અધ્યાય - ૫૩ - શ્રીહરિએ કહેલું વેદોની ઉત્પત્તિનું વર્ણન.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:55pm

અધ્યાય - ૫૩ - શ્રીહરિએ કહેલું વેદોની ઉત્પત્તિનું વર્ણન.

શ્રીહરિએ કહેલું વેદોની ઉત્પત્તિનું વર્ણન.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે વર્ણી ! બ્રહ્મચારીએ પ્રતિદિન વેદાભ્યાસ કરવો. કારણ કે વેદો નારાયણ ભગવાનના મુખ થકી ઉત્પન્ન થયેલા અને સાક્ષાત્ નારાયણસ્વરૃપ છે, તેથી સનાતન કહેલા છે.૧

વેદોના અર્થોનું જ્ઞાન થયા વિના ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થતું નથી, તેથી વેદોના અર્થોનું સાદર ચિંતવન કરવું.૨

તત્ત્વાર્થના જ્ઞાતા અને પુરાતન સંતોએ સર્વે પ્રમાણોના મધ્યે વેદને પરમ પ્રમાણરૃપ કહ્યા છે.૩ ઁકાર જેમનું મૂળ છે એવા વેદો જે રીતે નારાયણ થકી પ્રાદુર્ભાવ પામ્યા છે, તે વેદોત્પત્તિની પ્રક્રિયા અહીં સંક્ષેપથી કહીએ છીએ.૪

પ્રકૃતિપુરુષથી પર રહેલા અક્ષરધામને વિષે પુરુષોત્તમ નારાયણ શ્રીવાસુદેવ જ સૃષ્ટિ પહેલાં પોતાના અનંત અક્ષરમુક્તોથી સેવાયેલા વિરાજમાન હતા.પ

ત્યારપછી સમર્થ અને સ્વતંત્ર એવા શ્રીવાસુદેવ ભગવાને અગણિત બ્રહ્માંડો સર્જવાની ઇચ્છા કરી અને અક્ષરબ્રહ્મધામના તેજમાં સુષુપ્ત થઇ રહેલા પ્રકૃતિ પુરુષને પોતાની દૃષ્ટિ માત્રથી જાગ્રત કર્યાં.૬

પછી શ્રીવાસુદેવ ભગવાને તે મહાપુરુષ દ્વારા મહાપ્રકૃતિને વિષે દૃષ્ટિમાત્રથી પોતાની વીર્યશક્તિને ધારણ કરી. જેમ સ્ત્રી પુરુષદ્વારા ગર્ભ ધારણ કરે તેમ તે મહાપ્રકૃતિએ ગર્ભ ધારણ કર્યો.૭

પછી તે મહામાયા થકી અનેક પ્રધાન અને પુરુષોનાં જોડલાં ઉત્પન્ન થયાં, તે સમયે સ્વયં શ્રીવાસુદેવનારાયણ તે પુરુષો દ્વારા પ્રધાન નામની પ્રકૃતિઓમાં વીર્યશક્તિને ધારણ કરી.૮

(હવે એક પ્રધાન થકી થયેલી સૃષ્ટિનું વર્ણન કરીએ, તેનાથી અનંતકોટી પ્રધાન પુરુષ થકી થયેલી અનંત કોટી બ્રહ્માંડોની સૃષ્ટિ સમજી લેવી.)
પુરુષદ્વારા પ્રધાન નામની માયાને વિષે સ્થાપન કરવામાં આવેલું ચૈતન્યાત્મક ભગવદ્વીર્ય માયાને વિષે રહેલા અચિદ્રૃપ રજ આદિક ગુણોની સાથે મિશ્ર થયું. તેનાથી ત્રિગુણાત્મક મહત્તત્ત્વ ઉત્પન્ન થયું.૯

તેનાથી અહંકાર અને આકાશ આદિક છ આવરણોથી યુક્ત, હિરણ્યમય તેમજ બહુ પ્રકાશે યુક્ત અંડકોશનું સર્જન થયું.૧૦

વિરાટ નામે આ અંડકોશ મહામાયાના પતિ મહાપુરુષે સર્જેલા અનેક બ્રહ્માંડોના આશ્રયભૂત કારણ નામના ગર્ભોદક જળમાં બહુ કાળ પર્યંત નિવાસ કરીને રહ્યો.૧૧

પછી કાળક્રમે કરીને વૈરાજપુરુષ પ્રગટ થયા. અવ્યક્ત શ્રોત્રાદિ ઇન્દ્રિયોના ગણે સહિત તે વૈરાજપુરુષ પોતાના આધારભૂત એ અંડકોશને વિષે રહેલા ગર્ભોદક જળમાં શયન કરીને રહ્યા.૧૨

તે વૈરાજપુરુષ બ્રહ્માદિક ઇશ્વરો, ચાર પ્રકારના સર્વે જીવો, તેનાં સ્થાન, ભોગ અને ભોગોનાં ઉપકરણો સર્જવા શક્તિમાન થયા નહિ.૧૩

પછી શ્રીવાસુદેવ ભગવાનની કાળ શક્તિથી તે વૈરાજપુરુષનાં બહારનાં મુખ, હાથ, પગ આદિક અને અંદરનાં હૃદય આદિક અવયવો સ્પષ્ટ વ્યક્ત થયાં.૧૪

તે મુખ આદિક ઇન્દ્રિયોના ગોલોકમાં વરુણાદિક અને ચંદ્રાદિક અધિ દેવતાઓ બ્રાહ્ય તથા આંતર ઇન્દ્રિયોની સાથે નિવાસ કરીને રહ્યા.૧પ

તે સમયે વૈરાજ પુરુષના વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત આ ત્રણ શરીરો સ્પષ્ટ થયાં અને આલોકમાં દેવ મનુષ્યાદિકનાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરો પણ સ્પષ્ટ થયાં.૧૬

જેવી રીતે એક જ નાળિયેર પરિપક્વ દશામાં છાલ, કાચલી અને કોપરાના રૃપમાં ત્રણ પ્રકારે વ્યક્ત થાય છે, એજ રીતે એ વૈરાજપુરુષનું એકજ શરીર પણ વિરાટ્, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ પ્રકારે વ્યક્ય થાય છે.૧૭

વૈરાજપુરુષના એ ત્રણ પ્રકારના શરીર સંબંધે વિષ્ણુ, બ્રહ્મા અને શિવ એમ ત્રણ નામે પણ કહેવામાં આવે છે. તે વૈરાજપુરુષ ઇન્દ્રિયોના ગોલોક, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓની સાથે તાદાત્મ્ય ભાવથી વ્યાપીને રહ્યા છે.૧૮

તેમ છતાં તે વૈરાજપુરુષ જ્યારે ઉત્થાનાદિ કોઇ ક્રિયા કરવા સમર્થ ન થયા, ત્યારે સાક્ષાત્ શ્રીવાસુદેવનારાયણ મહાપુરુષરૃપે તે વૈરાજપુરુષમાં બ્રહ્મરંધ્રદ્વારેથી પ્રવેશ કર્યો.૧૯

અંતર્યામીપણે અંદર પ્રવેશેલા શ્રીપુરુષોત્તમ વાસુદેવનારાયણ તે વૈરાજપુરુષના જીવની સાથે એકરૃપતા પામ્યા, ને તેની ઇન્દ્રિયો તથા દેવતા આદિકના ભાવને પામ્યા, તેથી તે સહસ્રશીર્ષપુરુષ એવા વૈરાટ્નારાયણ નામે થયા.૨૦

પરંતુ જ્યારે શ્રીવાસુદેવનારાયણે પ્રથમ વૈરાજપુરુષના મસ્તકમાં સહસ્રદળ કમળવાળા બ્રહ્મરંધ્રમાં આવિર્ભાવ કર્યો, ત્યારે અક્ષરબ્રહ્માત્મક નાદ થયો.ર૧

એ નાદ સુષુમ્ણા નાડીના માર્ગથી એ જ ક્ષણે વૈરાજપુરુષના નાભિકમળમાં વ્યાપી મહાપ્રાણની સાથે ભળીને ત્યાંથી ઉપર ઉઠયો ને વૃદ્ધિ પામ્યો.રર

કેળના ડોડાની જેમ નીચે મુખ કરીને રહેલું વૈરાજપુરુષનું નાભિકમળ બ્રહ્મનાદનો પ્રવેશ થઇ ઉપર ઉઠવાથી હૃદયાકાશ સુધી ઊર્ધ્વમુખવાળું થયું.ર૩

એ સમયે વૈરાજ પુરુષના નાભીકમળને વિષે જે નાદ થયો તે પરાવાણીના નામે શાસ્ત્રમાં પ્રસિદ્ધિ પામ્યો. એ પરાવાણીને શ્રીવાસુદેવ ભગવાને વેદની ઉત્પત્તિના બીજરૃપે પ્રકાશિત કરી.ર૪

પછી તેજના પ્રવાહ રૃપે રહેલી અને અર્ધમાત્રા સ્વરૃપી એ પરાવાણી નાભી પ્રદેશથી ઉપર ઉઠી હૃદયાકાશને પામી, ત્યારે પશ્યંતીવાણી નામે થઇ.૨૫

પછી તે વાણી વૈરાજપુરુષના કંઠ પ્રદેશને પામી ત્યારે મધ્યમા નામે થઇ અને ત્યાંથી વૈરાજપુરુષના મુખ કમળને પામી ત્યારે વૈખરીવાણી એવા નામને પામી.૨૬

જેમ જલયંત્રમાં જળ ઉપરથી નીચે ચક્રમાં જઇ પછીથી ઉપર ગતિ કરે છે, તેમ બ્રહ્મનાદ પણ મસ્તકના બ્રહ્મરંધ્રમાંથી નીચે નાભિકમળમાં જઇ ત્યાંથી ઉપર મુખ પર્યંત ગતિ કરી.૨૭

જે પરાવાણી હૃદયપ્રદેશમાં પશ્યંતી, કંઠમાં મધ્યમા અને મુખમાં વૈખરી નામને પામી ત્યાં સુધીમાં એ વૈરાજપુરુષના મુખ, કંઠ અને હૃદયમાં આખી ત્રિલોકીને ધારણ કરનાર ત્રણ વર્ણો અનુક્રમે પ્રગટ થયા.૨૮

તેમાં અકાર પ્રથમ, ઉકાર બીજો અને મકાર ત્રીજો વર્ણ કહેવામાં આવ્યા. આ ત્રણે વર્ણો ક્રમે સત્વ, રજ અને તમ એમ ત્રિગુણાત્મક કહેલા છે.૨૯

તે મુખ, કંઠ અને હૃદયના અનુક્રમે અધિષ્ઠાતા વિષ્ણુ, બ્રહ્મા અને શિવની સાથે તે વૈરાજપુરુષના મુખાદિ સ્થાનમાં વિશેષપણે નિવાસ કરીને રહેલા છે.૩૦

તે અકાર, ઉકાર અને મકાર આ ત્રણે વર્ણો પોતાના સ્થાનમાં રહી શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છાથી વૈરાજપુરુષના હૃદયાકાશમાં એક ભાવને પામ્યા, ત્યારે ઁ......એવો પ્રણવધ્વનિ થયો.૩૧

મહાપ્રાણમય એવો એ પ્રણવધ્વનિ હૃદયમાં મનોમય એવા 'પશ્યંતી' નામને પામી કંઠમાં ઇન્દ્રિયમય એવા 'મધ્યમા' નામને પામી વૈરાજપુરુષના મુખમાં અનેક વર્ણોરૃપે પ્રગટ થઇ 'વૈખરી' નામને પામ્યો.૩૨

અનેક વર્ણોરૃપે પ્રગટ થયેલા તે પ્રણવના ધ્વનિમાંથી ય,ર,લ,વ આ ચાર અંતસ્થ અક્ષરો, શ,ષ,સ,હ આ ચાર ઉષ્માણ અક્ષરો, અકાર આદિક સ્વરો, ક થી મ પર્યંતના સ્પર્શ અક્ષરો, તેમજ વિસર્ગ અને અનુસ્વાર આદિ સમગ્ર વર્ણો ઉત્પન્ન થયા. આ સમગ્ર વર્ણોમાંથી સૃષ્ટિના પ્રારંભ સમયે વેદો ઉત્પન્ન થયા.૩૩

જેવી રીતે અક્ષરબ્રહ્માત્મ ધ્વનિ એક હોવા છતાં નાભી, હૃદય, કંઠ અને મુખ આ ચાર સ્થાનના ભેદથી પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એવા ચાર પ્રકારે થયો, એવી રીતે અનંત ઐશ્વર્યોના સ્વામી શ્રીનારાયણ ભગવાન પણ એક હોવા છતાં ચાર સ્વરૃપે થયાં.૩૪

તેમાં નાભિકમળમાં પરાવાણીના દેવતારૃપે શ્રીવાસુદેવ નામે, હૃદયમાં પશ્યંતિવાણીના દેવતારૃપે સંકર્ષણ નામે, કંઠમાં મધ્યમા વાણીના દેવતારૃપે અનિરૃદ્ધ નામે અને મુખમાં વૈખરી વાણીના દેવતારૃપે પ્રદ્યુમ્ન નામે થયા.૩૫-૩૬

વૈરાજનાં ત્રણ શરીરના અભીમાની દેવતા વિષ્ણુ, બ્રહ્મા અને શિવ અનુક્રમે મુખ, કંઠ અને હૃદયમાં ત્રણે સ્થાનમાં રહીને તે તે વાણીના અધિષ્ઠાતા પ્રદ્યુમ્ન, અનિરૃદ્ધ અને સંકર્ષણની અનુક્રમે ઉપાસના કરે છે.૩૭

તેમાં સંકર્ષણાદિ ત્રણ મૂર્તિઓ શ્રીવાસુદેવ ભગવાનની સગુણ મૂર્તિઓ છે. જ્યારે નાભિકમળમાં રહેલા સ્વયં શ્રીવાસુદેવ ત્રણ ગુણથી પર નિર્ગુણ સ્વરૃપ છે.૩૮

આ પ્રમાણે સૃષ્ટિના આદિકાળમાં સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ થકી જ સર્વ અર્થનો બોધ કરાવનાર વેદ પ્રગટ થયા.૩૯

સાક્ષાત્ નારાયણના મુખ થકી પ્રાદુર્ભાવ પામેલા હોવાથી વેદ છે, તે જ વાઙ્ગમય જગતમાં મુખ્યપણે વર્તે છે. તેથી વેદનું બ્રહ્મચારીએ અધ્યયન કરવું.૪૦

હે વર્ણી ! બ્રહ્મચારીએ પોતાના આત્માને અછેદ્ય, અખંડ અવિનાશી અને ચૈતન્ય જાણવો. તેમ જ ત્રણ શરીરથી પૃથક્ જાણવો. આવા ત્રણ શરીરથી ભિન્ન આત્માની અક્ષરબ્રહ્મની સાથે એકપણાની ભાવના કરી, બ્રહ્મરૃપે થઇ ભગવાન શ્રીહરિનું ભજન કરવું.૪૧

વિષયભોગની ઇચ્છારૃપ કામ માયિક પંચ વિષયોના ભોગ ભોગવવાથી ક્યારેય પણ શાંત થતો નથી. જેવી રીતે ઘી હોમવાથી અગ્નિકુંડનો અગ્નિ શાંત થતો નથી. તેવી જ રીતે ભોગો ભોગવવાથી કામ અધિકને અધિક વૃદ્ધિ પામે છે.૪૨

આ પૃથ્વી પર જે કાંઇ પણ ચોખા આદિ ધાન્ય, સુવર્ણ આદિક ધન, હાથી, ઘોડા આદિક પશુઓ અને સ્ત્રીમાત્ર આદિ સર્વે પદાર્થો છે, તે એક જણાને જ સર્વે એક સાથે પ્રાપ્ત થાય, છતાં પણ તૃષ્ણાની પૂર્તિ થતી નથી. આ હકીકતનો હૃદયથી વિચાર કરી મોહ છોડી દેવો અને જે કાંઇ પણ મળે તેનો ધર્મમાં રહીને ઉપભોગ કરી સંતોષ અનુભવવો.૪૩

સમય જતાં વૃદ્ધાવસ્થાને પામતા પુરુષના કેશ, આદિ સર્વે જીર્ણ થાય છે. છતાં જીવવાની આશા અને ધનની તૃષ્ણારૃપી કુંવારી કન્યા જાણે યુવાની અવસ્થાને પ્રાપ્ત કરતી હોય તેમ વૃદ્ધિ પામે છે.૪૪

માટે વિચાર કરીને એ સર્વેનો ત્યાગ કરવો. દેહ અને દેહના સંબંધીમાં આવતાં સર્વે પદાર્થો ક્ષણભંગુર અને નાશવંત હોવાથી તેમની તૃષ્ણા છોડી ધર્મનિષ્ઠ થઇ હરિનું ભજન કરવું.૪૫

અસત્ દેશ, કાળ, ક્રિયા, દેવતા, શાસ્ત્ર, મંત્ર અને પુરુષનું સેવન ક્યારેય ન કરવું. પરંતુ સત્દેશકાળાદિકનું અખંડ સેવન કરવું.૪૬

હે મુનિવર ! આ લોકમાં જે પુરુષો અસત્ દેશકાળાદિકનો આશ્રય કરે છે, તે પુરુષો સાધુ હોવા છતાં બળાત્કારે અસાધુપણાને પામે છે. તેથી પોતાનું હિત ઇચ્છતા પુરુષે અસત્ દેશકાળાદિકનો દૂરથી ત્યાગ કરી દેવો. અને સત્ દેશકાળાદિકનું સેવન કરવું. સત્-અસત્નાં લક્ષણો વિશેષપણે ત્રીજા પ્રકરણમાંથી જાણી લેવાં.૪૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ વેદાધ્યયન કરવાના પ્રસંગથી વેદની ઉત્પત્તિનું નિરૃપણ કર્યું, એ નામે ત્રેપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૩--