તરંગ - ૪૯ -જન્મસ્થાનકના કુવામાં શ્રીહરિ શેષજીરૂપે પોતાના ભાઇને દર્શન આપ્યાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:14am

 

પૂર્વછાયો- કર્તા હરતા શ્રીહરિ છે, જક્તનિયંતા જેહ । વિશ્વંભર સહુ વિશ્વમાં, વ્યાપી રહ્યા છે તેહ ।।૧।।

બાળલીલા શ્રીહરિ કરે, કરવા જીવનું કલ્યાણ । લાખો કવિ વર્ણવે તોય, પાર ન પામે પ્રમાણ ।।૨।।

શંકર કોટી શેષ કોટી, કોટી સરસ્વતી નાર્ય । કર્તવ્યતા જે પ્રભુતણી, તેનો પામે નહિં પાર ।।૩।।

રહસ્ય પ્રભુનો જાણે નહિ, કોટી કોટી મુક્તસાર । રસિક શ્રીઘનશ્યામછે, એ સર્વેના આધાર ।।૪।।

આજ્ઞા વિષે નિત્યે રહે છે, કૈક પુરુષ પ્રધાન । અક્ષરના એક રોમે, ઉડે અણુના સમાન ।।૫।।

રક્ષણ કર્તા શ્રીહરિ છે, પ્રગટ ધર્મકુમાર । એવા પ્રભુને ઓળખે, તેનો ધન્ય અવતાર ।।૬।।

ચોપાઇ - એક સમે ચોમાસાના દિન, આવ્યા બારેથી પ્રાણજીવન । સુવાસિની કહે વિશ્વાધાર, ચાલો રસોઇ થઇ તૈયાર ।।૭।।

ઘણીવારથી જોઉં છું વાટ, બેઠી બેઠી કરૂં છું ઉચાટ । તમો બંધવ સાથે ઉમંગે, જમવા બેસો દાદાને સંગે ।।૮।।

રેવતીજીને કે મહારાજ, મારાચરણ કિચાળા છે આજ । માટે ચરણને જો ધુવો તમે, તરત જમવા આવીશું અમે ।।૯।।

ત્યારે લાવ્યાં છે નિર્મલ વારી, ચરણ ધોવા બેઠાં સુખકારી । જેર ઉપર્ય ધોવે છે પાય । સોળે ચિહ્ન ચરણમાં દેખાય ।।૧૦।।

સુવાસિની કહે બલવંતા, લક્ષાવધિના થાશો નિયંતા । સઘળી ધર્ણી તણું જે ધન, તમને મળશે તે જીવન ।।૧૧।।

એમ કહી જોવા લાગ્યાં હાથ, પદ્માદિ ચિહ્ન દેખ્યાં તે સાથ । વળી કેછે સુણો ભગવાન, તમે ભારે છોજી ભાગ્યવાન ।।૧૨।।

તમે તો થશો રાજાધિરાજ, યાદ નહિં કરો મહારાજ । ત્યારે બોલ્યા ત્રિભુવનરાય, ભાભી એ શું બોલ્યાં સુખદાય ।।૧૩।।

તમે કોછો તે માન મોટાઇ, મળે રાજ્યસમૃદ્ધિ સવાઇ । તરત ઘડી તમને તેડાવું, મારા સમીપમાંજ બોલાવું ।।૧૪।।

ઘણો કરીશ હું સતકાર, એમાં ફેર ન જાણે લગાર । સદાકાળ હું રાખીશ પાસ, એ વચન આપ્યું અવિનાશ ।।૧૫।।

કોલ આપ્યા ભાભીના કરમાં, જમવા પધાર્યા છે ઘરમાં । મોટા પુન્યે મહારાજ મળ્યા, ત્યાં ભાભીને અઢળક ઢળ્યા ।।૧૬।।

જન્મસ્થાનકના કૂપ પાસ, પોતાનો બગીચો છે પ્રકાશ । રામપ્રતાપ ને પેલવાન, પાણી ખેંચે એ બેઉ સમાન ।।૧૭।।

પાટઉપર ઉભા રહીને, તાણે ઢેકુળીયો તે ગ્રહીને । જેવું થાળામાં પાણી ભરાય, તેવું નીકે થઇ ચાલ્યું જાય ।।૧૮।।

મંછારામ બગીચાનીમાંય, પાણી પોચાડે ક્યારા છે ત્યાંયે । એ સમે શ્રીહરિ ઘનશ્યામ, આવ્યા સખા સાથે તેહ ઠામ ।।૧૯।।

વેણી માધવ રામ પ્રયાગ, સુખનંદન એ બડભાગ । એ આદિ સખા ઘણા છે સંગે, જુવે ફુલતરૂને ઉમંગે ।।૨૦।।

વેણી માધવ પ્રાગને ભાવે, હરિ તરૂવર ઓળખાવે । જુવોને કેવડો આછે કેવો, મનરંજનકારક એેવો ।।૨૧।।

પારિજાત કરેણ ઉત્તમ, જાવો આતો છે ઝાડ કદમ । ચંપો ચમેલી ગુલાબ બેકે, મોગરો લડી રહ્યો છે લેકે ।।૨૨।।

બગીચામાં છે વૃક્ષ અપાર, તેને દેખાડે ધર્મકુમાર । એટલામાં વેણીરામ ગયા, કુવાને પાટે જૈ ઉભા રહ્યા ।।૨૩।।

પાટ ભાંગી ગયો તેણીવાર, પડયા છે ત્રૈણે કુવામોઝાર । કેતા કેતામાં લોક ભરાયા, દેખી દેખી મન ગભરાયા ।।૨૪।।

સર્વે મળીને વિચાર કરે, કુવામાં તો કોઇ ન ઉતરે । છેટે રહી જુવે છે ઉપાય, કાઢવા સારું કોઇ ન જાય ।।૨૫।।

તેનું કારણ કહું વિશેષ, ઘનશ્યામે ધર્યું તનુશેષ । મૂળરૂપે રહ્યા છે બહાર્ય, શેષરૂપે તે કુવામોઝાર ।।૨૬।।

પેલવાન વેણીબલરામ, તેની પાસે ઉભા સુખધામ । ધર્યું શેષરૂપ આપે ધીર, ચિંતા કરશો નહિ મારાવીર ।।૨૭।।

ઘનશ્યામની ઇચ્છાયે કરી, ત્રૈણે ગયા સમાધિમાં ઠરી । પછે આવી છે ધીરજ ઉર, હરિવરે પીડા કરી દુર ।।૨૮।।

કુવા ઉપર હજારો જન, ઉભા જુવે ભયભીત મન । કાળો નાગ ફણાયો હજાર, ફરે ચોત્રફ જલમોઝાર ।।૨૯।।

ત્રાસ પામી ગયા નરનારી, જુવે છે મન હિંમત હારી । કોણ ઉતરે કુવામાં આજ, આતો મરવાનું ભાઇ કાજ ।।૩૦।।

શેષનાગને પુછે છે ભાઇ, તમે કોણ છો કો સુખદાઇ । બોલ્યા અહિરૂપ ઘનશ્યામ, અમો શેષનારાયણ નામ ।।૩૧।।

બોલ્યા ધર્મતણા જ્યેષ્ઠ બાળ, પન્નગપતિ રેછે પાતાળ । ત્યારે તમને કોણે બોલાવ્યા, મારી પાસે કેવી રીતે આવ્યા ।।૩૨।।

બોલ્યા નારાયણ ગૂઢ ગતિ, સુણો ધર્મસુત મહામતિ । તમારા ભાઇ જે ઘનશ્યામ, પરબ્રહ્મ છે પૂરણકામ ।।૩૩।।

અક્ષરધામના અધિપતિ, પુરૂષોત્તમજી મહામતિ । અનંતકોટી મુક્તસહિત, મહાપ્રભુજી છે માયાતીત ।।૩૪।।

કરવા ઘણા જીવનાં કાજ, પ્રભુ પ્રગટયા છે અધિરાજ। એમની ઇચ્છાયે કરી અમે, આંહિ આવ્યા છૈયે જાણો તમે ।।૩૫।।

ત્યારે બોલ્યા છે રામપ્રતાપ, સુણો શેષનારાયણ આપ । અમારા ભાઇ છે ઘનશ્યામ, ત્યારે અમારું શું છે કો નામ ।।૩૬।।

નારાયણ કે તમે છો શેષ, કુવામાં પડી ગયા વિશેષ । તવ રક્ષણ કરવા અનૂપ, શ્રીહરિ થયા છે શેષરૂપ ।।૩૭।।

એજ ઘનશ્યામ હું થયો છું, તમારા પાસે ઉભો રહ્યો છું । એમ કેતાં કેતાં તતકાળ, સ્મૃતિવાન થયા અહિપાલ ।।૩૮।।

શેષનું રૂપ અદૃશ કીધું, ઘનશ્યામરૂપે દ્રષ્ણ દીધું । પેલવાન વેણી ને અનંત, બારે આવી થયા સુખવંત ।।૩૯।।

મૂળરૂપે ઉભા છે શ્રીહરિ, કર્યો પ્રણામ આદર કરી । કર જોડી કરે છે સ્તવન, પામ્યા આશ્ચર્ય ભાઇ જોખન ।।૪૦।।

બીજા ઉભા છે હજારો જન, પામ્યા વિસ્મય અતિશે મન । વેણીરામે તે વાત ઉચારી, અથ ઇતિ કેછે તે વિસ્તારી ।।૪૧।।

અમને બન્નેને ઝાલી હાથે, સઘળે ફેરવ્યા અહિનાથે । ગઉલોક વૈકુંઠાદિ અગ્ર, ધામ દેખાડી દીધાં સમગ્ર ।।૪૨।।

તેતે ધામના મુક્ત ને દેવ, કર્યાં દર્શન અવશ્યમેવ । સુખ સંતોષ આનંદ શાંતિ, પામ્યા ત્યાં અમે ધર્મ એકાંતિ ।।૪૩।।

ઘનશ્યામની ઇચ્છાયે કરી, ત્યાંથી પાછા આવ્યા અમો ફરી । એવું કૈને થયા છે પ્રસન્ન, ગયા પોતપોતાને સદન ।।૪૪।।

ત્યાર પછી વળી એકસમે, શ્રીહરિ સખાસંગાથે રમે । મીનસાગર ઉપર ગયા, મધુવૃક્ષતળે ઉભા રહ્યા ।।૪૫।।

સખા સર્વે મળીને રમે છે, એક એકને મન ગમે છે । કરી રમત્ય ત્યાં ઘણીવાર, પછે ભુખ્યા થયા છે અપાર ।।૪૬।।

વેણીરામે પાડી કરતાળી, બોલ્યા પોતાનું પેટ સંભાળી । હવે તો લાગી છે ઘણી ભુખ, નથી શેવાતું ક્ષુધાનું દુઃખ ।।૪૭।।

માટે રમતને અલસાવો, ઘરે જવાને તૈયાર થાવો । ત્યારે બોલ્યા શ્રીહરિ વચન, સુણો સખા તમે શુભ મન ।।૪૮।।

ક્ષુધા લાગી શું એક તમોને, કેમ નૈ લાગી હોય અમોને । સુખનંદન કે સદભાગી, ભાઇ ક્ષુધાતો સર્વેને લાગી ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે જન્મસ્થાનકના કુવામાં શ્રીહરિ શેષજીરૂપે પોતાના ભાઇને દર્શન આપ્યાં એ નામે ઓગણપચાશમો તરંગઃ ।।૪૯।।