તરંગઃ - ૨૭ - શ્રી નીલકંઠ બ્રહ્મચારીયે શ્રીરામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:09pm

પૂર્વછાયો

રામશરણજી સુણજ્યોે, પાવન પુન્ય પવિત્ર । સ્નેહે સંભળાવું તમોને, શ્રીહરિનાં ચરિત્ર ।।૧।।

મુક્તાનંદમુનિયે ધાર્યું, પત્ર લખું આ વાર । દર્શન કરવા સ્વામીનાં, આતુર છે બ્રહ્મચાર ।।૨।।

હું એમની ઇચ્છાપ્રમાણે, લખું સૌ સમાચાર । પત્ર વાંચી પધારે પોતે, શ્રીગુરુજી આ ઠાર ।।૩।।

તે વિના વર્ણી રહેશે નહિ, સ્થાનકમાં નિરધાર । તીવ્ર વૈરાગ્યના વેગથી, જાશે વનમોઝાર ।।૪।।

એમ ધારી પત્ર લખેછે, સ્વામીને ધરી સ્નેહ । વિનય સાથે સ્થિર મને, ઉર ઉમંગે એહ ।।૫।।

 

 

(શ્રીહરિ વહેલા પધારજો - એ રાગ)

 

સ્વસ્તિ શ્રીભુજનગ્રમાં, સુંદર મહાશુભ સ્થાન । પૂજ્ય આરાધ્ય છો સર્વના, સદ્ગુરુ કૃષ્ણ સમાન ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।। અનેક ઉપમા યોગ્ય છો, ઉત્તમોત્તમ આપ । શરણાગત વત્સલ સદા, ટળે દર્શને તાપ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૬।।

પરમ દયાળુ પરમારથી, પર ઉપકારી સુજાણ । રામાનંદ સ્વામી ગુરુ, પ્રગટ્યા કરવા કલ્યાણ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૭।।

આપ અવિચળ રહો સદા, હરવા ભૂમિનો ભાર । ભવજળભીતિ મહારોગનું, દુઃખ દૂર કરનાર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૮।।

લખીતંગ લોજપુરથી, મુક્તાનંદ નિરધાર । પ્રણામ મારા પ્રેમથી, કરજ્યો આ અંગીકાર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૯।।

તવ કૃપાયે સ્વામી આંહિ, કુશળ વર્તે છે નિત । આપના તરફથી ઇચ્છું છું, પત્રદર્શન ચિત્ત ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૦।।

વિશેષ વિનંતિ એજ છે, લખવા કારણ આજ । આવ્યા છે કોઈ આ સ્થળે, મહા મોટા વર્ણિરાજ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૧।।

નીલકંઠજી એવું નામ છે, નાની વયમાં છે નાથ । કારણરૂપ દિસે કોઈ, બીજાું કોઈ નથી સાથ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૨।।

અનુપમ અદ્ભુત છે, સવિતાસમ તેજ । તીવ્ર વૈરાગ્યના વેગથી, અત્રે આવ્યા છે એજ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૩।।

કોઈથી કળ્યા જાતા નથી, છે અલૌકિક રીત । નિશ દિન આત્મસ્વરૂપથી, ચલતું નથી જરા ચિત્ત ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૪।।

રાત દિવસ ત્રાટક કરે, નથી ઉંઘને આહાર । અંતર શત્રુની આપદા, મનમાં નથી લગાર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૫।।

નિરંજન નિર્લેપ છે, નિર્મોહી નિર્વિકાર । મૂરતિ મનહર મન વસી, જાણે જગ આધાર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૬।।

તીવ્ર તપના યોગથી, કૃશ થયું છે શરીર, ઉઘાડી દિસે છે નાડીઓ, તનમાં નથી રુધિર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૭।।

ચાર અંતઃકરણ ઇંદ્રિયો, નિમમાં રાખ્યા તેહ । ત્રણે અવસ્થા ને દેહથી, ભિન્ન વર્તે છે એહ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૮।।

જન્મ ધરીને જોયા નથી, આવા યોગી અનૂપ । ન હોય મનુષ્ય નોય દેવતા, જાણે પરબ્રહ્મ સ્વરૂપ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૧૯।।

જાણે પુરુષોત્તમ પ્રગટ્યા, ધર્યો મનુષ્યનો દેહ । સિદ્ધદશા ધારણ કરી, અવધૂતવેષે એહ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૦।।

કાળ કરમ માયાતણો, ભય ધરે નહિ ચિત્ત । જીવન્મુક્તના નાથ છે, આપ દિસે અજીત ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૧।।

સર્વેના મનની વારતા, જાણે છે તે જરુર । પ્રૌઢ પ્રતાપી દેખાય છે, રેછે માયાથી દૂર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૨।।

ખટ ઉર્મિને જીતેલ છે, અષ્ટાવરણથી રહિત । ગુપ્ત રાખ્યા છે ગુણ સહુ, વર્તે મનુષ્યની રીત ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૩।।

તપ ત્યાગ ને વૈરાગ્યમાં, નાવે કોઈ સમાન । ભવબ્રહ્માદિ પોકે નહિ, મુકે મુનિવર માન ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૪।।

નારીને તો જોતા નથી, તજી અષ્ટપ્રકાર । નૈષ્ઠિક વ્રત પાળે સદા, ઊર્ધ્વરેતા છે સાર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૫।।

વાસ આવે વનિતાની તો, રુચે નહિ મનમાંય । અન્ન ટકે ન ઉરમાં, તરત વમનજ થાય ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૬।।

દયા ઘણી છે દિલમાં, કરુણામય છે લોચન । શાંત સ્વભાવ શશિસમ, મુનિવર કોમલ મન ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૭।।

હઠયોગ ને રાજયોગ તે, જે ધારે તેમ લક્ષ । સમાધિ કરાવી શકે, બેસારીને સમક્ષ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૮।।

પ્રાણનાડી ખેંચે પળકમાં, જીવમાત્રના જાણ । યોગકળામાં કુશળ સદા, શું કરું હું વખાણ ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૨૯।।

સંક્ષેપથી મેં તો વર્ણવ્યા, વરણીના ગુણસાર । બીજા તો ગુણ અનંત છે, પામે નહિ કોઈ પાર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૩૦।।

પત્ર વાંચીને પધારજો, સ્વામી જરૂરા જરૂર । નીલકંઠજી અકળાય છે, ઉરમાં થૈને આતુર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૩૧।।

 દરશન કરવા આપનાં, ઇચ્છે છે તે અપાર । માટે ઉતાવળા આવજ્યો, કૃપા કરીને આઠાર ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૩૨।।

એવો પત્ર લખી રહ્યા, મુક્તાનંદ શુભ મન । કેવા લાગ્યા નીલકંઠને, સુણો વરણી પાવન ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૩૩।।

અમે તો પત્ર લખ્યો જુવો, સ્વામી ઉપર સોય । બીજો પત્ર લખો તમે, તવ હાથનો જોય ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૩૪।।

એવું સુણી નીલકંઠજી, બેઠા જૈને એકાંત । પત્ર લખે છે રે પ્રેમથી, મનમાં થૈને રે શાંત ।। સ્વસ્તિ શ્રીભુ૦ ।।૩૫।।

 

 

(જનુની જીવો રે ગોપીચંદની- એ રાગ)

 

પત્ર લખે પ્રભુ પ્રેમથી, સ્વામી ઉપર સારજી । ખડીયો કાગળ ને કલમ લઈ, બેઠા એકાંત ઠારજી ।। પત્ર લખે૦ ।।૩૬।।

પ્રેમવડે પત્ર વાંચજ્યો, પેલા મારા પ્રણામજી । મર્મ સકળ મન ધારજ્યો, કરવાનું છે જે કામજી ।। પત્ર લખે૦ ।।૩૭।।

આપે ઉદ્ધવજી પ્રગટ થયા, ધર્યું મનુષ્યશરીરજી । આ વસુધાપર વિચર્યા, ધર્મધારણ ધીરજી ।। પત્ર લખે૦ ।।૩૮।।

અમે આવ્યા પૂર્વદેશથી, ઉલ્લંઘ્યાં વનઘાટજી । નીલકંઠજી મારું નામછે, તવ દર્શન માટજી ।। પત્ર લખે૦ ।।૩૯।।

આ દેશમાં તમે આવિયા, કર્યું ધર્મસ્થાપનજી । એમ જાણી અમે પણ આંહિ, આવ્યા સમજીને મનજી ।। પત્ર લખે૦ ।।૪૦।।

પૃથ્વી ઉપર અતિશે થયો, અધર્મરૂપી ભારજી । એને ઉતારવા કારણે, લીધો છે અવતારજી ।। પત્ર લખે૦ ।।૪૧।।

દર્શન કરવા આતુર છું, જાણી પુન્ય પવિત્રજી । માટે વેગે વેલા આવજ્યો, સમજી લેજ્યો ચરીત્રજી ।। પત્ર લખે૦ ।।૪૨।।

લોજપુરે રહ્યો છું હું તો, તવ મુક્તમંડળ પાસજી । મળવાને મન અકળાય છે, આવીને પુરો આશજી ।। પત્ર લખે૦ ।।૪૩।।

જેને માટે અમે આવિયા, જે છે મનમાં વિચારજી । તેતો સર્વ જાણો છો તમે, નક્કી એ નિરધારજી ।। પત્ર લખે૦ ।।૪૪।।

પ્રેમે કરીને પધારજ્યો, દેવાને દરશનજી । અમને તો ધીરજ રેતી નથી, તમ વિના નિદાનજી ।। પત્ર લખે૦ ।।૪૫।।

વાટ જોઉં છું હું વાલમ, મનમાં થૈ આતુરજી । દર્શનથી સુખ પામીશું, જાણી લેજ્યો જરુરજી ।। પત્ર લખે૦ ।।૪૬।।

થોડું લખ્યું ઘણું માનજ્યો, મનમાં ધરજ્યો આ વાતજી । સંકેત સમજીને ઉરમાં, વ્હેલા વળજ્યો વિખ્યાતજી ।। પત્ર લખે૦ ।।૪૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી નીલકંઠ બ્રહ્મચારીયે શ્રીરામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો એ નામે સત્તાવીસમો તરંગ ।।૨૭।।