અજીત ।।૨૯।।
એમ વીતી ગયો દોઢ માસ, આવી જન્માષ્ટમી સુખરાશ । કરાવે છે ત્યાં ઉત્સવ આપ, હરે છે હરિજનના તાપ ।।૩૦।।
સભામાં બેઠા શ્રીમહારાજ, કર્યું છે ત્યાં જુવો કેવું કાજ । દક્ષિણ ચરણકમળ જેહ, તેની છેલ્લી આંગળિયે એહ ।।૩૧।।
અતિ નૌતમ તિલ છે એક, તેમાંથી તેજ થયું વિશેક । જોત જોતામાં વધ્યું અપાર, તેજ તેજ તણો તે અંબાર ।।૩૨।।
જાણો સાગરે મુકી શું માઝા, દિશે તેજના અંબાર ઝાઝા । તે દેખીને સભા થઈ સ્થિર, ઉભા થઈને સામું જાુવે ધીર ।।૩૩।।
અહો અતિ આશ્ચર્ય અપાર, એમ કહેવા લાગ્યાં નરનાર । બીજું ચરિત્ર કર્યું પાવન, કૃષ્ણરૂપે દીધું દર્શન ।।૩૪।।
એમ ચાર ઘડી પરિયંત, બતાવ્યો છે પ્રતાપ અનંત । પછે તેજ તે સમાવી લીધું, એવું અદ્ભુત દર્શન દીધું ।।૩૫।।
પામ્યા આશ્ચર્ય સૌ નરનાર, કરે પ્રશંસા વારમવાર । થયો નિશ્ચય સર્વને એહ, કોઈને નવ રહ્યો સંદેહ ।।૩૬।।
શ્રીહરિના થયા તે આશ્રિત, રહ્યા શરણ વિષે કરી પ્રીત । કાળ કર્મ માયાની જે બીક, નથી આવવા દેતા નજીક ।।૩૭।।
કરે એમ ભક્તની સહાય, શ્રીહરિ સુખકારી સદાય । બહુનામી બહુ બલવાન, એવા ભક્તપતિ ભગવાન ।।૩૮।।
વળી મેઘજીત એવું નામ, કોઈ વણિક રહે છે તે ગામ । પોતાને પ્રતાપે નિરધાર, નિજ આશ્રિત કર્યો તે ઠાર ।।૩૯।।
બીજા હતા મતવાદી લોક, તેને વશ કર્યા છે અશોક । આપ્યું નિજસ્વરૂપનું જ્ઞાન, મુકાવી દીધું સૌનું ત્યાં માન ।।૪૦।।
પાપીને પણ કર્યા પાવન, નિશ્ચેયુક્ત કરાવે ભજન । એમ માંગરોળ ગામ મોઝાર, લીલા કરી અપરમપાર ।।૪૧।।
પામર વિષયી મુમુક્ષુ મુક્ત, તેને વરતાવે છે જ્ઞાનયુક્ત । વળી ચારવર્ણના જે ધર્મ, પ્રીતે પાળે છે તે અનુક્રમ ।।૪૨।।
કરવા અનેકનાં કલ્યાણ, દેશોદેશમાં ફરે છે જાણ । વીત્યા ચોમાસાના ચારે માસ, પછે ચાલ્યા ત્યાંથી અવિનાશ ।।૪૩।।
મેઘપુરે ગયા મહારાજ, કરવા ભક્તનાં શુભ કાજ । રઘુનાથ આદિ બ્રહ્મજન, અમરસિંહ બીજા હરિજન ।।૪૪।।
લાડકીબાઈ એ આદિ ભક્ત, શ્રીજીની સેવામાં છે આસક્ત । યોગસમાધિ પામ્યા પાવન, કરે પ્રગટનું તે ભજન ।।૪૫।।
વળી વાડવ જે રવજીત, તે છે મહાપ્રભુનો આશ્રિત । તેહને રોગથી કર્યો મુક્ત, મૃત્યુથી બચાવ્યો સુખજુક્ત ।।૪૬।।
એ સમે મુક્તાનંદ તે ઠામ, આવ્યા ભુજથકી ગુણધામ । હરિની ઇચ્છાયે મનમાંય, શ્રીજીના પ્રભુપણાનો ત્યાંય ।।૪૭।।
તેમને બતાવ્યો છે પ્રતાપ, સમાધિ કરાવીને તે આપ । સર્વોપરી સ્થિતિ જે પ્રકાશ, પ્રથમ હતો તેવો વિશ્વાસ ।।૪૮।।
મેઘપુર વિષે અવિનાશ, પોતે રહ્યા છે ત્યાં ષટ માસ । ગામોગામ થઈ અલબેલ, આવ્યા શ્રીમુળીમાં રંગરેલ ।।૪૯।।
ગાજતે વાજતે શેરમાં લાવ્યા, રાજભુવનમાં પધરાવ્યા । ખટરસ થાળ કરાવીને, રાજાયે જમાડ્યા છે હરિને ।।૫૦।।
વિપ્ર જમેને જય બોલાય, એમ નિત્ય બ્રહ્મયજ્ઞ થાય । દેશદેશના સત્સંગી આવે, પ્રભુઅર્થે સેવા પૂજા લાવે ।।૫૧।।
પુરથી ઉત્તર લિંબ તાસ, તે હેઠે ઢોલિયો છે પ્રકાશ । બેઠા તે ઉપર મહારાજ, સૌને દર્શન દેવાને કાજ ।।૫૨।।
સંત હરિજન સર્વે આદિ, આવી બેઠા મોટા મરજાદિ । જે જે મતવાદિ તે અનેક, બેઠા તે સભામાંહી વિશેક ।।૫૩।।
તેણે કહ્યું જે સ્વઇષ્ટદેવ, હે વરણી દેખાડોને એવ । તે સર્વેના જે જે ઇષ્ટ દેવ, તેવા દેખાણા છે તતખેવ ।।૫૪।।
એવું જોઈ આશ્ચર્ય પામ્યા, જે જે સંશય હતા તે વામ્યા । પછે સમાધિ કરાવી સાર, મોકલ્યા તેને લોક મોઝાર ।।૫૫।।
વળી કૈક તે ધામમાં ગયા, એક બે ચાર પક્ષ તે રહ્યા । હરિ ઇચ્છાયે સર્વે તે જન, આવ્યા પોતપોતાને તન ।।૫૬।।
લોકધામની જે રીતભાત, સભામાં કરી તે સર્વે વાત । આવું ચરિત્ર જોઈ ઉમંગી, માન મુકીને થયા સત્સંગી ।।૫૭।।
એવી લીલા કરી જે અનેક, ઘેર ઘેર જમ્યા છે વિશેક । પછે ત્યાંથકી ચાલીયા શામ, પોતે ગયાછે ભદ્રેશી ગામ ।।૫૮।।
વણિક સુરચંદને ઘેર, થાળ જમી ચાલ્યા સુખભેર । ગામ કડુ થૈને સુખકારી, શ્રીનગર ગયા છે મુરારી ।।૫૯।।
દેવાનંદ દંડી આદિ સ્વામી, બીજા ગૃહસ્થાશ્રમી શુભનામી । નથુભટ્ટ હિરાચંદભાઈ, ગંગામા અંબા આદિક બાઈ ।।૬૦।।
ઇત્યાદિ સહુ સત્સંગીજન, એમણે જાણ્યું આવ્યા જીવન । કર્યું સામૈયું તેણીરે વાર, વાજે વાજીંત્ર નાના પ્રકાર ।।૬૧।।
ખાનપરેથી જીવનપ્રાણ, શહેરમાં પધાર્યા પ્રભુ જાણ । માંડવીની પોળે અભિરામ, જ્યાં છે અંબામાનો મુકામ ।।૬૨।।
ત્યાં ઉતારો કરાવ્યો ઉમંગ, સારી સભા રચી રુડેરંગ । તેમાં રઘુનાથદાસે ત્યાંય, કર્યું કુડ ધરી મનમાંય ।।૬૩।।
નાની મોટી જે ગાદીયો સાત, બિછાવી કપટ અનુભ્રાત । સહુથી છેલ્લી ગાદી છે જ્યાંય, શ્રીહરિને બેસારવા ત્યાંય ।।૬૪।।
એવો કરી મનમાં વિચાર, બોલાવ્યા શ્રીહરિને તે વાર । રઘુનાથનું કપટ જેહ, અંતર્યામીયે જાણ્યું છે એહ ।।૬૫।।
પોતે પ્રગટ પ્રભુ દયાળ, મોટી ગાદીયે બેઠા તે કાળ । બીજી ગાદી પર નિરધાર્યા, મુક્તાનંદ સ્વામીને બેસાર્યા ।।૬૬।।
ત્રીજી ગાદી હતી તેની પાસ, ત્યાં બેસાર્યા ભાઈ રામદાસ । એમ અનુક્રમે નિરધાર, તેને માટે કર્યો છે વિચાર ।।૬૭।।
રઘુનાથને કે મહારાજ, આવો બેસો તમે ચક્રે આજ । પણ માની છે ઘણોજ એહ, નવગાદીયે બેઠો તેહ ।।૬૮।।
પ્રભુનું કરવા અપમાન, એણે ધાર્યું છે મન નિદાન । અંબામાવળી શ્યામલ નામ, એ આદિ બીજા ભક્ત તે ઠામ ।।૬૯।।
નિજપક્ષમાં લૈને તે વાર, શ્રીહરિને કે છે તેહ ઠાર । સત્સંગમાં જો રહેવું હોય, મુકીદ્યો તમે પાખંડ સોય ।।૭૦।।
સમાધિનાં કરાવો છો કાજ, પણ દુર્લભ છે એતો આજ । સમાધિયો સ્હેલી નથી ભાઈ, તમે કરવા માંડી નવાઈ ।।૭૧।।
પ્રભુ હતા સ્વામી રામાનંદ, બીજા ફોગટ ન કરો ફંદ । ભક્ત થૈને પ્રભુ ભજો સોય, આવા પાખંડ કરો ન કોય ।।૭૨।।
નૈ તો રોટલો નૈ મળે આંય, નિશ્ચે માની લેજો મનમાંય । એવાં સુણીને વ્યંગ વચન, ચાલ્યા ત્યાં થકી શ્રીભગવન ।।૭૩।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજીમહારાજ અમદાવાદને વિષે માંડવીની પોળમાં ગાદી ઉપર બેઠા એ નામે એકત્રીસમો તરંગ : ।।૩૧।।