અધ્યાય - ૫૧ - બ્રહ્મચારીઓના નૈષ્ઠિક કર્મનું તથા તેના આચરણમાં પ્રાયશ્ચિતનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:52pm

અધ્યાય - ૫૧ - બ્રહ્મચારીઓના નૈષ્ઠિક કર્મનું તથા તેના આચરણમાં પ્રાયશ્ચિતનું નિરૃપણ.

બ્રહ્મચારીઓના નૈષ્ઠિક કર્મનું તથા તેના આચરણમાં પ્રાયશ્ચિતનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે વર્ણી ! બ્રહ્મચારીએ કોઇના ઉપર ક્રોધ ન કરવો અને થઇ જાય તો તે પુરુષને તત્કાળ પ્રણામ કરી પ્રસન્ન કરવો.૧

તે જ રીતે લોભ પણ પાપનું મૂળ છે તેથી તેનો પણ સર્વપ્રકારે ત્યાગ કરવો. બ્રહ્મચારીઓએ રાખવા માટે વિધાન કરેલી પૂર્વોક્ત વસ્તુ સિવાયની બીજી વસ્તુનો સંગ્રહ ન કરવો તેમજ ઉદ્ધવ સંપ્રદાયના સાધુઓની જેમ બ્રહ્મચારીએ પણ ધન ન રાખવું અને ન રખાવવું. સમગ્ર ભોગો અને જુગારાદિ વ્યસનોનો ત્યાગ કરવો.૩

પોતાના સંબંધીને આપત્તિમાં પડેલાં જોઇને તેમને ઉગારવા ક્યારેય પણ ધન ભેળું કરવા ઉદ્યમ ન કરવો.૪

મોહ, મદ, મત્સર, માન, આળસ, દંભ, અહંકાર, કૃપણતા, કલહ અને નિંદાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો.૫

બ્રહ્મચારીએ નહિ બોલવા યોગ્ય લોકનિંદિત વાણી ન બોલવી. માંસ, ડુંગળી, લસણ આદિક અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરવું નહિ. અસ્પૃશ્ય સ્ત્રી આદિકનો સ્પર્શ ન કરવો. સુરા, મદ્ય, ભાંગ અને ગાંજો એવા અપેય પીણાનું ક્યારેય પણ પાન કરવું નહિ.૬

બ્રહ્મચારીએ મર્મભેદી અને કટુ દુર્વચનો ન બોલવાં. તેમજ ક્યારેય અસત્ય વચન અને પરને દુઃખ ઉપજાવે તેવું સત્ય વચન પણ ન બોલવું.૭

બ્રહ્મચારીએ રસાસ્વાદમાં આસક્ત ન થવું. પ્રતિદિન એક ગૃહસ્થના ઘરની ભિક્ષા ગ્રહણ કરવી. વીર્યાદિક ધાતુની પુષ્ટિ કરે તેવાં અન્ન ન જમવા.૮

ગર્દભી, ઊંટડી, ઘોડી અને હાથણીનું દૂધ આપત્કાળમાં ઔષધ તરીકે પણ ન લેવું. બકરી સિવાય બે સ્તનવાળા કોઇનું દૂધ ન પીવું.૯

મદ્યમાંસનું નૈવેદ્ય જમનારા ચંડિકા, ભૈરવાદિકને નિવેદન કરેલું અન્ન આપત્કાળમાં પણ બ્રહ્મચારીએ ક્યારેય ન ખાવું.૧૦

કેફ કરે એવી કોઇ પણ વસ્તુનું ભક્ષણ ન કરવું, માંસનો તો સ્પર્શ પણ ન કરવો, ને ડુંગળી તથા લસણનું ભક્ષણ ન કરવું, કોઇએ શ્રદ્ધા વિના આપેલું અન્ન પણ ન જમવું. પૂર્વે અભક્ષ્ય વસ્તુના ભક્ષણનો નિષેધ કર્યો હોવા છતાં અહિં ડુંગળી-લસણનો ફરી ઉલ્લેખ કરેલો છે તે તેમાંથી સદંતર નિવૃત્ત થવા માટે કરેલો છે, તેમ જ તેના ભક્ષણમાં મોટો દોષ રહેલો છે, એમ પણ સૂચવે છે. ૧૧

બ્રહ્મચારીએ મદ્ય અને માંસ મિશ્રિત ઔષધીનું ભક્ષણ અને અજાણ્યા વૈદ્યે આપ્યું હોય તેવું ઔષધ ન ખાવું.૧૨

નૈષ્ઠિક બ્રહ્મચારીએ વિષ્ણુને નૈવેદ્ય ન કર્યું હોય તેવું અન્ન કે ફળ પત્રાદિક કંઇ પણ ક્યારેય ન ખાવું.૧૩

અને બહુ આહાર ન કરવો, આપત્કાળ પડયા વિના બીજી વખત ભોજન ન કરવું, પૂર્વાહ્નિક સ્નાન સંધ્યા આદિક નિત્યકર્મ કર્યા વિના ક્યારેય ભોજન ન કરવું.૧૪

આગ્રહ કરીને કોઇની પાસે ભિક્ષા માગવી નહિ. અન્નની યાચના કરતી વખતે કોઇના ઘરની સાંકળ ખટખટાવવી નહિ, તેમજ ઉચ્ચસ્વરે આક્રોશ કરીને બોલાવવા નહિ.૧પ

એક દિવસ ચાલે તેટલું અન્ન પણ ગોહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા આદિક અપવાદને પામેલ હોય અને મહાપાપથી પતિત થયેલ હોય, હિંસાદિક પાપકર્મમાં આસક્ત હોય અને બહાર અંદર અપવિત્ર વર્તનવાળા હોય તેવા દ્વિજ પાસેથી અન્ન માગવું નહિ.૧૬

ગાળ્યા વિનાના જળથી સ્નાનાદિક ક્રિયા ન કરવી, મદ્યના પાત્રનો કે કૂતરાં ગધેડાં આદિકનો સ્પર્શ કરવો નહિ.૧૭

ગધેડા, ઊંટ, બળદ, પાડા કે બકરા ઉપર આપત્કાળમાં પણ ક્યારેય ન બેસવું.૧૮

આપત્કાળ પડયા વિના દિવસે અને રાત્રીના પહેલા અને છેલ્લા યામમાં અને પ્રાતઃકાળ કે સાયંકાળની સંધ્યા સમયે શયન કરવું નહિ.૧૯

બ્રહ્મચારીએ ભગવાનનું પ્રસાદીનું હોવા છતાં ચંદન તથા અત્તરનું અંગલેપન ન કરવું.ર૦

કસ્તૂરી, કુંકુમ આદિક ગંધદ્રવ્યો ધારણ કરવાં નહિ. તેમજ દાંતને રંગવા નહિ અને ઘસીને ઉજ્જવલ પણ કરવા નહિ.૨૧

બ્રહ્મચારીએ છત્રી ધારણ ન કરવી, નાટક જોવા ન જવું, અતિશય રંગેલાં ભગવાં વસ્ત્રો ધારવા નહિ.રર

સ્નાન કરવા સમયે અંગમર્દન ન કરવું, તથા પગ ઘસીને ધોવા નહિ. તિલક ધારણ કર્યા સિવાય દર્પણમાં મુખ ન જોવું.ર૩

વસ્ત્રો ધોઇને અતિશય ઉજ્જવલ ક્યારેય ન કરવાં. કાજળથી નેત્રો ન આંજવાં. તાંબૂલ, સોપારી, એલચી, લવીંગ આદિકનું ભક્ષણ ન કરવું.૨૪

ગ્રામ્ય ગીતો ન ગાવાં તથા ગ્રામ્યવાર્તા ન કરવી, કોઇનું દૂતપણું ન કરવું. ચાડીયાપણું ન કરવું ને કોઇના જાસૂસ ન થવું.૨૫

બ્રહ્મચારીએ દેવતાઓની પ્રતિમા, તીર્થો, ધાર્મિકજનો, ગાયો, વેદો, સતીનારીઓ અને પોતાના ગુરુ તથા આચાર્યની નિંદા ન કરવી.ર૬

જીવપ્રાણીમાત્રની મન, કર્મ અને વાણીથી હિંસા ન કરવી. દંતધાવન કરવા પણ લીલા વૃક્ષની શાખા ન તોડવી.ર૭

વિષ્ણુની પૂજા માટે તુલસીપત્રો કે પુષ્પો ચૂંટવાં, હોમ કરવા સમિધ કે દર્ભ લાવે તેમાં દોષ લાગતો નથી.૨૮

સૂર્યાસ્ત થયા પછી આપત્કાળ પડયા વિના માર્ગમાં ચાલવું નહિ અને દિવસે ચાલવું ત્યારે પણ માર્ગમાં જંતુઓને જોઇને ધીરે ધીરે ચાલવું.૨૯

બહુ જંતુવાળા જળાશયમાં સ્નાન ન કરવું. અને કરવું તો જળને પાત્રમાં ગાળીને બહારના ભાગે સ્નાન કરવું.૩૦

બ્રહ્મચારીએ પાછળનો કચ્છ કાઢયા વિના મળમૂત્રનો ત્યાગ ન કરવો. કોગળા કરવાનું અને મળમૂત્રની શુદ્ધિ માટેનું પાત્ર અલગ અલગ રાખવું.૩૧

બ્રહ્મચારીએ ક્યારેય પણ આત્મઘાત ન કરવો, જાતિ થકી ભ્રષ્ટ કરે તેવી ક્રિયા ન કરવી, હાથ પગ અને નેત્રની ચંચળતાનો ત્યાગ કરવો, કૂદકો ન મારવો, વાદ-વિવાદથી જય થાય એમ હોય છતાં રાજા, રાજાનાં માણસો, સ્ત્રીઓ અને ગુરુજનોની સાથે વિવાદ ન કરવો.૩૩

વાણીથી બીજાને ઉદ્વેગ ન ઉપજાવવો. અન્યલોકો પોતાનો વિશ્વાસ ન કરે તેવા ન થવું. ધીરજ રાખી દુર્જનોનાં વચનોથી ઉત્તેજિત ન થવું.૩૪

આપત્કાળ પડયા વિના ગોદડી ન ઓઢવી અને જે ગોદડી સ્ત્રીએ ઓઢી હોય તેને આપત્કાળમાં પણ ન ઓઢવી.૩૫

આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર સૂવું નહિ. નગ્ન સૂવું નહિ. વાળ ખેંચીને ન ઉખેડવા, મણિ વગેરે રત્નોનો પ્રતિગ્રહ ન કરવો.૩૬

બ્રહ્મચારીએ માટી, તૃણ, કાષ્ટાદિક વસ્તુઓ તેમના માલિકને પૂછયા વિના ચોરીથી ક્યારેય ગ્રહણ ન કરવી.૩૭

આપત્કાળ વિના સંધ્યા અને હોમનો સમય અતિક્રમણ ન કરવો. તેમજ વિષ્ણુની પૂજા, ગુરૃની સેવા અને મધ્યાહ્ન સંધ્યાનું અતિક્રમણ ન કરવું.૩૮

પોતાની આજીવિકા માટે ખેતર, વાડી અને વૃક્ષો ન વાવવાં. અન્નનો સંગ્રહ તો ક્યારેય પણ ન કરવો. દૂધ, દહીં, ઘી, તેલ આદિક રસોનો પણ સંગ્રહ ન કરવો.૩૯

પોતાના આચાર્ય અને ગુરૃ ઉપર ક્યારેય અપવાદનું આરોપણ ન કરવું. સત્પુરુષોની મર્યાદાનું અતિક્રમણ ન કરવું, વિકૃત વસ્ત્રો ન ધારવાં, પગરખાં ન પહેરવાં.૪૦

બ્રહ્મચારીએ ક્યારેય અદ્વારે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવો નહિ. બાળકને રમાડવું નહિ.૪૧

તેલ નાખી વાળને સંસ્કારવાં નહિ. બ્રહ્મચારીએ મનુષ્યને કે પશુને તૃણથી પણ તાડન કરવું નહિ.૪૨

બ્રાહ્મણ, ભિક્ષુક, સૂત અને ગાયક આદિકની આજીવિકા વૃત્તિનો નાશ થાય તેવી ભગવાન સંબંધી વાતો પણ કરવી નહિ.૪૩

માતા, પિતા, ઉપાધ્યાય, ગુરૃભાઇ અને ગુરૃ વિના સગા ભાઇની પણ ઔર્ધ્વદૈહિક ક્રિયા કરવામાં જોડાવું નહિ.૪૪

ઉપરોક્ત નિષેધ વાક્યોનું આપત્કાળ પડયા વિના ઉલ્લંઘન કરે તો તે દોષની નિવૃત્તિને માટે અલગ અલગ ઉપવાસ કરવો.૪૫

હે વર્ણીવર્ય ! જે બ્રહ્મચારી આ નિષેધ કરેલાં દુષ્કર્મો કરીને પ્રાયશ્ચિત કરતો નથી, તે મૂઢ આ પૃથ્વી પર દુષ્કીર્તિને પામે છે. અને તેવા બ્રહ્મચારીને ભ્રષ્ટ થયેલો જાણી ઉદ્ધવસંપ્રદાયથી બહાર કાઢવો.૪૬

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીઓના નિષેધ કર્મનું નિરૃપણ કર્યું એ નામે એકાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૧--