તરંગ - ૮ - શ્રીહરિએ ભૂમાપુરૂષનાં દર્શન કરાવ્યાં

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:21pm

 

પૂર્વછાયો- એકદિન ભક્તિમાતને, તન ચડયો છે તાવ । સુતનિ પાસે સુઇ ગયાં, પછે શું બન્યો બનાવ ।।૧।।

જર્જરીભૂત થયાં જ્વરે, નથી શરીરને સુખ । પારણાં પાસે પોઢી ગયાં, શ્રીહરિની સન્મુખ ।।૨।।

તારે પ્રભુ લીલા કરે છે, પ્રેમવતીને પાસ । માતાજીની વ્યાધિ જાણે છે, તોય કરે છે વિલાસ ।।૩।।

ચોપાઇ- પોઢયા પારણામાં ભગવનરે, કરે બાલ ચેષ્ટાથી રુદનરે । બોલ્યાં માતાજી પ્રેમ વચનરે, પુત્ર સારૂં નથી મુજ તનરે ।।૪।।

જ્વર આવ્યો છે મુને નિર્ધારરે, માટે સુઇ રહો જરા વારરે । તારે બોલ્યા છે દેવમોરારરે, મુને ક્ષુધા લાગી છે અપારરે ।।૫।।

માટે રુદન કરૂં છું અમોરે, સત્યમાની લેજો દીદી તમોરે । એવું સાંભળી વિસ્મિત થયાંરે, સ્થિર થઇ સામું જોઇ રહ્યાંરે ।।૬।।

પછે બેઠાં થઇ તેડયા બાળરે, લીધા ઉત્સંગમાં તતકાળરે । ધવરાવે છે રાખીને ધિરરે, પય નથી આવતું લગીરરે ।।૭।।

સુખે સુવાડયા પારણે સુતરે, અંગ થયુંછે જર્જરીભૂતરે । પોતે સુતાં છે પારણા પાસરે, વળી રોવા લાગ્યા અવિનાશરે ।।૮।।

તારે ભક્તિમાતા બેઠાં થયાંરે, દોરી ઝાલી હીંચોળે છે રયાંરે । હાલેરૂં ગાતામાં નિદ્રા આવીરે, મનમોહને માયા રચાવીરે ।।૯।।

તોયે છાના રહે નહી શ્યામરે, આવ્યા જોખનજી તેહ ઠામરે । પોતે દોરી લીધી છે ત્યાં હાથરે, બોલ્યા ઘનશ્યામજીની સાથરે ।।૧૦।।

ભાઇ છાના રહો નવ રુવોરે, દીદી ઘેર નથી તમે જુવોરે । એમ સમજાવે નિજ વીરરે, છાના રાખ્યા છે આપીને ધીરરે ।।૧૧।।

શેષ નાવાને તૈયાર થયારે, નારાયણસરોવરે ગયારે । પ્રભુ વિચારે છે ધરી ભાવરે, મારી માતાને આવ્યો છે તાવરે ।।૧૨।।

જુઠું સમજાવી ગયા ભાઇરે, મુને મુકી ગયા રોતા આંઇરે । એમ જાણીને ધાર્યો વિચારરે, મારે તો માતુશ્રીયો છે બારરે ।।૧૩।।

શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટિરે, ક્રિયા ઉન્નતિ મેધા બુદ્ધિ પુષ્ટિરે । વળી હ્રી અને તિતિક્ષા જેહરે, મૂર્તિ યુક્ત ત્રયોદશ તેહરે ।।૧૪।।

આવો માતુશ્રીઓ બારે આજરે, એમ ઇચ્છા કરી મહારાજરે । શ્રદ્ધા મૈત્રી એ આદિ દ્વાદશરે, એ છે ધર્મની સ્ત્રીયો અવશરે ।।૧૫।।

કર્યો સંકલ્પ દેવના દેવરે, આવ્યાં બાર માતા તતખેવરે । પેર્યાં વસ્ત્ર આભૂષણ સારરે, પ્રભુ પાસે ઉભાં છે તૈયારરે ।।૧૬।।

પોઢયા છે પારણામાં કુમારરે, શ્રદ્ધાએ તેડી લીધા તે વારરે । નૌતમ નેહ ધરીને તે નિરખેરે, સ્તનપાન કરાવે છે હરખેરે ।।૧૭।।

જનુનીઓ છે બાર અનુપરે, હરિયે ધર્યાં તેટલાં રૂપરે । બાર માતાઓનું એકે હારેરે, પયપાન કર્યું કીરતારેરે ।।૧૮।।

ધાવી તૃપ્ત થયા બલવીરરે, રમાડે માતાઓ મન સ્થિરરે । શ્રધ્ધા આદિ કહે છે વચનરે, સુણો પ્રાણથકી પ્યારા તનરે ।।૧૯।।

કો તો અમે આવિયે હમેશરે, સ્તનપાન કરાવા દેવેશરે । ખમા ખમા કહેછે તે મુખેરે, રમાડે ઘનશ્યામને સુખેરે ।।૨૦।।

તે સમે આંબલી તરુ નિચેરે, ધર્મ બેઠાછે ચોતરા વચેરે । જોયું છે ઘરસામું જેવારેરે, ભાળી ભામનિયો બહુ ત્યારેરે ।।૨૧।।

મારે ઘેર સ્ત્રીયો કોણ આવીરે, કામનિયોને કોણે બોલાવીરે । આવ્યા ઘરમાં એમ કહીનેરે, જોવા ધારે છે પાસે જઇનેરે ।।૨૨।।

તેટલામાં ભક્તિમાતા જાગ્યાંરે, નિજ કુંવરને જોવા લાગ્યાંરે । એકરૂપ છે પારણા સંગેરે, બી રુપ છે શ્રદ્ધાના ઉત્સંગેરે ।।૨૩।।

પ્રભુને પોઢાડયા તે પારણેરે, મેધા આદિ ચાલ્યાં છે બારણેરે । નારાયણસરોવરે ગયાંરે, ધર્મદેવની નજરે થયાંરે ।।૨૪।।

ભક્તિમાતા આવ્યાં ઘરબારરે, જુવે નજર જોડી નિર્ધારરે । ત્યારે તો નથી દેખાતું કોઇરે, વૃષદેવ પુછે પોતે જોઇરે ।।૨૫।।

કોણ કામનિયો હતી કયાંનીરે, કેમ ચાલી ગઇ છાનીમાનીરે । ભક્તિ કહે જે આવે છે ઘણીરે, હશે મામી ઘનશ્યામ તણીરે ।।૨૬।।

ધર્મદેવ કહે એ તો નથીરે, દેવતા નિશ્ચે જાણ્યા મનથીરે । ત્યારે ભક્તિને થયો સંદેહરે, રખે કોય બી હોય એહરે ।।૨૭।।

એમ જાણીને બાંધીછે સર્તરે, સુરજાબાઇને પુછયું તર્તરે; મારે ઘેર આવ્યાંતાં કે નહિરે, સાચું બોલજ્યો હાલમાં સહિરે ।।૨૮।।

કહે સુરજા હું નથી આવીરે, મુને તો કોઇએ નથી બોલાવીરે । ભક્તિ આવ્યાં છે પારણા પાસેરે, જુવે પુત્રનું પેટ હુલાસેરે ।।૨૯।।

ફેરવ્યો પેટ ઉપર હાથરે, જાણ્યું તૃપ્ત થયા દીનાનાથરે । આવી હશે દેવાંગના સઇરે, સ્તનપાન કરાવી તે ગઇરે ।।૩૦।।

એમ સમજીને તેડયા પ્રીતેરે, સ્તનપાન કરાવે અમિતેરે । તૃપ્ત થયેલા છે ભગવાનરે, માટે કર્યું નહીં સ્તનપાનરે ।।૩૧।।

વિસ્મે પામ્યાં થકાં કહે માતરે, કોણે ધવરાવ્યા કહો વાતરે । માતા સુણો કરી મનભાવરે, આજ તમને આવ્યો તો તાવરે ।।૩૨।।

ત્યારે અમને લાગીતી ભુખરે, અમે ઇચ્છા કરી સન્મુખરે । અમારે માતુશ્રીઓ છે બારરે, તતકાલ આવી આણે ઠારરે ।।૩૩।।

શ્રદ્ધા મૈત્રી આદી બડભાગીરે, એમનાથી અમે ભુખ ત્યાગીરે । એવું સાંભળી વિસ્મિત થયાંરે, હેત વડે સામું જોઇ રયાંરે ।।૩૪।।

તે સમે સ્નાન કરે ૧અનંતરે, નારાયણસરે કરી ખંતરે । બાર માતાઓ ત્યાં થકી ચાલીરે, મોટા ભાઇએ નજરે ભાળીરે ।।૩૫।।

પુછે તેમને ભાઇ જોખનરે, તમે કોણ આવ્યાં છો પાવનરે । મેધા બુદ્ધિ કહે સત્ય કૈયેરે, તમારી બાર માતાઓ છૈયેરે ।।૩૬।।

તમારા ભાઇ જે ઘનશ્યામરે, ભુખ્યા થયા હતા તેહ ઠામરે । તેમની ઇચ્છાએ કરી માનરે, કરાવા ગયાંતાં સ્તનપાનરે ।।૩૭।।

હવે જઇશું અમારે ભુવનરે, સુણો રામપ્રતાપજી તનરે । એવું સાંભળીને ઘેર આવ્યારે, નિજ માતાપિતાને તે ભાવ્યારે ।।૩૮।।

વળી માતાજી ઘરને બારરે, ખોળામાં લઇ બાળકુમારરે । પયપાન કરાવેછે પ્રીતેરે, ઘનશ્યામજીને રુડી રીતેરે ।।૩૯।।

પેટ ઉપર ફેરવે હાથરે, લાડ લડાવે છે મન સાથરે । રમાડે હસાવે રસરંગેરે, અતિ આનંદભેર ઉમંગેરે ।।૪૦।।

ધર્મદેવને ૨પન્નગપતિરે, જુએ દૂર બેઠા મહામતિરે । બોલ્યા રામપ્રતાપજી સહીરે, માતુ ભાઇને હસાવશો નહિરે ।।૪૧।।

અતિ કોમળ ઉદર દુખેરે, શ્રીહરિયે સુણ્યું સન્મુખેરે । તેજ નાભિ વિષેથી નિકળ્યુંરે, ભવબ્રહ્માથી નવ જાય કળ્યુંરે ।।૪૨।।

કર્યું અક્ષર તેજ પ્રકાશરે, જાણે ચિદૃઘન ચિદાકાશરે । ચૌદ લોકને દશ દિશાયરે, તેજ તેજ અપાર દેખાયરે ।।૪૩।।

અવ્યાક્રત જે ધામના મધ્યેરે, દિઠા ભૂમાપુરૂષ સાન્નિધ્યેરે। ચતુરાયુદ્ધ પાર્ષદ યુક્ત રે, જોયા એ પ્રમાણે તેહ મુક્તરે ।।૪૪।।

કર્યો ત્રણેનો બહુ સત્કારરે, એ ભૂમા પુરૂષે તેહ વારરે । બેસાડયા છે સુંદર આસનરે, અતિ પ્રેમ વડે નિજ મનરે ।।૪૫।।

લઇ સોળ જાતી ઉપચારરે, કર્યું પૂજન રૂડે પ્રકારરે । કર સંપુટ કરીને ડોલ્યારે, પ્રણીપાત સહીત ત્યાં બોલ્યારે ।।૪૬।।

સુણો ભક્તિધર્મ કહું વાતરે, પ્રગટયા છે પુરૂષ વિખ્યાતરે । તવ પુત્ર છે અક્ષરપતિરે, એમાં ફેર નથી એક રતિરે ।।૪૭।।

અમે લોકપતિ જે કેવાયૈરે, પણ એમના શર્ણમાં રહિએરે । મુને આજ્ઞા કરી મહારાજરે, આ બ્રહ્માંડમાં મોકલ્યા કાજરે ।।૪૮।।

હરિયે મુને જેમ કયુંતુંરે, એમ મારા હૃદયમાં રહ્યુંતુંરે। આ બ્રહ્માંડના અર્ધ આયુષેરે, અમો દેહ ધરીશું મનુષેરે ।।૪૯।।

કૌશલ દેશ અયોધ્યા પ્રાંતરે, સરવારમાં છુપૈયા શાંતરે । ધર્મભક્તિથી દેહ ધરીશુંરે, કામ સર્વે જનનાં કરીશું રે ।।૫૦।।

અક્ષરમાંથી અમો આવીશું રે, સાથે મુક્ત મંડલ લાવીશુંરે । પૂર્વે કયું તું મુને પાવનરે, પ્રભુયે પાળ્યું સત્ય વચનરે ।।૫૧।।

પુત્રભાવ હવે તમે તજોરે, પ્રભુજાણીને અમને ભજોરે । ઘનશ્યામ જે તમારા તનરે, પુરૂષોત્તમ છે ભગવનરે ।।૫૨।।

એમ કેતામાં શ્રીઘનશ્યામેરે, તેજ સમાવિ લીધું તે ઠામેરે । કર્યા શ્રીહરિને નમસ્કારરે, ગયા ભૂમાપુરૂષ તે બારરે ।।૫૩।।

પછે માતાએ પ્રેમ કરીનેરે, દુધ સાકર પાયું હરિનેરે । પુત્રભાવ ગદગદ થૈનેરે, આપ્યા રમાડવા મોટા ભાઇનેરે ।।૫૪।।

પછે તો ગયાં રસોડામાંયરે, રસોઇ કરે સુંદર ત્યાંયરે । પુત્રમાં પણ લાગી છે વૃત્તિ રે, બીજે ક્યાંય દૃષ્ટિ નથી ઠર્તીરે ।।૫૫।।

ધર્મદેવને છે એવું હેતરે, પુત્રને જાણે પ્રેમ સમેતરે । માતા કરે છે મન વિચારરે, હરિ ભુખ્યા થયા હશે સારરે ।।૫૬।।

હાથ ધોઇને આવે છે બારરે, ત્યાં તો રોવા લાગ્યા છે કુમારરે । તાકિદથી હાથ ધોઇ દિધારે, આવી પુત્રને ઉત્સંગે લીધારે ।।૫૭।।

તેડિ લીધા ખમા ખમા કૈનેરે, બેઠાં ઓસરી મધ્યે જઇનેરે । લાગી છે તમને બહુ ભુખરે, જાણું છું હું તમારું દુઃખરે ।।૫૮।।

એમ કહી માતા ધવરાવેરે, પાસે લઇ પય પીવરાવેરે । ધાવી તૃપ્ત થયા ભગવનરે, એમ માતાએ જાણ્યું છે મનરે ।।૫૯।।

પછે ફેરવે છે માથે હાથરે, બોલ્યાં માતા ઘનશ્યામ સાથરે । ભાઇ ક્ષુધા ઘણી લાગી હતીરે, બહુ રોયા ધીરજ નોતી રેતીરે ।।૬૦।।

હરિ કે માત એમ હતું ખરુંરે, સુણિ દીદી તણું મન ઠર્યું રે । એમ યોગિપતિ કરે ખેલરે, બાલલીલાવડે રંગરેલરે ।।૬૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભૂમાપુરૂષનાં દર્શન કરાવ્યાં એ નામે અષ્ટમો તરંગઃ ।। ૮ ।।