તરંગઃ - ૭ - ઉત્તરદેશમાં બ્રહ્મપુત્રને આશ્રિત કર્યો ને રાજાની રક્ષા કરી

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 8:56am

 

પૂર્વછાયો

વાલમ ત્યાં થકી વિચર્યા, બ્રહ્મચારી બાલે વેષ । તીવ્ર વૈરાગ્યના વેગથી, ગયા પોતે ઉત્તરદેશ ।।૧।।

ત્યાં આવ્યું કોઇ શેર મોટું, સુંદર શોભાયમાન । સરિતા છે ત્યાં સમીપમાં, ઉતરીયા ભગવાન ।।૨।।

તે સરિતામાં સ્નાન કર્યું, સ્નેહવડે ઘનશ્યામ । પીપળનું એક વૃક્ષ છે, જઈ બેઠા તેહ ઠામ ।।૩।।

ઓટા પર આસન કર્યું, નિત્ય વિધિ કરી સાર । એટલામાં આવી પોક્યા, વેગે પવનકુમાર ।।૪।।

ફળ સારાં સ્વાદિષ્ટ લાવ્યા, આપ્યાં પ્રભુને હાથ । નૈવેદ્ય કર્યું શ્રીવિષ્ણુને, પછે જમ્યા અવિનાશ ।।૫।।

 

ચોપાઇ

ફળ જમીને સુંદર શ્યામ, ઘડી એક કર્યો છે વિશ્રામ । પછે વિચારીને કિરતાર, ચાલવાનો કર્યો છે વિચાર ।।૬।।

તે સમે એક વિપ્રનો તન, આવ્યો જ્યાં બેઠા છે ભગવન । પ્રીતે કર્યો છે તેણે પ્રણામ, બેઠો પ્રભુ પાસે શુભ કામ ।।૭।।

તે છે પૂર્વનો મુમુક્ષુ જન, નીલકંઠજીએ જાણ્યું મન । આપ્યું નિજસ્વરૂપનું જ્ઞાન, બેલી થયા તેના ભગવાન ।।૮।।

પ્રભુપણાનો નિશ્ચય જેહ, પોતાને વિષે કરાવ્યો તેહ । ત્યારે બોલ્યો બ્રાહ્મણનો તન, સુણો શ્રીહરિ મારું વચન ।।૯।।

કરૂં પ્રાર્થના થઈ દીન, મારે ઘેર પધારો જીવન । સુણી બ્રાહ્મણ સુતનું વેણ, તેને ઘેર ગયા સુખદેણ ।।૧૦।।

રહ્યા પંદર દિવસ ત્યાંય, પામ્યા આનંદ તે મનમાંય । તે બાળકની માતા નિરધાર, કરવા લાગી મનમાં વિચાર ।।૧૧।।

જોયા નીલકંઠના બે ચરણ, સોળ ચિહ્ન યુક્ત રૂડે વરણ । પ્રભુ છે આ બાળજોગી આપ, એનાં દર્શનથી ટળે તાપ ।।૧૨।।

આ છે બહુનામી બલવંત, અખિલ વિશ્વાધાર મહંત । ધન્ય ભાગ્ય થયું મારું આજ, મારે ઘેર આવ્યા મહારાજ ।।૧૩।।

ઘણી સેવા કરી રૂડી રીત, નીલકંઠમાં પ્રોવાણું ચિત્ત । મુજ ઘરે રેતો બહુ સારું, પુન્ય ઉદે થયું જાણે મારું ।।૧૪।।

કર્યો સંકલ્પ મનમાં એવ, પ્રભુએ જાણ્યું છે તતખેવ । હવે રેવું નથી આણે ઠાર, એમ ધારે છે ધર્મકુમાર ।।૧૫।।

તેના ઘરનો કર્યો છે ત્યાગ, ચાલી નિકળ્યા ત્યાંથી સોહાગ । ત્યારે બાઈએ વિચાર્યું છે મન, નિજ પુત્રને કેછે વચન ।।૧૬।।

પુત્ર જોને તું મનમાં ધારી, ક્યાં ગયા એ બાલાબ્રહ્મચારી, કેડે જા તું ઉતાવળો આજ, નીલકંઠને તેડવા કાજ ।।૧૭।।

પાછા વાળજે તું રુડી પેર, તેડી લાવજે આપણે ઘેર । તેડ્યા વિના તું નવ આવીશ, સત્ય વાત કહું છું આદિશ ।।૧૮।।

એવાં દુઃખ ભરેલાં વચન, નિજમાતાનાં સુણીને તન । વેગે ચાલ્યો વાલિડાને વાંસે, જાણ્યું મુને મળે સુખરાશે ।।૧૯।।

ચાલ્યો ઉતાવળો તતકાળ, ઘણા ગાઉ જતાં મળ્યો તે બાળ । ત્યારે ભેગા થયા નરવીર, બોલ્યો બાળક રાખીને ધીર ।।૨૦।।

વિપ્રસુતે આપ્યું ઘણું માન, પણ પાછા ન આવ્યા ભગવાન । ત્યારે કેડે થયેલો જે બાળ, તેને સમજાવે છે દયાળ ।।૨૧।।

હમણાં જા ભાઈ તારે ઘેર, ઘરની તપાસી જોને પેર । તારી માતા છે વૃદ્ધ અપંગ, તેની સેવા કરો રહો સંગ ।।૨૨।।

દેહત્યાગ કરે જ્યારે સોય, પશ્ચિમદેશે આવજે જોય । દ્વારિકાની યાત્રાને નિમિત્ત, આવજે મળીશું રુડી રીત ।।૨૩।।

એમ સમજાવે છે દયાળ, પણ માને નહિ બ્રહ્મબાળ । રહ્યાછે બન્ને જણ ત્યાં રાત, હવે શું કરે છે જગતાત ।।૨૪।।

મોહનિદ્રામાં પડ્યો બ્રહ્મન, ત્યારે ચાલ્યા છે જગજીવન । વીતી રાતને થયું પ્રભાત, ત્યારે જાગ્યો છે બ્રાહ્મણજાત ।।૨૫।।

દશ દિશાએ કર્યો તપાસ, નવ દેખ્યા ત્યાં શ્રીઅવિનાશ । નાખે નિશ્વાસ થયો નિરાશ, ઉરમાં લાગી રહી ઉદાસ ।।૨૬।।

તેણે તૃષ્ણા કરી દીધી ત્યાગ, ગયો જગન્નાથ લઈ વૈરાગ । થોડાં વર્ષ રહ્યો છે તે સ્થાન, પછે ત્યાંથી ચાલ્યો નિરમાન ।।૨૭।।

એમ વીતી ગયો ઘણો કાળ, આવ્યો ગુજરાતમાં તે બાળ । ભુજનગ્રે ગયો ધરી ભાવ, ત્યાં મળ્યા શ્રીનટવર નાવ ।।૨૮।।

દયાળુનાં કર્યાં દરશન, થયો વાડવ મન પ્રસન્ન । પ્રેમે મગ્ન થયો છે તેઠામ, શ્રીહરિને કર્યાછે પ્રણામ ।।૨૯।।

પાસે આવી કર્યા નમસ્કાર, ત્યારે બોલ્યાછે જગદાધાર । કેમ યાદ રહીછે ઓ વાત, કે શું ભુલી ગયોછેે તું ભ્રાત ।।૩૦।।

ત્યારે બોલ્યો બ્રાહ્મણનો તન, હા પ્રભુજી હું જાણું છું મન । વ્હાલા કહ્યુંતું તમે વચન, તે પ્રમાણે મળ્યા ભગવન ।।૩૧।।

તવ ચરણતણો કરો દાસ, કૃપા કરી રાખો મુને પાસ । તેને પ્રીતે કર્યો પરમહંસ, પોતાપાસે રાખ્યો કરી અંશ ।।૩૨।।

સુણો રામશરણજી સંવાદ, એમ કેછે અવધપ્રસાદ । હવે શ્રીહરિ તે ચાલ્યા જાય, મહાવનવિષે જગરાય ।।૩૩।।

નીલકંઠ સ્વામી બ્રહ્મચારી, નશીદપુરે ગયા મોરારી । શેરબાર વાપિકાછે એક, ત્યાં મુકામ કર્યોછે વિશેક ।।૩૪।।

શ્રીહરિએ કર્યું પછે સ્નાન, નિત્યવિધિ કરે ભગવાન । તેસમે એજ નગ્રનો રાય, ગયોતો વનમાં સમુદાય ।।૩૫।।

સંગે લેઈ ઘણા અસવાર, હિંસા કરવા તે નિરધાર । તે પાછો વળીને આવ્યો ત્યાંય, નારાયણમુનિ બેઠા જ્યાંય ।।૩૬।।

તેને પડ્યો છે અતિપ્રયાસ, ગતિભંગ થઈ બેઠો પાસ । આવી બેઠો તે વાવ્યનજીક, મનમાં નથી કોઈની બીક ।।૩૭।।

મહા દુષ્ટમતિ દુરાચાર, બેઠો નિર્ભયથી અવિચાર । એને કરવો છે ત્યાંથી દૂર, અંતર્યામીએ ધાર્યું છે ઉર ।।૩૮।।

કરી પ્રેરણા ત્યાં તતકાળ, ઘોડેસ્વાર થયો છે ભૂપાળ । અશ્વસહિત ઉડ્યો આકાશ, ઊર્ધ્વપંથે ચડ્યો અવકાશ ।।૩૯।।

થોડે દુર ગયો નભમાંય, રાજા ગભરાણો ઘણો ત્યાંય । એને અંગે લાગ્યો છે સમીર, વસ્ત્ર ફાટ્યાં રહી નહી ધીર ।।૪૦।।

તનમાં પામી ગયોછે ત્રાસ, નક્કી જાણ્યું હવે થાશે નાશ । કેવી રીતે નીચે ઉતરાય, નથી ઉગરવાનો ઉપાય ।।૪૧।।

ચાલી સઘળા શેરમાં વાત, હજારો લોક આવ્યા ત્યાં ખ્યાત । વળી રાજાના સંબંધી જેહ, આવી મળ્યાંછે સરવે તેહ ।।૪૨।।

હાહાકાર કરે તતકાળ, ભાળીને ભૂપતિના હવાલ । હવે શું કરવોરે ઉપાય, નીચે આવશે ક્યારે આ રાય ।।૪૩।।

રાજાના સંબંધી જન જેહ, પ્રભુની પાસે આવ્યાછે તેહ । દીન થઈને કરેછે સ્તવન, પાહિ માં પાહિ માં ભગવન ।।૪૪।।

નીલકંઠ સ્વામી બ્રહ્મચારી, બેઠા નાસાગ્રવૃત્તિને ધારી । જય અગમ અમિત શ્યામ, હવે સાય કરો સુખધામ ।।૪૫।।

હે બાલાબ્રહ્મચારી મોરાર, આજે ભૂપતિની કરો વાર । દયા કરીને ઉતારો આપ, ટાળો રાજાના ત્રિવિધ તાપ ।।૪૬।।

ઘણો થાય છે ભૂપ હેરાન, માટે મેર કરો ભગવાન । એવાં સુણીને દીન વચન, નીલકંઠ થયા છે પ્રસન્ન ।।૪૭।।

કૃપા કરી જોયું સન્મુખ, નરનાથનું ટાળ્યું છે દુઃખ । નીચે ઉતરિયો તતકાળ, આવ્યો પૃથ્વીપર મહીપાલ ।।૪૮।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ઉત્તરદેશમાં બ્રહ્મપુત્રને આશ્રિત કર્યો ને રાજાની રક્ષા કરી એ નામે સાતમો તરંગઃ ।।૭।।