તરંગઃ - ૨૮ - મુક્તાનંદ સ્વામી સહિત ગામ પીપલાણે શ્રીરામાનંદ સ્વામીને મળ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:10pm

પૂર્વછાયો

હે રામશરણજી સુણો તમે, કહું ત્યાર પછીનો વિસ્તાર । બાલાયોગીયે પત્ર લખી, આપ્યો સ્વામીને તેવાર ।।૧।।

મુક્તમુનિયે ત્યાં બોલાવ્યા, ભટ્ટ મયારામ જેહ । પત્ર આપ્યા પ્રેમવડેથી, કહ્યા સમાચાર એહ ।।૨।।

ભુજનગ્રે જાવો ભટ્ટજી, શ્રીરામાનંદ પાસ । પત્ર પોંચાડો જરુરથી, આ ધરી મન હુલ્લાસ ।।૩।।

પત્ર લેઈને ચાલ્યા ત્યાંથી, મયારામ સદબુધ । ભુજંગપુરે આવીને આપ્યા, સ્વામીને અવિરુદ્ધ ।।૪।।

તેસમે શ્રીરામાનંદજી, સુંદર સુખના ધામ । ગંગારામભાઈને ઘેર, બિરાજ્યા છે નિષ્કામ ।।૫।।

 

 

ચોપાઈ

 

પત્ર આપ્યા સ્વામીને તે હાથ, મયારામ ભટ્ટે તે સનાથ । ઘણા સેવકસંગે તે સ્થાન, સ્વામી બેઠા છે નિર્મળ ધ્યાન ।।૬।।

સ્વામીયે પત્ર લીધા બે હાથ, તરત ઉકેલ્યા છે બેઉ સાથ । નિકળ્યો તેજનો તે અંબાર, નેત્ર અંજાઈ ગયાં તેવાર ।।૭।।

ત્યારે સુંદરજી ગંગારામ, પ્રેમે પુછવા લાગ્યા તેઠામ । સ્વામી અમને કહો થઈ ધીર, કેમ નેત્રમાં આવ્યાં છે નીર ।।૮।।

ત્યારે સ્વામીયે કહી તેવાત, પત્ર વિષે હતી જે વિખ્યાત । નીલકંઠજી વરણિવેષ, પુરુષોત્તમ આવ્યા છે એશ ।।૯।।

એવી વાત કરેછે તેઠાર, અકસ્માત દેખ્યો ચમત્કાર । કોટિ કોટિ રવિનો ઉજાસ, પત્રમાંથી થયો છે પ્રકાશ ।।૧૦।।

એવું દેખી સહુ હરિજન, પામ્યા આશ્ચર્ય નિર્મળ મન । સ્વામી કહે અમારે આજ, કાંઈ બાકી રહ્યું નથી કાજ ।।૧૧।।

પધાર્યા પુરૂષોતમ આપ, પત્ર આવ્યો ટળ્યા હવે તાપ । જેના પત્રમાં આવો પ્રતાપ, પૂર્ણબ્રહ્મછે પોતે અમાપ ।।૧૨।।

એવું કહીને આનંદભેર, પત્રઉત્તર લખે રુડી પેર । હે નીલકંઠજી વરણિરાજ, આપ અકળાશો નહિ આજ ।।૧૩।।

થોડા દિનમાં આવીશું ત્યાંય, રાખજ્યો ધીરજ મનમાંય । એ આદિ લખ્યા સૌ સમાચાર, પ્રેમવડેથી પત્ર મોઝાર ।।૧૪।।

મયારામને આપ્યો તે તરત, લેઈ પાછા વળ્યા એક સરત । પત્ર પોચાડ્યો પ્રેમસહિત, નીલકંઠજીને કરી હિત ।।૧૫।।

હવે શ્રીભુજનગ્ર મોઝાર, સ્વામીયે કર્યો મન વિચાર । રજા માગી લીધી તતકાળ, હરિજનપાસેથી દયાળ ।।૧૬।।

ઘણા શિષ્યને લેઈને સંગ, ત્યાંથી ચાલ્યા સ્વામી ઉમંગ । કેટલાક દિને અભિરામ, આવ્યાછે તે પીપલાણા ગામ ।।૧૭।।

છે નરસિંહ મેતા શુભ નામ, તેને ઘેર કર્યો છે મુકામ । એક પત્ર લખ્યો નિરધાર, લોજપુર મોકલવા સાર ।।૧૮।।

કુંવરજી છે વિપ્ર પ્રકાશ, સ્વામીયે બોલાવ્યા પોતા પાસ । પત્ર આપ્યો છે તેનેજ હાથ, લોજપુર મોકલ્યા સનાથ ।।૧૯।।

મુક્તાનંદસ્વામી છે જ્યાંય, પત્ર લેઈ ગયો વિપ્ર ત્યાંય । પત્ર આપ્યો સ્વામીને તેવાર, મુખેથી કહ્યા સૌ સમાચાર ।।૨૦।।

સ્વામીયે પત્ર વધાવ્યો સોય, નીલકંઠને વંચાવ્યો જોય । વરણીયે વાંચ્યા તે સમાચાર, સ્વામીને કેવા લાગ્યા તેવાર ।।૨૧।।

હે સ્વામિ ચાલો જઈયે ત્યાંય, શ્રીરામાનંદ સ્વામી છે જ્યાંય । એમ કહીને ધર્મકુંમાર, જાવા સારુ થયા છે તૈયાર ।।૨૨।।

સ્વામી સંગે હરિજન સંત, મળીને ચાલ્યા સર્વ મહંત । વચ્ચે આવ્યું છે કોઈક ગામ, સર્વે પોચ્યા છે સુખે તે ઠામ ।।૨૩।।

કર્યાં ટીમણ સર્વેયે સાર, રજની રેવા કર્યો વિચાર । ત્યારે નીલકંઠ વરણિરાજ, થયા ચિંતાતુર મહારાજ ।।૨૪।।

સ્વામીને કહે ચાલો આવાર, આંહિ રેવું નથી નિરધાર । ઘણું આતુર છે મુજ મન, સ્વામીનાં ક્યારે થાશે દરશન ।।૨૫।।

મુક્તાનંદ કહે મહારાજ, સુણો વરણી કહું શુભ કાજ । કૃષ્ણ પક્ષની દશમી આજ, નિશાપતિ ઉગે સુખસાજ ।।૨૬।।

પછે ચાલીયે આપણ સંગ, ત્યારે બોલ્યા છે વર્ણિ ઉમંગ । ચંદ્રમા ઉગ્યાનું શુંછે કામ, દર્શન કરવા જૈયે તેઠામ ।।૨૭।।

એમાં તમે શું કરાવોછો વાર, ત્યારે મુક્તમુનિ કે તેઠાર । પર્વતભાઈ આદિ પાવન, ગામડાના બીજા હરિજન ।।૨૮।।

એમણે કહ્યું છે જે વચન, આંહિ આવશે નિર્મળ મન । પછી ચાલીશું સર્વ સંગાથ, માટે ધીરજ રાખિયે નાથ ।।૨૯।।

વળી બોલ્યા છે ત્યાં વરણિરાજ, સુણો મુક્તમુનિ મહારાજ । દરશન વિના મન મુંઝાય, પળ એક કલ્પસમ થાય ।।૩૦।।

તમે હજુ રખાવો છો ધીર, મુજ ચિત્ત નથી રેતું સ્થિર । ત્યારે સ્વામી બોલ્યા છે વચન, સુણો નીલકંઠ શુભ મન ।।૩૧।।

આવડા ઉતાવળા છો આજ, પણ સુણો તમે મહારાજ । વળી દરશન કરવાં જેહ, ઈશ્વર ઇચ્છાધીન છે એહ ।।૩૨।।

આપણી ઉતાવળથી સોય, એહ કામ નવ થાય કોય । તેજે વાત પોતાને ન ગમે, સ્વામી એ શું બોલો છો આસમે ।।૩૩।।

આપણી તાકીદે થયા કામ, નિશ્ચે માની લેજયો અભિરામ । અતિ આતુરતા મુજ મન, તમે જુવો કરશું દરશન ।।૩૪।।

મુક્તાનંદ સ્વામી બોલ્યા વાત, સુણો નીલકંઠજી વિખ્યાત । રાત્રિમાં કાંઈ વિઘન થાય, કે આ શરીર જો પડી જાય ।।૩૫।।

પછે શો કરવોરે ઉપાય, કહો દર્શન તે કેમ થાય । ત્યારે બોલ્યા વળી બલવંત, સુણો મુક્તાનંદજી મહંત ।।૩૬।।

કોણ ગણે છે એક વિઘન, ઘણી ધીરજ છે મુજ મન । કોટિ વિઘન જો આવે આજ, પણ કરવાં દરશન કાજ ।।૩૭।।

એમ કરેછે વાત વિચાર, ઉગ્યો આકાશે ઇંદુ તેવાર । પર્વતભાઈ ને અંબારામ, ખેમજીશેઠ ને જીવરામ ।।૩૮।।

 એે આદિ કેટલા હરિજન, આવ્યા તૈયાર થૈને પાવન । ચંદ્રમાનો થયો છે ઉજાસ, ચાલ્યા સર્વે મળીને પ્રકાશ ।।૩૯।।

કરે છે ભગવાનની વાત, ચાલ્યા જાય છે મારગે ખ્યાત । એમ કરી આવ્યા પીપલાણે, ઓઝતનદીતીરે સૌૈ જાણે ।।૪૦।।

બેઠા સર્વે મળીને તેઠાર, કરવા લાગ્યા મન વિચાર । ચોમાસાનો દિન છે જરૂર, નદીમાં વહે અપાર પૂર ।।૪૧।।

વાલિડે ત્યાં કર્યું છે ચરિત્ર, સુણેે તે જન થાય પવિત્ર । સૌના દેખતાં ધર્મકુંમાર, પૂર્ણબ્રહ્મ થયા છે તૈયાર ।।૪૨।।

સરિતાનું વહે છે જે નીર, તેના ઉપર ચાલ્યા છે ધીર । સામે કાંઠે ગયા ભગવન, સર્વે દેખી વિસ્મે પામ્યા મન ।।૪૩।।

મુક્તાનંદ સ્વામી આદિ જેહ, વાણમાં બેસી ઉતર્યા તેહ । પછે સર્વે ભેગા થયા ત્યાંય, ગયા પીપલાણા ગામમાંય ।।૪૪।।

નરસિંહ મેતાનું ઘર જ્યાંય, શ્રીરામાનંદ સ્વામી છે ત્યાંય । આવ્યા સર્વે મળીને નિરધાર, દેખ્યા સ્વામીને દૂરથી તેવાર ।।૪૫।।

કરવા લાગ્યા સહુ દંડવત, સ્વામીયે નજરે દેખ્યા તરત । ઉઠ્યા આસન તજીને એવ, સામા આવી મળ્યા તતખેવ ।।૪૬।।

વરણિરાજના ગ્રહી હાથ, સ્વામીયે ભિડ્યા હૃદયાસાથ । થયા ગદ્ગદ્ કરી હિત, સુખ સંતોષ પામ્યા અમિત ।।૪૭।।

મુક્તાનંદજી આદિ જે સંત, તેમને મળ્યા ગુરુ મહંત । સ્નેહે બેસાર્યા રૂડે આસન, કર્યું સન્માન નિર્મલ મન ।।૪૮।।

કર્યોે આદરથી સત્કાર, સંત હરિજનને તેવાર । સ્વામીયે દેખ્યા વરણિઇંદને, થયા પ્રફુલ્લિત મગન મને ।।૪૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામ લીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીબાલા-યોગી મુક્તાનંદ સ્વામી સહિત ગામ પીપલાણે શ્રીરામાનંદ સ્વામીને મળ્યા એ નામે અઠ્ઠાવીસમો તરંગ ।।૨૮।।